જો તમારા શહેરમાં ઓલા, ઉબર, મેરુ વગેરે એપકેબ સર્વિસિઝ શરૂ થઈ ગઈ હોય એ રીક્ષાને બદલે તમને આ ટેક્સી સર્વિસ વધુ સગવડભરી (અને ઘણા કિસ્સામાં સસ્તી) લાગતી હોય તો તમે એકલા નથી. ભારતમાં સ્માર્ટફોનના સ્ક્રીન પર કેટલીક ક્લિક કરીને જ્યારે જોઈએ ત્યારે ટેક્સી બોલાવી લેવાનો ટ્રેન્ડ જબરદસ્ત લોકપ્રિય થઈ રહ્યો છે.
પરંતુ આ સર્વિસમાં બધું પૂરેપુરું બરાબર જ છે એવું નથી. ઘણા લોકો આ સર્વિસને બે મિનિટમાં ફટાફટ બની જતા નૂડલ્સ સાથે સરખાવવા લાગ્યા છે કારણ કે આપણે ટેક્સી બોલાવવા માટે ઉબર કે ઓલા જેવી એપ ઓપન કરીએ ત્યારે આપણા લોકેશનની આજુબાજુમાં ટેક્સી ફરતી દેખાય અને જુદી જુદી કેટેગરીની ટેક્સી માંડ બે-ચાર મિનિટમાં આપણી પાસે પહોંચી જશે એવી ખાતરી સ્ક્રીન પર જોવા મળે છે, પરંતુ હવે ઘણા લોકોને અનુભવ થઈ રહ્યો છે કે વાસ્તવિકતા તેથી જુદી હોઈ શકે છે.
સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ સ્થળે જવા માટે લોકેશન પસંદ કરીને કોઈ એક કેટેગરીની ટેક્સી માટે રિક્વેસ્ટ મોકલીએ ત્યારે એ કંપનીની એપ આપણી નજીક ફરી રહેલી તેની ટેક્સીના ડ્રાઈવર્સને આપણી રિકવેસ્ટને પાસ ઓન કરે અને તેમાંના કોઈ એક ડ્રાઈવર પોતાની એમાં આપણી રિકવેસ્ટ સ્વીકારે. એ સાથે આપણને જાણ થાય કે આ નંબરની કાર અને આ ડ્રાઇવર આપણા સ્થળ પર આવી રહ્યા છે.
હવે ક્યારેક પરિસ્થિતિ બદલાય છે. જે ટેક્સી આપણી પાસે બે-ચાર મિનિટમાં પહોંચી જશે એવું કહેવામાં આવ્યું હોય તેનો ઇટીએ (એટલે કે એકસ્પેક્ટેડ એરાઇવલ ટાઇમ) ધીમે ધીમે વધતો જાય અને ક્યારેક ૧૫-૨૦ મિનિટ સુધી પણ પહોંચી જાય છે. પછી સ્ક્રીન પર જોવા મળે છે કે એ કાર તેની એ સમયે ચાલુ કોઈ ટ્રીપ પૂરી કર્યા પછી આપણી પાસે આવશે!
એનો મતલબ એવો થયો કે એ ટેક્સીના ડ્રાઈવરે જ્યારે આપણી રિકવેસ્ટ સ્વીકારી ત્યારે એ ખરેખર ફ્રી નહોતા પણ બીજા મુસાફરોને તેમના ડેસ્ટિનેશન પર મૂકવા જઈ રહ્યા હતા.
જો તમને ઉતાવળ હોય તો એ ટ્રીપ કેન્સલ કરી શકો છો પરંતુ ઉબર જેવી એપ આવી રીતે ટ્રીપ કેન્સલ કરવા બદલ આપણને રૂ. ૫૦ જેટલો દંડ કરે છે, જે આપણી એ એપ પર બીજી ટ્રીપ વખતે વસૂલ કરવામાં આવે છે!
જો તમે એ ડ્રાઇવરને ફોન કરીને મોડું થવાનું કારણ પૂછીને ટ્રીપ કેન્સલ કરવા કહેશો તો ડ્રાઇવર તમને જ ટ્રીપ કેન્સલ કરવા કહેશે. ડ્રાઇવર ઇચ્છે તો પોતે ટ્રીપ કેન્સલ કરી શકે છે, પરંતુ એ એવો આગ્રહ રાખશે કે આપણે ટ્રીપ કેન્સલ કરીએ. તમે ટેક્સી મોડી આવી રહી હોવાના સ્ક્રીન શોટ લીધા હોવાનું તથા આ કોલ રેકોર્ડ થઈ રહ્યો હોવાનું જણાવીને ભારપૂર્વક ડ્રાઇવરના એન્ડ પરથી ટ્રીપ કેન્સલ કરવાનું કહેશો તો પછી ડ્રાઇવર તમારી વાત મોટા ભાગે માની જશે!
એટલું નક્કી છે કે એપ આધારિત ટેક્સી સર્વિસ ઘણી સગવડભરી હોવા છતાં તેમાં હજી પણ ઘણી ખામી રહી ગઈ છે.
