ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે.

આવી સ્થિતિમાં બે શક્યતા રહે – પહેલી શક્યતા, એ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય. બીજી શક્યતા, લાંબા સમયથી તમે ફોનમાં જે ગેમ રમ્યા ન હો એ ગેમ તરફથી ગેમની યાદ અપાવતું નોટિફિકેશન મોકલવામાં આવ્યું હોય – તમને ફરી ગેમ એપ ખોલવા લલચાવવા માટે.
મહત્ત્વના ઇમેઇલનું નોટિફિકેશન તમારા કામમાં ખલેલ પહોંચાડે તો ચાલી શકે, પરંતુ પેલી ગેમના નોટિફિકેશન જોવામાં આપણો સમય બગડે એ ન જ ચાલે.
સારી વાત એ છે કે તમે ફોનમાં ઇન્સ્ટોલ કરેલી લગભગ બધી એપ્સનાં નોટિફિકેશન તમે ઓન કે ઓફ રાખી શકો, એટલું જ નહીં દરેક એપના નોટિફિકેશનને વધુ કસ્ટમાઇઝ કરવાની સગવડ પણ મળે છે. જેમ કે ફોનમાંની ઇમેઇલ એપના નોટિફિકેશન સેટિંગમાં જશો તો ક્યા પ્રકારના કોન્ટેક્ટ્સના ઇમેઇલના નોટિફિકેશન મળે એ તમે નક્કી કરી શકો છો. મતલબ કે મહત્ત્વના ઇમેઇલ્સના નોટિફિકેશન મળે પરંતુ બિનજરૂરી ઇમેઇલ્સનું નોટિફિકેશન ન મળે એવું સેટિંગ કરી શકાય.
ક્યારેક ફૂરસદે ફોનમાંની એપ્સનાં નોટિફિકેશન્સને કસ્ટમાઇઝ કરી લેશો તો લાઇફ ઇઝી બનશે.

