એક જરા અળવીતરો સવાલ – આવતી બે-ત્રણ મિનિટમાં તમારા પીસી કે સ્માર્ટફોનમાંનો તમામ ડેટા ભૂંસાવાની પૂરી ખાતરી હોય, છતાં તમારા પેટનું પાણી ન હલે એવું શક્ય છે?
એવું તો જ શક્ય બને જો તમારા તમામ મહત્વના ડેટાનો તમે નિયમિત બેકઅપ લેતા હો.
બેકઅપ દરેક ફ્લેટમાં જોવા મળતી અગ્નિશમનની સુવિધાઓ જેવી છે. એનો ઉપયોગ ભાગ્યે જ થાય, પણ જ્યારે ઉપયોગ કરવાનો થાય ત્યારે એ ખરા અર્થમાં અપ-ટુ-ડેટ હોવી જ જોઈએ, છતાં એની જોઈતી સંભાળ લેવાતી નથી.
બેકઅપનું પણ એવું જ છે. એનું મહત્વ આપણે સમજીએ છીએ, પણ તેના પર અમલ કરતા નથી! હમણાંના રેન્સમવેર આતંકમાંથી તમે ઉગરી ગયા હો તો વહેલાસર ચેતીને એક્સટર્નલ હાર્ડ ડિસ્ક કે સારા નેટ કનેક્શનની સગવડ હોય તો ક્લાઉડ સ્ટોરેજમાં મહત્વનો ડેટા બેકઅપ રાખશો તો ક્યારેય પસ્તાવું નહીં પડે.
આ અંકના જીમેઇલના બેકઅપની પણ વિગતવાર સમજ આપી છે. હજી પણ દરેક બિઝનેસ માટે જીમેઇલનું બહુ મહત્વ છે અને તેમાંની સ્પેસ સૌને ઓછી પડી રહી છે. તેનો બેકઅપ લેવાની વિધિ સમજી લેશો તો ઉપયોગી રહેશે!
– હિમાંશુ

