
અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની દુનિયા ગજબની તેજ ગતિએ બદલાઈ રહી છે. એ કારણે આપણી દુનિયા પણ ધરમૂળથી બદલાઈ રહી છે. એઆઇ સાથે વાત વાતમાં આપણે કેવાં કામ કરાવી શકીએ, એની ઝલક જોઈએ તો …
સવાલોના જવાબ મેળવવાઃ અત્યાર સુધી આપણે મનમાં રમતા સવાલોના જવાબ મેળવવા ગૂગલ સર્ચ કે અન્ય સર્ચ એન્જિનની મદદ લેતા રહ્યા છીએ. એ જ કામ હવે એઆઇ ચેટબોટ પાસેથી લઇ શકાય છે.
પરંતુ બંનેમાં મોટો ફેર છે. ગૂગલ સર્ચમાં હવે એઆઇ રિસ્પોન્સ ઉમે્રાયો છે એ કારણે કંઈક સર્ચ કર્યા પછી શરૂઆતમાં સીધો જવાબ મેળવી શકાય છે. પરંતુ એ પહેલાં સર્ચ એન્જિન આપણા જવાબો જેમાં મળવાની શક્યતા હોય તેવી લિંક્સનો ખડકલો કરી દેતા હતા. તેમાંથી જવાબ શોધવાની જવાબદારી આપણી.
એઆઇ સાથેના ચેટિંગમાં આ આખી ઝંઝટની બાદબાકી થઈ જાય છે. આપણે જે પૂછીએ તેનો એઆઇ ચેટબોટ ફટાક દઇને સીધેસીધો ઉત્તર આપે છે (જોકે હાલમાં એ ઉત્તર ખોટો હોવાની પણ શક્યતા રહે છે).
રિસર્ચ કરવામાંઃ જેમ સર્ચનું કામ એઆઇ સેટિંગથી અત્યંત સહેલું બની ગયું છે એ જ રીતે કોઈ મુદ્દા વિશે આપણે વિગતવાર રિસર્ચ કરી રહ્યા હોઇએ અને પાર વગરની માહિતી એકઠી કરતા હોઇએ ત્યારે એઆઇ સાથેનું ચેટિંગ સિસર્ચને ઘણો વધુ ઝડપી અને અસરકારક બનાવી શકે છે. કોઈ પણ મુદ્દા વિશેની પાયાની માહિતી, વિસ્તૃત માહિતી, તેને વિશે વધુ સમજ આપતી વેબસાઇટ્સ વગેરે જે કંઈ આપણે એઆઇને પૂછીએ એ બધું જ તે એકદમ કુશળતાથી આપણી સામે ધરી દે છે.
લખાણ તૈયાર કરવામાંઃ તમારે કોઈ વ્યક્તિને ઇમેઇલ મોકલવાનો હોય કે પછી કોઈ વિષય માટે આખો નિબંધ કે રિપોર્ટ તૈયાર કરવાનો હોય, એઆઇ આપણને ઘણી બધી રીતે મદદ કરી શકે છે. તમે ઇચ્છો તો આપણને જોઇતા લખાણનું માત્ર સ્ટ્રકચર તેને પૂછી શકો. જેમ કે કોઈ વિષયનું પુસ્તક લખવું હોય તો તેમાં કેવાં પ્રકરણ હોવા જોઇએ કે કોઈ વિષયનું પ્રેઝન્ટેશન તૈયાર કરવું હોય તો તેમાં ક્યા ક્રમમાં કેવી સ્લાઇડ હોવી જોઇએ તે એઆઇને પૂછી શકાય. અથવા તમે ઇચ્છો તો બધાં પ્રકરણ કે બધી સ્લાઇડનું પૂરેપૂરું કન્ટેન્ટ પણ એઆઇ પાસેથી મેળવી શકાય!
લખાણનો સારાંશ મેળવવોઃ તમારી પાસે કોઈ લાંબુંલચક લખાણ છે અને તમે ઝડપથી તેનો સાર સમજવા માગો છો? આ કામ એઆઇ પાસેથી આંખના પલકારામાં કરાવી શકાય. એઆઈની આ ક્ષમતા હવે જીમેઇલ જેવી ઇમેઇલ સર્વિસમાં પણ ઉમેરાઈ રહી છે. એ કારણે એક જ સબ્જેક્ટ લાઇન સાથે અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે સંખ્યાબંધ અને લાંબું લખાણ ધરાવતા મેઇલ્સની આપલે થઈ હોય તો એઆઇ સિસ્ટમ એ આખી વાતચીતના મહત્ત્વના મુદ્દા તારવી આપી શકે છે. ઇમેઇલની જેમ જ વીડિયો મીટિંગ સમયે જે કંઈ ચર્ચા થઈ હોય તેના મહત્ત્વના મુદ્દા પણ એઆઇ તારવી આપી શકે છે.
તમે કોઈ લખાણ લખ્યું તેને વધુ સરળ અથવા વધુ મુશ્કેલ શબ્દોમાં લખવું છે? આ કામ તમે એઆઇને સોંપી શકો.
નવી સ્કિલ શીખવામાંઃ જે રીતે કોઈ પણ નવી સ્કિલ શીખવા માટે યુટ્યૂબ પર આપણને અનેક ટ્યુટોરિયલ્સ મળી શકે, બરાબર એ જ રીતે એઆઇને પણ જે તે વિષયના ગુરૂપદે સ્થાપી શકાય. એઆઇની મજા એ છે કે તે ત્રિકાળ જ્ઞાની નથી પરંતુ સર્વજ્ઞાની છે. તેને કોઈ પણ વિષય વિશે કંઈ પણ પૂછીએ તો તે એકદમ સચોટ રીતે મુદ્દાસર જવાબ સાથે એ બાબત શીખવામાં આપણી મદદ કરી શકે છે. કોડિંગ, એચટીએમએલ, જાવા કે પછી ગિટાર કે સિતાર શીખવાં છે? એઆઇ ચેટબોટ તમારી મદદ કરી શકે. કોઈ પણ વાનગીની રેસિપી પણ એઆઇને પૂછી શકાય!
આ યાદી ઘણી લંબાવી શકાય… પરંતુ આ લેખ પૂરતું આપણું ફોકસ આ બધું કેવી રીતે શક્ય બની રહ્યું છે, એઆઇ પાછળ કેવી કેવી ટેક્નોલોજી કામ કરી રહી છે અને આ બધું સતત કેવી રીતે વિકસી રહ્યું છે, તે સમજવા પર છે. આગળ આવા મુદ્દાઓ આપ્યા છે, તેનો કોઈ ચોક્કસ ક્રમ નથી, કેમ કે બધું અરસપરસ સંકળાયેલું છે.

એઆઇનો ખરો પાવર એ વાતમાં છે કે તે આપણે રોજબરોજની ભાષામાં કહેલી વાતો પણ સમજી શકે છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગના ફીલ્ડમાં થયેલી પ્રગતિને કારણે કમ્પ્યૂટરની સિસ્ટમ આપણી રોજિંદી ભાષાને સમજી શકે છે, તેના અર્થ તારવી શકે છે અને તેને આધારે પ્રતિસાદ આપી શકે છે – એ પણ એવી રીતે જે અર્થપૂર્ણ હોય અને ઉપયોગી હોય!

મશીન લર્નિંગ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો એક પેટા ભાગ છે. તેમાં કમ્પ્યૂટરના અલ્ગોરિધમ્સને પાર વગરના ડેટાની મદદથી તાલીમ આપવામાં આવે છે. જેથી વધુ પડતું પ્રોગ્રામિંગ કરવું ન પડે અને કમ્પ્યૂટરની સિસ્ટમ જાતે વિવિધ વાતો સમજી શકે તથા તેના આધારે નિર્ણયો લઈ શકે. મશીન લર્નિંગમાં મુખ્ય ફોકસ કમ્પ્યૂટરની સિસ્ટમને ચોક્કસ પેટર્ન પારખતાં અને અનુભવના આધારે સુધારો કરતા જવાનું શીખવવા પર હોય છે.

ચેટબોટ એ એઆઇ સિસ્ટમ્સ અને માનવ વચ્ચેની મુખ્ય કડી સમાન છે. વિવિધ મેસેજિંગ એપ્સ, વેબસાઇટ્સ કે મોબાઇલમાંની એપ સ્વરૂપે ચેટબોટ કામ કરે છે. એઆઇ ચેટબોટ આખરે સોફ્ટવેર જ છે. જેની સાથે ‘વાતચીત’ કરીને આપણે એઆઇની સતત વધતી ક્ષમતાઓનો લાભ લઈ શકીએ છીએ. એઆઇ ચેટબોટ આપણે પૂછેલા સવાલોના જવાબ આપી શકે. વિવિધ પ્રકારની માહિતી આપી શકે અને એ સિવાય આપણા આદેશ મુજબ ઘણું બધું કામ કરી આપી શકે.

ટ્રેનિંગ ડેટા એટલે જેના આધારે એઆઇ સિસ્ટમ્સ કે મોડેલ્સને વિવિધ પ્રકારની બાબતો સમજવાની અને તેમાંથી અર્થો તારવીને જવાબો તૈયાર કરતાં શીખવવામાં આવે તે ડેટા.
જે રીતે કોઈ પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ વિવિધ પ્રકારના સ્ટડી મટિરિઅલની મદદથી તૈયારી કરે અને પછી તેના આધારે પેપરમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે, બરાબર એ રીતે વિવિધ એઆઇ સિસ્ટમ તેને મળેલા ડેટાને આધારે સતત પોતાનું ‘મગજ’ કસે છે. સાદું ઉદાહરણ લઇએ તો ગૂગલ ફોટોઝ સર્વિસમાં કમ્પ્યૂટરની સિસ્ટમ તેને મળેલા અનેક ફોટોગ્રાફ્સને આધારે તેમાં કઈ વ્યક્તિ કે ચોક્કસ ઇમારત કે અન્ય બાબત છે તે આપમેળે શીખવા લાગે છે. આપણે આવી કોઈ માહિતી ન આપીએ તો પણ ગૂગલ ફોટોઝ એપ ‘સમજી’ જાય છે કે એ ફોટોગ્રાફમાં શું છે.

એઆઇ આખરે તો માનવ મગજની માનવે પોતે વિકસાવેલી કોપી છે. આથી એઆઇમાં માનવના મગજ જેવી જ રચના અને કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. માનવ મગજમાંના અનેક ચેતાતંત્ર અને કોષો એકબીજા સાથે ટીમ બનાવીને ટીમવર્ક સાથે કામ કરે છે. બરાબર એ રીતે એઆઇમાં વિવિધ પેટર્ન ઓળખવા અને સમજવા માટે તથા પ્રશ્નો ઉકેલવા માટે શ્રેણીબદ્ધ અલ્ગોરિધમ્સનું એક વિરાટ જાળું ઊભું કરવામાં આવે છે. તેને ‘ન્યૂરલ નેટવર્ક’ કહે છે. મશીન લર્નિંગ કે ડીપ લર્નિંગના મૂળમાં આ પાયાની ટેકનોલોજી છે, જેને કારણે મશીન વિવિધ ઇમેજને ઓળખવા કે આપણી ભાષાને સમજવા જેવાં જટિલ કામ કરી શકે છે.

એઆઇની ખરી કરામત જેમાં છૂપાયેલી છે એવી વધુ એક બાબત.
‘ટોકનાઇઝેશન’ તરીકે ઓળખાતી પ્રક્રિયામાં એઆઇ સિસ્ટમ્સને મળેલી ટેકસ્ટને નાના નાના ટુકડાઓમાં વહેંચી નાખવામાં આવે છે. જેમ કે એઆઇને કોઈ આખો પેરેગ્રાફ મળે તો તેને તે આખા પેરેગ્રાફ તરીકે જોવાને બદલે નાનાં નાનાં વાક્યો કે પછી શબ્દો પર ફોકસ કરીને સમજવાની કોશિશ કરે છે. નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગની પ્રક્રિયા આ જ કારણે પાવરફુલ બને છે. બધું એક સાથે સમજવાને બદલે નાના નાના ટુકડાઓમાં વ્હેંચી નાખવામાં આવે તો એઆઇ સિસ્ટમ આવી જુદી જુદી બાબતોનો એકમેક સાથે વધુ ઝડપથી તાળો મેળવી શકે છે.

કન્વર્સેશનલ એઆઇએ આખરે એઆઇ ચેટબોટ જેવી જ વ્યવસ્થા છે, જેને કારણે કમ્પ્યૂટરની સિસ્ટમ માણસ સાથે માણસની જેમ જ કન્વર્સેશન એટલે કે વાતચીત કરી શકે છે. અત્યારે આપણે એઆઇ ચેટબોટને જ એઆઇ માનીએ છીએ. ચેટબોટ પહેલાં ઘણા લાંબા સમયથી ચલણમાં આવી ગયેલા વર્ચ્યુઅલ કે વોઇસ આસિસ્ટન્ટ પણ એઆઇ ચેટબોટની જેમ કન્વર્સેશનલ એઆઇનો એક મહત્ત્વનો હિસ્સો છે.
એઆઇ ચેટબોટની જેમ જ ગૂગલ આસિસ્ટન્ટ, એપલ સિરી, એમેઝોન એલેક્સા, માઇક્રોસોફ્ટ કોર્ટના વગેરે જેવા વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ આપણે બોલેલા કે લખેલા શબ્દોને સમજીને તેનો પ્રતિસાદ આપી શકે છે.

એઆઇનું એક મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે માણસના મગજની જેમ તે વિવિધ બાબતો સાંભળી કે વાંચીને તેને સમજી શકે છે અને એ ઉપરાંત યાદ પણ રાખી શકે છે. જો આપણે એઆઇ ચેટબોટ સાથે એક જ વાતચીત તરીકે શ્રેણીબદ્ધ રીતે જુદી જુદી વાતો કરીએ તો તેમાં જે કોઈ મુદ્દાઓ આવરી લીધા હોય તે એઆઇ ચેટબોટ યાદ રાખી શકે છે. પરિણામે આપણે એ જ વાતચીતમાંના અગાઉના કોઈ સંદર્ભ સાથે નવી વાત કરીએ ત્યારે એઆઇ ચેટબોટને જૂની વાતો નવેસરથી સમજાવવી પડતી નથી. તેને વાતનો સંદર્ભ બરાબર સમજાયો હોય છે અને તેના આધારે તે સચોટ જવાબ આપી શકે છે.
એઆઇ સર્વિસમાં લોગઇન થયા પછી આપણે એઆઇ ચેટબોટ સાથે જુદા જુદા દિવસે વાતચીત કરી હોય તો પણ આપણે તેની પાસેથી કેવા પ્રકારનું કામ લઇએ છીએ અને સામાન્ય રીતે આપણી કેવી અપેક્ષાઓ હોય છે તે એઆઇ ચેટબોટ યાદ રાખે છે અને તેના આધારે આપણને વધુ અસરકારક અને વધુ ઉપયોગ થાય તેવા પ્રતિસાદ આપી શકે છે.

સ્પીચ રેકગ્નિશન એ નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ ટેકનોલોજીનો એક ભાગ છે, જેમાં કમ્પ્યૂટરની સિસ્ટમ આપણે બોલેલા શબ્દો અને ભાષા સમજીને તેના અર્થો તારવી શકે છે. એટલે જ એઆઇ સિસ્ટમ સાથે આપણે ટાઇપ કર્યા વિના ફક્ત બોલીને પણ ‘વાતચીત’ કરી શકીએ છીએ.

ઇન્ટેન્ટનો અર્થ છે ઇરાદો. આપણે એઆઇ ચેટબોટ સાથે વાતચીત શરૂ કરીએ ત્યારે આપણો કોઈ ચોક્કસ ઇરાદો હોય છે. આપણે ચેટબોટને જે ઇનપૂટ આપીએ તેને આધારે આ ચેટબોટ આપણો મૂળ ઇરાદો પારખી લે છે. એ જ કારણે આપણે પોતાનો ઇરાદો શબ્દોમાં બરાબર રજૂ ન કરી શકીએ તો પણ એઆઇ ચેટબોટ આપણા મનમાં જે વાત રમતી હોય તેને અનુરૂપ જવાબો આપી શકે છે!

એન્ટિટી રેકગ્નિશન એ કોઈ પણ વ્યક્તિ કે સ્થળ કે અન્ય બાબતની ઓળખને લગતી વિગતો સમજવાની શક્તિ દર્શાવે છે. સાદું ઉદાહરણ જોઇએ તો લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં હતાં બરાબર એ જ દિવસે ચેટબોટને આપણે પૂછીએ કે ‘‘અત્યારે ભારતના વડાપ્રધાન કોણ છે?’’ તો એ વડાપ્રધાન શબ્દ સાથે સંકળાયેલા બધા અર્થ અને સંદર્ભ સમજીને તેને આધારે આપણને જવાબ આપે છે કે ‘‘બંધારણની રીતે આજના દિવસે નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન છે, પરંતુ આપણે આ વાતચીત કરીએ છીએ ત્યારે ભારતમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ રહ્યાં છે અને તેના આધારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન રહેશે કે નહીં તે નક્કી થશે.’’ આમ એઆઇ સિસ્ટમ્સ, કોરી, નકરી માહિતી આપતી નથી. તે આપણા પ્રશ્નોની આસપાસ વણાયેલી વાતો પણ સમજીને તેને આધારે જવાબો આપી શકે છે.

ડાયલોગ મેનેજમેન્ટ એટલે કે માણસ અને મશીન વચ્ચેના સંવાદનું સંચાલન. એ પણ કન્વર્સેશનલ એઆઇનો એક ભાગ છે. ડાયલોગ મેનેજમેન્ટની મદદથી એઆઇ સાથેની આપણી વાતચીત અર્થપૂર્ણ અને તર્કસંગત રહે એ વાતની ચોકસાઈ રાખવામાં આવે છે. જેમ કે આપણે એઆઇ સાથે કોઈ ચોક્કસ મુદ્દા વિશે વિગતવાર વાતચીત કરી રહ્યા હોઇએ અને તેમાં અચાનક કંઈક ભળતી જ વાત કરવા લાગીએ ત્યારે એઆઇ સિસ્ટમ આપણને નમ્રતાપૂર્વક મૂળ મુદ્દા તરફ પરત વાળી શકે છે.

ઇન્ટરનેટ પર ગૂગલ, માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓએ ફટાફટ અનુવાદ કરી આપવાની ટેકનોલોજી વિકસાવી ત્યારે શરૂઆતમાં આપણે એવું માનતા હતા કે મશીને કરેલું ટ્રાન્સલેશન મશીન જેવું યંત્રવત્ જ હોય, એ શબ્દોમાં સમાયેલા ભાવ સમજી શકે નહીં. આ વાત એઆઇમાં સતત થયેલા વિકાસે ખોટી પાડી છે. વર્ષો પહેલાં મશીનથી થતા ટ્રાન્સલેશનને આજના એઆઇથી થતા ટ્રાન્સલેશન સાથે સરખાવીએ તો સમજાય કે તેમાં આસમાન જમીનનો તફાવત છે.
મશીન હવે લખાણના ભાવને પકડીને તેને ઘણું મળતું આવે તેવું ટ્રાન્સલેશન કરી શકે છે. ખાસ કરીને જે બે ભાષામાં બહુ મોટા પ્રમાણમાં ડેટા એઆઇને ઉપલબ્ધ થયો હોય એ બંને ભાષામાં એકમેકના ટ્રાન્સલેશનની ગુણવત્તા હવે ઘણી સુધરી છે. એ જ રીતે ભાવ પારખી શકવાની ક્ષમતાને કારણે યૂઝર તરીકે આપણે આપેલું ઇનપૂટ પોઝિટિવ, નેગેટિવ કે ન્યુટ્રલ છે એ પણ એઆઇ સમજી શકે છે.

એઆઇ ચેટબોટ ઉપરાંત આ ટેકનોલોજી વિવિધ બ્રાઉઝર અને અન્ય જગ્યાએ પણ ઉમેરાવા લાગી છે. તેની મદદથી આપણે આપેલા લખાણને એઆઇ સિસ્ટમ વાંચીને બોલી સંભળાવી શકે છે, એ પણ કુદરતી લાગે તેવા અવાજમાં. જેવું ટ્રાન્સલેશનમાં થઈ છે તેવી જ અસાધારણ પ્રગતિ આ ફીલ્ડમાં થઈ છે. ટેકસ્ટ ટુ સ્પીચના શરૂઆતી તબક્કામાં સિસ્ટમનો વોઇસ એકદમ યંત્રવત્ લાગતો. હવે તે ઘણો સહજ બન્યો છે.

એઆઇ ચેટબોટની સાથોસાથ લાર્જ લેંગ્વેજ મોડેલ (એલએલએમ) શબ્દ પણ ઘણો ગાજવા લાગ્યો છે.
હાલની એઆઇ ટેકનોલોજી ઘણે અંશે ટેકસ્ટ એટલે કે લેંગ્વેજ આધારિત છે. આથી એઆઇ સિસ્ટમ્સને અત્યંત વિરાટ પ્રમાણમાં ટેકસ્ટરૂપી ડેટાથી ટ્રેઇન કરવામાં આવી રહ્યો છે. એઆઇ સિસ્ટમ કે ચેટબોટને જેટલા વિશાળ લેંગ્વેજ મોડેલથી ટ્રેઇન કરવામાં આવે તેટલા વધુ પ્રમાણમાં તેની સમજશક્તિ અને જવાબો આપવાની શક્તિ વિકસે.
લાર્જ લેંગ્વેજ મોડેલને કારણે એઆઇ ચેટબોટ અનુવાદ કરવો, આપવામાં આવેલા લખાણનો સારાંશ તારવી આપવો કે વાતચીત કરવા જેવા ભાષા સંબંધિત કામકાજ સહેલાઈથી કરી શકે છે.

આ પણ કન્વર્સેશનલ એઆઇનો જ એક ભાગ છે. તેને આધારે એઆઇ ચેટબોટ આપણે કહેલી વાતના મૂળ શબ્દો, તેમાં સમાયેલો ઇરાદો તથા તેના અન્ય સંદર્ભો સમજીને સરળ, સહજ અને યોગ્ય જવાબો તૈયાર કરીને ચેટબોટ આપણને આપી શકે છે.

આ એક એવી પ્રક્રિયા છે જેમાં એઆઇ સિસ્ટમની સમજ શક્તિ વધુ ને વધુ વિકસાવવા પર ફોકસ કરવામાં આવે છે. આ સિસ્ટમ્સમાં નવો નવો ડેટા ફીડ કરીને, ઘણી વાર ટ્રાયલ અને એરર પદ્ધતિથી પણ તેના પર્ફોર્મન્સને સુધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આપણે જ્યારે ચેટબોટ સાથે વાતચીત કરીએ ત્યારે એ ચેટબોટ ભૂતકાળમાં તેને મળેલા અપાર ડેટાનો ઉપયોગ તો કરે જ છે એ ઉપરાંત આપણે તેને જે કહીએ એ પણ તેની સિસ્ટમમાં ફીડ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે ચેટબોટને કંઈક પૂછીએ અને તેનો તે જે જવાબ આપે તેના પ્રતિસાદરૂપે આપણે ‘વાહ, પરફેક્ટ જવાબ આપ્યો’ અથવા ‘ના, હજી કંઈક સમજફેર થતો લાગે છે. મને જે જોઇએ છે તે જવાબ આ નથી.’ એવો કંઈક સહજ રીતે પ્રતિસાદ આપીએ તો એ ફીડબેક એઆઇની સિસ્ટમમાં ફીડ થાય છે અને તેને આધારે તેને વધુ ટ્રેઇન કરવાનો પ્રયાસ થાય છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ એક વાત છે અને તેનો ઉપયોગ કરીને કંઇક નવું ક્રિએટ કરવું એ બીજી વાત છે. એ જ છે જનરેટિવ એઆઇ.
આપણે જે બધી સર્વિસનો લાંબા સમયથી ઉપયોગ કરીએ છીએ તેમાં ઘણા સમયથી એઆઇનો ઉપયોગ થઈ રહ્યો હતો. પરંતુ આપણે પોતે એઆઇથી કંઈક નવું સર્જન કરી શકીએ તે જનરેટિવ એઆઇ ટેકનોલોજીથી શક્ય બન્યું. જનરેટિવ એઆઇને કારણે એઆઇ સિસ્ટમ તેની પાસે ઉપલબ્ધ ડેટામાંથી જવાબ આપવા કે તેને મળેલી ટેકસ્ટને નવેસરથી લખી આપવા જેવા કામ કરવા ઉપરાંત બિલકુલ નવી ટેકસ્ટ પણ જનરેટ કરી શકે છે. આ ટેકનોલોજી ટેકસ્ટ ઉપરાંત આગળ વિસ્તરી છે. એ જ કારણે હવે એઆઇ સિસ્ટમ આપણે જે પૂછીએ તેના વિસ્તૃત જવાબો ઉપરાંત નવી ઇમેજ, મ્યુઝિક, વીડિયો અને વિવિધ પ્રકારના કોડ પણ જનરેટ કરી શકે છે.

જનરેટિવ એઆઇ આપણી સૂચનાઓને આધારે એકદમ કલ્પનાશીલ અને ક્રિએટીવ બનીને વાર્તા, કવિતા કે ગીતો પણ લખી શકે છે. અત્યારે તકલીફ એ છે કે તે હકીકતલક્ષી બાબતોમાં પણ કલ્પનાના ઘોડા દોડાવી શકે છે. એ કારણે આપણે કોઈક વાસ્તવિક બાબત વિશે સવાલ પૂછ્યો હોય ત્યારે એઆઇ ચેટબોટ બિલકુલ ખોટા જવાબ પણ આપી શકે છે. આને ‘હેલુસિનેશન્સ’ કે ‘ફેબ્રિકેશન્સ’ કહે છે (‘લગે રહો મુન્નાભાઈ’ મૂવીમાં મુન્નાભાઈને ગાંધીજી દેખાતા હોવાનો ભ્રમ થતો હતો એના જેવી જ આ વાત).
એઆઇ સિસ્ટમ હકીકત અને કલ્પના વચ્ચે ભેળસેળ કરી નાખે છે છતાં એ જે જવાબ આપે છે એ પૂરેપૂરો સાચો જ છે એવા વિશ્વાસ સાથે આપે છે. પરિણામે આપણે પણ તેને સાચો માની બેસીએ તેવું બની શકે.

એઆઇનો ઉપયોગ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ તેના દુરુપયોગની સંભાવના પણ વધતી જાય છે. આથી તેના સલામત અને યોગ્ય ઉપયોગ માટે તેની યોગ્ય તાલીમ અને નિયંત્રણોની જરૂરિયાત પણ વધી રહી છે. વિવિધ એઆઇ સિસ્ટમ્સ તેમના ઉપયોગ વખતે જીવંત વ્યક્તિઓ વિશે કોઈ પણ વાંધાજનક ઇમેજ કે શાબ્દિક રજુઆત ક્રિએટ ન કરી શકે તેમજ સામાજિક રીતે સ્વીકાર્ય ન હોય એવી કોઈ પણ ઇમેજ કે ટેકસ્ટ ક્રિએટ ન કરી શકે એવા પણ સતત પ્રયાસો કરીને એઆઇને રિસ્પોન્સિબલ બનાવવાની મથામણમાં છે.

અત્યારે એઆઇના ઉપયોગમાં ટેકસ્ટ પર સૌથી વધુ ભાર છે, પરંતુ ધીમે ધીમે એઆઇ મોડેલ્સ ટેકસ્ટ ઉપરાંત ઇમેજ અને સાઉન્ડ જેવા વિવિધ પ્રકારના ડેટા ટાઇપ્સ પર એક સાથે કામ કરી શકે એ માટે મલ્ટિ મોડલ મોડેલ્સ વિકસાવવામાં આવ્યાં છે. જેમ કે આપણે એઆઇ સિસ્ટમને ઇમેજ બતાવીને તેના વિશે સવાલ પૂછીએ તો તે તેના આધારે ટેકસ્ટમાં જવાબ આપી શકે છે.
આપણે એઆઇ સિસ્ટમને ટેકસ્ટમાં કોઈ વ્યક્તિ વિશે વર્ણન કરીને તેને લગતું ગીત બનાવી આપવાની સૂચના આપીએ તો તે ટેકસ્ટમાં ગીત લખી આપે અને એ ઉપરાંત આપણે કહીએ તો સંગીત સાથે તેને લયબદ્ધ ગીતમાં પણ ઢાળી આપે. આ બધું મલ્ટિ મોડલ મોડેલ્સને કારણે શક્ય બને છે.

એઆઈ ચેટબોટને આપણે જે પણ સૂચના આપીએ તેને ‘પ્રોમ્પ્ટ’ કહે છે. આપણે પોતે પોતાના પ્રોમ્પ્ટ જેટલા વધુ અસરકારક અને સચોટ બનાવી શકીએ એટલો જ વધુ સારો જવાબ એઆઇ તરફથી મળી શકે. હવે પ્રોમ્પ્ટ એન્જિનીયરિંગ માટે એક આખેઆખી નવી શાખા વિસ્તરી રહી છે.

કોપાયલટ એ માઇક્રોસોફ્ટ કંપનીએ તેના એઆઇ મોડેલ્સને આપેલું નામ છે. એક તરફ સૌને એવો ડર સતાવે છે કે એઆઇ આપણા પર હાવી થઈ જશે. કદાચ એ ડર ઓછો કરવાના ઇરાદા સાથે એઆઇ આપણા સ્થાને નહીં પરંતુ આપણી સાથે કામ કરશે એવું દર્શાવવા માટે એઆઇ મોડેલ્સને ‘કોપાયલટ્સ’ નામ આપવામાં આવ્યું છે. માઇક્રોસોફ્ટ કંપનીની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તથા વિવિધ ઓફિસ પ્રોગ્રામ્સમાં આપણી મદદ કરવા માટે એઆઇનો ઉપયોગ વધી રહ્યો છે અને કંપની આવા ઇન્ટિગ્રેશનને કોપાયલટ તરીકે ઓળખાવે છે.

‘સાયબરસફર’ના વાચક તરીકે તમે પ્લગઇન્સના કન્સેપ્ટથી પૂરેપૂરા પરિચિત હશો. સ્માર્ટફોનમાં મૂળ ઓપરેટિંગ સિસ્ટમ ઉપરાંત પાર વગરની એપ્સ ઉમેરી શકાય છે. એ જ રીતે કમ્પ્યૂટર અને બ્રાઉઝરમાં પણ સંખ્યાબંધ એપ્સ અને એક્સટેન્શન્સ ઉમેરીને તેનો ઉપયોગ વિસ્તારી શકાય છે. બરાબર એવું જ હવે એઆઇ સિસ્ટમ્સમાં બની રહ્યું છે.
ચેટ જીપીટી કે અન્ય કોર મોડેલનો ઉપયોગ કરીને જુદા જુદા નવા પ્રકારનાં કામ લઈ શકાય એવાં અનેક પ્લગઇન્સ વિકસી રહ્યાં છે. મોટા ભાગે વિવિધ પ્રકારની સર્વિસિસના પેઇડ યૂઝર આવા એઆઇ પ્લગઇન્સનો લાભ લઈ શકે છે. વેબસાઇટ ડેવલપમેન્ટ, વીડિયો એડિટિંગ, ડિઝાઇન્સ ક્રિએશન્સ વગેરે અનેક પ્રકારના કામમાં એઆઇ પ્લગઇન્સનો ઉપયોગ હવે વધી રહ્યો છે.

