(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો શું કરશો?

તમારી સાથે સાયબર મની ફ્રોડ થાય તો પછી ઝડપથી કયાં પગલાં લેવાં જોઈએ એ તમે જાણો છો?

સાયબર મની ફ્રોડ બાબતે આપણા દેશમાં એક ગજબનું ઉદાસીન વલણ જોવા મળે છે. એક તરફ, આપણને વોટ્સએપમાં સાવ બેમતલબની વાતોમાં ચંચૂપાત કરવામાં ઊંડો રસ હોય છે, પણ મહેનતની કમાણી વાતવાતમાં ગુમાવવી ન પડે એ માટે ફ્રોડ કેમ થાય છે, તેનાથી કેમ બચવું વગેરે જાણવામાં આપણને ખાસ રસ પડતો નથી. બીજી તરફ, આવા વલણને કારણે જો કોઈ ફ્રોડમાં ફસાઇને રકમ ગુમાવવાની થાય તો ‘એ રકમ તો ગઈ, હવે પાછી થોડી આવે?’ એવું જ આપણું વલણ હોય છે.

પરંતુ આ લખનારના પોતાના નજીકના વર્તુળમાંની વ્યક્તિ સાયબર મની ફ્રોડનો ભોગ બની અને એ પછી ઝડપથી (કોઈ ઓળખાણ-લાગવગ વિના) બેન્ક અને સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદનાં પગલાં લેવામાં આવ્યાં તો ફ્રોડમાં ગુમાવેલી રકમ પરત મળ્યાનો અનુભવ પણ થયો છે.

ભલે મહિનાઓ વીત્યા, પણ રકમ પાછી મળી ખરી!

એ જ કારણે, સાયબર મની ફ્રોડ પહેલાં અને પછી – બંને બાબતે ઉદાસીન રહેવું પાલવે તેમ નથી. ફ્રોડ પહેલાં, તેના વિશે જાણવામાં રસ ન દાખવીએ તો ફ્રોડના શિકાર બનવાનું ચોખ્ખું જોખમ રહે છે અને ફ્રોડ પછી, ‘થયું તે થયું’ એમ માનીએ તો જે રકમ ગઈ છે તે પાછી મળવાની શક્યતા સાવ ઘટે છે અને ભવિષ્યનાં જોખમો ઊભાં જ રહે છે!

તમે તમારા બેન્ક ડેબિટ કે ક્રેડિટના ઉપયોગને જાતે જ કંટ્રોલ કરો છે? જરૂર પડે તો તમે જાતે તેને બ્લોક કરી શકો? તમારી પોતાની બેન્કનો હેલ્પલાઇન નંબર તમે સેવ કરી રાખ્યો છે? બહારગામ હો ત્યારે બેન્કની મદદ મેળવી શકો ખરા? સાયબર ફ્રોડ અને રકમ મોટી હોય તો ક્યાં ક્યાં, કેવી રીતે ફરિયાદ નોંધાવવી તેની વિધિ તમે જાણો છો?

એવી જ રીતે, ઘણા લોકો એમ પણ માનતા હોય કે ‘આપણી સાથે તો સાયબર ફ્રોડ થાય જ નહીં’. આવી – ફ્રોડ નહીં જ થાય એવી – ગેરંટી કોઈ આપી શકે નહીં. ‘સાયબરસફર’માં અગાઉ વાત કરી છે તેમ ગૂગલ કે ફેસબુક જેવી કંપનીના સ્માર્ટ હોવા જોઈએ એવા ઓફિસર્સ પણ સાયબર ફ્રોડનો ભોગ બને છે.

એટલે ‘કશું ન થાય’ એમ માનવાને બદલે, ‘ન થાય’ એ માટે શું કરવું અને ‘થાય તો એ પછી’ શું કરવું એ તરફ ધ્યાન આપવું જોઈએ.  આપણે ‘સાયબરસફર’માં તેનાં વિવિધ પાસાંની અવારનવાર વાત કરીએ છીએ. આ લેખ પૂરતું, સાયબર મની ફ્રોડ થયા પછી શું કરવું તેના પર ફોકસ કરીએ.

હજી પણ ઘણા લોકો પોતાના સ્માર્ટફોનમાં પોતાની બેન્કની એપ ઇન્સ્ટોલ કરતાં કે નેટબેન્કિંગનો લાભ લેતાં ખચકાય છે. પરંતુ આવી સુવિધાઓનો લાભ લેવામાં જોખમ ઓછું છે અને સગવડ તથા સલામતી વધુ છે. જેમ કે તમારી સાથે કોઈ પણ રીતે સાયબર ફ્રોડ થાય તો સૌથી પહેલાં તમે પોતાના ફોનમાં બેન્કની એપ ઓપન કરીને તમારા ડેબિટ/ક્રેડિટ કાર્ડ જાતે જ બ્લોક કરી શકો છો.

ખરેખર તો સામાન્ય સંજોગમાં જ્યારે કાર્ડનો ઉપયોગ ન કરવાનો હોય ત્યારે તમે તેને ડિસેબલ રાખી શકો છો. અહીંથી એટીએમમાંથી કેટલી રકમ ઉપાડી શકાય, ઓનલાઇન પેમેન્ટ વખતે કેટલી રકમનું પેમેન્ટ કરી શકાય, સ્ટોરમાં કેટલું પેમેન્ટ કરી શકાય, કોન્ટેક્ટલેસ પેમેન્ટ થઈ શકે કે કેમ વગેરે લિમિટ જાતે સેટ કરી શકાય છે.

આ બધી બાબતો  ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને પ્રકારના ઉપયોગ માટે સેટ કરી શકાય છે.

બેન્ક તમને વધુ રકમની સુવિધા આપતી હોય તો પણ મર્યાદિત લિમિટ રાખીને અથવા કાર્ડ સદંતર બ્લોક્ડ રાખીને વધુ સલામતી મેળવી શકાય. જાતે કાર્ડ બ્લોક કરવાની કે લિમિટ સેટ કરવાની ટેવ રાખી હશે તો સાયબર ફ્રોડના સંજોગમાં તેને સહેલાઈથી બ્લોક કરી શકાશે.

ઘણા કિસ્સામાં ગઠિયાઓ બેન્કમાં રજા હોય એ દિવસે કે આગલી સાંજે શિકાર પર ત્રાટકતા હોય છે. જેથી બેન્કનો સંપર્ક કરીને કાર્ડ બ્લોક કરવા જેવાં પગલાં લેવાં મુશ્કેલ બને. આ સ્થિતિમાં, જો તમે ફોનમાં બેન્કની એપ ઇન્સ્ટોલ કરી હશે તો કાર્ડ બ્લોક કરવાનું કામ સહેલું બનશે.

કુદરત ન કરે, પણ તમારી સાથે સાયબર ફ્રોડ થાય તો તમે બેન્કનો તરત સંપર્ક સાધી શકશો ખરા?

બેન્ક નજીકમાં હોય અને કામકાજનો સમય હોય તો તો જાતે જ બેન્કમાં પહોંચી જવું હિતાવહ છે. પરંતુ બેન્કમાં રજા કે સાંજનો સમય હોય તો? અથવા તમે બહારગામ ગયા હો ત્યારે ખાતામાંથી મોટી રકમ ઉપડી ગઈ હોવાની જાણ થાય તો? તમે બેન્કની હેલ્પલાઇનનો નંબર સેવ કરી રાખ્યો છે ખરો?  આ નંબર આગ ઓલવવાના સાધન જેવો છે. રોજ કામ ન લાગે, પરંતુ જરૂર પડે ત્યારે તે એકદમ હાથવગો હોવો જોઇએ. આથી સાયબર ફ્રોડ થાય તેની રાહ જોવાને બદલે બેન્કની શાખામાં રૂબરૂ મળીને અથવા બેન્કની ઓફિશિયલ સાઇટ પરથી તેના હેલ્પલાઇન નંબર જાણીને સેવ કરી રાખવા એ આપણા જ લાભની વાત છે.

સાયબર ફ્રોડ થાય ત્યારે બેન્કમાં રૂબરૂ જઇને અથવા સાચા હેલ્પલાઇન નંબર પર કોલ કરીને ફ્રોડ સંબંધિત શક્ય એટલી વધુ વિગતો આપવી જોઇએ. એ ઉપરાંત બેન્કમાં લેખિત ફરિયાદ કરવાનો અને બેન્ક તરફ ફરિયાદ મળી હોવાની રીસિપ્ટ મેળવવાનો પણ આગ્રહ રાખશો.

જો તમારી સાથે ક્રેડિટ કાર્ડ સંબંધિત કોઈ પ્રકારનો ફ્રોડ થયો હશે તો બેન્ક આ રીતે ક્રેડિટ કાર્ડથી થયેલા ટ્રાન્ઝેકશનને ‘ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝેકશન’ તરીકે માર્ક કરશે. આ સ્થિતિમાં આપણે કાર્ડનું બિલ તો ભરવું પડશે પરંતુ જો કેસ ઉકેલાય તો ખોટી રીતે ઉપડી ગયેલી કે વપરાઈ ગયેલી રકમ પરત મળી શકે છે.

ભારત સરકારે સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધવા માટે ‘નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ’ લોન્ચ કર્યું છે.

આ પોર્ટલ (https://cybercrime.gov.in/) પર જઈને આપણે પોતાની સાથે થયેલા સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી શકીએ છીએ. આ પોર્ટલ પર વિવિધ પ્રકારના સાયબર ફ્રોડ અને તેની ફરિયાદ નોંધાવવા વિશેની વિગતો આપેલી છે. અહીં, મહિલાઓ અને બાળકો સંબંધિત સાયબર ફ્રોડ થયો હોય ત્યારે પોતાની વિગતો આપ્યા વિના પણ ફરિયાદ નોંધાવી શકાય છે.

અન્ય પ્રકારના સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવવા માટે આપણે પોતાનું નામ અને ભારતનો મોબાઇલ નંબર આપીને પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવું પડે છે. મોબાઇલ નંબરની ઓટીપી દ્વારા ખરાઈ કરવામાં આવે છે.

ફરિયાદની સાથોસાથ આપણે ક્રેડિટ કાર્ડની રીસિપ્ટ, બેન્કનું સ્ટેટમેન્ટ, ઓનલાઇન મની ટ્રાન્સફરની રીસિપ્ટ, ઇમેઇલની કોપી, જે વેબપેજ પરથી ઠગાઈ થઈ હોય તેનું યુઆરએલ, ઠગાઈ કરનાર વ્યક્તિ સાથેની ચેટના સ્ક્રીનશોટ, જે મોબાઇલ નંબર પરથી ઠગાઈ થઈ હોય તેના કોલ રેકોર્ડના સ્ક્રીનશોટ, કોઈ પણ પ્રકારના વીડિયો કે ઇમેજ કે અન્ય ડોક્યુમેન્ટ પુરાવા તરીકે આપી શકાય છે.

આપણી ફરિયાદ પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધાયા પછી આપણને તેનું કન્ફર્મેશન મળે છે.

આ એક નેશનલ પોર્ટલ છે, પરંતુ તેના પર ફરિયાદ નોંધાવ્યા પછી આપણા કેસની તપાસ જે તે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે. ‘રિપોર્ટ એન્ડ ટ્રેક’ વિકલ્પ હેઠળ ફરિયાદની તપાસ કેટલે પહોંચી તેનું સ્ટેટસ તપાસી શકાય છે.  આપણી સાથે વિદેશમાંથી કોઇએ સાયબર ફ્રોડ કર્યો હોવાની શંકા હોય તો પણ આ પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકાય છે.

જો તમે ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો તેમ ન હો તો સમગ્ર દેશ માટે લાગુ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો. આ નંબર ખાસ ફાયનાન્સિયલ સાયબર ફ્રોડના કિસ્સામાં મદદ માટે કાર્યરત કરવામાં આવેલ છે.

એ સિવાય આપણે પોલીસ હેલ્પલાઇન નંબર ૧૧૨ પર પણ સંપર્ક કરી શકીએ. એ ઉપરાંત રોજિંદા પોલીસ કંટ્રોલ રૂમ નં. ૧૦૦ પર તથા મહિલાઓ સંબંધિત બાબતમાં ૧૮૧ પર સંપર્ક કરી શકાય છે.

‘કશું નહીં થાય’ એવી માન્યતા બંને રીતે ખોટી છે – ફ્રોડ કોઈ પણ સાથે થઈ શકે અને ફરિયાદ- પોલીસ તપાસ પછી રકમ પરત પણ મળી શકે.

ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં જુદા જુદા જિલ્લાઓમાં સાયબર ક્રાઇમ સેલ્સ શરૂ કરવામાં આવ્યા છે. તેનો આપણે સીધો સંપર્ક કરી શકીએ અથવા એ શક્ય ન હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જઇને મદદ મેળવી શકીએ. એ પછી પોલીસ આપણો કેસ સાયબર સેલને ટ્રાન્સફર કરશે. સાયબર ફ્રોડમાં આપણે પક્ષે બને તેટલાં ઝડપી પગલાં લેવાં જરૂરી છે.

‘કશું નહીં થાય’ એવી માન્યતા બંને રીતે ખોટી છે – ફ્રોડ કોઈ પણ સાથે થઈ શકે છે અને પોલીસ ફરિયાદ પછી કેસ ઉકેલાવાની અને રકમ પરત મળવાની પણ શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!