આખી દુનિયાના બાળઉછેર નિષ્ણાતો અને શિક્ષણવિદો એક વાતે લગભગ સહમત છે – બાળકોને બને તેટલું વહેલું કોડિંગ શીખવવું જોઈએ.

આ જાણીને પહેલો સવાલ એ થાય કે બાળક મોટું થઈને ડોકટર બનવાનું હોય તો પણ એને કોડિંગ શીખવવાનું? જવાબ છે હા. બીજો સવાલ એ થાય કે આજકાલ તો ચેટજીપીટી પણ કોડ લખી આપે છે, પછી કોડિંગ શીખવાની જરૂર ખરી? એનો જવાબ પણ છે હા.
કારણ કે કોડિંગ શીખવાનો હેતુ ફક્ત આઇટીમાં કરિયરનો નથી.
ઉદાહરણ તરીકે, કાર્ડિયાક સર્જન કોઈની ઓપન હાર્ટ સર્જરી કરી રહ્યા હોય ત્યારે દર્દીના હૃદયમાં કોઈ નવી ખામી જણાય તો એ ક્ષણે, તેમને પોતાની સર્જરી પ્રોસિજરમાં તાબડતોબ યોગ્ય ફેરફાર કરતાં આવડવું જોઈએ.
બાળકો નાનપણથી જ કોડિંગ કરતાં શીખવા લાગે એ વાતને શિક્ષણનિદો બહુ મહત્ત્વ આપી રહ્યા છે. હેતુ ફક્ત આઇટીમાં કરિયરનો નથી. કોડિંગની સમજ હોય એ વ્યક્તિ કોઈ પણ બાબતે તર્કબદ્ધ રીતે નિર્ણયો લઈ શકે છે. બાળકોને નાનપણથી કોડિંગના કન્સેપ્ટ સમજાવવામાં સ્ક્રેચ નામનો એક પ્રોગ્રામ ઘણો ઉપયોગી થઈ શકે છે.
અનુભવ અને અભ્યાસથી બધા ડોક્ટર આવું કરતાં શીખી જ લેતા હોય છે, પરંતુ નાનપણમાં કોડિંગના કન્સેપ્ટ સમજી ચૂકેલું બાળક કોઈ પણ ક્ષેત્રે અન્યો કરતાં વધુ સ્થિરતા, વધુ સમજ અને વધુ સ્પષ્ટતા સાથે નિર્ણયો લઈ શકે છે.
જીવનમાં સફળતા માટે આથી વધુ શું જોઈએ?
એ માટે મદદરૂપ થઈ શકે ‘સ્ક્રેચ’ નામનો એક પ્રોગ્રામ, કે કહો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ. સ્ક્રેચ બાળકોને નાનપણથી કોડિંગના કન્સેપ્ટ સમજાવવા માટે ડિઝાઇન થયેલ છે – એમને સમજાય અને મજા પડે એ રીતે.
સ્ક્રેચની શરૂઆત અમેરિકામાં થઈ, પરંતુ એનો ઉપયોગ સતત વિસ્તરી રહ્યો છે.

તમને જાણીને આનંદ થશે કે આપણા દેશની, ગુજરાતની શાળાઓમાં પણ બાળકોને ‘સ્ક્રેચ’નો ઉપયોગ કરતાં શીખવવામાં આવી રહ્યું છે. જોકે જેમને માટે આ બધું સાવ નવું હોય એ બાળકો તો ઠીક, ટીચર્સ અને પેરેન્ટ્સ પણ ‘સ્ક્રેચ’ના ઉપયોગ બાબતે ગૂંચવાય એ સ્વાભાવિક છે.
એ પણ ધ્યાન આપશો કે આ લેખ બાળકો માટે નથી, ટીચર્સ અને પેરેન્ટ્સ માટે છે.
તમને આ લેખ વાંચીને ‘સ્ક્રેચ’માં ઊંડા ઉતરવાની ઇચ્છા જાગે તો એને બરાબર સમજતાં તમને પણ થોડો સમય લાગશે. મૂળ ‘સ્ક્રેચ’નો ઉપયોગ તો સહેલો છે, પણ બાળકો માટે એ કેમ ઉપયોગી છે એ મુદ્દા તરફ બરાબર ધ્યાન આપજો. બાળકોને સાથે રાખીને ‘સ્ક્રેચ’ કરી જુઓ!
‘સ્ક્રેચ’ એ ટેકનોલોજી એજ્યુકેશન માટે જગવિખ્યાત અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી)ના નિષ્ણાતો દ્વારા તૈયાર કરવામાં આવેલી એક કોડિંગ લેંગ્વેજ છે. જેની મદદથી બાળકો તેમને સ્ક્રીન પર જે કંઈ દેખાતું હોય તેને આમતેમ ગોઠવીને તેમાંથી સ્ક્રીન પર જોઈ શકાય તેવી નાની નાની ડિજિટલ સ્ટોરી, ગેમ્સ, એનિમેશન વગેરે તૈયાર કરી શકે છે.

પરંતુ સ્ક્રેચ વિશે વધુ વાત કરતાં પહેલાં આપણે એ સમજીએ કે કોડિંગ પોતે શું છે?
આપણે રોજબરોજ જેનો ઉપયોગ કરીએ છીએ તે કમ્પ્યૂટર, સ્માર્ટફોન વગેરે આખરે તો મશીન છે. એ આપણે કહેલી ‘વાત’ કેવી રીતે સમજી શકે છે? જેમ કે આપણે વોટ્સએપ ઓપન કરી, કોઈ ગ્રૂપમાં મેસેજ ટાઇપ કરીને સેન્ડ કરીએ તો એ મેસેજ ગ્રૂપમાંના બધા લોકોને મોકલવાનો છે એવું વોટ્સએપ પ્રોગ્રામ કેવી રીતે ‘સમજી’ શકે?
જવાબ છે કોડિંગ. કમ્પ્યૂટર જેવાં સાધનો માણસની ભાષા સમજી શકતાં નથી. આથી કમ્પ્યૂટર અને માણસ વચ્ચે ‘વાતચીત માટે’ કમ્પ્યૂટરને સમજાય તેવી ભાષામાં સૂચનાઓ તૈયાર કરવી પડે.
નિશ્ચિત રીતે લખાયેલો કોડ હ્યુમન ઇનપુટને કમ્પ્યૂટરને સમજાય તેવી ન્યૂમરિક સિકવન્સમાં ફેરવી નાખે છે. તેને આધારે કમ્પ્યૂટર આપણી સૂચનાનું પાલન કરે છે.
ધ્યાન આપશો કે ‘સ્ક્રેચ’ પ્રોગ્રામ માત્ર બાળકોને કોડિંગના પાયાના કન્સેપ્ટ સમજાવવા માટે ડિઝાઇન થયેલો છે.
કમ્પ્યૂટર કે સ્માર્ટફોનમાંની ઓપરેટિંગ સિસ્ટમ તથા એ બધામાં આપણે જેનો ઉપયોગ કરીએ તે વિવિધ પ્રોગ્રામ્સ અને એપ્લિકેશન્સના મૂળમાં ચોક્કસ રીતે લખાયેલો કોડ હોય છે. આ પ્રકારના કોડ લખવા માટે વિવિધ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ વિકસી છે. એ દરેકમાં મોટા ભાગે ચોક્કસ પ્રકારની ટેક્સ્ટ અને સિમ્બોલ્સ, આંકડા વગેરેનો ઉપયોગ થાય છે. આપણને સ્ક્રીન પર જે દેખાય છે તેની પાછળનો કોડ જોઇએ તો આપણને કશું સમજાય જ નહીં!
સ્ક્રેચ પ્રોગ્રામ ખાસ કરીને ૬-૮ થી ૧૬ વર્ષનાં બાળકોને કોડિંગનો કનસેપ્ટ શીખવવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. જોકે તેનો ગમે તે ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. સ્ક્રેચ એક સંપૂર્ણપણે ફ્રી પ્રોગ્રામ છે અને તે હિન્દી તથા અન્ય કેટલીક ભારતીય ભાષાઓ ઉપરાંત દુનિયાની ૭૦થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. સ્ક્રેચનો અત્યારે દુનિયાના ૨૦૦થી વધુ દેશોમાં ઉપયોગ થાય છે.
સ્ક્રેચનો સીધો બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકાય અથવા તેને કમ્પ્યૂટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકાય. તમે ઇચ્છો તો તેનો સ્માર્ટફોનમાંની એપમાં પણ ઉપયોગ કરી શકો. પરંતુ કમ્પ્યૂટરના મોટા સ્ક્રીન પર તેનો ઉપયોગ વધુ સહેલો બનશે.
સ્ક્રેચ પ્રોગ્રામનો ઉપયોગ એકદમ સહેલો છે. આપણે ફક્ત તેની વેબસાઇટ (https://scratch.mit.edu/) પર જવાનું અથવા એપ (Scratch, Scratch Foundation) ડાઉનલોડ કરવાની. તેના ઉપયોગની મજા ડેસ્કટોપના મોટા સ્ક્રીન પર છે. જો ઇંગ્લિશ સિવાય હિન્દી જેવી ભાષામાં ઉપયોગ કરવો હોય તો પેજના છેક તળિયે જઇને હિન્દી ભાષા સિલેક્ટ કરી લેવાની.

પીસીમાં સ્ક્રેચ ઓપન કરશો તો સ્ક્રીન પર ત્રણ ભાગ જોવા મળશે. ડાબી તરફ નાના નાના બ્લોક સ્વરૂપે જુદા જુદા પ્રકારના કોડ મળશે. વચ્ચે ખાલી સ્ક્રીન જોવા મળશે, જેમાં આપણે ડાબી તરફની પેનલમાંથી કોડ બ્લોક ખેંચી લાવી શકીએ છીએ. જમણી તરફના ભાગમાં, આપણે વચ્ચેના ભાગમાં લાવેલા કોડનું જે પરિણામ હોય તે જોવા મળે છે. વચ્ચે ગોઠવેલા કોડ બ્લોક પર ક્લિક કરતાં, તે એક્શન જમણી તરફ લેવાશે.
ડેસ્કટોપ પર સ્ક્રેચના મુખ્ય ત્રણ ભાગ છેઃ
- ડાબી તરફ બ્લોક સ્વરૂપે જુદા જુદા કોડ.
- વચ્ચે ખાલી ભાગ, જેમાં ડાબી તરફના કોડ બ્લોક ખેંચી લાવી શકાય
- આ રીતે, ચોક્કસ ક્રમમાં ગોઠવેલા કોડ બ્લોક્સથી જે પરિણામ મળે, તે જમણી તરફની વિન્ડોમાં જોવા મળે.
આગળ લખ્યા મુજબ સ્ક્રેચનો ઉપયોગ તો સહેલો છે, તેમ છતાં વિવિધ પ્રકારના કોડ બ્લોક કોડ એરિયામાં ક્યા ક્રમમાં લાવવા જોઇએ એની શરૂઆતમાં ગૂંચવણ રહેશે.
સૌથી પહેલાં તો સ્ક્રેચમાં બ્લોકથી મદદથી કોડિંગ કરવાથી કેવાં પરિણામ મળી શકે – કેવાં એનિમેશન, સ્ટોરી, ગેમ વગેરે બની શકે તે જોવું જરૂરી છે. એ માટે સ્ક્રેચના મથાળાના મેનૂમાં ‘એક્સપ્લોર’ સેકશનમાં જાઓ. અહીં સ્ક્રેચના જુદા જુદા યૂઝર્સે સ્ક્રેચની મદદથી બનાવેલી નાની નાની સ્ટોરી, એનિમિશેન, ગેમ્સ વગેરે જોવા મળશે , જેથી સ્ક્રેચમાં શું શક્ય છે તેનો અંદાજ આવશે.

સ્ક્રેચ સોશિયલ મીડિયા જેવું પણ કામ આપે છે, તમારા પ્રોગ્રામની ફાઇલ ડિવાઇસમં સેવ કરી શકાય અથવા અન્ય યૂઝર્સને શેર કરી શકાય.
તે પછી મથાળાના મેનૂમાં ‘આઇડિયાઝ’ સેકશનમાં જાઓ. જેમ કે અહીં બાળક પોતાનું નામ લખીને તેને વિવિધ રીતે એનિમેટ કરી શકે એવો એક પ્રોગ્રામ જોવા મળશે. તેને ક્લિક કરતાં એ પ્રોજેક્ટ તૈયાર કરવા માટે ક્યા ક્રમમાં કોડ બ્લોક ગોઠવવા જોઇશે તેની પીડીએફ ડાઉનલોડ કરી શકાશે.

એ જ રીતે એજ્યુકેટર ગાઇડ ડાઉનલોડ કરશો તો આ પ્રોગ્રામ સ્કૂલમાં બાળકોને કેવી રીતે શીખવા શકાય તેના વિવિધ તબક્કા મુદ્દાસર જાણી શકાશે.
જો તમે સ્ક્રેચનો ઉપયોગ કરવા માટે હિન્દી જેવી કોઈ ભાષા પસંદ કરી હશે તો તેનાથી પ્રોગ્રામની વિવિધ બાબતો હિન્દીમાં વાંચી શકાશે, પરંતુ અહીં જેની વાત કરી તેવી ગાઇડની પીડીએફ ઇંગ્લિશમાં જ મળશે. જોકે બધાં સ્ટેપ્સ એકદમ સરળ ભાષામાં સમજાવેલાં મળશે.
એ યાદ રાખશો કે સ્ક્રેચ પ્રોગ્રામનો મૂળ હેતુ બાળકોને પૂરેપૂરું કોડિંગ શીખવવાનો નહીં પરંતુ તેનો પરિચય કરાવવાનો છે અને ખાસ તો કોડિંગના વિવિધ લાભ નાનપણથી તેનો અપાવવાનો છે.

ખરેખર આઇટી ફિલ્ડમાં કોડિંગ બ્લોક્સને બદલે ટેકસ્ટ આધારિત વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજિસમાં થાય છે. સ્ક્રેચનો મુખ્ય લાભ એ છે કે તેનાથી બાળકોની કલ્પનાશક્તિ અને તર્કશક્તિ વિકસે છે. સ્ક્રેચમાં બ્લોકની મદદથી કોડિંગ થતું હોવાથી જો બ્લોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં ન આવે તો તેમાં આગળ વધી શકાતું નથી. આથી બાળકો લોજિકલ સ્ટેપ્સથી કોડિંગ કે પ્રોગ્રામિંગ કરતાં શીખી શકે છે. આ રીતે કોડિંગના કન્સેપ્ટ્સ શીખવાના ઘણા ફાયદા છે…
(૧) રમત-રમતમાં કોડિંગનું એજ્યુકેશન
આપણા સૌની ફરિયાદ છે કે હવે બાળકોના હાથમાંથી પણ સ્માર્ટફોન છૂટતો નથી.

બાળકો હજી ખરેખર બાળક હોય ત્યારે મોટા ભાગે ફોનમાં નાની-નાની ગેમ્સ અથવા એનિમેટેડ સ્ટોરી કે સોંગ વગેરેના વીડિયો જોતાં હોય છે. પેરેન્ટ્સ કે ટીચર તરીકે બાળકોની સાથે બેસીને તેમને એ બધી, તેમને ગમતી વાતો કેવી રીતે ક્રિએટ કરી શકાય એ શીખવા તરફ વાળી શકાય – ઉતાવળ કે બળજબરી વિના.
સ્ક્રેચ સામાન્ય રીતે ૮થી ૧૬ વર્ષનાં બાળકો માટે ઉપયોગી મનાય છે, પરંતુ ૫ થી ૭ વર્ષનાં બાળકો માટે https://www.scratchjr.org/ નામે એક પ્રોગ્રામ પણ ડેવલપ કરાયો છે, જેમાં નાનાં બાળકો ઇન્ટરેક્ટિવ સ્ટોરી કે ગેમ્સ જાતે બનાવી શકે છે.
(૨) ક્રિએટિવ થિંકિંગ
બાળકો ફક્ત ગેમ્સ કે એનિમેટેડ સ્ટોરીઝ જુએ એને બદલે એ બધું કેવી રીતે બનતું હશે, એ વિચારનું બીજ માત્ર તેમને ક્રિએટિવ થિકિંગ તરફ વાળી શકે છે.

સ્ક્રેચમાં જુદાં જુદાં કેરેક્ટર્સ, બેકગ્રાઉન્ડ વગેરે સેટ કરીને, બ્લોકરૂપી કોડને યોગ્ય ક્રમમાં ગોઠવીને તેમાંથી નાની-નાની વાર્તા સર્જી શકાય છે.
એમ કરવા માટે, સૌથી પહેલાં તો બાળકે કોઈ વાર્તા વિચારવી પડે! કેરેક્ટર શું બોલશે, કેવી રીતે ચાલશે, શું વિચારશે, સ્ટોરીમાં નવું કેટેક્ટર કેવી રીતે ઉમેરાશે… આ બધું વિચારવાની સાથે બ્લોક્સથી તેમનું કોડિંગ થતું જાય… એ આખી પ્રોસેસમાં બાળક સ્ટોરીટેલિંગ, ડિઝાઇનિંગ, એનિમેશન વગેરેના કન્સેપ્ટ્સ સમજે છે. કોડિંગ કરતાં પણ કલ્પનાશક્તિ, વિચારશક્તિ ખીલે એ વધુ મોટો ફાયદો છે.
(૩) લોજિકલ થિંકિંગ
કલ્પનાશક્તિ સારી હોવાનો અર્થ એ નથી કે ફક્ત કલ્પનાશીલ બનવું. બંનેમાં ફેર છે.
સ્ક્રેચમાં ફક્ત કલ્પનાના ઘોડા દોડાવવાના નથી, જે વિચાર્યું છે તેને યોગ્ય સ્ટેપ્સ મુજબ આકાર આપવાનો છે. એ માટે બ્લોક્સની મદદથી કમાન્ડ આપવાના છે, પરંતુ તેમાં યોગ્ય લોજિક નહીં હોય તો બ્લોક્સ ગોઠવાશે જ નહીં.

એટલે સ્ક્રેચનો ઉપયોગ શરૂ કરીએ ત્યારે મનમાં કોઈ ચોક્કસ પરિણામની કલ્પના હોય તો તેને આડેધડ રીતે નહીં, જરૂર મુજબના યોગ્ય ક્રમમાં બ્લોક્સ ગોઠવીને જ સાકાર કરી શકાશે.
સર્જન રમત રમતમાં થશે, પણ તેની મન પર જુદી અસર થશે – શું કરવાથી પ્રોબ્લેમ થાય છે અને શું કરવાથી વાત આગળ વધે છે એ જ તો આખી જિંદગી શીખવાનું હોય છે!
(૪) પ્રોબ્લેમ સોલ્વિંગ
આજની દુનિયામાં પ્રોબ્લેમ કે ચેલેન્જ તો દરેક જગ્યાએ છે, ખોટ તેને સોલ્વ કરી શકે તેવા લોકોની છે.

પ્રોબ્લેમને એ જ વ્યક્તિ વધુ સારી રીતે અને વધુ ઝડપથી ઉકેલી શકે, જેની કોગ્નિટિવ સ્કિલ્સ સારી હોય. મતલબ કે જે વ્યક્તિ હાથ પરની ઇન્ફર્મેશનનાં બધાં પાસાં જોઈ શકે, સમજી શકે, તેની એકમેક પર અસર પણ તપાસી શકે, જૂના અનુભવોનો નીચોડ તેમાં ઉમેરી શકે અને આગળ વધવાના રસ્તા વિચારી શકે એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે.
સારી રીત, વિચારપૂર્વક ડિઝાઇન થયેલી ગેમ્સ કે વીડિયો ગેમ્સ પણ આવી સ્કિલ્સ કેળવી શકે.
સ્ક્રેચમાં બાળકો શરૂઆતમાં કોઈની મદદથી અને પછી પોતાની રીતે આગળ વધતાં જાય તો આ બધું શીખતાં જાય છે – આપોઆપ.
(૫) રિઅલ કોડિંગની તૈયારી
સ્ક્રેચમાં થતું બ્લોક આધારિત કોડિંગ રિઅલ વર્લ્ડના ટેક્સ્ટ આધારિત કોડિંગ કરતાં ઘણું અલગ છે. એ ભવિષ્યના સિવિલ એન્જિનીયરને લેગોના બ્લોક્સથી મકાન બાંધવાની રમત રમાડવા જેવું છે, પણ એ જ હેતુ છે – રમત રમતમાં બેઝિક કન્સેપ્ટની સમજ.

સ્ક્રેચમાં કોડિંગનો અનુભવ મેળવ્યો હોય તેવા બાળકને આગળ જતાં ટેક્સ્ટ-બેઝ્ડ કોડિંગ શીખવાનું થાય ત્યારે તેને વેરિએબલ્સ, ડેટા ટાઇપ્સ, લિસ્ટ્સ, એરેઝ, લૂપ્સ, ઓપરેટર્સ વગેરે કન્સેપ્ટ સમજવા સહેલા બની શકે છે.
બાળકને મોટા થઈને એ દિશામાં જવાનું ન થાય, તો એ ફક્ત ગેમ્સ રમે એને બદલે વિવિધ ફાયદા સાથે ગેમ્સ ક્રિએશનની મજા માણે એમાંય શું ખોટું છે?


