આજે આપણે સૌ ગૂગલની મેપ્સ સર્વિસનો ખાસ્સો ઉપયોગ કરવા લાગ્યા છીએ. તેમાં ઓલરેડી પાર વગરનાં ફીચર છે અને આપણને લાગે કે હવે આમાં વધુ કશું ઉમેરાવાની શક્યતા નથી, ત્યાં ગૂગલ કોઈ ને કોઈ નવું અમેઝિંગ ફીચર તેમાં ઉમેરી દે છે.
આવું જ એક મસ્ત ફીચર એટલે ઇમર્સિવ વ્યૂ.

માની લો કે તમે કોઈ બીજા શહેરથી અમદાવાદથી ફરવા આવવાના છો અને અમદાવાદના પરિચિતોએ તમને લોગાર્ડન સ્ટ્રીટ જોવાની ખાસ ભલામણ કરી છે. તમે અમદાવાદમાં પગ મૂક્યા પહેલાં, ગૂગલ મેપ્સમાં, તમારો રુટ નક્કી કરી લોગાર્ડન સ્ટ્રીટ પર ‘પંખીની જેમ ઊડીને’ આખી સ્ટ્રીટ કેવી છે એ જોઈ શકશો!
ગૂગલ આ ફીચરને ‘ઇમર્સિવ વ્યૂ ફોર રુટ્સ’ કહે છે (એપલ મેપ્સમાં આવો ‘ફ્લાયઓવર વ્યૂ’ છે). ન્યૂ યોર્ક સિટી, સાન ફ્રાન્સિસ્કો, પેરિસ, ટોકિયો, વેનિસ, લંડન, લોસ એન્જલસ વગરે ૧૫ શહેરોમાં આ આ ફીચર ઉમેરાવા લાગ્યું છે. પછી અન્ય શહેરોનો વારો!
ગૂગલ મેપ્સમાં અત્યારે જે સિટી કે લોકેશન્સના ઇમર્સિવ વ્યૂ ઉપલબ્ધ છે ત્યાં સુધી કેમ પહોંચવું તેની વાત આગળ કરી છે.
ફોટોગ્રાફમાં જે કંઈ દેખાતું હોય તેને સમજવા માટે કમ્પ્યૂટર વિઝન ટેકનોલોજી અને પછી તેમાંથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી થ્રીડી મેપ ડેવલપ કરવાની ટેકનોલોજીથી કરવામાં આવતી આ કરામત છે.
અત્યારે હજી આ ફીચર પ્રારંભિક તબક્કામાં છે એટલે દુનિયાના કોઈ પણ સ્થળે આપણે આ ફીચરની મદદથી ઊડીને પહોંચી જઇએ એવું શક્ય નથી (આગળ અમદાવાદનું ફક્ત ઉદાહરણ આપ્યું!) જે જે લોકેશન માટે ઇમર્સિવ વ્યૂ ઉપલબ્ધ થવા લાગ્યા છે તેને તપાસીએ તો આ ટેકનોલોજી ભવિષ્યમાં કેવો આકાર લેશે તેનો આપણને ઘણો અંદાજ મળે.

(1) મેપ્સ એપ ઓપન કરી, કોઈ જાણીતું સ્થળ સર્ચ કરો, જેમ કે Eiffel Tower.

(2) એફિલ ટાવરનું પેજ ઓપન થતાં, તેમાં નીચે ‘ઇમર્સિવ વ્યૂ’નો વિકલ્પ દેખાશે.

(3) તેને ક્લિક કરતાં, ટાવરનો ઇમર્સિવ વ્યૂ ઓપન દેખાશે.

(4) તમે જે તે સમયે વેધરની સ્થિતિ કેવી હશે એ પણ ‘જોઈ’ શકશો.

