
આપણા દેશમાં ચૂંટણી સમયે, ખાસ તો પરિણામો પછી દોષનો બધો ટોપલો ઇવીએમ એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર ઢોળવાનો એક ધારો પડી ગયો છે. આ વખતે, લોકસભાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે સર્વોચ્ચ અદાલતમાં, આ ટેક્નોલોજી લોકશાહીના જતન માટે ન્યાયી અને યોગ્ય છે કે નહીં એ નક્કી કરવા કેસ થયા અને અદાલતે ઇવીએમ સામેના બધા અંદેશા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.
એ સંદર્ભ સાથે આપણે આ મશીનની ટેક્નોલોજી અને તેની સલામતી વ્યવસ્થામાં ડોકિંયું કરીએ. ખાસ કરીને એટલા માટે, જેથી જ્યારે ચૂંટણીનાં પરિણામ જાહેર થાય અને કોઈ પણ હારેલા પક્ષ તરફથી ‘ઇવીએમ હેક થયાં છે’ એવા દાવા થાય ત્યારે તેના પર કેટલો વિશ્વાસ કરવો એની આપણને ખબર પડે!
આ લેખ દરેક ચૂંટણીમાં મત આપનારા ૫૦-૬૦ ટકા મતદારો માટે જ લખાયો છે. અનિવાર્ય કારણો હોય તો માફ, એ સિવાય મત ન આપનારા લોકોને આમાંનું કશું જાણવાનો અધિકાર નથી ને એમને કશું જણાવવાની આપણી ફરજ પણ નથી. ને હા, લેખની માહિતી માટે ભારતના સ્વાયત્ત ચૂંટણી પંચની વેબસાઇટનો આધાર લીધો છે, લોકશાહીમાં એનો વિશ્વાસ નહીં કરીએ તો બીજા કોનો કરીશું?!
ઇવીએમથી જ ચૂંટણી યોજવાનો આગ્રહ કેમ?
આપણે માટે આ વાત માનવી મુશ્કેલ બને, પણ હજીય દુનિયાના ઘણાબધા વિકસિત અને ભારતથી ઘણી ઓછી વસતી ધરાવતા દેશોમાં, ચૂંટણી પ્રક્રિયા કાગળથી થતા મતદાન આધારિત છે!
સામે પક્ષે, ભારતનું ચૂંટણી પંચ વર્ષ ૨૦૦૧થી લોકસભા અને વિધાનસભાની તમામ ચૂંટણીઓમાં ઇવીએમનો ઉપયોગ કરી રહ્યું છે. અત્યાર સુધીમાં આ ઇવીએમમાં ૩૧૫ કરોડથી વધુ મત નોંધાઈ ચૂક્યા છે. ફક્ત એટલા મત માટે કેટલો કાગળ ખર્ચાયો હોત, મતગણતરીમાં કેટલા કલાકો વેડફાયા હોય અને બધું મળીને કેટલો ખર્ચ થયો હોત એનો અંદાજ માંડી જુઓ. એ પણ ધ્યાને લેવા જેવું છે કે ઇવીએમ એકવીસમી સદીનો કન્સેપ્ટ નથી.

ચૂંટણી પંચે ૧૯૭૭માં મતદાન માટે કાગળને બદલે મશીનનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. પહેલાં ઇલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, હૈદરાબાદને આ મશીન વિક્સાવવાની જવાબદારી સોંપાઈ, ૧૯૭૯માં તેનો પહેલો નમૂનો તૈયાર થયો અને ૧૯૮૦માં બધા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ચૂંટણી પંચ સમક્ષ તેનું નિદર્શન થયું.
પહેલી વાર, ૧૯૮૨માં ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ થયો, પણ એ નિષ્ફળ રહ્યો હતો. હારેલા ઉમેદવારે કોર્ટનું શરણું લીધું અને ઇવીએમ માટે સ્પષ્ટ કાયદો ન હોવાથી સર્વોચ્ચ અદાલતે ફરી મતદાન કરાવ્યું. એ પછી, ૧૯૮૮માં ઇવીએમને સંસદ દ્વારા કાયદાકીય પીઠબળ મળ્યું અને ૨૦૦૧થી સર્વોચ્ચ અદાલતે પણ ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગને માન્ય ઠરાવ્યો. ૨૦૦૨ની લોકસભા ચૂંટણીમાં ૧૦ લાખથી વધુ ઇવીએમ સાથે ભારતમાં ટેકનોલોજી આધારિત ચૂંટણીનો યુગ શરૂ થયો.
સૌથી મોટો સવાલ – ઇવીએમ હેક થઈ શકે? તેની ટેક્નોલોજી, સલામતીની વ્યવસ્થા જડબેસલાક છે?
ઇવીએમનો ઉપયોગ થયો હોય તેવી લગભગ દરેક ચૂંટણી પછી, હારેલા રાજકીય પક્ષો હાર માટે ‘ઇવીએમના હેકિંગ’ને જવાબદાર ગણતા આવ્યા છે. આવા દાવા કરવા સહેલા એટલે માટે છે કે ઇવીએમ આખરે એક ઇલેક્ટ્રોનિક મશીન છે, જે તેમાંના નિશ્ચિત પ્રોગ્રામ મુજબ ચાલે છે અને ડેટા સ્ટોર કરે છે.
આથી, માત્ર થીયરીની રીતે જોઈએ તો, અન્ય કોઈ મશીનની જેમ ઇવીએમના પ્રોગ્રામમાં ફેરફાર કરી શકાય કે તેમાંના ડેટાને પણ બદલી શકાય. ફરી માત્ર થીયરીની રીતે જોઈએ, તો ઇવીએમ સાથે ત્રણ તબક્કે ચેડાં થઈ શકે ઃ ૧) ચૂંટણી પહેલાં, ૨) મતદાનના દિવસે, અને ૩) મતગણતરી પહેલાં.
આ ત્રણેય તબક્કે, પ્રેક્ટિકલી ચેડાં અશક્ય બનાવવા માટે મુખ્ય બે સ્તરે કામ કરવામાં આવ્યું છે, એક સ્તર છે ઇવીએમની ટેકનિકલ ડિઝાઇન અને બીજો સ્તર છે ઇવીએમની ફિઝિકલ સિક્યોરિટી.
ભારતમાં ચૂંટણીમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું વિચારબીજ છેક 1977માં રોપાયું હતું, ત્યારથી આ વિચાર વિવાદાસ્પદ છે. આપણે રાજકારણને તદ્દન બાજુએ રાખી, ઇવીએમની ટેકનિકલ, એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટીનાં રોમાંચક પાસાં સમજીએ. ઇવીએમની વારંવારની અગ્નિપરીક્ષાઓ પછી, સર્વોચ્ચ અદાલતે પણ કાગળથી મતદાન બિનજરૂરી ઠરાવ્યું છે.
ટેકનિકલ ડિઝાઇનની રીતે જોઈએ તો સૌથી પહેલાં, ઇવીએમનાં ત્રણેય યુનિટ – કંટ્રોલ યુનિટ, બેલટિંગ યુનિટ અને વોટર વેરિએબલ પેપર ઓડિટ ટ્રેઇલ (વીવીપેટ) કોઈ પણ નેટવર્ક સાથે કનેક્ટેડ હોતાં નથી. કંટ્રોલ યુનિટથી બેલટિંગ યુનિટ એક્ટિવેટ થાય, મતદાતા તેમાં બટન દબાવે એટલે મત કંટ્રોલ યુનિટમાં નોંધાય અને મતદાતા વીવીપેટમાં કાગળની ચીઠ્ઠી પર પોતાનો મત સાચી રીતે નોંધાયો હોવાનું જોઈ શકે. આ દરેક ચીઠ્ઠી વીવીપેટમાં સીલબંધ રહે છે, જેથી મતગણતરી વખતે તેનો કંટ્રોલ યુનિટમાં નોંધાયેલા મત સાથે તાળો મેળવી શકાય.
આપણો મત જેમાં સચવાય છે તે કંટ્રોલ યુનિટમાં ફક્ત એક, વન-ટાઇમ પ્રોગ્રામેબલ ચિપ હોય છે. તેમાં વાઇ-ફાઇ, બ્લુ ટૂથ કે વાયરથી કોઈ નેટવર્ક સાથે કનેક્શન ન હોવાથી, તેનું દૂર બેઠાં હેકિંગ થઈ શકતું નથી. આ બધાં મશીન ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીની પણ જરૂર પડતી નથી. બધું જ બેટરી પર ચાલે છે.
ચૂંટણી પહેલાં આ મશીન્સ બનાવનારાં જાહેર સાહસોના એન્જિનીયર્સ, રાજકીય પક્ષોના પ્રતિનિધિની હાજરીમાં બધાં મશીન્સ ચેક કરે છે અને સૌ, બધું બરાબર લાગે તો પોતાની સહી કરે છે.
હવે વહીવટી દૃષ્ટિએ, ઇવીએમની ફિઝિકલ સિક્યોરિટીની વાત આવે છે. દરેક મતવિસ્તારમાં ઉમેદવારના નામ અને પક્ષ મુજબ બેલટ યૂનિટમાં ક્રમ જુદો જુદો હોય છે, આથી મતદાન પહેલાં, ઇવીએમમાં ચેડાં ટાળવા માટે તેમને બે તબક્કે રેન્ડમાઇઝ કરીને પછી ચૂંટણી કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે.
મતદાનના દિવસે, મતદાન શરૂ થતાં પહેલાં પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઓછામાં ઓછા ૫૦ મત નાખી અને તેનાં પરિણામ બતાવીને બધાં મશીન યોગ્ય રીતે કામ કરતાં હોવાની ખાતરી કરવામાં આવે છે. પછી કંટ્રોલ યુનિટમાં મતની સંખ્યા ઝીરો કરવામાં આવે છે, કંટ્રોલ યુનિટ સીલ કરવામાં આવે છે અને મતદાન શરૂ થાય છે.

એક મત માટે બટન દબાવ્યા પછી મશીન લોક થાય છે, ચૂંટણી અધિકારી તેને અનલોક કરે તે પછી જ બીજો મત નાખી શકાય છે. ચાલુ મતદાને ઇવીએમમાં ખામી સર્જાય તો પણ, કંટ્રોલ યુનિટમાં પહોંચેલો ડેટા સચવાઈ રહે છે અને મશીન બદલી નાખવામાં આવે છે. મતદાનની સમગ્ર પ્રક્રિયા પર ચૂંટણી અધિકારી અને જુદા જુદા પક્ષોના પ્રતિનિધિઓની નજર રહે છે. મતદાન પૂરું થયા પછી કંટ્રોલ યુનિટને બેલટ યુનિટથી અલગ કરી, ખાસ પ્રકારની બેગમાં સીલ સાથે પેક કરી, જડબેસલાક સિક્યોરિટી સાથે ઇવીએમ મશીન્સ જે તે જિલ્લાના સ્ટ્રોંગરૂમમાં પહોંચે છે. નોંધાયેલા દરેક મતનો સરવાળો પક્ષોના પ્રતિનિધિઓને આપવામાં આવે છે. મતગણતરી વખતે આ યાદી સાથે દરેક યુનિટની મત સંખ્યાનો તાળો મેળવવામાં આવે છે.
આપણે જોયું તેમ ઇવીએમનું પ્રોગ્રામિંગ બદલી શકાતું નથી કે તેનું રિમોટ હેકિંગ શક્ય નથી, પણ સ્ટ્રોંગરૂમમાં પહોંચ્યા પછી તેમાંની ચિપ બદલવામાં આવે તો?
પહેલી વાત એ કે ચૂંટણીનાં પરિણામ બદલવા હેકરે એક-એક કંટ્રોલ યુનિટમાંની ચિપપ બદલવી પડે. એ અશક્ય બનાવવા, દરેક ઇવીએમ સીલબંધ રહે છે અને તે સીલ માત્ર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં જ મતદાનના દિવસે ખૂલે છે. એ પહેલાં, જિલ્લા મથકે સઘન સિક્યોરિટી અને સતત સીસીટીવી સર્વેલન્સ સાથે તેમને સાચવવામાં આવે છે. તેની લાઇવ ફીડ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને પણ આપવામાં આવે છે.
સ્ટ્રોંગરૂમમાં પહોંચેલા કંટ્રોલ યુનિટમાંનો ડેટા ડિલીટ કે ક્લીયર કરવામાં ન આવે ત્યાં સુધી તેમાં સચવાય છે. કોઈ ઉમેદવાર મતદાનની પ્રક્રિયા સામે વાંધો ઉઠાવી કોર્ટમાં જાય તો કોર્ટના આદેશથી, મતગણતરી પછી પણ આ ડેટાની મદદથી ફેરગણતરી થઈ શકે છે અને વીવીપેટમાંની કાગળની ચીઠ્ઠી સાથે તેનો તાળો મેળવી શકાય છે. એક ઇવીએમ ૧૫ વર્ષ સુધી વાપરી શકાય છે અને તેનો વારંવાર ઉપયોગ ન થાય તો તેમાં સ્ટોર થયેલો ડેટા ૧૫ વર્ષ સુધી જળવાઈ રેહે છે.
ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ શરૂ થયો ત્યારથી તેણે ઘણી વાર અદાલતની અગ્નિપરીક્ષામાં ઉતરવાનું થયું છે. ભારતમાં અને વિદેશોમાં પણ ઇવીએમ હેકેથોન યોજાઈ છે અને એ બધા પછી, ભારતમાં ચૂંટણીમાં ઇવીએમનો ઉપયોગ ચાલુ રહ્યો છે. હવે આપણે નક્કી કરવાનું કે સંસદમાં વિવિધપક્ષોની મહોર પછી અમલમાં મૂકાયેલી, ટેકનોલોજી-એડમિનિસ્ટ્રેટિવ સિક્યોરિટી આધારિત અને અદાલતની કસોટીમાં પણ પાર ઊતરેલી પ્રમાણમાં નવી ચૂંટણી વ્યવસ્થા પર વિશ્વાસ મૂકવો કે નહીં.

