
આપકે નામ પર રજિસ્ટર્ડ સભી મોબાઇલ નંબર્સ જલ્દ હી ડીએક્ટિવેટ કર દિએ જાએંગે…, નમસ્કાર સર, હું …. ટેલિકોમ કંપનીમાંથી બોલું છું, આપનું સિમ કાર્ડ અપગ્રેડ કરવાનું છે… આપના મોબાઇલ કનેક્શનમાં કંઈક ગરબડ થઈ છે, એટલે આપનું નેટ કનેક્શન ધીમું થઈ ગયું હશે, એક નાનું એવું સેટિંગ કરીને આપણે આ ખામી દૂર કરી શકીશું…
આ પ્રકારના જુદા જુદા કેટલાય ફોન કોલ્સનો તમે લગભગ રોજેરોજ સામનો કરતા હશો. હવે આવા મેસેજથી આપણે સૌ કંટાળી ગયા છીએ એટલે થોડું સાંભળીને કોલ કટ કરી નાખીએ છીએ, પણ આવડા મોટા ભારત દેશમાં તો જાત-ભાતના લોકો વસે છે! કેટલાય લોકો હજી પણ આવા કોલ્સને સાચા માની બેસે છે અને પછી કોલ કરનારી વ્યક્તિ જે એક્શન લેવા કહે તે પોતાના ફોનમાં લે છે.
વોટ્સએપમાં ક્યારેક તમને પણ તમારા કોઈ પરિચિત તરફથી રકમ મોકલવાની વિનંતી કરતો મેસેજ મળ્યો હશે. આવા કિસ્સામાં એ પરિચિતના આખેઆખા વોટ્સએપને એકાઉન્ટ પર કોઈ ઠગે અંકુશ મેળવી લીધો હોય છે. આવું કેવી રીતે શક્ય બને એ બરાબર સમજી લઈએ તો આપણે – તથા આપણા સ્વજન – આવા ફ્રોડથી બચી શકીએ.
ભારતમાં આવી રીતે છેતરપિંડી કરવાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આવા કોલ્સમાં મોટા ભાગે ઠગ લોકોનું એક જ લક્ષ્ય હોય છે – આપણા નંબર પર આવતા ઓટીપી! આ પ્રકારની છેતરપિંડી જુદી જુદી ઘણી રીતે થાય છે, એક રીત આપણા વોટ્સએપ પર કબજો જમાવવાની છે. કારણ કે છેતરપિંડી કરવાનો એ સહેલો રસ્તો છે.

આખી દુનિયામાં વોટ્સએપના સૌથી વધુ યૂઝર્સ ભારતમાં છે – ૧૪૦ કરોડની કુલ વસતીમાંથી લગભગ ૫૦ કરોડ! એમાં પાછું સિનિયર સિટિઝન્સનું પ્રમાણ કદાચ સૌથી વધુ હશે. છેતરપિંડી કરીને બીજાના રૂપિયા સેરવવા માગતા લોકોને આટલું ફળદ્રુપ ખેતર બીજે ક્યાં મળે? એ પણ હકીકત છે કે ઓનલાઇન સેફ્ટીની વાત આવે ત્યારે ભલભલા યંગ ને સ્માર્ટ લોકો પણ થાપ ખાઈ શકે છે.
તમે વોટ્સએપનો લાંબા સમયથી ઉપયોગ કરતા હો તોય, નીચે આપેલી બધી વિગતો જાણતા નહીં હો.
લેખ લાંબો છે, પણ ડિટેક્ટિવ જેવી ઝીણી નજરે આ વિગતો તપાસશો તો છેતરપિંડીની તરકીબો બરાબર પકડી શકશો.
મોટા ભાગના સાયબર ફ્રોડ ‘હેકિંગ’ નથી હોતા, ‘છેતરપિંડી’ જ હોય છે, આપણને તેનો તફાવત સમજાવો જોઈએ!
ફોનમાં અને વોટ્સએપમાં તમે આવી ભૂલ કરશો નહીં…
સૌથી પહેલાં, આગળ આપેલા ત્રણ કિસ્સા ધ્યાનથી વાંચો. ફ્રોડ થયો એ તો સમજી જ જશો, પણ કેવી રીતે થયો, ક્યાં, કોણે, કેવી ભૂલ કરી એની વિગતો નહીં સમજાય. એ સમજવા માટે લેખમાં આગળ આપેલી વિગતો હજી વધુ ધ્યાનથી વાંચો અને પછી આપણે એવી ભૂલ ન કરીએ અને વોટ્સએપ એકાઉન્ટને વધુ સલામત બનાવવા સૌથી છેલ્લે આપેલાં સ્ટેપ્સ પર અમલ કરો!

થોડા સમય પહેલાં, ભારત સરકારના એક અધિકારીને તેમના વિભાગના અન્ય અધિકારી તરફથી એક વોટ્સએપ મેસેજ આવ્યો. પેલા બીજા અધિકારીએ અંગત કારણસર એક લાખ રૂપિયાની મદદ કરવાની વિનંતી કરી હતી. બંને એકબીજાથી પરિચિત. એટલે પહેલા અધિકારીએ તરત જ વોટ્સએપ મેસેજમાં જણાવેલી બેન્ક વિગતો અનુસાર એક લાખ રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા.
બરાબર એ જ રીતે, ઉત્તર ભારતના એક પૈસાદાર પરિવારનાં એક મહિલાને નજીકના સંબંધી તરફથી રૂપિયા મોકલવાની વિનંતી વોટ્સએપ પર કરવામાં આવી. તેમણે પણ મેસેજમાં જણાવેલી વિગતો પ્રમાણે રકમ મોકલી આપી.
વોટ્સએપ પર ‘જાણીતી’ વ્યક્તિ તરફથી વિનંતી કે સૂચના આવે ત્યારે ઘણા લોકો વધુ તપાસ વિના રકમ મોકલી આપે છે.
એ પહેલાં, કોરોનાની રસી બનાવનારી ભારતની બહુ જાણીતી કંપનીના ડિરેકટરને કંપનીના ‘ચેરમેન’ તરફથી એક વોટ્સએપ મેસેજ આવ્યો અને તેમણે કંપનીના વેન્ડરને પેમેન્ટ કરવાની સૂચના આપી. આ કિસ્સામાં રકમનો આંકડો એકાદ કરોડ જેટલો મોટો હતો. ડિરેકટરે ચેરમેનની સૂચનાનું પાલન કરીને વોટ્સએપમાં જણાવેલી વેન્ડરની વિગતો મુજબ તેને પેમેન્ટ મોકલી આપ્યું!
તમે સમજી જ ગયા હશો કે બાજુમાં આપેલા ત્રણેય કિસ્સામાં વોટ્સએપ પર, રકમ મોકલવાની જેમના નામે વિનંતી કરવામાં આવી અને જેમને સૂચના મળી એ બધા લોકો સાયબર ફ્રોડનો ભોગ બન્યા હતા. ભારતના બધા ખૂણે લોકો આવા ફ્રોડનો ભોગ બનીને નાની મોટી રકમ ગુમાવતા રહે છે. આ ત્રણેય કિસ્સામાં રકમ મોકલનારી વ્યક્તિ તેમને મેસેજ મોકલનારી વ્યક્તિને રૂબરૂ મળી ત્યારે ખબર પડી કે એ લોકોએ તેમને એવા કોઈ મેસેજ મોકલ્યા જ નહોતા.
નવાઈની વાત એ હતી કે આ બધા જ કિસ્સામાં તેમને મેસેજ મોકલનારી વ્યક્તિનો વોટ્સએપ નંબર, તેમનું પ્રોફાઇલ પિકચર વગેરે બધું બરાબર હતું. ત્યાં સુધી કે તેમની ચેટ હિસ્ટ્રી પણ બરાબર હતી. કોઈ અજાણી વ્યક્તિ તરફથી રકમ મોકલવાની વિનંતી મળે તો આપણને શંકા જાગે, પરંતુ જે વ્યક્તિ સાથે આપણે વોટ્સએપ પર વારંવાર ચેટ કરતા હોઇએ એમના જ તરફથી – ચેટની જૂની હિસ્ટ્રી અકબંધ હોય એવી સ્થિતિમાં – રકમ મોકલવા માટેનો નવો મેસેજ આવે તો કોઈ પણ વ્યક્તિ તેને સાચો માની બેસે.
આવા કિસ્સામાં વોટ્સએપ એકાઉન્ટ ખરેખર જાણીતી વ્યક્તિનું જ હોય છે, પણ મેસેજ બીજા કોઈએ મોકલ્યો હોય છે.
આપણને સવાલ એ જાગે કે વોટ્સએપ જેવી સર્વિસ ખાસ્સી સલામત લાગે છે તો એનું આવું ‘હેકિંગ’ કેવી રીતે થઈ શકે? આ પ્રકારના કિસ્સાઓની લાંબી પોલીસ તપાસ પછી ‘હેકર્સ’ જે મોડસ ઓપરેન્ડી કે તરકીબ અજમાવે છે તેની વિગતો બહાર આવી. આપણે એ બરાબર સમજીએ.
ખરેખર તો આવી તરકીબ કરનારા લોકો હેકર્સ નથી હોતા, ઠગ હોય છે, જે વોટ્સએપના એક ચોક્કસ સેફ્ટી ફીચર અને લોકોની ગફલતનો ગેરલાભ લે છે.
વોટ્સએપમાં આ ખાસ સેફ્ટી ફીચર શું છે, તેની પહેલાં વાત કરીએ.
તમે ઓનલાઇન એકાઉન્ટની સલામતી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન વિશે જાણતા હશો. આ પદ્ધતિમાં આપણે ગૂગલ, ફેસબુક કે બેન્ક જેવા એકાઉન્ટમાં પોતાના યૂઝરનેમ અને પાસવર્ડ આપીએ, એ પછી એ સર્વિસમાં રજિસ્ટર્ડ આપણા મોબાઇલ નંબર પર ઓટીપી આવે અને ઓટોપી આપ્યા પછી જ આપણે જે તે સર્વિસમાં લોગઇન થઈ શકીએ. મતલબ કે જો કોઇ વ્યક્તિ આપણું યૂઝરનેમ અને પાસવર્ડ જાણી લે તો પણ ઓટીપી મેળવવા તેની પાસે આપણો મોબાઇલ હોવો જોઈએ. તેના વિના તે આપણા એકાઉન્ટમાં લોગઇન થઈ શકે નહીં.

વોટ્સએપમાં પણ આપણા એકાઉન્ટને વધુ સલામત બનાવવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશનની સગવડ હોય છે. પરંતુ તેમાં તેનો ઉપયોગ જરા જુદી રીતે થાય છે.
હજી પણ ઘણા બધા લોકોને વોટ્સએપના આ મહત્ત્વના સેફ્ટી ફીચર વિશે પૂરતી જાણકારી ન હોવાથી તેનો ઉપયોગ કરતા નથી. શરૂઆતમાં જે કિસ્સા લખ્યા અને પોલીસના ચોપડે આ પ્રકારના ફ્રોડના જે કોઈ કેસ નોંધાય છે તેમાં ઠગ ટોળકીનું પહેલું નિશાન બનનારી વ્યક્તિ પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો લાભ લેતી ન હોવાનું બહાર આવ્યું છે.
ધ્યાન આપજો કે વોટ્સએપમાં ફિંગરપ્રિન્ટ લોક કે ચેટ લોકનાં ફીચર છે તે પ્રાઇવસીનાં ફીચર છે. તેનાથી આપણા જ ફોનમાં બીજી કોઈ વ્યક્તિ વોટ્સએપ ઓપન કરી શકતી નથી. જ્યારે ટુ-સ્ટેપ વેરિફિકેશનનું ફીચર તેનાથી અલગ છે. તે ઓન હોય, તો બીજી વ્યક્તિ પોતાના ફોનમાં આપણું વોટ્સએપ એકાઉન્ટ ઇન્સ્ટોલ કરી શકતી નથી.
આપણે જૂના સ્માર્ટફોનના બદલે નવો સ્માર્ટફોન લઇએ ત્યારે નવા ફોનમાં પોતાનું વોટ્સએપ એકાઉન્ટ સહેલાઈથી ટ્રાન્સફર કરી શકીએ છીએ.
તમે આ કામ ક્યારેય કર્યું હોય તો તમારો અનુભવ હશે કે આપણે નવા ફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરીને તેમાં પોતાનો જૂનો ફોન નંબર આપીએ એ સાથે જો આપણો વોટ્સએપનો બેકઅપ ડેટા સિમકાર્ડમાં કે ગૂગલ ડ્રાઇવમાં સચવાયેલો હોય તો તેને રિસ્ટોર કરવાનું સૂચન કરવામાં આવે અને એ પછી આપણા જૂના ફોનમાંથી વોટ્સએપ એકાઉન્ટ બંધ થાય અને નવા ફોનમાં જૂના ફોન નંબર સાથે જૂનું વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ થઈ જાય.
હવે બરાબર ધ્યાન આપજો. આપણે નવા ફોનમાં જૂના ફોન નંબરથી વોટ્સએપ એકાઉન્ટ એક્ટિવેટ કરીએ ત્યારે આપણા ફોન નંબર પર છ ડિજિટનો એક કોડ મેસેજ કરવામાં આવે છે. એ કોડ આપ્યા પછી આપણે નવા ફોનમાં વોટ્સએપનો ઉપયોગ શરૂ કરી શકીએ છીએ.
આ સમયે જો આપણે વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનની સુવિધા પહેલેથી એક્ટિવેટ કરેલી હોય તો એસએમએસમાં મળતા કોડ ઉપરાંત આપણે પોતે પહેલેથી નક્કી કરેલો કોડ આપવાનો થાય છે. આ આપણા એકાઉન્ટ માટે સિક્યોરિટીની વધારાની વ્યવસ્થા છે. જો આપણે આ વધારાની વ્યવસ્થાનો લાભ ન લેતા હોઇએ તો ઠગ તેનો લાભ કેવી રીતે લે છે તે સમજીએ.
સૌથી પહેલાં તો ઠગ પોતાનું નિશાન નક્કી કર્યા પછી એ વ્યક્તિનો ફોન નંબર મેળવીને તેની સાથે કોઈને કોઈ બહાને વાતચીત કરે છે. એ વાતચીતમાં વોટ્સએપ સંબંધિત કોઈ મુદ્દો હોતો જ નથી.
આવા લોકો મોટા ભાગે મોબાઇલ કંપનીમાંથી ફોન કરી રહ્યા હોવાનું કહે છે. પછી જે તે ફોન નંબરમાં ૫-જી સર્વિસિસ માટે કે બીજા કોઈ કારણે ફોનમાં અમુક સેટિંગ કરવાં જરૂરી હોવાનું કહે છે. તેઓ પોતાના ટાર્ગેટને તેમના ફોનમાં *401# જેવો કોઈ કોડ અને ત્યાર પછી પોતાનો ફોન નંબર લખીને કોલ ડાયલ કરવા કહે છે (અહીં પોતાનો ફોન નંબર એટલે ઠગનો ફોન નંબર).
હવે શી કરામત થાય છે તે જુઓ. તમે સ્માર્ટફોન પહેલાંના સાદા ફીચર ફોનનો ઉપયોગ કર્યો હોય તો યાદ હશે કે આપણે ફોનમાં ચોક્કસ પ્રકારના કોડ ડાયલ કરીને મોબાઇલ કંપની પાસેથી વિવિધ માહિતી મેળવી શકતા હતા તેમ જ વિવિધ સર્વિસ એક્ટિવેટ કરી શકતા હતા. જેમ કે પોતાના પ્રી-પેઇડ મોબાઇલ એકાઉન્ટમાં હવે કેટલી રકમ બાકી રહી છે તે જાણવી હોય કે રોજ નવો જોક મેળવવા જેવી સર્વિસ એક્ટિવેટ કરવી હોય તો આવા ચોક્કસ કોડ કામ લાગતા હતા.
સાદા ફીચર ફોન હવે ભુલાવા લાગ્યા છે, પરંતુ Unstructured Supplementary Service Data (USSD) તરીકે ઓળખાતા આ કોડની વ્યવસ્થા હજી પણ કામ કરે છે. સાદા ફીચર ફોન ઉપરાંત સ્માર્ટફોનમાં પણ ડાયલર એપમાં આવો કોડ લખીને, નિશ્ચિત મેસેજ મોકલી શકાય છે.
ઠગ પોતાના ટાર્ગેટને જે કોડ અને પછી પોતાનો મોબાઇલ નંબર લખીને ડાયલ કરવા કહે છે તે કોડ વાસ્તવમાં કોલ ફોરવર્ડ કરવા માટેનો હોય છે. હવે સરકારે આવી રીતે કોલ ફોરવર્ડ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ ઠગ બીજી રીતે પણ આપણા ઓટીપી મેળવી શકે છે.
(1)

ઠગ ટોળકી પોતાના ટાર્ગેટને ફોન કરી એક ચોક્કસ કોડ ડાયલ કરાવી (કે બીજી કોઈ રીતે), ટાર્ગેટના કોલ પોતાના ફોનમાં ડાઇવર્ટ/ફોરવર્ડ થાય તેવું સેટિંગ કરાવે છે.
(2)

ઠગ પોતાના ફોનમાં વોટસએપ એપ નાખે છે અને ઇન્સ્ટોલેશન માટે જોઈતો કોડ વોઇસ કોલ પર મેળવે છે (તેણે કોલ ડાઇવર્ટ કર્યા છે, મેસેજ નહીં).
(3)

ઠગ પોતે ટુ-સ્ટેપ-વેરિફિકેશન ચાલુ કરી દે છે. આથી, ટાર્ગેટના ફોનમાં વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ જાય છે, તોય તે ફરી વોટ્સએપ ઇન્સ્ટોલ કરી શકતા નથી.
(4)

ઠગને ટાર્ગેટના વોટ્સએપનો પૂરો કંટ્રોલ મળે છે, તે ટાર્ગેટ મોકલતા હોય એ રીતે તેના કોન્ટેક્ટ્સને રકમ મોકલવાની વિનંતી મોકલે છે, કોઈ તો છટકામાં ફસાઈ જ જાય છે!

ઇન્ટરનેટના યુગમાં ઓનલાઇન સલામતીનો એક પાયાનો નિયમ એ છે કે કોઈ પણ અજાણી વ્યક્તિના કહેવાથી પોતાના ફોનમાં કોઈ પણ એકશન લેવાં ન જોઇએ.અહીં તો સાવ અજાણી વ્યક્તિના કહેવાથી, સાવ અજાણ્યા નંબર સાથે કોલ ડાયલ કરવાની વાત છે! ઠગની તરકીબનો ભોગ બનતા લોકો આવા કોડ ડાયલ કરીને પોતાના પર આવતા કોલ અન્ય નંબર પર ફોરવર્ડ કરવાની ભૂલ કરી બેસે છે. કોલ ફોરવર્ડ કે ડાઇવર્ટ કરવાની સુવિધા વિવિધ રીતે એક્ટિવેટ થઈ શકે છે – જેમ કે મ્ૂળ નંબર બિઝી હોય, નિશ્ચિત સમયમાં જવાબ ન આપવામાં આવે તો… વગેરે. મતલબ કે બધા કોલ ફોરવર્ડ ન પણ થાય. આથી ટાર્ગેટને ખબર પણ ન પડે કે તેમના અમુક કોલ ફોરવર્ડ થઈ રહ્યા છે.
કોલ ફોરવર્ડ એક્ટિવેટ થયા પછી તરત જ ઠગ એકશનમાં આવે છે.
ઠગ પોતાના સ્માર્ટફોનમાં વોટ્સએપ એપ ઇન્સ્ટોલ કરે છે અને તેમાં પોતાના ટાર્ગેટના ફોન નંબરથી રજિસ્ટ્રેશન કરે છે. આ સમયે વોટ્સએપ તરફથી એ ફોન નંબર (એટલે કે ટાર્ગેટના ફોન નંબર પર) છ અંકનો કોડ મેસેજ સ્વરૂપે જાય છે. ટાર્ગેટે પોતે કોઈ એકશન લીધું ન હોવાથી તેને આ મેસેજ ધ્યાનમાં આવતો નથી. ટાર્ગેટનું આવા કોડના મેસેજ પર ધ્યાન જાય તો પણ તેને ગંભીરતાથી ન લેવાની બીજી ભૂલ તે કરી બેસે છે.
વોટ્સએપ પર કે અન્ય કોઈ પણ જગ્યાએ એક ભૂલ થાય એ પછી વારાફરતી ભૂલોનો સિલસિલો શરૂ થાય છે.
ઠગે માત્ર કોલ ફોરવર્ડ કરવાની સુવિધા મેળવી છે, આથી તેને ટાર્ગેટના ફોન નંબર પર એસએમએસ સ્વરૂપે આવેલો વોટ્સએપનો રજિસ્ટ્રેશન નંબર મળતો નથી. આથી તે વોટ્સએપ ઇન્સ્ટોલ કરવાના સ્ક્રીન પર કોડ રિસેન્ડ કરવાનું બટન દબાવે છે. આવી રીતે વારંવાર એસએમએસ પર કોડ મોકલવામાં આવે પરંતુ વોટ્સએપ ઇન્સ્ટોલ કરવાના સ્ક્રીન પર એ કોડ એન્ટર કરવામાં ન આવે તો વોટ્સએપની સિસ્ટમ એવું માની લે છે કે વોટ્સએપ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરતી વ્યક્તિ એસએમએસમાં કોડ મેળવી શકતી નથી.
આથી તે વોઇસ કોલ પર કોડ આપવાનો વિકલ્પ આપે છે!

તમે સમજી ગયા ને? હવે ઠગ ટોળકીએ પેલી કોલ ફોરવર્ડ કરવાની જે મહેનત કરી હતી તે તેને કામ લાગે છે.
વોટ્સએપની સિસ્ટમ વોટ્સએપ ઇન્સ્ટોલ કરવા માટેનો કોડ જણાવવા માટે ટાર્ગેટના ફોન નંબર પર કોલ કરે છે, બરાબર એ સમયે ઠગનો સાગરિત બીજા નંબરથી ટાર્ગેટને કોલ કરે છે. ફોન બિઝી આવતાં, વોટ્સએપનો કોલ ફોરવર્ડ થઈને ઠગના ફોન નંબર પર આવી જાય છે, ઠગ તેની મદદથી ટાર્ગેટનું વોટ્સએપ એકાઉન્ટ પોતાના સ્માર્ટફોનમાં એક્ટિવેટ કરવાની પ્રોસેસ સફળતાપૂર્વક પાર કરી લે છે!
જો ભોગ બનનારી વ્યક્તિએ ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન રાખ્યું હોત અને નવા ફોનમાં નવેસરથી વોટ્સએપ ઇન્સ્ટોલ કરતી વખતે પોતે નક્કી કરેલો પિન આપવાનું અનિવાર્ય બનાવ્યું હોત તો ઠગ માટે વાત આટલી સહેલી બની ન હોત કેમ કે ઠગ વોટ્સએપની સિસ્ટમ તરફથી આવતો કોડ જાણી શકે છે, તેના ટાર્ગેટે પોતે નક્કી કરેલો પિન જાણી શકતો નથી.
હવે આપણે મૂળ વાતમાં આગળ વધીએ. ઠગ વોટ્સએપમાં ટુ-સ્ટેપ વેરિફિકેશનનું મહત્ત્વ બરાબર જાણે છે. આથી તે ટાર્ગેટના વોટ્સએપ એકાઉન્ટને પોતાના ફોનમાં ઇન્સ્ટોલ કરી લીધા પછી તેમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરીને પોતાનો પિન સેટ કરી લે છે.
આ તબક્કે ટાર્ગેટના ફોનમાં તેનું વોટ્સએપ એકાઉન્ટ બંધ થઈ જાય છે. પરંતુ તે નવેસરથી ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરે તો પેલા ટુ-સ્ટેપ વેરિફિકેશન પિનના અભાવને કારણે પોતાના વોટ્સએપ પર ફરી કંટ્રોલ મળતો નથી.
ઇન્ટરનેટ પર કોઈનો ક્યારેય ભરોસો કરવા જેવો નથી. જાણીતી વ્યક્તિ તરફથી ‘જુદો’ મેસેજ આવે તો તરત શંકા જાગવી જોઈએ.
બીજી તરફ પેલા ઠગના સ્માર્ટફોનમાં તેના ટાર્ગેટનું વોટ્સએપ એકાઉન્ટ બરાબર એક્ટિવ થઈ ગયું છે. આથી તે એ વોટ્સએપમાં રહેલા કોઈ પણ કોન્ટેક્ટને ધારે તે મેસેજ મોકલી શકે છે. ઠગ વોટ્સએપમાંની ચેટ તપાસીને નજીકના સંબંધી કે સાથી કર્મચારીઓના મેસેજ મળે તો તેમાં રકમ મોકલવાની વિનંતી કરતો મેસેજ વહેતો કરી દે છે. તેની સાથોસાથ રકમ ક્યા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી તેની વિગતો પણ આપે છે.
આ મેસેજ મેળવનારી વ્યક્તિ સતર્ક ન હોય તો તે મેસેજને સાચો માનીને રકમ ટ્રાન્સફર કરી આપે છે!

આ આખા, લાંબા લેખમાં ફક્ત એક વાક્ય તમે યાદ રાખો તોય પૂરતું છે – અજાણી વ્યક્તિના કહેવાથી, પોતાના ફોનમાં કોઈ એક્શન ક્યારેય લેવાં નહીં.
આવા કિસ્સાઓમાં ભૂલની શરૂઆત ત્યાંથી જ થાય છે. જો તમે ત્યાં જ ભૂલને અટકાવી દો, તો પછી ઠગની બીજી કોઈ કારી લગભગ કામ લાગતી નથી.
તમને સ્વજન તરફથી રૂપિયા મોકલવાની વિનંતીનો મેસેજ મળે તો એમને સીધો ફોન જોડી હકીકત પૂછી લો.
એ પણ નોંધવા જેવું છે કે આવા કિસ્સામાં એક વ્યક્તિ ભૂલ કરે છે અને તેનું નુક્સાન બીજી વ્યક્તિને થાય છે. કેમ કે ઠગનો પહેલો શિકાર બનતી વ્યક્તિ, ઠગના કહેવાથી કોઈ એક્શન લઈને પોતાના વોટ્સએપ એકાઉન્ટનો કબજો ઠગને આપી દે છે. જોકે એક મેસેજને આધારે રકમ ટ્રાન્સફર કરી આપતી વ્યક્તિ પણ મોટી ભૂલ કરે છે. વિનંતી કરનારી વ્યક્તિને સીધો ફોન જોડી ન શકાય?
ઓનલાઇન સલામતી સંંબંધિત આંટીઘૂંટીઓ બરાબર સમજીએ અને પોતાની સાથે અન્ય સ્વજનોને પણ સલામત રાખીએ એમાં જ સાર છે!
(1) ટુ-સ્ટેપ વેરિફિકેશન ઓન કરવા…

વોટ્સએપનાં સેટિંગ્સમાં ‘એકાઉન્ટ’ સેક્શનમાં જાઓ. અહીં ટુ-સ્ટેપ વેરિફિકેશનનો વિકલ્પ મળશે, તેને ક્લિક કરો. આખી વોટ્સએપ એપ કે તેમાંની કોઈ ચેટને લોક કરવાના વિકલ્પ ‘પ્રાઇવસી’ સેક્શનમાં મળશે. ટુ-સ્ટેપ વેરિફિકેશન પ્રાઇવસીનું નહીં, પણ એકાઉન્ટ સેફ્ટીનું ફીચર છે!
(2) તમારો છ ડિજિટનો પિન નક્કી કરો

હવે તમે તમારો છ ડિજિટનો પિન નક્કી કરી શકશો. આ પિન આખા ફોનના લોક પિનથી અલગ રાખશો. જેટલી વાર વોટ્સએપ ઓપન કરો એટલી વાર આ પિન આપવો નહીં પડે, પણ તે આપણને યાદ રહે એ માટે અવારનવાર પૂછવામાં આવે છે. ત્યારે, પિન આપ્યા પછી જ આપણે વોટ્સએપમાં આગળ વધી શકીશું.
(3) ઇમેઇલ એડ્રેસ ઉમેરો

તમારો પિન કોઈ સલામત જગ્યાએ લખી રાખો. તેમ છતાં તે ભૂલી જઈએ તો તેને રિસેટ કરવા માટે આપણું ઇમેઇલ એડ્રેસ આપી શકાય છે. ઇમેઇલ એડ્રેસ આપતાં, તેમાં ફક્ત એક વાર છ ડિજિટનો ઓટીપી આવે છે. તે વોટ્સએપમાં આપતાં આપણા ઇમેઇલ એડ્રેસની ખરાઈ થઈ જાય છે.
(4) હવે વોટ્સએપ એકાઉન્ટ વધુ સલામત છે

જો તમે આ આખો લેખ ધ્યાનથી વાંચ્યો હશે, તો તમે સમજી શકશો કે હવે કોઈ ઠગ પોતાના ફોનમાં આપણું વોટ્સએપ એકાઉન્ટ ઇન્સ્ટોલ કરવા માટે વોટ્સએપની સિસ્ટમનો પિન મેળવી લે તો પણ તેની કારી ફાવશે નહીં, કેમ કે તેણે આપણે નક્કી કરેલો અલગ પિન પણ આપવો પડશે!
