ફેક કસ્ટરમર સપોર્ટ નંબરને નામે થતા ફ્રોડની હવે કોઈ નવાઈ નથી. તેમ છતાં આ પ્રકારના ફ્રોડનો વધુ ને વધુ લોકો ભોગ બનતા રહે છે.
એવું થવાનું કારણ શું? કારણ એ કે આવો ફ્રોડ કરનારા લોકો વધુ સ્માર્ટ થતા જાય છે ને પોતાની તરકીબોમાં તેઓ અવનવા ફેરફાર કરતા રહે છે.

અત્યાર સુધી આ પ્રકારની છેતરપિંડી કરનારા લોકો ગૂગલની મેપ્સ અને માય બિઝનેસ સર્વિસમાં જાણીતી કંપનીઓના નામે ખોટા પ્રોફાઇલ બનાવીને તેમાં પોતાના નંબર મૂકી દેતા હતા.
આ કારણે લોકો કોઈ પણ જાણીતી કન્ઝ્યુમર ગુડ્ઝ કંપની, ઇ-કોમર્સ સાઇટ્સ, વીમા કંપનીઓ, હોસ્પિટલ્સ કે આધાર કાર્ડ, આયુષ્યમાન ભારત, મા કાર્ડ વગેરેને સંબંધિત મદદ માટે ઇન્ટરનેટ પર તેમના સપોર્ટ સેન્ટરના નંબર શોધે ત્યારે આ છટકામાં ફસાઈ જાય.
હવે અમુક રિસર્ચ બતાવે છે કે આ પ્રકારે છેતરપિંડી કરનારા લોકો ગૂગલ માય બિઝનેસ સર્વિસ ઉપરાંત ગૂગલ પર પેઇડ એડ પણ ચલાવે છે. એ કારણે તેમની વેબસાઇટ સર્ચ રિઝલ્ટ પેજ પર મોખરે જોવા મળે છે. જે લોકો અસલી-નકલી વેબસાઇટનો ભેદ પારખી નથી શકતા તે લોકો સર્ચ રિઝલ્ટ પેજ પર સાદા લિસ્ટિંગ અને પેઇડ લિસ્ટિંગ વચ્ચેનો ભેદ પણ પારખી શકતા નથી!
આવી છેતરપિંડી કરનારા લોકો સોશિયલ મીડિયાનો વધુ દુરુપયોગ કરવા લાગ્યા છે. તેમને ગૂગલ કરતાં પણ સોશિયલ મીડિયા પરનું પેઇડ એડવર્ટાઇઝિંગ વધુ લાભદાયક રહે છે.
સામાન્ય રીતે, ગૂગલ પર લોકો કંઈક સર્ચ કરે એ પછી જ તેમને બનાવટી લિસ્ટિંગની જાહેરાતો જોવા મળે. જ્યારે સોશિયલ મીડિયા પર એવી કોઈ પૂર્વશરત વિના, ગમે તેને જાહેરાત બતાવી શકાય છે!
હમણાં થયેલાં સંશોધનો બતાવે છે કે પાછલા કેટલાક સમયમાં જે પણ ફેક કસ્ટમર કેર નંબર્સ ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવ્યા તેમાંથી ૮૮ ટકા માટે ફેસબુકની જાહેરાતો, પોસ્ટ તથા પ્રોફાઇલ/પેજનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. બાકીના ૧૨ ટકામાં ટ્વીટર સૌથી મોખરે રહી!
મતલબ કે કસ્ટમર સપોર્ટ સેન્ટરના નંબર ક્યારેય ગૂગલ કે સોશિયલ મીડિયા પર સર્ચ કરશો નહીં.

