આગળ શું વાંચશો?
- ગૂગલ ‘ડિસ્કવર’ ફીચર ડેસ્કટોપ પર આવશે?
-
ટેક કંપનીઓમાં એઆઇ સર્વિસનાં નામ બદલવાની હરીફાઈ
-
સરકારી વિભાગો માટે ‘સંદેસ’ એપ
તમે ક્યારેય ગૂગલ.કોમના ડેસ્કટોપ અને સ્માર્ટફોનના સર્ચ પેજના એક તફાવત તરફ ધ્યાન આપ્યું છે? સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એપ ઓપન કરો કે ક્રોમ બ્રાઉઝરમાં નવી ટેબ ઓપન કરો ત્યારે તેમાં ગૂગલના જૂના ને જાણીતા સર્ચબોક્સ નીચે કેટલાય આર્ટિકલ્સની લિંક જોવા મળે. બીજી તરફ ડેસ્કટોપ કે લેપટોપમાં બ્રાઉઝરમાં ગૂગલ.કોમ પર જઇએ તો આખું પેજ લગભગ કોરું ધાકોડ જોવા મળે.

આ સ્થિતિ હવે બદલાય તેવી શક્યતા છે. સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચના પેજ પર આપણને જે કંઈ જોવા મળે છે એ બધું ગૂગલની ‘ડિસ્કવર ફીડ’ ને પ્રતાપે જોવા મળે છે. આ ફીડમાં સોશિયલ મીડિયાની ફીડની જેમ આપણને વ્યક્તિગત રીતે જેમાં રસ પડી શકે તેવી જાતભાતની બાબતો આપણને બતાવવામાં આવે છે. કારણ દેખીતું છે – લોકો હવે ગૂગલ સર્ચ ઉપરાંત બીજી ઘણી રીતે ઇન્ટરનેટ પરનું, પોતાને કામનું કન્ટેન્ટ મેળવી શકે છે. ગૂગલ એવા લોકોને ફરી ગૂગલ સર્ચ એન્જિન તરફ વાળવા માગે છે.
ગૂગલ હવે તેના ડેસ્કટોપના હોમપેજ પર પણ સ્માર્ટફોનની જેમ ડિસ્કવર ફીડ બતાવવાનું ટેસ્ટિંગ કરી રહી છે. અત્યાર સુધી ગૂગલ સર્ચ એન્જિનનું કોરી પાટી જેવું પેજ ગૂગલની ઓળખ રહી છે. નોંધપાત્ર વાત એ છે કે અત્યારે ભારતમાં આ ફીચરનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે.
એ પણ ધ્યાને લેવા જેવું છે કે માઇક્રોસોફ્ટ તેના બિંગ સર્ચ એન્જિનમાં ન્યૂઝ સ્ટોરીઝ અને અન્ય ઇન્ફર્મેશન ડિસ્પ્લે કરે છે.
ગયા વર્ષે વિવિધ કંપનીઓના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત ચેટબોટ્સે આપણા જીવનને ધરમૂળથી બદલવાની શરૂઆત કરી એ પછી આ કંપનીઓ તેમની સર્વિસનાં નામ પણ બદલવાની હરીફાઈમાં ઉતરી હોય તેવું લાગે છે!
પહેલાં માઇક્રોસોફ્ટે તેના બિંગ સર્ચ એન્જિનમાં ‘બિંગચેટ’ નામે એઆઇ ચેટિંગની સુવિધા આપી. ત્યાર પછી કંપનીએ આ સર્વિસને ‘કોપાઇલટ’ નામ આપ્યું અને હવે એ જ નામે એઆઇ ચેટિંગની સુવિધા વિન્ડોઝ તથા માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સમાં ઓફર કરવામાં આવી રહી છે.
એ પછી ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ગૂગલે ‘બાર્ડ’ નામે એક અલગ વેબસાઇટ (https://bard.google.com/)થી એઆઇ ચેટિંગની સુવિધા આપી હતી. એ પછી ગૂગલના સર્ચ એન્જિનમાં પણ સર્ચ જનરેટિવ એક્સપિરિયન્સ (એસજીઇ) નામે આવી સુવિધા આપવામાં આવી હતી.
થોડા સમય પહેલાં ગૂગલે ‘જેમિની’ નામે એઆઇનું નવું મોડલ રજૂ કર્યું હતું. એ પછી હવે બાર્ડને જ જેમિની નામ આપી દેવામાં આવ્યું છે તથા તે સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટનું નામ લઈ લેશે આમ પણ જેમિનીનાં એડવાન્સ્ડ તબક્કાવાર લોન્ચ થશે એવી જાહેરાત તો કંપનીએ શરૂઆતથી જ કરી દીધી હતી. નવા એઆઇ યુગની શરૂઆત જેણે કરી તે ઓપનએઆઇ કંપનીએ તેની ચેટજીપીટી સર્વિસના નામમાં સદભાગ્યે હજી સુધી કોઈ ફેરફાર કર્યો નથી!
જે રીતે આપણા સૌના પર્સનલ અને પ્રોફેશનલ કમ્યુનિકેશન માટે હવે સૌની પહેલી પસંદ વોટ્સએપ છે, એ જ રીતે સરકારી કર્મચારીઓ પણ પોતાના સત્તાવાર કામકાજ માટે વોટ્સએપનો ભરપૂર ઉપયોગ કરે છે. સરકારને ખાસ ચિંતા એ વાતની છે કે લશ્કરી અને અર્ધલશ્કરી દળોમાં પણ ઇન્ટરનલ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો જબરજસ્ત ઉપયોગ થાય છે.

હવે સમાચાર છે કે ખાસ કરીને અર્ધલશ્કરી દળો ‘સંદેસ’ નામની એક સ્વદેશી એપનો ઉપયોગ કરવા તરફ વળી જશે. આ એપ કેન્દ્ર સરકારના નેશનલ ઇન્ફર્મેટિક સેન્ટર દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તેમાં વોટ્સએપની જેમ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શનની સુવિધા છે તેમ જ આ એપ યૂઝરના કોઈ પણ ડેટાને થર્ડ પાર્ટી સાથે શેર કરતી નથી. તેને સરકારની વિવિધ પ્રકારની કમ્યુનિકેશન સિસ્ટમ સાથે પણ ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવી છે. આ એપનો ઉપયોગ માત્ર ગવર્નમેન્ટ દ્વારા વેરિફાય થતા યૂઝર્સ કરી શકે છે.
સરકારના એક ઇન્ટરનલ કમ્યુનિકેશન દ્વારા વિવિધ દળોને આ એપ ડાઉનલોડ કરીને તેના ફીચર્સ તપાસી લેવા જણાવવામાં આવી રહ્યું છે, તે પછી વિવિધ અર્ધલશ્કરી દળોમાં તમામ કમ્યુનિકેશન વોટ્સએપ કે અન્ય મેસેજિંગ એપના બદલે માત્ર સંદેસ એપ પર કરવામાં આવશે.
આ એપ વાસ્તવમાં માર્ચ ૨૦૨૧માં લોન્ચ કરવામાં આવી હતી અને હવે તેને વિવિધ અપડેટ્સ દ્વારા વધુ સલામત અને સુવિધાપૂર્ણ બનાવવામાં આવી છે. એપના એન્ડ્રોઇડ અને આઇઓએસ વર્ઝન ઉપરાંત ડેસ્કટોપ વર્ઝન પર ઉપલબ્ધ છે. આ એપનો બધો જ ડેટા સ્વાભાવિક રીતે સરકારના સર્વર્સ પર જ રહેશે.
થોડા સમય પહેલાં ચેટજીપીટીની સર્જક ઓપનએઆઇ કંપનીએ ચેટજીપીટીની વેબસાઇટ ઉપરાંત એપ પણ લોન્ચ કરી હતી. તેને પગલે માઇક્રોસોફ્ટ કંપનીએ તેની એઆઇ આધારિત કોપાઇલટ સર્વિસને એન્ડ્રોઇડ એપ સ્વરૂપે લોન્ચ કરી છે. એ સાથે જ ગૂગલે તેની બાર્ડ વેબસાઇટને જેમિની નામ આપ્યું છે અને તેનો હવે સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટને બદલે ઉપયોગ કરી શકાય છે (જે તબક્કાવાર રોલઆઉટ થઈ રહી છે).
અત્યાર સુધી આપણે માઇક્રોસોફ્ટની બિંગ મોબાઇલ એપમાં આ પ્રકારે એઆઇ ચેટબોટ સાથે ચેટિંગ કરી શકતા હતા, હવે એ જ કામ આ કોપાઇલટ એપમાં કરી શકાશે. કોપાઇલટ એપનું રસપ્રદ પાસું એ છે કે તેમાં આપણે ઓપનએઆઇના લેટેસ્ટ જીપીટી-૪ વર્ઝનનો મફતમાં લાભ લઇ શકીએ છીએ, જે મૂળ ચેટજીપીટીમાં પેઇડ છે.
આ પ્રકારની બધી સર્વિસમાં જે શક્ય હોય છે એ બધું આ એપમાં પણ શક્ય છે. જેમ કે કોપાઇલટ એપને આપણે કંઈ પણ પૂછીને તેના જવાબ મેળવી શકીએ, શબ્દોમાં સૂચના આપીને ઇમેજિસ ક્રિએટ કરી શકીએ અને જુદા જુદા અનેક પ્રકારના કોડ કે કન્ટેન્ટ પણ ક્રિએટ કરી શકીએ.
કોપાઇલટ એપમાં આપણે માઇક્રોસોફ્ટ એકાઉન્ટથી લોગઇન થયા પછી વધારાની સગવડો મેળવી શકીએ છીએ. હાલમાં કોઈ એક ટોપિક પર આપણે વારાફરતી કુલ ૩૦ પ્રોમ્પ્ટ આપી શકીએ છીએ. અલબત્ત સારી વાત એ છે કે આપણે એક ક્લિકથી નવા ટોપિક પર વાતચીત શરૂ કરી શકીએ છીએ અને તેમાં પણ નવેસરથી ૩૦ પ્રોમ્પ્ટ આપી શકાય છે.
