આપણા સ્માર્ટફોનના ‘બર્સ્ટ મોડ’માં ફોટોગ્રાફ લેવાની સગવડ હોય છે એ તમે કદાચ જાણતા હશો. કેમેરાના સેટિંગ્સમાં આ મોડ ઇનેબલ કર્યા પછી આપણે જ્યારે પણ કોઈ ફોટોગ્રાફ લઇએ ત્યારે જે તે સ્થિતિના એકથી વધુ ફોટોગ્રાફ ફટાફટ લેવા હોય ત્યારે આ મોડ કામ લાગે છે.

આપણે ફોટોગ્રાફ ક્લિક કરવા માટે શટર બટન ફક્ત એક વાર પ્રેસ કરવાને બદલે તેને પ્રેસ કરી રાખીને નીચેની તરફ લઈ જવાનું. એ પછી શટર બટન જેટલા સમય સુધી પ્રેસ કરી રાખીએ એટલા સમય સુધી ધડાધડ ફોટોગ્રાફ ક્લિક થતા જાય છે. આ ફીચર મજાનું છે, પરંતુ આપણે વારંવાર બર્સ્ટ મોડમાં ફોટોગ્રાફ્સ લઇએ તો એક તકલીફ ઊભી થાય. આપણી ફોટો ગેલરી કે ફોટોઝ એપમાં લગભગ એકસરખા ફોટોગ્રાફનો ભરાવો થતો જાય.
ગૂગલ ફોટોઝ એપમાં નવું ફીચર આવી રહ્યું છે. જેમાં એકસરખા લાગતા ફોટોગ્રાફને સ્ટેક કરી દેવામાં આવશે એટલે કે એક ઉપર એક ગોઠવીને તેનું બંડલ બનાવી દેવામાં આવશે.
ગૂગલ ફોટોઝ એપ હવે આ તકલીફનો પણ ઉપાય આપે છે. તેમાં ‘સ્ટેક ફોટોઝ’ નામે એક નવું ફીચર આવી રહ્યું છે. જેમ વોટ્સએપમાં આપણને એક જ મેસેજમાં ચારથી વધુ ફોટોગ્રાફ આવે ત્યારે તે બધા ફોટોગ્રાફને ગ્રૂપ કરીને બતાવવામાં આવે છે, એ રીતે ફોટોઝમાં પણ એકસરખા લાગતા ફોટોગ્રાફને સ્ટેક કરી દેવામાં આવશે એટલે કે એક ઉપર એક ગોઠવીને તેનું બંડલ બનાવી દેવામાં આવશે.
આ રીતે આપણી ફોટોઝ એપમાં બધા ફોટોગ્રાફ જળવાઈ રહેશે તેમ છતાં એકસરખા ફોટોગ્રાફથી સ્ક્રીન ભરાઈ જશે નહીં. ફીચર ધીમે ધીમે રોલઆઉટ થઈ રહ્યું છે, ફોટોઝ એપ ઓપન કરી, તેમાં સેટિંગ્સમાં ‘પ્રેફરન્સીઝ’માં તેને ઇનેબલ કરી શકાશે.
