(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આપણા હાથમાં પણ આવશે સેટેલાઇટ ફોન!

અત્યાર સુધી સેટેલાઇટ ફોન આપણી પહોંચની બહાર હતા પરંતુ હવે કદાચ સ્થિતિ બદલાશે. આવતા બે વર્ષમાં ઇચ્છીએ તો આપણે પણ સેટેલાઇટ ફોન ખરીદીને ગમે ત્યાંથી ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકીશું!

સામાન્ય મોબાઇલ નેટવર્કસમાં ટાવરથી ૨૫-૩૦ કિલોમીટર સુધીના વર્તુળમાં આપણો મોબાઇલ ટાવરના સિગ્નલ પકડી શકે છે અને તેમાં ટાવર જેટલી કે ટાવર કરતાં ઓછી ઊંચાઈએ રહેલ ફોન ટાવરના સિગ્નલ ઝડપી શકે છે. જ્યારે સેટેલાઇટ ફોન પૃથ્વીથી ૩૫,૭૦૦ કિલોમીટર ઉપર ઘૂમતા સેટેલાઇટ્સમાંથી આવતા સિગ્નલ્સ ડાયરેક્ટ ઝીલી શકે છે. આ પ્રકારના ફોન પ્લેન અને શીપમાં પણ ચાલી શકે છે અને દેશના કોઈ પણ ખૂણે તેનો ઉપયોગ કરી શકાય છે.

ખાસ કરીને કુદરતી આફતના સમયે સામાન્ય મોબાઇલ નેટવર્ક પડી ભાંગે ત્યારે સેટેલાઇટ ફોન સર્વિસ બહુ ઉપયોગી થાય છે.

ભારતમાં સામાન્ય નાગરિકો દ્વારા સેટેલાઇટ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે. આવા ફોનથી થતા કોલિંગનાં ઇનકમિંગ અને આઉટગોઇંગ સિગ્નલ્સને સરકારી એજન્સીઝ આંતરી શકતી નથી અને એટલે તેને દેશની સલામતી સામે જોખમરૂપ માનવામાં આવે છે. જોકે ભારતમાં લાઇસન્સ મેળવીને સેટેલાઇટ ફોનનો ઉપયોગ કરી શકાય છે.

ભારતમાં અત્યારે વિદેશ સંચાર નિગમ લિમિટેડના લાયસન્સ હેઠળ ટાટા કમ્યુનિકેશન્સ કંપની સેટેલાઇટ ફોન સર્વિસ પૂરી પાડે છે. આ મહિનાના અંત સુધીમાં આ કંપની સેટેલાઇટ ફોન સર્વિસનો કારભાર ભારત સંચાર નિગમ લિમિટેડ (બીએસએનએલ)ને સુપ્રત કરી દેશે. અત્યારે આપણા દેશમાં ૧,૫૩૨ અધિકૃત સેટેલાઇટ ફોન કનેકશન્સ છે અને તેમાંના મોટા ભાગના સેટેલાઇટ ફોનનો ઉપયોગ સલામતી દળો કરે છે. આ ઉપરાંત સમુદ્રી જહાજો માટે ૪૧૪૩ મંજૂરીઓ આપવામાં આવી છે.

જોકે, સેટેલાઇટ ફોનના ઉપયોગ સંદર્ભે સલામતીની કેટલીક ચિંતાઓ રહે છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)ના મતે સેટેલાઇટ ફોનના ગેટવે ભારતની બહાર હોવાથી આવા ફોનથી ભારતમાં થતા કમ્યુનિકેશન પર વિદેશી એજન્સીઝ નજર રાખી શકે છે. ભારતનાં લશ્કરી દળો વિદેશી ઓપરેટર્સ દ્વારા સંચાલિત સેટેલાઇટ ફોનનો આ જ કારણસર ઉપયોગ કરતા નથી.

હવે આપણી બીએસએનએલ કંપનીએ યુકે સ્થિત ઇનમારસેટ કંપની સાથે ભારતમાં સેટેલાઇટ ફોનનો ગેટવે ઊભો કર્યો છે અને ગયા મહિને તેનો સત્તાવાર પ્રારંભ કર્યો છે. ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશને વિશ્વના મહાસાગરોમાં ફરતાં જહાજો સતત જમીન સાથે સંપર્કમાં રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરવા ૧૯૭૯માં ઇનમારસેટની સ્થાપના કરી હતી. આ સંસ્થાના ૧૪ સેટેલાઇટ્સની બનેલી વ્યવસ્થા દ્વારા બીએસએનએલ સેટેલાઇટ ફોનની સુવિધા પૂરી પાડશે. ઇનમારસેટ ઉપરાંત યુએસએની ઇરીડિયમ કંપનીને પણ ભારતમાં સેટેલાઇટ ગેટવે સ્થાપવામાં ઊંડો રસ હતો.

બીએસએનએલ આવતાં બે વર્ષમાં પહેલાં આફત સમયે  કાર્યરત સંસ્થાઓ, પોલીસ, રેલવે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય સરકારી સંસ્થાઓને સેટેલાઇટ ફોનની સુવિધા પૂરી પાડશે, એ પછી સામાન્ય નાગરિકોને પણ સેટેલાઇટ ફોનના ઉપયોગની છૂટ આપવામાં આવશે.

સેટેલાઇટ ફોનના ક્ષેત્રે, ૧૫-૨૦ વર્ષ પહેલાં મોબાઇલ ફોનની જેવી સ્થિતિ હતી તેવી જ સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. ભારતમાં બહુ મર્યાદિત સંખ્યામાં સેટેલાઇટ ફોન ઉપલબ્ધ છે અને તેનો ખર્ચ પણ ઊંચો છે. સેટેલાઇટ ફોન રૂ. ૪૦,૦૦૦થી વધુ કિંમતના છે અને અત્યારે આવા બધા જ ફોન વિદેશથી આયાત કરવામાં આવે છે. શરૂઆતમાં સેટેલાઇટ ફોનના કોલ દર મિનિટ દીઠ રૂપિયા ૩૦થી ૩૫ જેટલા રહેવાની શક્યતા છે, પરંતુ સામાન્ય નાગરિકોમાં તેનો ઉપયોગ વધશે એ પછી ફોનની કિંમત તથા કોલરેટમાં ખાસ્સો ઘટાડો થવાની સંભાવના છે.

સેટફોન કેવી રીતે કામ કરે છે?

સમગ્ર વિશ્વમાં જુદી જુદી કંપનીની માલિકીના સેટેલાઇટ નેટવર્ક દ્વારા સેટેલાઇટ ફોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જે મોટા ભાગે આખા વિશ્વને આવરી લે છે. કેટલાંક નેટવર્ક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર પણ સારું કવરેજ આપે છે.


સામાન્ય રીતે બે પ્રકારના સેટેલાઇટ નેટવર્કથી સેટેલાઇટ ફોન ચાલે છે. એક છે જિઓ સિન્ક્રોનસ સેટેલાઇટ્સ અને બીજા છે લો અર્થ ઓરબીટ સેટેલાઇટ્સ. જિઓ સિન્ક્રોનસ સેટેલાઇટ્સ પૃથ્વીથી ૩૫,૦૦૦ કિલોમીટર જેટલા અંતરે અવકાશમાં ફરે છે પણ તે પૃથ્વી પરના નિશ્ર્ચિત બિંદુ પર કેન્દ્રિત રહીને પૃથ્વીની ગતિએ, પૃથ્વીની સાથોસાથ ફરતા રહે છે. આવો એક સેટેલાઇટ સમગ્ર દક્ષિણ-પૂર્વ એશિયાને કવર કરી શકે છે. જોકે તે પૃથ્વીથી ઘણા દૂર હોવાથી તેના ટ્રાન્સમિશનમાં દેખીતો વિલંબ અનુભવી શકાય છે.

જ્યારે પૃથ્વીથી નજીકની, નીચી ભ્રમણ કક્ષામાં ફરતા સેટેલાઇટ્સ પૃથ્વીની ગતિએ ફરતા નથી આથી તે જુદા જુદા સમયે પૃથ્વીના જુદા જુદા ભાગ પર કેન્દ્રિત હોય છે. આવા સેટેલાઇટ્સ પૃથ્વીથી ૭૦૦થી ૧૧૦૦ કિલોમીટરના અંતરે ફરતા હોય છે અને તે ફક્ત એક કે દોઢ કલાકમાં આખી પૃથ્વી ફરતે ચક્કર કાપી લે છે. આવા સેટેલાઇટ્સના નેટવર્કમાં સેટેલાઇટની સંખ્યા વધુ હોય છે (ઇરિડિયમ નામના નેટવર્કમાં સેટેલાઇટની સંખ્યા ૬૬ જેટલી છે).

આવા સેટેલાઇટ્સ પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ સુધી પણ સારું કવરેજ આપી શકે છે. આવા નેટવર્ક પૃથ્વીથી નજીક હોવાથી તેની સાથે સિગ્નલની આપ-લે કરવા માટે સેટેલાઇટ ફોનને ઓછા પાવરની જરૂર પડે છે એટલે તે લગભગ સામાન્ય સેલફોન જેવડા જ હોય છે, ફક્ત તેમાં એન્ટેના મોટું હોય છે.

જ્યારે આપણે સેટેલાઇટ ફોનમાંથી કોલ કરીએ ત્યારે તેનાં સિગ્નલ સૌથી નજીકના સેટેલાઇટ સુધી પહોંચે છે અને ત્યાંથી નેટવર્કના અન્ય સેટેલાઇટ્સ પર ટપ્પા ખાઈને તે પૃથ્વી પર આપણે જેને કોલ કર્યો હોય તે વ્યક્તિ સુધી પરત આવે છે. સેટેલાઇટ ફોનમાં આપણા ફોન અને સેટેલાઇટ વચ્ચે કોઈ અંતરાય ન હોય એ જરૂરી છે. સેટેલાઇટ ફોનથી સાદા ફોન પર પણ કોલ કરી શકાય છે, આવી સ્થિતિમાં સેટેલાઇટથી પરત પૃથ્વી પર મોકલાતાં સિગ્નલ આખરે સાદા ફોનના નેટવર્ક દ્વારા આગળ વધે છે.

નરી આંખે ઇરીડિયમ કમ્યુનિકેશન સેટેલાઇટ્સ જોવા છે?

પૃથ્વીથી ૭૮૦ કિલોમીટરના અંતરે, નીચી ભ્રમણકક્ષામાં ફરતા આ સેટેલાઇટ્સ આપણા માથેથી પસાર થાય ત્યારે તેની ત્રણ ફ્લેટ એન્ટેનામાંની કોઈ એક પર સૂર્યનાં કિરણો પડતાં થતો પ્રકાશનો તેજ ઝબકારો થોડી સેકન્ડ માટે આપણે નરી આંખે જોઈ શકીએ છીએ!

આવા ઝબકારા માટે, કયા દિવસે, કેટલા વાગ્યે, અગાશીએ જઈને કઈ દિશામાં જોવું એની સચોટ માહિતી આપે છે આઇએસએસ ડિટેક્ટર નામની એક એપ. મૂળ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટરને નરી આંખે જોવામાં મદદરૂપ થતી આ એપના ઉપયોગની સંપૂર્ણ માહિતી માટે જુઓ ‘સાયબરસફર’નો માર્ચ ૨૦૧૫ અંકનો આ લેખઃ અગાશીએથી અવકાશદર્શન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!