આગળ શું વાંચશો?
- એક્સ (ટ્વીટર)માં આવે છે વોઇસ/વીડિયો કોલિંગ સાથે સર્વિસ પેઇડ થવાની શક્યતા
- ઇન્સ્ટાગ્રામ પર રીલની લંબાઈ વધવાની શક્યતા
- વોટ્સએપમાં અન્ય મેસેજિંંગ એપ્સનો ઉપયોગ!
- લિંક્ડઇન, એક્સમાં પાસકી સપોર્ટ આવે છે
જે રીતે આપણને વોટ્સએપમાંથી આપણા કોન્ટેક્ટ્સને વોઇસ અને વીડિયો કોલ કરવાની સુવિધા મળી ગઈ છે, કંઈક એવી જ સુવિધા હવે ટ્વીટર-એક્સમાં પણ આવે તેવી શક્યતા છે.
અગાઉના ટ્વીટર અને હવેના એક્સ પ્લેટફોર્મ પર એક નવું અને નોંધપાત્ર ફીચર ઉમેરાવાની શક્યતા છે. ઇલોન મસ્કે જાહેર કર્યું છે કે એક્સ પર ટેકસ્ટ, ઇમેજ કે વીડિયોની ફટાફટ આપ-લે ઉપરાંત હવે કોલિંગ પણ કરી શકાશે. મતલબ કે એક્સના યૂઝર્સ એકબીજા સાથે ફોન નંબર શેર કર્યા વિના એકમેક સાથે ઓડિયો અને વીડિયો કોલ કરી શકશે. આ ફીચર ડાઇરેક્ટ મેસેજના મેનૂમાં જોવા મળશે. આ ફીચર એન્ડ્રોઇડ, આઇઓએસ, પીસી તથા મેક એમ બધા પ્લેટફોર્મ પર ચાલશે.
બીજી તરફ, એક્સના સર્વેસર્વા ઇલોન મસ્કે હમણાં એક નવો ધડાકો કર્યો છે – એ પણ ઇઝરાયેલના પીએમની હાજરીમાં, એક લાઇવ-સ્ટ્રીમ્ડ ઇવેન્ટમાં.
મસ્કે કહ્યું કે થોડા સમયમાં એક્સ કદાચ ફ્રી પ્લેટફોર્મ નહીં રહે, તેનો ઉપયોગ કરતા દરેકેદરેક યૂઝરે એક નાની રકમ દર મહિને ચૂકવવી પડશે!
ટ્વીટર પર અસલી યૂઝરને બદલે બોટ્સથી સંચાલિત બનાવટી એકાઉન્ટ્સની ભીડ વધી ગઈ છે, તેની અસર કંપનીની એડ રેવન્યૂ પર થઈ રહી છે. તેનો સામનો કરવા, દરેક નવું એકાઉન્ટ ક્રિએટ કરતી વખતે યૂઝરે નવા ક્રેડિટ કાર્ડ કે અન્ય નવી પેમેન્ટ મેથડ આપવી પડે એવી જોગવાઈ કંપની વિચારે છે. તેની પેઇડ સર્વિસ ‘ટ્વીટર બ્લુ’ને બહુ નબળો પ્રતિસાદ મળ્યો છે. હજી હમણાં જ એક્સ સામે લોન્ચ થયેલી મેટાની થ્રેડ્સ એપ પોપ્યુલર થઈ નથી, પણ એક્સ પેઇડ થાય તો તેનો મફત વિકલ્પ તૈયાર છે! વોટ્સએપની ફ્રી ચેનલ્સ પર ચેનલ ક્રિએટર્સ અને ફોલોઅર્સની ભીડ થવા લાગી છે (ભલે તે એક્સ કરતાં બિલકુલ અલગ છે). એ સ્થિતિમાં, એક્સ પેઇડ થાય તો તમે તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશો ખરા?!

ઇન્સ્ટામાં તમે પોતે રીલ્સ પોસ્ટ કરતા હો કે પછી અન્ય લોકોની રીલ્સ જોવાની મજા લેતા હો, તમને ગમે તેવા એક સમાચાર – રીલ્સની સમય મર્યાદા કદાચ ટૂંક સમયમાં ૧૦ મિનિટની થશે. અત્યારે ઇન્સ્ટાગ્રામ પર ૯૦ સેકન્ડની મર્યાદામાં રીલ અપલોડ કરી શકાય છે. હવે ટિકટોક અને યુટ્યૂબ સાથે હરીફાઈ કરવા માટે ઇન્સ્ટાગ્રામ પૂરી ૧૦ મિનિટની રીલ અપલોડ કરવાની સગવડ આપે તેવી શક્યતા છે.
છેલ્લા થોડા સમયમાં વોટ્સએપમાં સંખ્યાબંધ નવાં ફીચર્સ ઉમેરાયાં છે અને હવે તેમાં હજી એક ઘણો મોટો ફેરફાર થવાની શક્યતા છે – કદાચ આપણે વોટ્સએપમાંથી જ અન્ય મેસેજિંગ એપ્સ, જેમ કે સિગ્નલ, ટેલિગ્રામ વગેરેનો ઉપયોગ કરી શકીશું!
આ ફેરફારનું કારણ એ છે કે યુરોયિપન યુનિયન ઇન્ટરનેટ પરની વિવિધ સર્વિસ માટે નવો કાયદો લાવી રહ્યું છે. આ નવો કાયદો ‘ડિજિટલ માર્કેટ્સ એક્ટ (ડીએમએ) તરીકે ઓળખાય છે અને તે ઇન્ટરનેટની છ સૌથી મોટી કંપનીઓને લાગુ થશે.

તમને યાદ હોય તો ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) વ્યવસ્થા પોપ્યુલર થઈ એ પહેલાં વિવિધ કંપનીના મોબાઇલ વોલેટ્સ ચલણમાં હતાં. એ બધાંની તકલીફ એ હતી કે તે ‘ઇન્ટરઓપરેબલ’ નહોતાં. એટલે કે આપણા મોબાઇલમાં કોઈ એક કંપનીનું મોબાઇલ વોલેટ હોય તો સામેની વ્યક્તિના મોબાઇલમાં એ જ કંપનીનું મોબાઇલ વોલેટ હોય તો જ બંને વચ્ચે રૂપિયાની આપ-લે થઈ શકે. યુપીઆઇ વ્યવસ્થાને કારણે એ બધી તકલીફો દૂર થઈ ગઈ.
અત્યારે ઇન્ટરનેટ પર મેસેજિંગ બાબતે લગભગ એવી જ સ્થિતિ છે. વોટ્સએપ પર મેસેજની આપ-લે કરવા માટે સામસામેના પક્ષે મોબાઇલમાં વોટ્સએપ હોવી જોઇએ. કંઈક એવું જ એપલના આઇમેસેજ બાબતે અને અન્ય મેસેજિંગ એપ બાબતે છે.
યુરોપિયન યુનિયન આવી વિવિધ પ્રકારની મોનોપોલી તોડવા માગે છે. એ માટેના કાયદાને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં થર્ડ પાર્ટી એપ્સને સાંકળી લેવાનું ફરજિયાત બનશે. વોટ્સએપે એ દિશામાં કામ શરૂ પણ કરી દીધું છે. જોકે આવું ખરેખર કેવી રીતે શક્ય બનશે એ વિશે અત્યારે કોઈ જ સ્પષ્ટતા નથી. વોટ્સએપમાં અન્ય મેસેજિંગ એપ તરફથી આવતા મેસેજ કેવી રીતે દેખાશે, આપણે ખરેખર અલગ અલગ એપ વચ્ચે એક જ એપમાંથી મેસેજની આપલે કેવી રીતે કરી શકીશું, એનક્રિપ્શનનું શું થશે, કઈ કઈ એપ એકબીજા સાથે ઇન્ટિગ્રેટ થશે, ભારતમાં પણ આવી સવલત મળશે કે કેમ, વગેરે અત્યારે માત્ર સવાલો છે, તેના જવાબો નથી.

‘સાયબરસફર’માં આપણે વિવિધ એકાઉન્ટમાં પાસવર્ડ વિના લોગઇન થવાની સગવડ આપતા ‘પાસકી’ ફીચર વિશે વાત કરી ગયા છીએ. પ્રારંભિક સેટિંગ કર્યા પછી આપણે આ ફીચરને સપોર્ટ કરતી વિવિધ સર્વિસમાં ફોન કે લેપટોપમાં ફિંગરપ્રિન્ટની મદદથી ફટાફટ લોગઇન કરી શકીએ છીએ.
ગૂગલ અને એપલના એકાઉન્ટ્સમાં આ સુવિધા આવી ગઈ છે. હવે તે લિંક્ડઇન અને એક્સમાં પણ આવી જાય તેવી શક્યતા છે. અલબત્ત આ ફીચર ક્યારે આવશે તેની સ્પષ્ટતા નથી.
