
આખરે વોટ્સએપમાં ‘ચેનલ્સ’ ફીચર ઉમેરાઈ ગયું છે. તમે તમારા ફોનમાં વોટ્સએપ અપડેટ કરી લેશો તો તેમાં ઉપર કે નીચેના ભાગમાં મેનૂ બારમાં ‘સ્ટેટસ’ની જગ્યાએ ‘અપડેટ્સ’ લખેલું જોવા મળશે. તેને ક્લિક કરશો એટલે આપણા કોન્ટેક્ટ્સમાંના લોકોએ અપલોડ કરેલ સ્ટેટસ જોવા મળશે અને તેની સાથોસાથ ‘ચેનલ્સ’ ફીચર ઉમેરાઈ ગયું હોવાની નોંધ પણ જોવા મળશે.
એવું બની શકે કે તમને આ ફેરફાર હજી જોવા ન મળે કેમ કે વોટ્સએપમાં આ ફેરફાર યૂઝર્સને વારાફરતી મળી રહ્યો છે. વોટ્સએપે થોડા સમય પહેલાં ફક્ત બે દેશમાં ચેનલ્સ ફીચર લોન્ચ કર્યું હતું. એ પછી તેને દસેક દેશોમાં વિસ્તારવામાં આવ્યું અને હવે ભારત સહિત એક સાથે ૧૫૦ દેશોમાં તેને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. શરૂઆતમાં કંપનીએ વિવિધ સેલિબ્રિટિઝ સાથે ટાઇ-અપ કરીને તેમની ચેનલ્સ ક્રિએટ કરી છે અને અન્ય સરેરાશ યૂઝર્સને આ બધી ચેનલ ફોલો કરવાની સગવડ આપી છે. તેની સાથોસાથ તમામ યૂઝરને પણ વારાફરતી વોટ્સએપ પર પોતાની ચેનલ ક્રિએટ કરવાની સગવડ મળવા લાગી છે.
વોટ્સએપમાં સ્ટેટસ સેક્શન સાથે જ નવી ચેનલ્સ ઉમેરાઈ છે. અહીંથી આપણે ગમતી ચેનલ શોધી તેને ફોલો કરી શકીએ. હવે લગભગ બધા યૂઝર્સ પોતાની ચેનલ ક્રિએટ કરી શકે છે. પરંતુ અત્યારે માત્ર સેલિબ્રિટિઝની ચેનલ્સ સર્ચ કરી શકાય છે. નજીકના સમયમાં વોટ્સએપ કંપની ચેનલ્સમાંથી કમાણીના રસ્તા શોધશે એ પણ નક્કી છે!
અત્યારે વોટ્સએપ દ્વારા માત્ર અમુક યૂઝર્સને તેમનું એકાઉન્ટ વેરિફાઇડ હોવાનું દર્શાવતું ગ્રીન ટિક આપવામાં આવ્યું છે. આ લખાઈ રહ્યું છે ત્યારે માત્ર વેરિફાઇડ એકાઉન્ટની ચેનલને સર્ચ કરીને ફોલો કરી શકાય છે. અન્ય ચેનલને ફોલો કરવાની લિંક આપણને મળે તો તેને ફોલો કરી શકાય છે.
ચેનલ્સ સાથે વોટ્સએપ પણ હવે અન્ય સોશિયલ મીડિયાની હરોળમાં આવે છે ત્યારે, આ નવા ચેનલ ફીચર વિશે તથા બીજી કેટલીક વાતો પણ સમજીએ.
વોટ્સએપ અલગ કઈ રીતે છે?
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર વગેરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘વન-ટુ-મેની’ પ્રકારના કમ્યુનિકેશન માટે ડિઝાઇન થયેલાં છે. તેમાં એકમેકનો સંપર્ક અને બિઝનેસ/સર્વિસનું પ્રમોશન બંને વાત એવી સરસ રીતે ગૂંથાયેલી છે કે સોશિયલ મીડિયાની જોરદાર હવા ઊભી થઈ છે.
બીજી તરફ, વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ મુખ્યત્વે ‘વન-ટુ-વન’ પ્રકારના કમ્યુનિકેશન માટે ડિઝાઇન થયેલી છે. તેમાં ગ્રૂપ્સ અને બ્રોડકાસ્ટ લિસ્ટ જેવી સર્વિસ ખરી, પણ મર્યાદિત પ્રમાણમાં.

બંને પ્રકારના પ્લેટફોર્મની આગવી મજા છે, પણ વોટ્સએપનો ઉપયોગ સતત વધતો જાય છે. એમાંય ભારત જેવા દેશમાં વોટ્સએપ અત્યંત પોપ્યુલર છે અને આખી દુનિયામાં તેના યૂઝર્સની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે. મિત્રો, સ્વજનો સાથે અન્ય સોશિયલ મીડિયાની સરખામણીમાં ઘણી પ્રાઇવસી સાથે લાઇવ કોન્ટેક્ટમાં રહેવાનો આ મજાનો રસ્તો લોકોને ગમી ગયો છે.
એ સાથે, પર્સનલ ઉપયોગ ઉપરાંત બિઝનેસ માટે પણ તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે. વોટ્સએપની સતત વધતી લોકપ્રિયતા જોઈને જ ફેસબુકની માલિક મેટા કંપનીએ તોતિંગ કિંમતે વોટ્સએપ કંપની ખરીદી લીધી હતી.
ત્યારથી અત્યાર સુધી કંપનીએ વોટ્સએપમાંથી કમાણી કરવાના નાના મોટા પ્રયાસો કર્યા છે. પરંતુ એપની મૂળ ખાસિયતો હજી જાળવી રાખી છે.
જોકે છેલ્લા કેટલાક સમયથી વોટ્સએપના મોનેટાઇઝેશન તરફ મેટા કંપનીએ વધુ ને વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું છે. એ દિશામાં આગળ વધતાં ગયા મહિને કંપનીએ વોટ્સએપ પર ટેલિગ્રામ એપ જેવા ‘ચેનલ’ ફીચરની જાહેરાત કરી છે.
ચેનલ્સથી વોટ્સએપમાં પણ અન્ય સોશિયલ મીડિયા જેવું, અનલિમિટેડ ‘વન-ટુ-મેની’ કમ્યુનિકેશન શક્ય બનશે.
રેગ્યુલર યૂઝર તરીકે આપણને અને નાના-મોટા બિઝનેસને ચેનલ્સ કઈ રીતે ઉપયોગી થશે એ પણ થોડું સમજીએ.
વોટ્સએપમાં શું ખૂટતું હતું?
અત્યાર સુધી અન્ય સોશિયલ મીડિયા અને વોટ્સએપમાં એક મહત્ત્વનો તફાવત હતો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે સોશિયલ સાઇટ્સ પર આપણે કોઈને ફોલો કરીએ એ પછી તેમણે અપલોડ કરેલું કન્ટેન્ટ આપણને અચૂક દેખાય તેવી ખાતરી નહોતી. કારણ કે આપણને કયું કન્ટેન્ટ બતાવવું તે નક્કી કરવાની દરેક સોશિયલ મીડિયા સાઇટની બહુ અટપટી પદ્ધતિઓ હોય છે અને તેમાં સતત ફેરફાર થતા રહેતા હોય છે.

બીજી બાજુ વોટ્સએપમાં આપણે કોઈ પણ વ્યક્તિ કે ગ્રૂપમાં મેસેજ મોકલીએ એટલે તે જે તે વ્યક્તિ અથવા ગ્રૂપમાં અચૂક દેખાય.
એ વ્યક્તિ કે ગ્રૂપમાંના બધા લોકો આપણો મેસેજ ન જુએ કે વહેલા મોડો જુએ તે અલગ વાત, પરંતુ આપણો મેસેજ તેમના ડિવાઇસ સુધી પહોંચી જાય ખરો. જો આપણે એક સાથે સંખ્યાબંધ લોકોને પોતાની વાત પહોંચાડવી હોય તો ગ્રૂપ્સ કે બ્રોડકાસ્ટ લિસ્ટની સગવડ ખરી, પરંતુ તેમાં અગાઉ તો માત્ર ૨૫૬ સભ્યોની મર્યાદા હતી. પછી વોટ્સએપમાં ‘કમ્યુનિટિઝ’ ફીચર આવ્યું. જેને કારણે આપણે વિવિધ ગ્રૂપની એક કમ્યુનિટી બનાવી શકીએ. પરંતું તેની પહોંચ પણ મર્યાદિત છે.
ચેનલ્સમાં અલગ શું છે?
ચેનલથી આખી વાત ઘણે અંશે બદલાય છે. હવે વોટ્સએપમાં એક સાથે હજારો કે લાખો (વોટ્સએપ કહે છે તેમ અનલિમિટેડ!) લોકોને એક ક્લિકમાં મેસેજ મોકલી શકાય છે. શરત માત્ર એટલી કે એટલી સંખ્યામાં લોકો પોતાની ઇચ્છાથી આપણી ચેનલમાં જોડાયેલા હોવા જોઇએ.
આપણે વોટ્સએપમાં પોતાની ચેનલ ક્રિએટ કરીએ એ પછી અન્ય લોકો અપડેટ્સના પેજ પર જઈને આપણી ચેનલ શોધી શકે છે (અત્યારે માત્ર વેરિફાઇડ એકાઉન્ટની ચેનલ સર્ચ કરી શકાય છે). અથવા આપણે પોતે ચેનલની લિંક ક્રિએટ કરીને કોઈ પણ રીતે અન્ય લોકોને તે શેર કરી શકીએ છીએ. લોકો તેને ક્લિક કરીને આપણી ચેનલમાં જોડાઈ શકે. એ પછી આપણે ચેનલમાં અલગ અલગ રીતે કન્ટેન્ટ પોસ્ટ કરતા રહેવાનું. અત્યારે ટેકસ્ટ, ઇમેજ, વીડિયો અને પોલ પોસ્ટ કરી શકાય છે. આ કન્ટેન્ટ ૩૦ દિવસ સુધી ચેનલમાં જોઈ શકાય છે. લોકોને તેમની વોટ્સએપ એપમાં અપડેટ્સ સેકશનમાં તેઓ જે ચેનલને ફોલો કરતા હોય તેની યાદી જોવા મળે અને તેમાં કઈ ચેનલમાં નવું કન્ટેન્ટ મૂકાયું છે, જે તેમણે હજી વાંચ્યું નથી એ પણ જોવા મળે.
પ્રાઇવસી પર ભાર

વોટ્સએપમાં ચેનલ્સમાં પણ પ્રાઇવસી પર ખાસ્સો ભાર મૂકવામાં આવ્યો છે. ચેનલ્સ અને આપણા મિત્રો, સ્વજનો સાથેની ચેટ બિલકુલ અલગ રહે છે. પરંતુ ચેનલ્સમાં મુકાતું કન્ટેન્ટ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ નથી. એટલે કે તેને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે. આપણા કોન્ટેક્ટમાં ન હોય તેવી વ્યક્તિ પણ આપણી ચેનલ સુધી પહોંચીને તેમાંનું કન્ટેન્ટ જોઈ શકે છે. એ તેમને રસપ્રદ કે ઉપયોગી લાગે તો ચેનલના નામ સાથેના પ્લસ પર ક્લિક કરીને તેને ફોલો કરી શકે છે.

ચેનલમાંનું કન્ટેન્ટ ફોરવર્ડ કરી શકાય, તેના પર ઇમોજીથી રિએક્ટ પણ કરી શકાય, પરંતુ ચેનલમાંથી એડમિનને રિપ્લાય મોકલી શકાય નહીં. વોટ્સએપ ચેનલ જેણે ક્રિએટ કરી હોય તે એડમિનનો ફોન નંબર કોઈ જાણી શકતું નથી. એ જ રીતે તમે કોઈ ચેનલને ફોલો કરો તો તમારું નામ કે ફોન નંબર એડમિનને મળતા નથી. ચેનલને ફોલો કરતી દરેક વ્યક્તિ એકમેકથી અજાણ રહે છે (અન્ય સોશિયલ મીડિયામાં આપણે કંઈ પણ એકશન લઇએ તો એ દુનિયા આખી જાણી શકે છે!). ચેનલમાં હજી વધુ ફીચર્સ આવી રહ્યાં છે!
હવે મેટા કંપનીને વોટ્સએપમાંથી કમાણી કરવાની ઉતાવળ જાગી છે – ટૂંકી વાત આટલી જ છે. કંપનીની ઉતાવળ સમજી શકાય એવી પણ છે. ૨૦૧૪માં, લોકોની બદલાતી પસંદ પારખીને ફેસબુકે ૧૯ અબજ ડોલરમાં વોટ્સએપ એપ ખરીદી લીધી હતી. રૂપિયામાં ગણવા માટે ૧૯ અબજને આશરે ૮૦થી ગુણી નાખો! ૨૦૧૪માંથી આજે ૨૦૨૩ છે અને ફેસબુક કંપનીએ વોટ્સએપમાંથી લગભગ કોઈ કમાણી કરી નથી.

આપણે તો ગુજરાતી, એટલે આટલી તોતિંગ રકમનું વ્યાજ દર વર્ષે કેટલું ચડે એ પણ વિચારો!
એટલે જ હવે મેટા કંપનીને વોટ્સએપમાંથી કમાણી કરવાની ઉતાવળ છે!
છતાં વોટ્સએપનો મૂળ યૂઝરબેઝ, એટલે કે આપણે સૌ, તેનાથી દૂર ન જઈએ એ પણ જોવું પડે તેમ છે. એ રીતે કંપની વોટ્સએપનો ઉપયોગ વિસ્તારી રહી છે અને તેમાંથી કમાણીના રસ્તા પણ ધીમે ધીમે ઉમેરી રહી છે. બીજી તરફ, વોટ્સએપના સતત વધતા વ્યાપને કારણે નાના-મોટા બિઝનેસને પણ પ્રમોશન અને કસ્ટમર સર્વિસ માટે વોટ્સએપના ઉપયોગમાં ઊંડો રસ જાગ્યો છે.
આવનારા સમયમાં વોટ્સએપ કંપની આ ડિરેકટરીમાં વિવિધ ચેનલ ક્રિએટર્સ પાસેથી રૂપિયા લઇને તેમની ચેનલને પ્રમોટ કરી આપે તેવી શક્યતા છે.
આ બધામાં, રેગ્યુલર વોટ્સએપમાં ઉમેરાયેલી ચેનલ્સ એવું ફીચર છે, જેમાંથી વોટ્સએપ કંપની કમાણી કરવાનું વિચારે છે – અલબત્ત, સામાન્ય યૂઝર્સ પાસેથી નહીં, પણ બિઝનેસ અને કન્ટેન્ટ્સ ક્રિએટર્સ પાસેથી.
એ નક્કી છે કે વોટ્સએપ પર ચેનલ ક્રિએટ કરનારા કન્ટેન્ટ ક્રિએટર્સની ભીડ જામશે. આવી ભીડમાં લોકો તેમને મનગમતી ચેનલ સુધી કેવી રીતે પહોંચે? એક રસ્તો એ છે કે ચેનલ ક્રિએટર્સ પોતાની ચેનલની લિંક ક્રિએટ કરે અને આ લિંક તેઓ પોતાની વેબસાઇટ પર, અન્ય સોશિયલ પ્લેટફોર્મ પર કે ઇમેઇલ કે સાદા વોટ્સએપ મેસેજ વગેરે પર શેર કરેઅને લોકો તેના પર ક્લિક કરીને તે ચેનલને વોટ્સએપમાં ફોલો કરે.
બીજા રસ્તા તરીકે વોટ્સએપ કંપનીએ પોતે ચેનલ ક્રિએટર્સની ડિરેકટરી તૈયાર કરી છે. એ અપડેટ સેકશનમાં જ જોવા મળી રહી છે. તે લિસ્ટમાંથી લોકો તેમને ઉપયોગી કન્ટેન્ટ આપતી ચેનલ શોધીને તેમાં જોડાઈ શકશે.
અહીં કંપનીની કમાણીની વાત આવે છે. આવનારા સમયમાં વોટ્સએપ કંપની આ ડિરેકટરીમાં વિવિધ ચેનલ ક્રિએટર્સ પાસેથી રૂપિયા લઇને તેમની ચેનલને પ્રમોટ કરી આપે તેવી શક્યતા છે ( જે રીતે અન્ય ઓનલાઇન ડિરેક્ટરી સર્વિસમાં પેઇડ પ્રમોશન થઈ શકે છે, બરાબર એ જ રીતે). ફાયદો વોટ્સએપ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને યૂઝર્સ – બધાનો!
કન્ટેન્ટ ક્રિએટર્સને ચેનલમાંથી કમાણીના રસ્તા પણ મળશે

વોટ્સએપ કંપનીએ પોતાના બ્લોગમાં માત્ર અણસાર આપ્યો છે કે ચેનલ ફીચરને મોનેટાઇઝ કરવાના વિવિધ રસ્તાઓ પર પણ કામ ચાલી રહ્યું છે. આ મોનેટાઇઝેશન વોટ્સએપ કંપની માટે તથા ચેનલના ક્રિએટર્સ બંનેને કમાણી કરાવે તેવું હશે.
આપણે એવું અનુમાન બાંધી શકીએ કે ચેનલના ક્રિએટર્સ તેમની ચેનલને ફોલો કરવા માટે ફ્રી અને પેઇડ બંને મોડેલ અપનાવી શકશે.
મતલબ કે અમુક કન્ટેન્ટ તદ્દન ફ્રી હોય અને તેનું અન્ય લોકો સાથે સહેલાઈથી શેરિંગ પણ કરી શકાય. જ્યારે કેટલુંક કન્ટેન્ટ પેઇડ રહેશે. જેનો લાભ જે તે ચેનલ માટેનું સબસ્ક્રિપ્શન ભરીને જોડાનારા લોકોને જ મળશે અને એ કન્ટેન્ટને તેઓ અન્ય લોકો સાથે સહેલાઈથી શેર કરી શકશે નહીં.
અત્યારે ત્રણેક રીતે વોટ્સએપનો ઉપયોગ શક્ય છે

રેગ્યુલર વોટ્સએપ એપ: આપણે સૌ જેનો ઉપયોગ કરીએ છીએ તે, બિલકુલ ફ્રી. કોઈ જાહેરાત પણ નહીં. તેમાં એકથી વધુ લોકો સુધી પહોંચવા માટે ગ્રૂપ, બ્રોડકાસ્ટ વગેરે સગવડ ખરી, પણ મર્યાદિત પ્રમાણમાં.

વોટ્સએપ બિઝનેસ એપ: બધું લગભગ રેગ્યુલર વોટ્સએપ જેવું પણ મેસેજને લેબલ કરવા, પ્રોડક્ટ્સના કેટેલોગ બનાવવા વગેરે જેવી વધારાની સગવડો મળે. તો પણ બધું ફ્રી. હવે તેમાં પેમેન્ટ સ્વીકારવાના નવા રસ્તા ઉમેરાઈ રહ્યા છે.

વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ: આમાં બિઝનેસ પ્રમોશન, કસ્ટમર સપોર્ટ માટે વોટ્સએપનો, અલહ રીતે પોતાની નાની-મોટી ટીમ દ્વારા ઉપયોગ કરી શકે છે. આ સર્વિસ પ્રમાણમાં અટપટી, મોંઘી છે અને વોટ્સએપે તેના ચાર્જ હજી વધાર્યા છે!


