નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે વ્યક્તિગત ઇન્કમટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ છે. જો તમારા તમામ દસ્તાવેજો તૈયાર હોય તો તમે હવે સરળતાથી તમારું ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન ભરી શકો છો, કારણ કે ૨૦૧૭-૧૮ના એસેસમેન્ટ યર માટેના તમામ ઇન્કમટેક્સ રિટર્ન ફોર્મ હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ઇ-ફાઇલિંગ વેબસાઇટ https://incometaxindiaefiling.gov.in/ પર ઉપલબ્ધ થઈ ગયા છે.
ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે પહેલી એપ્રિલથી આ માટેના વિવિધ ફોર્મ સાઇટ પર અપલોડ કરવાનું શરૂ કરી દીધું હતું. અગાઉ ઇન્કમટેક્સ રિટર્ન માટેના ફોર્મની સંખ્યા ૯ હતી તે હવે ઘટીને ૭ થઈ છે.
ઓનલાઇન ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે આટલું ધ્યામાં રાખશો :
ઇ-ફાઇલિંગ અનિવાર્ય
હવે લગભગ તમામ પ્રકારની કેટેગરીમાં આવતા લોકોએ ઇન્કમટેક્સ રિટર્ન ઓનલાઇન ફાઇલ કરવાના રહે છે. માત્ર ૮૦ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝન કે રૂપિયા પાંચ લાખ કરતાં ઓછી આવક ધરાવતા અને આવક પર કોઈ રિફંડનો દાવો ન કરનાર વ્યક્તિ કે હિંદુ અનડિવાઇડેડ ફેમિલી (એચયુએફ) પોતાનું રિટર્ન ફિઝિકલ સ્વરૂપમાં ફાઇલ કરી શકે છે.
સરળ આઇટીઆર ફોર્મ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ આઇટીઆર ફોર્મ્સ થોડાં વધુ સરળ બનાવ્યાં છે. આઇટીઆર ફોર્મની સંખ્યા ઘટાડવામાં આવી છે તથા તેમની ડિઝાઇન તથા ફોર્મેટને પણ સરળ બનાવવામાં આવેલ છે. જેમ કે, વર્ષે માત્ર પગાર દ્વારા અને ફક્ત એક હાઉસ પ્રોપર્ટીમાંથી રૂપિયા પચાસ લાખ સુધીની આવક મેળવતા લોકો હવે માત્ર એક પેજનું સરળ આઇટીઆર ફોર્મ-૧ (સહજ)નો ઉપયોગ કરીને રિટર્ન ફાઇલ કરી શકે છે.
આ ફોર્મમાં ટેક્સની ગણતરી અને તપાસ સંબંધિત ઘણા ભાગને વધુ સરળ બનાવવામાં આવ્યા છે, જેને કારણે વ્યક્તિઓ ઓછી તકલીફ સાથે રિટર્ન ભરી શકશે. આ ફોર્મને કારણે બે કરોડ જેટલા કરદાતાને લાભ થવાની શક્યતા છે.
રિટર્ન ઇ-ફાઇલ કેવી રીતે કરી શકાય?
- હંમેશની જેમ, આપણે કાં તો જાતે પોતાના આવકવેરાની ગણતરી કરીને, જાતે જ ઓનલાઇન રિટર્ન ભરી શકીએ છીએ અથવા એકાઉન્ટન્ટ કે સીએની મદદ લઈને, તેમના દ્વારા ઓનલાઇન રિટર્ન ભરી શકીએ છીએ.
- વર્તમાન વર્ષ માટે ઇ-ફાઇલિંગ પ્રોસેસમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આપણે બે રીતે આઇટીઆર ફાઇલ કરી શકીએ છીએ. પહેલી પદ્ધતિમાં ઘણી ખરી પ્રક્રિયા ઓનલાઇન છે. આ પદ્ધતિમાં આપણે સંબંધિત આઇટીઆર ફોર્મ ડાઉનલોડ કરીને પોતાના કમ્પ્યુટરમાં સેવ કરી શકીએ છીએ. આ ફોર્મ આપણે ઓફલાઇન રહીને ભરી શકીએ છીએ અને પછી ઓનલાઇન થઇને તેને ફાઇલ કરી શકીએ છીએ (આ જ અંકના બીજા લેખ અનુસાર, પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવાની પદ્ધતિ પણ આવી જ છે).
- આ માટે આપણી પાસે ઇન્કમટેક્સ ફાઇલિંગની વેબસાઇટ પર એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમે આવું એકાઉન્ટ ન ધરાવતા હો તો પોતાના પાન નંબરની મદદથી સરળતાથી એકાઉન્ટ ખોલાવી આઇડી અને પાસવર્ડ મેળવી શકો છો.
- લોગઇન થયા પછી ડાબી પેનલમાંથી સંબંધિત ફોર્મ પસંદ કરો અને સબમીટ રિટર્ન પર ક્લિક કરો. હવે તમને તમારા કમ્પ્યુટરમાં પહેલેથી ડાઉનલોડ કરેલ, ભરીને સેવ કરેલ એક્સએમએલ ફાઇલ પસંદ કરીને અપલોડ કરવાનું કહેવામાં આવશે. ફાઇલ સફળતાપૂર્વક અપલોડ થયા પછી તેના એક્નોલેજમેન્ટની વિગતો તમારા સ્ક્રીન પર જોવા મળશે.
- સંપૂર્ણ ઓનલાઇન પ્રોસેસમાં તમારે કોઈ ફોર્મ ડાઉનલોડ કરવાની જરૂર નથી, બધી વિગતો તૈયાર રાખી તેને લાગતું વળગતું ફોર્મ ઓનલાઇન ભરીને તેને સબમીટ કરી શકાય છે. અલબત્ત આ માટે પણ યૂઝર આઇડી અને પાસવર્ડની જરૂર પડશે. તમે ધારો તો કોઈ એજન્ટની મદદ વિના આ કામ કરી શકો છો.
