(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરશો?

તમે હજી પણ તમારો પાસપોર્ટ કઢાવ્યો નથી? પાસપોર્ટ નવો કઢાવવાનો હોય કે રીન્યુ કરવાનો હોય, આપણા શહેરમાં પાસપોર્ટ ઓફિસની બહાર લોકોની ભીડ અને લાઇન જોઈને આપણો ઉત્સાહ ઓસરી જતો હોય છે.

અગાઉ, આ કામ એજન્ટની મદદ વિના કરવું મુશ્કેલ હતું, પણ હવે પાસપોર્ટ માટે ઓનલાઇન અરજી કરવાનું ફરજિયાત થયા પછી, આખી વિધિ ઘણી સરળ બની ગઈ છે. ખાસ તો, જો તમારી પાસે જોઈતા દસ્તાવેજો તૈયાર હોય તો પાસપોર્ટ મેળવવો હવે ખરેખર ઘણો સરળ છે.

આ આખી વિધિ મુખ્ય ત્રણ પગલાંમાં પૂરી થાય છે:

  1. ઓનલાઇન અરજી કરી, નિશ્ચિત ફી ભરીને પાસપોર્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત માટેની તારીખ અને સમય નક્કી કરવાં
  2. એ તારીખ અને સમયે જરૂરી દસ્તાવેજોની અસલ અને નકલ સાથે જવું અને પોતાના બાયોમેટ્રિક્સ આપવા
  3. પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા પૂરી કરવી અને ટપાલ દ્વારા પાસપોર્ટ મેળવવો.

અહીં આપણે એ માટેની મુખ્ય બાબતો જાણી લઈએ.

  1. સૌથી પહેલાં www.passportindia.gov.in વેબસાઇટ પર જાઓ. જૂના જમાના પ્રમાણે ડિઝાઇન થયેલી આ સાઇટ યૂઝર ફ્રેન્ડલી નથી, પણ આખી પ્રક્રિયા પ્રમાણમાં ઘણી સરળ છે. જો તમારો કેસ કંઈક કોમ્પ્લીકેટેડ હોય (અટક કે નામ બદલ્યું હોય, પતિ-પત્નીના છૂટાછેડા હોય અને બાળકોનો પાસપોર્ટ કઢાવવાનો હોય કે કાયમી સરનામાનો પુરાવો ન હોય વગેરે) તો જ આ વિધિ એ મુજબ જટિલ બનશે અને તો તમારે આ સાઇટ પર આપેલી ગાઇડલાઇન્સ ફેંદવી પડશે. એ સિવાય તો આધાર કાર્ડ, જન્મ તારીખ તથા અભ્યાસના પુરાવા તૈયાર હશે તો અહીં આપેલી સામાન્ય માહિતી તમારા માટે પૂરતી છે.
  2. હોમપેજ પર ડાબી બાજુ લાલ રંગના ન્યુ યૂઝર? રજિસ્ટર નાઉ બટન પર ક્લિક કરો.
  3. અહીં તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ પસંદ કરી તમારું નામ, અટક, જન્મતારીખ, ઈ-મેઇલ આઇડી તથા લોગઇન આઇડી તથા જોઈતો પાસવર્ડ નક્કી કરીને રજિસ્ટ્રેશન કરો. લોગઇન તરીકે તમારું ઈ-મેઇલ આઇડી પસંદ કરી શકો છો અથવા નવું લોગઇન આઇડી પસંદ કરી શકો છો. પાસવર્ડ ભૂલી જાઓ તો તેને રીસેટ કરવા માટે એક હિંટ ક્વેશ્ચન અને તેનો જવાબ પણ અહીં આપવાનો રહેશે. પરિવારના એકથી વધુ લોકોના પાસપોર્ટ માટે એક સાથે અરજી કરવાની હોય તો તમે એક જ વ્યક્તિના યૂઝર રજિસ્ટ્રેશન પર એક સાથે વધુ અરજી કરી શકશો.
  4. રજિસ્ટ્રેશન પૂરું થયા પછી લોગઇન આઇડી અને પાસવર્ડ આપીને સાઇટમાં લોગઇન થાઓ. હવે નવા પાસપોર્ટ માટે એપ્લાય ફોર ફ્રેશ પાસપોર્ટ/રીઇસ્યુ ઓફ પાસપોર્ટ પર ક્લિક કરો.
  5. હવે આપણી પાસે બે વિકલ્પ છે. પાસપોર્ટ માટેની અરજીનું ફોર્મ પીસીમાં ડાઉનલોડ કરી અનુકૂળતાએ તે પૂરેપુરું ભરીને તેને સાઇટ પર અપલોડ કરવું અથવા ઓનલાઇન જ બધી વિગતો ભરીને ફોર્મ સબમીટ કરવું. ફોર્મ ડાઉનલોડ કરીને પછી તેને શાંતિથી ભરવું વધુ યોગ્ય રહેશે.પાસપોર્ટ ઇસ્યુ કરવાની વિધિ નિશ્ચિત સમયમાં પૂરી કરવાની હોવાથી, જો આપણા દસ્તાવેજો બરાબર હોય તો આખી પ્રક્રિયા પૂરી થતાં બહુ વાર લાગતી નથી. ખાસ તો, હવે તેમાં એજન્ટની જરૂર રહી નથી.
  6. પીસીમાં ડાઉનલોડ થયેલું ફોર્મ પીડીએફ ફાઇલ સ્વરૂ‚પે હશે. તેને ડબલ ક્લિક કરીને ઓપન કરશો પછી આ જ ફોર્મમાં વિગતો ભરી શકશો. આ ફોર્મમાં બહુ સાદી વિગતો ભરવાની હોય છે. ફોર્મ ભરતી વખતે, આધાર, પાન અને વોટર કાર્ડના નંબર લખવા માટે એ દસ્તાવેજો હાથવગા રાખવા જોઈશે. ઓનલાઇન ફોર્મ અપલોડ કરતી વખતે આ કોઈ દસ્તાવેજ કે ફોટોગ્રાફ સામેલ કરવાના હોતા નથી.
  7. આ ફોર્મ પૂરેપૂરું ભરી બધી, વિગતો તપાસી લેશો એટલે ફોર્મને વેલિટેડ કરીને સેવ કરવાનું બટન મળશે. તેને ક્લિક કરતાં, આપણું ફોર્મ એક્સએમએલ ફાઇલ સ્વરૂપે કમ્પ્યુટરમાં સેવ થશે. (‘એક્સએમએલ ફાઇલ એટલે કેવી ફાઈલ’, એ ચોક્કસ સાયબરસફરનો વિષય છે, પણ અહીં ફક્ત પાસપોર્ટની ઓનલાઇન વિધિની વાત કરીએ!). જેટલી વ્યક્તિઓ માટે પાસપોર્ટની અરજી કરવાની હોય એ તમામ માટે આ રીતે અલગ અલગ રીતે ફોર્મ ડાઉનલોડ કરી, વિગતો ભરીને એક્સએમએલ ફાઇલ તરીકે સેવ કરી લો. દરેક વ્યક્તિ માટે અલગ અલગ ફોલ્ડર બનાવી લેશો તો સરળતા રહેશે.
  8. હવે ફરી પાસપોર્ટની વેબસાઇટ પર જાઓ અને લોગઇન થાઓ. હવે તમે ઓફલાઇન સેવ કરેલ એક્સએમએલ ફાઇલ તથા સ્કેન કરેલા અન્ય ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના થશે. બધું યોગ્ય રીતે અપલોડ થઇ જશે એટલે તમારે પાસપોર્ટ એપ્લિકેશન ફી ઓનલાઇન ભરવાની રહેશે. તમે ડેબિટ/ક્રેડિટ કાર્ડ કે નેટબેકિંગ જેવી પદ્ધતિથી ફી ભરી શકશો. આ ફી ભરવા માટે આપણને પાસપોર્ટની સાઇટ પર પેમેન્ટ ગેટવે પર લઈ જવામાં આવશે.
  9. ફી ભરાઇ ગયા પછી આપણે પરત પાસપોર્ટની સાઇટ પર આવીશું. અહીં તમે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસ કે પાસપોર્ટ સેવા કેન્દ્ર પસંદ કરીને તેમાં રૂબરૂ મુલાકાત માટેની તારીખ અને સમય પસંદ કરી શકશો. આટલું પૂરું કરતાં તમને એક ઓનલાઇન રીસિપ્ટ મળી જશે.
  10. રીસિપ્ટમાં જણાવ્યા અનુસારના દિવસ અને સમયે પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવાની રહેશે. હવે નિશ્ચિત તારીખ અને સમયે જ જવાનું હોવાથી પાસપોર્ટ ઓફિસે લાંબી લાઈન થતી નથી. ફક્ત, દિવસના જુદા જુદા સમયે લોકોની લાઇન જોઈને, આપણને આખો દિવસ તપ કરવું પડે છે એવો ભ્રમ થાય છે!
  11. પાસપોર્ટ ઓફિસમાં દાખલ થતાં, સૌથી પહેલાં તમારી અરજી અનુસાર તમારા દસ્તાવેજો તપાસવામાં આવશે. ઘણા લોકો અપરૂતા દસ્તાવેજો લઈને આવતા હોવાથી અને દસ્તાવેજો તપાસનાર ક્લાર્ક કક્ષાના હોવાથી આ પ્રક્રિયા લાંબી અને કંટાળાજનક બનશે!
  12. જો તમારા ઉચ્ચ અભ્યાસના પુરાવા તરીકે માર્કશીટ કે ડીગ્રી સર્ટિફિકેટ સામેલ નહીં કર્યું હોય તો તમને ઇસીઆર કેટેગરીમાં પાસપોર્ટ મળશે. આ કેટેગરીમાં ગલ્ફ જેવા અમુક ચોક્કસ દેશોમાં જો તમારે જવાનું થાય ત્યારે દરેક પ્રવાસ પહેલાં મુંબઈ કે દિલ્હી ધક્કો ખાઇને અમુક ખાસ મંજૂરી મેળવવી પડશે. આથી ભૂલ્યા વગર ઉચ્ચ અભ્યાસના પુરાવા સાથે રાખશો. ઓનલાઇન એપ્લિકેશનની પહોંચ અને તમામ દસ્તાવેજની અસલ તથા ત્રણેક જેટલી નકલ અચૂક સાથે રાખશો. ઓનલાઇન એપ્લિકેશનની પહોંચ વગર પાસપોર્ટ ઓફિસમાં દાખલ પણ થઇ શકાશે નહીં. આ તબક્કા સુધી આપણે કોઈ પાસપોર્ટ ફોટોગ્રાફ લઇ જવાની જરૂર નથી.
  13. સામાન્ય રીતે, આધાર કાર્ડથી આખી પ્રક્રિયા વધુ ઝડપી બને છે.
  14. પતિ અને પત્નીના પાસપોર્ટના કિસ્સામાં તમારે મેરેજ સર્ટિફિકેટ અથવા તેની એફિડેવિટ આપવાની રહેશે. આ માટે વેબસાઇટ પરથી જ એક ડેકલેરેશન ફોર્મ ડાઉનલોડ કરીને તેમાં પતિ-પત્ની બંનેની સહી તથા બંનેના આધાર કાર્ડ (બંને માટે કુલ ૨ સેટ) સામેલ કરશો તો તે પૂરતું છે. આ સેલ્ફ એફિડેવિટ છે એટલે તેને સ્ટેમ્પ પેપર પર લેવાની કે નોટરાઇઝડ કરવાની જરૂર નથી.
  15. પાસપોર્ટ માટે ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, તમે એસએમએસ અપડેટ્સ માટે હા કહી હશે તો દરેક તબક્કે, પ્રક્રિયા ક્યાં પહોંચી છે તેની તમને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે અને પાસપોર્ટ ઓફિસની રૂબરૂ મુલાકાત વખતે તેની ૪૦ રૂપિયા જેટલી ફી રોકડથી ચૂકવવી પડશે.
  16. પાસપોર્ટ ઓફિસમાં આપણા દસ્તાવેજો તપાસાઇ જાય પછી બીજા વિભાગમાં જવાનું થશે. અહીં આપણો ફોટોગ્રાફ તથા ફિંગર પ્રિન્ટ વગેરે બાયોમેટ્રિક આઇડેન્ટિફિકેશન લેવામાં આવશે તથા જરૂરી દરેક અલગ દસ્તાવેજ  સ્કેન કરીને આપણી અરજીના ડિજિટલ ફોલ્ડરમાં ઉમેરવામાં આવશે. ત્યાર પછીના વિભાગમાં આ બધી બાબતો ફરી એક વાર તપાસવામાં આવશે. બધી પ્રક્રિયા પૂરી થયા પછી પહોંચ આપવામાં આવશે. આ પ્રક્રિયા સામાન્ય રીતે બહુ લાંબો સમય લેતી નથી.
  17. હવે આપણા વિસ્તારના પોલીસ સ્ટેશનમાંથી આપણને પોલીસ તપાસ માટે બોલાવવામાં આવશે ત્યારે આપણી પાસપોર્ટ એપ્લિકેશનની પહોંચ, બધા દસ્તાવેજોની કોપી તથા પાસપોર્ટ ફોટોગ્રાફ લઈ જવાના રહેશે. આ સમયે આપણી ઓળખ માટે આપણા પડોશીને તેમની ઓળખના દસ્તાવેજો સાથે લઇ જવાના રહેશે (પાસપોર્ટના નવા નિયમો મુજબ, હવે પોલીસ તપાસ અગાઉ પાસપોર્ટ ઇસ્યુ કરી શકાય છે, જોકે સામાન્ય રીતે અધિકારીઓ આવું જોખમ લેતા નથી).
  18. લગભગ દરેક તબક્કાની પ્રક્રિયા ડિજિટલ થઈ હોવાથી, તેને નિશ્ચિત સમયગાળામાં પૂરી કરવી જરૂરી બની છે. આ બધી જ વિધિ પૂરી થયા પછી થોડા સમયમાં ટપાલ દ્વારા પાસપોર્ટ તમારા ઘરે પહોંચી જશે!

પાસપોર્ટનાં સિક્યોરિટી ફીચર્સ

બનાવટી પાસપોર્ટનો સામનો કરવા, ભારત સરકારે આઠ વર્ષ પહેલાં ઇલેક્ટ્રોનિક ચિપ ધરાવતા પાસપોર્ટ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી, હવે તેના અમલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પાસપોર્ટનાં પ્રિન્ટેડ પેજીસ ઉપરાંત પાસપોર્ટધારકની વિગતો, તેમના બાયોમેટ્રિક્સ આઇડેન્ટિફિકેશન જેમ કે ફિંગર પ્રિન્ટ, રેટિના સ્કેન વગેરે આ ચિપમાં પણ સામેલ કરવામાં આવશે, જેની જ્યારે જરૂર લાગે ત્યારે ઇલેક્ટ્રોનિકલી ખરાઈ કરી શકાશે. આ ચિપમાં જીપીએસની સુવિધા પણ હોવાનું અનુમાન છે, પરંતુ તેને હજી સત્તાવાર સમર્થન મળ્યું નથી.

હાલમાં ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ ઇસ્યુ થાય છે, સામાન્ય નાગરિક માટે ડીપ બ્લુ અથવા બ્લેક કવરના, ભારત સરકારના અધિકારીઓ માટે સ્પેશિયલ વ્હાઇટ કવરના અને ભારતીય રાજદૂતો માટે મરૂન કવરના પાસપોર્ટ.

પાસપોર્ટના બેક કવરમાં લેસરથી પાસપોર્ટ નંબરનું પંચિંગ કરવામાં આવે છે, જે 36 પેજની બુકલેટમાં 19થી 35 પેજ સુધી દેખાય છે.

પાસપોર્ટમાં વ્યક્તિની વિગતો ધરાવતા પેજ પર પોલિકાર્બોનેટનાં સંખ્યાબંધ લેયર્સનું લેમિનેશન કરવામાં આવે છે.

વર્ષ 2013થી બુકલેટમાં પાસપોર્ટધારકની ‘લેટર સ્ક્રીન ઇમેજ’ ઉમેરવામાં આવે છે, જેમાં વ્યક્તિનું નામ, સરનામું, જન્મતારીખ, ફાઇલ નંબર વગેરે અત્યંત ઝીણા ફોર્મમાં એ રીતે પ્રિન્ટ કરવામાં આવે છે કે તેમાંથી એ વ્યક્તિનો ચહેરો સર્જાય.

આ બધા ઉપરાંત, પાસપોર્ટમાં ખાસ પ્રકારની ઇન્ક તથા પ્રિન્ટિંગ, બાઇન્ટિંગ અને સ્ટીચિંગનો ઉપયોગ થાય છે, જેને અલ્ટ્રાવાયોલેટ કિરણો હેઠળ તપાસીને તે અસલી છે કે નહીં તે ઓળખી શકાય છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!