(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલે કઈ રીતે બદલી આપણી જિંદગી

ગૂગલને આ મહિને ૨૫ વર્ષ થયાં! આ ૨૫ વર્ષમાં, આજના ઇન્ટરનેટને આકાર આપવામાં ગૂગલનો સિંહફાળો રહ્યો છે. આપણને આડકતરી રીતે અસર કરે તેવી એઆઇ જેવી ટેક્નોલોજી ઉપરાંત, ગૂગલે આપણા રોજિંદા જીવન પર જબરજસ્ત અસર કરી છે. ગૂગલનાં ૨૫ વર્ષ નિમિત્તે, આ એક કંપનીએ આપણા દૈનિક જીવનને કેટકેટલી રીતે બદલી નાખ્યું એની વાત કરીએ.

એક કંપની તરીકે ગૂગલની સ્થાપના સપ્ટેમ્બર ૧૯૯૮માં થઈ. અમેરિકાની જાણીતી સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બે મિત્રોએ એક પ્રોજેક્ટ તરીકે સર્ચ એન્જિન વિકસાવ્યું ત્યારે એ પ્રોજેક્ટ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વેબસાઇટનો જ એક ભાગ હતો. એ સમયે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ કન્ટેન્ટમાંથી આપણે કંઈ શોધવું હોય તો ડિરેકટરી જેવી સગવડ આપતાં સર્ચ એન્જિન હતાં. પરંતુ એ બંને મિત્રોએ લોકો જે સવાલ પૂછે તેનો સૌથી સચોટ જવાબ મળી શકે એ રીતે વેબપેજિસને રેન્ક કરવાનું શરૂ કર્યું અને તેને આધારે કોઈ પણ સવાલના સૌથી સચોટ જવાબો ધરાવતાં પેજ તારવી આપવાનું શરૂ કર્યું.

લોકોને આ એપ્રોચ એટલો ગમ્યો કે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની બધી નેટવર્ક બેન્ડવિથમાંથી અડધોઅડધ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચાવા લાગી.

પેલા બંને મિત્રો કંઈક જુદી રીતે વિચારી શકતા હતા અને તેને સાકાર પણ કરી શકતા હતા, તેનો આ પહેલો પુરાવો હતો. આગળ જતાં બંને મિત્રોએ ગૂગલ કંપનીની સ્થાપના કરી અને ખરા અર્થમાં ઇતિહાસ રચ્યો.

આપણે માટે સૌથી સારી વાત એ કે ઇન્ટરનેટની નવી ટેકનોલોજીમાં જે પાર વગરની સંભાવનાઓ છે તેનો ગૂગલે જબરો ઉપયોગ કરી જાણ્યો.

ફક્ત સર્ચ એન્જિનની જબરજસ્ત સફળતાથી સંતોષ માનવાને બદલે ગૂગલે જુદાં જુદાં અનેક ક્ષેત્રોમાં ઝંપલાવ્યું અને કેટકેટલી જાતની ટેકનોલોજી, સર્વિસ તથા પ્રોડક્ટ વિકસાવ્યાં.

ગૂગલની સમકક્ષ અન્ય કંપનીઓ સાથે તેને સરખાવીએ, તો બીજી બધી કંપનીએ મુખ્યત્વે એક બાબત પર ફોકસ કર્યું છે. જેમ કે એપલનું બધું ફોકસ સોલિડ હાર્ડવેર અને તેના પૂરતા સોફ્ટવેર પર રહ્યું છે. માઇક્રોસોફ્ટનું ફોકસ ઓફિસના કામકાજ સંબંધિત પ્રોગ્રામ્સ પર રહ્યું છે. ફેસબુકનું ફોકસ સોશિયલ મીડિયા પર અને એમેઝોનનું ફોકસ ઇ-કોમર્સ પર રહ્યું છે. આ બધી કંપનીઓએ તેમના ફોકસ ઉપરાંત અન્ય બાબતો પણ વિકસાવી છે પરંતુ ગૂગલ જેટલો વ્યાપ બીજી કોઈ કંપનીનો નથી. એ કારણે ગૂગલ જેવી કંપનીનાં ૨૫ વર્ષ થાય ત્યારે તેણે માનવજાતને શું શું આપ્યું એનાં લેખાં જોખાં કરવા જેવાં છે.

અહીંથી આગળ જે સર્વિસિસની વાત કરી છે એ આપણને સીધી રીતે સ્પર્શતી સર્વિસિસ છે. ‘સાયબરસફર’ના અત્યાર સુધીના ૧૪૦ જેટલા અંકોમાં આ બધી સર્વિસ વિશે અલગ અલગ ઘણું લખાયું છે. અહીં એ બધું એક સાથે મૂક્યું છે. સાથોસાથ ‘સાયબરસફર’ના ક્યા અંકમાં વધુ માહિતી મળશે એ પણ જણાવ્યું છે.

‘અલગ’ સર્ચ એન્જિન તરીકે શરૂ થયેલી સફર કલ્પના બહાર વિસ્તરી રહી છે, જેમ કે બાર્ડ!

સર્ચ

ગૂગલની શરૂઆત જ સર્ચ એન્જિન તરીકે થઈ. ૨૫ વર્ષ પહેલાં ઇન્ટરનેટ પરથી જોઇતી માહિતી સર્ચ કરી આપે એવાં સર્ચ એન્જિન તો હતાં પરંતુ આપણને જોઇતી માહિતી સૌથી વધુ સચોટ રીતે શોધી આપે એવી ક્ષમતા એ સર્ચ એન્જિન્સમાં નહોતી.

ગૂગલના સ્થાપકોએ ઇન્ટરનેટ પરનાં વેબપેજિસને વિવિધ રીતે રેન્ક આપવાની વ્યવસ્થા વિકસાવી અને એ કારણે જાણે ગૂગલ આપણું મન કળી જતું હોય એવા જવાબો લોકોને મળવા લાગ્યા.

૨૫ વર્ષમાં સર્ચ એન્જિન જબરજસ્ત વિકસ્યું છે અને હવે તેમાં આપણને જોઇતા જવાબો સીધેસીધા સર્ચ રિઝલ્ટ પેજ પર જ મળવા લાગ્યા છે. ગૂગલ સર્ચ વિના ઇન્ટરનેટની કલ્પના મુશ્કેલ છે! અને હવે એમાં એઆઇનો જાદુ ઉમેરાઈ રહ્યો છે!

google.com

bard.google.com

વધુ વાંચો ફેબ્રુઆરી 2014, માર્ચ 2023 અંકમાં


લેન્સ

ગૂગલનું સર્ચ એન્જિન આપણે જે પ્રશ્નો શબ્દોમાં પૂછી શકીએ તેના જવાબ આપે છે. પરંતુ એવું શક્ય ન હોય તો?

જેમ કે જેનું નામ પણ જાણતા ન હોઈએ એવા કોઈ ફૂલ વિશે વધુ જાણવું હોય તો? કેલ્ક્યુલેટરમાં ટાઇપ જ ન કરી શકાય તેવા દાખલાના જવાબ વિશે જાણવું હોય તો?

ગૂગલે તેનો જવાબ ‘ગૂગલ લેન્સ’ સર્વિસથી આપ્યો.

આ સર્વિસ ૨૦૧૭માં લોન્ચ થઈ. તેની મદદથી આપણે પોતાની આસપાસ જે કંઈ દેખાય તેની સામે ફોનનો કેમેરા ધરીને તેના વિશે વધુ માહિતી મેળવી શકીએ છીએ. જવાબો ગૂગલના સર્ચ એન્જિનથી જ મળે છે. પરંતુ પ્રશ્નો પૂછવાની રીત સાવ બદલાઈ ગઈ! લેન્સમાં બીજી પણ ઘણી સગવડો છે.

lens.google

વધુ વાંચો એપ્રિલ 2018 અંકમાં


આસિસ્ટન્ટ

ગૂગલ સર્ચ એન્જિન આપણે જે પૂછીએ તેના જવાબ આપે છે. ગૂગલે તેનાથી એક ડગલું આગળ વધીને, પૂછ્યા વિના, આપણે માટે મહત્ત્વની માહિતી સામેથી મળે તેવી ‘ગૂગલ નાઉ’ સર્વિસ, સ્માર્ટફોનમાં ૨૦૧૨માં લોન્ચ કરી.

આપણા એકાઉન્ટમાંની વિવિધ વિગતો તથા લોકેશન વગેરેને આધારે આપણા હોટેલ બુકિંગ વિશે કે રોજિંદા રસ્તા પર ટ્રાફિક જામ હોય તો ગૂગલે આપણને સામેથી તેની જાણ કરવાનું શરૂ કર્યું. અલબત્ત આ સર્વિસ બહુ ચાલી નહીં.

હવે કંપનીએ ‘ગૂગલ આસિસ્ટન્ટ’ નામે વર્ચ્યુઅલ આસિસ્ટન્ટની ભેટ આપી છે. આ સર્વિસ સાથે આપણે વાતચીત કરીને ઘણું બધું જાણી શકીએ છીએ અને ઘણું કામ કરાવી શકીએ છીએ – સેક્રેટરીની જેમ!

assistant.google.com

વધુ વાંચો માર્ચ 2020 અંકમાં

સ્માર્ટફોન અને તેમાંની સ્માર્ટ એપ્સથી, હવે આપણા હાથમાંથી ફોન છૂટતો નથી

એન્ડ્રોઇડ

સ્માર્ટફોન વિનાની દુનિયા – હવે એવી કલ્પના પણ થઈ શકે?! એવી જ માનવી મુશ્કેલ બીજી વાત – એન્ડ્રોઇડનો પ્રારંભ થયો હતો વર્ષ ૨૦૦૩માં, ડિજિટલ કેમેરા માટે એક ઓપરેટિંગ સિસ્ટમ તરીકે!

ગૂગલના સ્થાપકોને તેમાં એટલો દમ દેખાયો કે ૨૦૦૫માં કંપનીએ આ પ્રોજેક્ટ ખરીદી લીધો. માસ્ટર સ્ટ્રોક એ હતો કે વિવિધ મોબાઇલ મેન્યુફેકચરિંગ કંપનીઓને એન્ડ્રોઇડ ઓએસ મફત આપી. સાથોસાથ અનેક ડેવલપર્સ એન્ડ્રોઇડ ફોનમાં ચાલી શકે તેવી એપ લોન્ચ કરી શકે એવો પ્લે સ્ટોર પણ વિકસાવ્યો.

આજે દુનિયાના લગભગ ૯૦ ટકા સ્માર્ટફોન એન્ડ્રોઇડ પર ચાલે છે. સ્માર્ટફોન ઉપરાંત આ ઓએસ હવે સ્માર્ટવોચ, ટીવી, કાર વગેરે જુદી જુદી બાબતમાં ઉપયોગી બની ગઈ છે.

android.com


યુટ્યૂબ

લોકો સહેલાઈથી પોતે કેપ્ચર કરેલા વીડિયો અન્ય લોકો સાથે શેર કરી શકે એ માટે ૨૦૦૫માં ત્રણ મિત્રોએ એક સર્વિસ લોન્ચ કરી – નામ આપ્યું ‘યુટ્યૂબ’. આવતાંવેંત તે ધડાધડ ચાલી.

એટલે એક જ વર્ષમાં ગૂગલ કંપનીએ ૧.૬૫ અબજ ડોલરમાં યુટ્યૂબ સર્વિસ ખરીદી લીધી – ધ્યાન આપજો એક જ વર્ષમાં આટલી કિંમત, જેને ગૂગલે પૂરેપૂરી વસૂલી લીધી!

આગળ જતાં યુટ્યૂબમાં વીડિયો એડ ઉમેરીને કંપનીએ કમાણીનો નવો રસ્તો ખોલ્યો. તેની સાથોસાથ જગતભરના અનેક લોકો માટે યુટ્યૂબર બનીને કમાણી કરવાનો એક જબરજસ્ત નવો રસ્તો પણ ખોલી આપ્યો. અત્યારે યુટ્યૂબ ગૂગલ પછી વિશ્વભરની સૌથી વધુ વિઝિટ્સ ધરાવતી બીજા ક્રમની વેબસાઇટ છે.

youtube.com

વધુ વાંચો ઓગસ્ટ 2020 અંકમાં


ક્રોમ

ઇન્ટરનેટ બ્રાઉઝ કરવા માટે આપણી પાસે માઇક્રોસોફ્ટ ઇન્ટરનેટ એક્સપ્લોરર, ફાયરફોક્સ જેવાં બ્રાઉઝર તો હતાં પરંતુ ૨૦૦૮માં ગૂગલ ક્રોમના આગમન સાથે બ્રાઉઝરનું ચિત્ર પણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.

શરૂઆતમાં એક ‘નાની કંપની’ તરીકે ગૂગલના સ્થાપકો બ્રાઉઝર વોરમાં ઝંપલાવતાં ખચકાતા હતા પરંતુ કંપનીએ મોઝિલા ફાયરફોક્સના સંખ્યાબંધ ડેવલપર્સને હાયર કર્યા. તેમણે જે બ્રાઉઝર ડેવલપ કર્યું એ જોઈને મેનેજમેન્ટ રેડી થઈ ગયું.

ગૂગલના હાલના સીઇઓ સુંદર પિચાઈ પહેલેથી બ્રાઉઝર ટીમના હેડ હતા. ૨૦૦૮માં ક્રોમ બ્રાઉઝર લોન્ચ થયું અને આજે પીસી, ટેબલેટ તથા સ્માર્ટફોનમાં તે વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગ કરાતું બ્રાઉઝર છે!

google.com/chrome

વધુ વાંચો ફેબ્રુઆરી 2013 અંકમાં

જીમેઇલમાં ગૂગલને અસાધારણ સફળતા મળી, પરંતુ એવાં બીજાં ફીલ્ડમાં હજી ઘણું બાકી છે

જીમેઇલ

તમે માનશો? જીમેઇલ આપણા જેવા યૂઝર્સ માટે ડેવલપ થયેલી સર્વિસ નહોતી! ગૂગલની ટીમ મોટી થતી ગઈ તેમ તેમ આખી ટીમ માટે ઇન્ટર્નલ કમ્યુનિકેશનની સારી વ્યવસ્થાની જરૂર ઊભી થતી ગઈ. તેના ઉપાય તરીકે જીમેઇલ સર્વિસ વિકસી, જેનો લાભ છેવટે આપણને પણ મળ્યો.

૨૦૦૪માં જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ ત્યારે અન્ય ઇમેઇલ સર્વિસમાં માંડ અમુક એમબી સ્પેસ મળતી હતી. જ્યારે જીમેઇલમાં પહેલે ધડાકે એક જીબીની અધધધ સ્પેસ મળી. પછીના વર્ષે તે બમણી થઈ ને સતત વધતી ગઈ! જીઇલમાં બીજી પણ સંખ્યાબંધ ખૂબીઓ હતી. આગળ જતાં જીમેઇલ એપ પણ આવી. હવે મેઇલ્સનો ઉપયોગ થોડો ઘટ્યો છે, પણ જીમેઇલ દુનિયાભરના લોકોની ફેવરિટ ઇમેઇલ સર્વિસ છે!

mail.google.com

વધુ વાંચો ફેબ્રુઆરી 2014, માર્ચ 2023 અંકમાં


મેસેજિસ

એપલમાં ટેક્સ્ટિંગ માટે બહુ સ્માર્ટ સર્વિસ છે. એન્ડ્રોઇડમાં એવું નથી. તેમ હવેના સમયમાં ઇન્ટરનેટ આધારિત મેસેજિંગ સર્વિસનો દબદબો છે. પરંતુ ગૂગલનું આગમન થયું એ સમયે મોબાઇલ સિગ્નલ આધારિત એસએમએસ અત્યંત પ્રચલિત હતા.

લાંબા સમય સુધી તેમાં કોઈ ફેરફાર ન થયા પરંતુ ૨૦૧૦ના દાયકામાં ગૂગલે મોબાઇલ કંપનીઓના સાથમાં રિચ કમ્યુનિકેશન સર્વિસિસ (આરસીએસ) પર કામ કરવાનું શરૂ કર્યું. તેને પરિણામે જૂના ને જાણીતા એસએમએસમાં જ વોટ્સએપ જેવાં ફીચર્સ મળવાનું શરૂ થયું. હવે જો આપણે ફોનમાં ગૂગલ મેસેજિસ એપ ઇન્સ્ટોલ કરીએ તો વોટ્સએપની જેમ ઇમેજ/વીડિયોનો મેસેજ મોકલી શકાય છે તથા અન્ય ઇન્ટરએક્ટિવ મેસેજ પણ મોકલી શકાય છે!

messages.google.com

વધુ વાંચો જુલાઈ 2018 અંકમાં


મીટ

મેઇલ અને મેસેજની જેમ ગૂગલે વીડિયો કમ્યુનિકેશનમાં પણ ખાસ્સી પહેલ કરી છે. અલબત્ત ઘણા ઉતાર-ચઢાવ સાથે. શરૂઆતમાં ગૂગલે હેંગઆઉટ, ચેટ, ડ્યૂઓ વગેરે જુદા જુદા નામે વીડિયો કમ્યુનિકેશન સર્વિસમાં હાથ અજમાવી જોયો.

ખાસ્સી ગૂંચવણો પછી હવે ગૂગલ મીટ નામે વીડિયો કમ્યુનિકેશનમાં ગૂગલને પ્રમાણમાં સારી સફળતા મળી છે. 

કોરોના દરમિયાન દુનિયાભરમાં ઓનલાઇન મીટિંગ્સ શરૂ થઈ એ સાથે ગૂગલ મીટના ઉપયોગમાં પણ રીતસર ઉછાળો આવ્યો. તેનો ઉપયોગ વધારવા માટે આ સર્વિસને હવે જીમેઇલમાં જ ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવી છે. જોકે ગૂગલ મીટને હજી ઝૂમ અને માઇક્રોસોફ્ટ સ્કાઇપ કે ટીમ્સ તરફથી ખાસ્સી સ્પર્ધા છે.

meet.google.com

ગમે ત્યારે, ગમે ત્યાંથી ટીમવર્ક – આ શક્ય બન્યું ગૂગલ ડ્રાઇવ અને તેની એપ્સથી

ડોક્સ

યુટ્યૂબની જેમ ૨૦૦૫માં ત્રણ મિત્રોએ માઇક્રોસોફ્ટ વર્ડ જેવો, પણ વેબ આધારિત વર્ડ પ્રોસેસર Writely  પ્રોગ્રામ લોન્ચ કર્યો.

પછીના વર્ષે ગૂગલે એ કંપની ખરીદી લીધી. આગળ જતાં ગૂગલે એ સર્વિસ ગૂગલ ડોક્સ નામે લોન્ચ કરી. અત્યારે આ સર્વિસ માઇક્રોસોફ્ટ વર્ડની સૌથી મોટી હરીફ બની ગઈ છે. વર્ડ કરતાં ગૂગલ ડોક્સમાં ફીચર્સ ઓછાં છે પરંતુ સરળતા વધુ છે.

docs.google.com


શીટ્સ

૨૦૦૫માં જ ગૂગલે XL2Web નામની એક કંપની પણ ખરીદી લીધી.  આ કંપનીની સર્વિસને તેણે નામ આપ્યું ‘ગૂગલ શીટ્સ’.

દેખીતું છે કે આ સર્વિસ માઇક્રોસોફ્ટના એક્સેલ પ્રોગ્રામની હરીફાઈમાં લોન્ચ થઈ. ડોક્સની જેમ ગૂગલ શીટ્સમાં પણ એક જ ફાઇલ પર જુદા જુદા લોકો એક સાથે કામ કરી શકે એવી સગવડ મળી.

sheets.google.com


સ્લાઇડ્સ

માઇક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામમાં વર્ડ અને એક્સેલ પછી સૌથી વધુ પોપ્યુલર પ્રોગ્રામ છે ‘પાવરપોઇન્ટ’.

વર્ષ ૨૦૦૭માં ગૂગલે Zenter નામની એક કંપની ખરીદી હતી અને તેનું નામ બદલીને ગૂગલ સ્લાઇડ્સ નામે પાવરપોઇન્ટ જેવો જ, પણ વેબઆધારિત પ્રોગ્રામ લોન્ચ કર્યો. તેની વિશેષતા પણ એક ફાઇલ પર અનેક લોકો કામ કરી શકે તેવી સગવડ હતી.

slides.google.com


ગૂગલ ડ્રાઇવ

૨૧મી સદીના પહેલા દાયકા સુધી આપણે કામકાજની ફાઇલ્સ પોતાના જે તે કમ્પ્યૂટરમાં સેવ કરતા હતા અને મોટા ભાગે તેમાં માઇક્રોસોફ્ટ ઓફિસના વિવિધ પ્રોગ્રામમાં કામ કરતા હતા. ગૂગલે કામકાજની આ પદ્ધતિ બદલી નાખવાનું શરૂ કર્યું.

ગૂગલ ડોક્સ, શીટ્સ અને સ્લાઇડ પ્રોગ્રામ લોન્ચ કર્યા પછી ગૂગલે ક્વિકઓફિસ નામની સર્વિસ ખરીદીને તેને નામ આપ્યું ‘ગૂગલ ડ્રાઇવ’. તેમાં ક્લાઉડ સ્ટોરેજ મળી અને માઇક્રોસોફ્ટ ઓફિસ જેવા પ્રોગ્રામ્સ પણ મળ્યા. સૌથી મોટું આકર્ષણ હતું ફાઇલ શેરિંગનું ફીચર. વિશ્વના જુદા જુદા ખૂણે બેઠેલા લોકો એક ફાઇલ પર એક સાથે કામ કરે એવું શક્ય બન્યું.

drive.google.com

વધુ વાંચો નવેમ્બર 2014 અંકમાં

ડિજિટલ મેપ્સ અને લોકેશન ટ્રેકિંગ – આ બે વાતથી ઘણું બધું બદલાઈ ગયું

મેપ્સ

વર્ષ ૨૦૦૪માં ‘વ્હેર ટુ ટેકનોલોજિસ’ નામની એક કંપની  ડિજિટલ મેપ પૂરા પાડતી હતી. શરૂઆતમાં આ સર્વિસ લોકો પોતાની રીતે ડાઉનલોડ કરીને ઉપયોગ કરી શકે તે રીતે ડિઝાઇન થઈ હતી. પરંતુ કંપનીના સ્થાપકોએ પોતે જ ગૂગલને સૂચવ્યું કે આ સર્વિસ વેબબેઝ્ડ સર્વિસ તરીકે લોન્ચ કરી શકાય.

ગૂગલે કંપની ખરીદી લઈને પછીના વર્ષે લોન્ચ કરી ‘ગૂગલ મેપ્સ સર્વિસ’. આખી દુનિયાની વિગતો ડિજિટલ મેપ પર મૂકી દીધી. અમદાવાદની સિટી બસનું ટાઇમટેબલ પણ મેપ પર જોઈ શકાય. પછી તેમાં લાઇવ ટ્રાફિકની સુવિધા ઉમેરાઈ તથા દુનિયાના અનેક સ્થળોના સ્ટ્રીટવ્યૂ પણ ઉમેરાયા. હવે કોઈ સ્થળે જાતે પહોંચી ગયા હોઇએ એવો અનુભવ આપતા ઇમર્સિવ વ્યૂ પણ મેપમાં ઉમેરાયા છે.

maps.google.com

વધુ વાંચો એપ્રિલ 2013 અંકમાં


અર્થ

ગૂગલે ‘વ્હેર ટુ ટેકનોલોજિસ’ કંપની ખરીદી એ જ મહિનામાં  ‘કીહોલ’ નામની એક કંપની ખરીદી જે આગળ જતાં ‘ગૂગલ અર્થ’ તરીકે જાણીતી થઈ!  કીહોલમાં અમેરિકાની સીઆઇએનું પણ મૂડીરોકાણ હતું.

શરૂઆતમાં ગૂગલે અર્થ સોફ્ટવેર તરીકે લોન્ચ કર્યો. આપણે પોતાના ડેસ્કટોપમાં તેને ડાઉનલોડ કરી શકતા હતા. ૨૦૧૭માં તે વેબ વર્ઝન તથા એપ સ્વરૂપે લોન્ચ થયો.

ગૂગલ અર્થમાં સેટેલાઇટ ઇમેજિસ, એરિયલ ફોટોગ્રાફી તથા જીઆઇએસ ડેટાને થ્રીડી ગ્લોબ સ્વરૂપે જોઈ શકાય છે. હવે પૃથ્વીના ૯૮ ટકાથી વધુ ભાગને ગૂગલ અર્થમાં આવરી લેવાયો છે. ગૂગલ અર્થમાં સ્ટ્રીટવ્યૂ, થ્રીડી ઇમેજિસ તથા મહાસાગરોનાં ઊંડાણ તથા મંગળ-ચંદ્રના વિવિધ ભાગો પણ તપાસી શકાય છે.

earth.google.com

વધુ વાંચો જુલાઈ 2012, મે 2017 અંકમાં


બિઝનેસ પ્રોફાઇલ

લોકો ગૂગલ સર્ચ પર સતત જુદા જુદા બિઝનેસ વિશે સર્ચ કરતા રહેતા હોય છે. એ ધ્યાનમાં રાખીને ગૂગલે ૨૦૧૧થી ‘ગેટ યોર બિઝનેસ ઓનલાઇન’ નામે એક પ્રોગ્રામ શરૂ કર્યો. આ સર્વિસનું નામ સમયાંતરે બદલાતું રહ્યું છે. પરંતુ તેનું હાર્દ સમાન રહ્યું છે – નાના મોટા બિઝનેસને તેમની ઓનલાઇન પ્રેઝન્સ ઊભી કરવામાં મદદ કરવી.

આ સર્વિસનો દુરુપયોગ પણ થાય છે, પરંતુ નાના મોટા બિઝનેસ તેમના કામકાજ સંબંધિત ઘણી બધી વિગતો ગૂગલ બિઝનેસ પ્રોફાઇલ સર્વિસમાં અપલોડ કરી શકે છે. જ્યારે તેમના સંભવિત ગ્રાહકો ગૂગલ સર્ચ કે ગૂગલ મેપ્સમાં કોઈ નિશ્ચિત બિઝનેસ કેટેગરી વિશે સર્ચ કરતા હોય ત્યારે આ વિગતો તેમને મળી શકે છે. આમાં લોકેશન ટ્રેકિંગ પણ ભાગ ભજવે છે!

business.google.com

વધુ વાંચો જુલાઈ 2017 અંકમાં

જોકે ટાસ્ક મેનેજમેન્ટની ગૂગલની એપ્સ પરફેક્ટ નથી, તેમાં હજી ઘણું ખૂટે છે

કેલેન્ડર

કોઈ પણ વ્યસ્ત વ્યક્તિ માટે ટાઇમ મેનેજમેન્ટ બહુ મહત્ત્વનો મુદ્દો છે અને તેમાં ગૂગલ તેની કેલેન્ડર સર્વિસથી મદદરૂપ થાય છે.

આ સર્વિસ બિટા વર્ઝનમાં ૨૦૦૬માં લોન્ચ થઈ. ૨૦૦૯થી તે વેબ અને મોબાઇલ એપ સ્વરૂપે ફુલફ્લેજ્ડ લોન્ચ થઈ.

આપણે કેલેન્ડર સર્વિસમાં પોતાની જરૂરિયાત અનુસાર એકથી વધુ કેલેન્ડર ક્રિએટ કરી શકીએ છીએ અને બધાં જ કેલેન્ડરમાંની વિગતો એક જ ઇન્ટરફેસ પર જોઈ શકીએ છીએ. આવા કેલેન્ડર આપણે અન્ય લોકો સાથે શેર કરી શકીએ. કેલેન્ડરમાં જુદી જુદી અનેક ઇવેન્ટનો ભરાવો થાય ત્યારે તેને વિવિધ કલર આપીને તેની ઓળખ સહેલી બનાવી શકાય છે. પરંતુ કેલેન્ડરમાં ઇવેન્ટ્સને લેબલથી તારવી શકાતી નથી. 

calendar.google.com

વધુ વાંચો નવેમ્બર 2018 અંકમાં


ટાસ્ક

ગૂગલે સોશિયલ મીડિયામાં પોતાની ઓળખ બનાવવા માટે વારંવાર પ્રયાસ કર્યા પરંતુ તેને દરેક વખતે નિષ્ફળતા મળી, એ રીતે ટાસ્ક મેનેજમેન્ટ કે ટુ-ડુ લિસ્ટ સર્વિસમાં પણ ગૂગલ માટે ઘણો સ્કોપ હોવા છતાં અન્ય એપ્સની સરખામણીમાં ગૂગલની ટાસ્ક સર્વિસ એકદમ નબળી રહી છે.

તમને એકદમ સાદી ટુ-ડુ લિસ્ટ સર્વિસ જોઇતી હોય તો આ સર્વિસ કામ લાગે. તેને જીમેઇલ, કેલેન્ડર, ગૂગલ ડ્રાઇવ વગેરે સાથે ઇન્ટિગ્રેટ કરી દેવામાં આવી છે તે તેનું મોટું જમા પાસું છે. પરંતુ આ સર્વિસનું કોઈ અલગ વેબ વર્ઝન નથી. તેમાં ટેગ કે લેબલની સુવિધા નથી, એકથી વધુ ટાસ્કને એક સાથે એડિટ કરવાની સુવિધા નથી. સૌથી મોટી ખામી એ છે કે આ સર્વિસ ગૂગલની હોવા છતાં તેમાં સર્ચની સુવિધા નથી!

વધુ વાંચો જૂન 2019 અંકમાં


કીપ

આજના સમયમાં નેટ પરથી સર્ચ કરતી વખતે કંઈ પણ કામનું લાગે તો તેને સેવ કરી લેવા કે મનમાં અણધાર્યો કોઈ વિચાર ઝબકે તો તેને નોંધી લેવા જુદી જુદી ઘણા પ્રકારની નોટકીપિંગ એપ્સ મળે છે. પરંતુ એ બધામાં ૨૦૧૩માં લોન્ચ થયેલી ગૂગલ કીપ સર્વિસ આગવી ઓળખ ધરાવે છે.

આ સર્વિસમાં આપણે વેબપેજ પરની ટેકસ્ટ, ફોટોગ્રાફ, વોઇસ કે હાથે લખેલી નોટ્સ ફટાફટ કેપ્ચર કરી શકીએ છીએ. મહત્ત્વની નોટ્સ હંમેશા નજર સામે રહે એ માટે તેણે પીન કરી શકીએ છીએ, બધી જ નોટ્સને અલગ અલગ લેબલ આપી શકાય છે, સહિયારું શોપિંગ કરવું હોય તો ફેમિલીમાં શેર્ડ શોપિંગ લિસ્ટ પણ બનાવી શકાય. અને હવે કીપમાંની નોટ્સને વિવિધ રીતે ફોર્મેટ કરવાની સગવડ પણ આવી રહી છે.

keep.google.com

વધુ વાંચો જુલાઈ 2018 અંકમાં

એડ્સ નેટવર્કથી ગૂગલે પોતાના માટે અને અન્ય બિઝનેસ માટે જંગી કમાણી શક્ય બનાવી

એડસેન્સ

ગૂગલની દરેક સર્વિસની હંમેશા એક પેટર્ન રહી છે – તે અનેક યૂઝર્સને ખાસ્સી ઉદારતા સાથે સર્વિસિસનો તદ્દન મફતમાં લાભ આપે છે, બીજી બાજુ આ બધી સર્વિસમાં જોડાઈને અનેક લોકો અને બિઝનેસને જુદી જુદી રીતે કમાણી કરવાની તક પણ કંપની આપે છે.

આવી એક સર્વિસ એટલે ગૂગલ એડસેન્સ.

ગૂગલની જબરજસ્ત કમાણીનાં મૂળ ૨૦૦૩માં લોન્ચ થયેલી  આ સર્વિસમાં છે. પોતાની વેબસાઇટ કે બ્લોગ ધરાવતા લોકો (પબ્લિશર) ગૂગલના એડસેન્સ પ્રોગ્રામમાં જોડાઈ શકે છે અને તેની મદદથી પોતાની સાઇટ/બ્લોગ પર નિશ્ચિત જગ્યાઓમાં ગૂગલ તરફથી આવતી જાહેરાતો બતાવી શકે છે. આ માટે ગૂગલ જાહેરખબર આપનારી કંપની પાસેથી ચાર્જ લે છે અને તેમાંથી અમુક ભાગ પબ્લિશરને આપે છે.

adsense.google.com

વધુ વાંચો સપ્ટેમ્બર 2015 અંકમાં


એડ્સ

એડસેન્સ પ્રોગ્રામમાં જોડાનારા પબ્લિશર પોતાની સાઇટ પર જે જાહેરાતો બતાવતા હોય છે તે જાહેરાતો ગૂગલ એડ્સ પ્રોગ્રામ મારફત આવે છે. આ પ્રોગ્રામ વર્ષ ૨૦૦૦માં લોન્ચ થયો. અગાઉ નામ હતું ગૂગલ એડવર્ડ્સ.

પ્રોડક્ટસ, સર્વિસ, સાઇટ કે એપ વગેરેનું ઓનલાઇન પ્રમોશન કરવા ઇચ્છતી કંપની ગૂગલના આ એડવર્ટાઇઝિંગ પ્લેટફોર્મમાં જોડાઈ શકે છે.

આ પ્રોગ્રામ મુખ્યત્વે બે રીતે પ્રમોશનની તક આપે છેઃ

(૧) ગૂગલ સર્ચ નેટવર્ક પર, તથા (૨) એડસેન્સમાં જોડાનારા પબ્લિશરની વેબસાઇટ પર. બંને પ્રકારમાં પે-પર-ક્લિક મોડેલનો ઉપયોગ થાય છે. એટલે કે જો કોઈ યૂઝર જાહેરાત પર ક્લિક કરે તો જ તેણે ગૂગલને રૂપિયા ચૂકવવાના થાય. ગૂગલની આવકનો સૌથી મોટો આધાર ગૂગલ એડ્સ છે.

ads.google.com

વધુ વાંચો સપ્ટેમ્બર 2016 અંકમાં


એનાલિટિક્સ

ગૂગલ એડસેન્સ અને ગૂગલ એડ્સ બંને પ્રોગ્રામ તો જ સફળ થાય જો જાહેરાતો આપનાર કંપની તથા જાહેરાતો દર્શાવતા પબ્લિશરને ટ્રાફિકનો સચોટ ડેટા મળે. એનાલિટિક્સ આ કામ કરે છે. લોકો પોતાની વેબસાઇટને ગૂગલ એનાલિટિક્સ સાથે કનેક્ટ કરીને વેબસાઇટ પરના ટ્રાફિક વિશે પાર વગરની માહિતી મેળવી શકે.

પબ્લિશર જાણી શકે કે તેની સાઇટ પર કેવું કન્ટેન્ટ વધુ પોપ્યુલર થાય છે. બીજી તરફ ગૂગલ એડ્સ પર જાહેરાતો આપતી કંપનીઓ, જાહેરાત પર ક્લિક કરતા યૂઝર્સને આખરે પોતાની વેબસાઇટ પર લાવતી હોય છે. આવી કંપનીઓ પણ ગૂગલ એનાલિટિક્સની મદદથી ખાસ્સી સચોટ રીતે જાણી શકે છે કે તેઓ જાહેરાત માટે જે રૂપિયા ખર્ચી રહ્યા છે તે કેટલા અસરકારક સાબિત થઈ રહ્યા છે.

analytics.google.com

સ્માર્ટફોનથી આપણે સૌ ફોટોગ્રાફર બન્યા, તો ગૂગલે ફોટોને સાચવવાનું ઇઝી બનાવી દીઘું

ફોટોઝ

સ્માર્ટફોનમાં કેમેરા આવી ગયા પછી આપણે સૌ ધડાધડ ફોટોગ્રાફી કરવા લાગ્યા છીએ. પરંતુ શરૂઆતમાં ડિજિટલ ફોટોગ્રાફને સ્ટોર અને મેનેજ કરવાનું કામ મુશ્કેલ હતું. તેના ઉપાય તરીકે ગૂગલે વર્ષ ૨૦૦૨માં તૈયાર થયેલી પિકાસા સર્વિસ ૨૦૦૪માં ખરીદીને આપણને આપી. પછી તેને ગૂગલ પ્લસમાં જોડવામાં આવી.

છેવટે ૨૦૧૫માં ગૂગલ ફોટોઝ સર્વિસની ભેટ મળી. ડિજિટલ ફોટોઝ મેનેજ કરવા માટે આ હાલની સૌથી સારી સર્વિસ ગણાય છે. તેમાં આપણે ફોટોઝ અપલોડ કરવા સિવાય કશું જ કરવાનું હોતું નથી. ફોટો આપોઆપ તારીખ-મહિના-વર્ષ, ચહેરા, સ્થળ તથા બીજી અનેક રીતે ફોટોગ્રાફ સોર્ટ થાય છે. ફોટોગ્રાફનો ક્લાઉડ એકાઉન્ટમાં આપોઆપ બેકઅપ પણ લેવાય છે.

photos.google.com

વધુ વાંચો જુલાઈ 2015 અંકમાં


સ્નેપસીડ

ગૂગલ ફોટોઝ સર્વિસ સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી કોઈ પણ વ્યક્તિ માટે અત્યંત ઉપયોગી સર્વિસ છે. તેમાં જ આપણને ફોટોગ્રાફને વિવિધ રીતે એડિટ કરવાના વિકલ્પો મળે છે. પરંતુ ફોટોગ્રાફનું પ્રોફેશનલ એડિટિંગ કરવા માગતા લોકોને એ ટૂલ અપૂરતાં બને.

તેઓ ફોટોશોપ જેવા પ્રોફેશનલ ટૂલનો ઉપયોગ કરી શકે, પરંતુ ગૂગલે સ્માર્ટફોનમાં જ એવી સગવડ આપી.

૨૦૧૧માં, મૂળ નિક સોફ્ટવેર નામની એક કંપનીએ સ્નેપસીડ નામની ફોટો એડિટિંગ એપ આઇપેડ માટે લોન્ચ કરી હતી. પછી તે આઇફોન માટે પણ લોન્ચ થઈ. પછી બધા કિસ્સામાં બન્યું છે તેમ ગૂગલે આ સર્વિસ ખરીદી લીધી અને ડિસેમ્બર ૨૦૧૨માં તેને એન્ડ્રોઇડ માટે પણ લોન્ચ કરી. અલબત્ત નવા સમયમાં સ્નેપસીડનો ઉપયોગ ઘટી રહ્યો છે.

વધુ વાંચો ડિસેમ્બર 2018 અંકમાં


ફોટોસ્કેન

ગૂગલ ફોટોઝ અને સ્નેપસીડ જેવી સર્વિસ મોટા ભાગે સ્માર્ટફોનથી લીધેલા ડિજિટલ ફોટોગ્રાફ્સ સ્ટોર, મેનેજ, એડિટ અને શેર કરવા ઉપયોગી છે. જે લોકો પાસે સાદા કેમેરાથી લીધેલા અને રોલ ડેવલપ કરી પ્રિન્ટ કરાવેલા ફોટોગ્રાફ હોય તેનું શું?

આવા ફોટોને ડિજિટલ બનાવવા ગૂગલે ફોટોસ્કેન નામની એપ આપી. સામાન્ય રીતે આપણે પ્રિન્ટ ફોટોગ્રાફની સ્માર્ટફોનથી ફરી ઇમેજ લઇએ તો જે રિઝલ્ટ મળે તેમાં ફોટોગ્રાફમાં કોઈ ને કોઈ ખૂણે પ્રકાશનું ધબ્બું જોવા મળે. તેના ઉપાય તરીકે ફોટોસ્કેન એપ આપણને જુદા જુદા એંગલથી ચાર-પાંચ વાર ફોટો લેવાનું સૂચવે છે, જેને એકમેક પર સુપર ઇમ્પોઝ કરીને પ્રકાશનું કોઈ ધબ્બું ન રહે એવો એક ફોટોગ્રાફ તૈયાર કરી આપે છે! જોકે રિઝલ્ટ બહુ સારાં નથી.

google.com/photos/scan

વધુ વાંચો ડિસેમ્બર 2016 અંકમાં

ગૂગલે આપણા રોજિંદા જીવનને સ્પર્શતી લગભગ કોઈ વાતને ટચ કરવાનું છોડ્યું નથી

ફિટ

સ્માર્ટફોનમાંનાં સેન્સર્સથી આપણી જુદી જુદી એક્ટિવિટી ટ્રેક કરવી સહેલી બની ગઈ છે (બીજા શબ્દોમાં તેને જાસૂસી પણ કહી શકાય!). ફોનમાંના મોશન સેન્સરની મદદથી ફોનમાંની એપ જાણી શકે છે કે આપણે ક્યા સમયે કઈ દિશામાં કેટલું ચાલ્યા.

ગૂગલે ફિટનેસ માટે ઉત્સાહી લોકો માટે આ પ્રકારનો ડેટા ટ્રેક કરતી ગૂગલ ફીટ એપ વિકસાવી છે. તેમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ભલામણ અનુસાર આપણને રોજેરોજ નિશ્ચિત સંખ્યામાં કદમ ભરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. ફિટ એપની મદદથી આપણે રોજેરોજ કેટલું ચાલ્યા અને કેટલી કેલરી બર્ન કરી તે જાણી શકીએ. અન્ય હેલ્થ એપ્સ સાથે તેને ઇન્ટિગ્રેટ કરીને આપણી એક્ટિવિટીની વિગતો બીજી એપમાં મોકલી શકાય છે.

fit.google.com

વધુ વાંચો ઓગસ્ટ 2019 અંકમાં


જીપે

આ સર્વિસની હવે લગભગ કોઈને ઓળખની જરૂર રહી નથી. આપણાંમાંના મોટા ભાગના લોકો પાસે એન્ડ્રોઇડ સ્માર્ટફોન છે, એટલે આપણું ગૂગલ એકાઉન્ટ છે અને એટલે આપણે ગૂગલ પે સર્વિસનો ઉપયોગ કરીએ છીએ!

વિશ્વના અન્ય દેશોમાં ગૂગલ પેનો અલગ રીતે ઉપયોગ થાય છે, ભારતમાં યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) સુવિધા માટે તે અત્યંત લોકપ્રિય છે. ગૂગલ પે સર્વિસની મદદથી આપણે બીજી કોઈ પણ વ્યક્તિ કે બિઝનેસના બેન્ક એકાઉન્ટમાં આંખના પલકારામાં રકમ ટ્રાન્સફર કરી શકીએ છીએ. બિઝનેસના ઉપયોગ માટે પણ અલગ ગૂગલ પે એપ લોન્ચ કરવામાં આવી છે.

વધુ વાંચો સપ્ટેમ્બર 2017 અંકમાં


જીબોર્ડ

એક સમયે સ્માર્ટફોનમાં ઇંગ્લિશ સિવાયની ભાષાઓમાં ટાઇપ કરવાનું કામ મુશ્કેલ હતું.

ગૂગલે જીબોર્ડ એપની મદદથી આ કામ એકદમ સહેલું બનાવી દીધું છે. પોતાના સ્માર્ટફોનમાં આ એપ ઇન્સ્ટોલ કર્યા પછી આપણે સહેલાઈથી લેંગ્વેજ સ્વિચ કરીને તેમાં ટાઇપ કરી શકીએ. જીબોર્ડ એપમાં બીજી પણ પાર વગરની ખૂબીઓ છે.

વધુ વાંચો જુલાઈ 2017 અંકમાં


ન્યૂઝ

દુનિયાભરના સમાચારોથી સતત અપડેટેડ રહેવા માગો છો? આ કામ સહેલું કરી આપે છે ગૂગલની ન્યૂઝ સર્વિસ.

આ એપમાં આપણે અલગ અલગ કન્ટ્રી અને લેંગ્વેજ સિલેક્ટ કરી શકીએ છીએ અને એ પછી તેના મુખ્ય ન્યૂઝ સોર્સમાંથી વિવિધ સમાચારો જાણી શકીએ છીએ. મજા એ છે એક જ સમાચાર અનેક સોર્સમાંથી જાણી શકાતા હોવાથી આપણે સંતુલિત ચિત્ર જાણી શકીએ છીએ.

news.google.com

વધુ વાંચો જુલાઈ 2018 અંકમાં

ગૂગલે છેક શરૂઆતથી ‘મૂનશોટ્સ’ તરીકે ઓળખાતા, તદ્દન આકાશી તુક્કા જેવા પ્રોજેક્ટ્સ પણ હાથ પર લીધા છે. એમાંથી કેટલાક ક્લિક થયા, તો કેટલાકમાં સાવ નિષ્ફળતા પણ મળી.

સેલ્ફ ડ્રાઇવિંગ કાર

ગૂગલ ૨૦૦૯થી ડ્રાઇવર વિનાની કારના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. હવે આ પ્રોજેક્ટ વેમો નામે ઓળખાય છે.

હાલમાં આ કંપની અમેરિકાના અમુક સિટીમાં સેલ્ફ ડ્રાઇવિંગ ટેક્સી ઓપરેટ કરે છે અને તેમાં સેફ્ટી બેકઅપ માટે માનવ ડ્રાઇવર પણ હોતા નથી.

અલબત્ત આ પ્રોજેક્ટ હજી ધારી ગતિ પકડી શક્યો નથી.


સ્માર્ટ ગ્લાસ

ગૂગલે વર્ષ ૨૦૧૩માં સ્માર્ટ ગ્લાસ લોન્ચ કર્યા હતા, જેને પહેર્યા પછી, વિવિધ વોઇસ કમાન્ડની મદદથી ઇન્ટરનેટ એક્સેસ કરીને આપણે પોતાની આંખ સામે વિવિધ માહિતી લાવી શકીએ.

જોકે ૨૦૧૫માં ગૂગલે તેનું પ્રોડકશન બંધ કર્યું અને આ વર્ષે માર્ચ મહિનાથી તેની એન્ટરપ્રાઇઝ એડિશનનનું વેચાણ પણ અટકાવી દીધું છે.


ગૂગલ પ્લસ

ઇન્ટરનેટ પર લગભગ તમામ ક્ષેત્રમાં ગૂગલનું રાજ છે, સિવાય એક – સોશિયલ મીડિયા!

ગૂગલના આગમન પછીના આઠ વર્ષે લોન્ચ થયેલ ફેસબુક કંપનીની સોશિયલ મીડિયા પરની ધાક ગૂગલ ડગમગાવી શકી નથી.

ગૂગલ બઝ, ગૂગલ કરન્ટ, ગૂગલ વેવ અને છેવટે ગૂગલ+ નામે ગૂગલે ઘણી કોશિશ કરી અને તેમાંની અમુક સર્વિસ ઘણી સારી હોવા છતાં સોશિયલ મીડિયામાં ગૂગલને તદ્દન નિષ્ફળતા મળી છે.


ગૂગલ રીડર

ઇન્ટરનેટ પરની આપણી ફેવરિટ વેબસાઇટ કે બ્લોગ પર અપલોડ થતું કન્ટેન્ટ એક જ જગ્યાએ, એક પેજ પર જોઈ શકાય એ માટે ગૂગલે વર્ષ ૨૦૦૫માં ગૂગલ રીડર નામે એક સર્વિસ લોન્ચ કરી. 

યૂઝર્સમાં તે અત્યંત પોપ્યુલર થઈ પરંતુ સોશિયલ મીડિયાના વધતા વ્યાપ સાથે ગૂગલને લાગ્યું કે આ સર્વિસ હવે કામની રહી નથી. આથી વર્ષ ૨૦૧૩માં તેને રીટાયર કરી દેવામાં આવી.

હકીકત એ છે કે એ જ પ્રકારની અન્ય સર્વિસ હજી પણ બહુ લોકપ્રિય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!