ગયા મહિને સોશિયલ મીડિયા પર ખાસ્સી હલચલ રહી – એક તરફ, મેટા કંપનીએ ટ્વીટરની સીધી હરીફાઈમાં, ઇન્સ્ટાગ્રામ એપ સાથે કનેક્ટેડ ‘થ્રેડ્સ’ નામની એક નવી સોશિયલ મીડિયા સર્વિસ લોન્ચ કરી. થ્રેડ્સના આગમન સાથે, એ ટ્વીટરને કેવી ભારે પડશે તેની ચારેતરફ ચર્ચા ચાલી, એ દરમિયાન, ટ્વીટરના નવા માલિક ઇલોન મસ્કે, ટ્વીટરની મૂળ ઓળખ જ બદલી નાખી!
થ્રેડ્સનું આગમન
થ્રેડ્સના આગમન પહેલાં, ટેક્સ્ટ પર ફોકસ્ડ સોશિયલ મીડિયામાં ટ્વીટર ખાસ્સી જામી ગયેલી એપ હતી. તેને ફેસબુક સિવાય સીધી કોઈ હરીફાઇ નહોતી. આમ તો આ બંને સોશિયલ મીડિયા સર્વિસનું ફોકસ પહેલેથી અલગ રહ્યું છે.
સત્તર વર્ષ પહેલાં,૨૦૦૬ના જુલાઈ મહિનામાં ટ્વીટર સર્વિસ લોન્ચ થઈ તેનાં બે-અઢી વર્ષ પહેલાં ફેસબુક લોન્ચ થઈ ગઈ હતી અને સોશિયલ મીડિયાનો યુગ શરૂ થઈ ગયો હતો.
ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગનું સપનું દુનિયાભરના ફ્રેન્ડ્સને ડિજિટલ વર્લ્ડમાં એકમેકની નજીક લાવવાનું હતું – સૌ ડિજિટલી એકમેકના સંપર્કમાં રહે, જુદા જુદા મુદ્દાની ચર્ચા કરે, ફોટોઝ-વીડિયો શેર કરે, ગેમ્સ રમે…

જ્યારે ટ્વીટરના સ્થાપક જેક ડોર્સીનો આઇડિયા જુદો હતો. એમના મનમાં મોબાઇલમાંના એસએમએસ જેવી કોઈ સોશિયલ સર્વિસ ઊભી કરવાનો વિચાર રમતો હતો. એ સમયે એસએમએસ બે વ્યક્તિ વચ્ચેનું ચેટિંગ હતા, જ્યારે ટ્વીટર એક સાથે અનેક લોકો સાથે ચેટિંગ શક્ય બનાવતી હતી. એટલે જ શરૂઆતમાં ટ્વીટર પર ફક્ત ૧૪૦ કેરેક્ટર્સમાં ટ્વીટ કરવાની મર્યાદા હતી. એ સમયે લોકપ્રિય બ્લોગનું આ તદ્દન માઇક્રો સ્વરૂપ હતું, જે લોકોને ગમ્યું!
એ કારણે ફેસબુક અને ટ્વીટરને અલગ ઓડિયન્સ મળ્યું.
ફેસબુકે સોશિયલ મીડિયા પરની પોતાની ધાક વધુ વિસ્તારવા ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી એપ ખરીદી. એ પછી હમણાં ટ્વીટરમાં ઇલોન મસ્કના આગમન સાથે ટ્વીટરની સ્થિતિ ડામાડોળ થતાં મેટા કંપનીએ, ટ્વીટર સામે થ્રેડ્સનું બ્રહ્માસ્ત્ર ઉગામ્યું.
થ્રેડ્સને શરૂઆતમાં તો જબરો રિસ્પોન્સ મળ્યો – ધાર્યા મુજબ.
રેડિયો સર્વિસને પાંચ કરોડ યૂઝર્સ સુધી પહોંચતાં પૂરાં ૩૮ વર્ષ લાગ્યાં હતાં.મેટા કંપનીએ ‘થ્રેડ્સ’ એપ લોન્ચ કરી ત્યારે તેને પહેલા દિવસે સાત કરોડ યૂઝર્સ મળી ગયાનો દાવો હતો! કારણ એ જ કે થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ પર ‘પીગીરાઇડ’ કરીને આવી.
ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ ધરાવતા લોકો માટે થ્રેડ્સમાં જોડાવું બહુ સહેલું હતું એટલે લોકો સાગમટે થ્રેડ્સમાં જોડાયા, પરંતુ શરૂઆતનો એ ઉત્સાહ લાંબું ટક્યો નહીં. ઘણા લોકો ઇન્સ્ટાગ્રામમાં જે પોસ્ટ કરે એ જ થ્રેડ્સમાં પણ કરવા લાગ્યા.
પરિણામ એ આવ્યું કે લોન્ચના થોડા જ દિવસોમાં થ્રેડ્સના એક્ટિવ યૂઝર્સની સંખ્યામાં પૂરા ૭૦ ટકાનો ઘટાડો થઈ ગયો છે!
ટ્વીટરની ‘વિદાય’
એક તરફ થ્રેડ્સનું આક્રમણ થયું, તેના તરફથી ટ્વીટરને મોટી હરીફાઈ નહીં મળે એવું પણ સાબિત થઈ ગયું, ત્યાં ટ્વીટરના માલિક ઇલોન મસ્કે અચાનક મોટો ધડાકો કર્યો – તેમણે ટ્વીટરની ઓળખ જ બદલી નાખી!
આમ તો બહુ ઓછી કંપનીનાં નામ લોકોની રોજબરોજની જિંદગીમાં ગાઢ રીતે વણાઈ જતાં હોય છે. આપણે નેટ પર કંઈ સર્ચ કરીએ તો એ માટે કહીએ છીએ કે ‘ગૂગલ કર્યું’. વાસ્તવમાં ‘ગૂગલિંગ’ જેવો કોઈ શબ્દ નથી. એમ, ટ્વીટર પર કંઈ પોસ્ટ કરીએ તો તેને કહેવાય છે ‘ટ્વીટ કર્યું!’ (‘ફેસબુક કર્યું’ એમ કોઈ કહેતું નથી!). હવે એવું કહી શકાશે નહીં, ટ્વીટરના નવા માલિક ઇલોન મસ્કે, દુનિયાભરમાં અને આપણા મનમાં વર્ષોથી સતત કલબલાટ કરતા નામને જ ‘એક્સ (ex -ભૂતકાળ)’કરી નાખ્યું છે!
ઇલોન મસ્કે ગયા વર્ષે ૪૪ અબજ ડોલરમાં ટ્વીટર કંપની ખરીદી એ જ એક મોટો જુગાર હતો. ત્યારે કંપનીની બ્રાન્ડ વેલ્યૂ જબરજસ્ત હતી, પણ આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. મસ્કે આવક વધારવા જાતભાતનાં, વિવાદાસ્પદ પગલાં લીધાં અને કંપનીની સ્થિતિ વધુ કથળી. ઇલોક મસ્કે કંપનીના ભારતીય મૂળના સીઇઓ સહિત અનેક એમ્પ્લોઇઝની હકાલપટ્ટી કરી અને છેવટે હવે કંપનીની ઓળખ સમા પંખીને પણ અલવિદા કહી દીધી છે. ૧૫-૧૭ વર્ષની મહેનત પછી ટ્વીટરની વિશ્વવ્યાપી બ્રાન્ડવેલ્યૂ ક્રિએટ થઈ હતી. ઇલોન મસ્કના એક નિર્ણયથી તેમાં વીસેક અબજ ડોલરનો ઘટાડો થયો હોવાનું મનાય છે.
આમ કરવાનું કારણ?
ટ્વીટર કંપની ખરીદી ત્યારે જ ઇલોન મસ્કે કહ્યું હતું કે તેઓ ‘એન એપ ફોર એવરીથિંગ’ – બધી બાબતોની એક એપનું સર્જન કરવા માગે છે. એ જ હેતુ માટે તેમણે ટ્વીટર જેવી, સારો એવો યૂઝરબેઝ ધરાવતી કંપની ખરીદી અને હવે તેને ‘સુપરએપ’ બનાવવાની દિશામાં કંપનીની ઓળખ બદલી છે.
કંપનીના નવા સીઇઓએ પણ તેમની ટ્વીટ, સોરી, ‘એક્સ’માં લખ્યું છે કે હવે કંપની ઓડિયો, વીડિયો, મેસેજિંગ, પેમેન્ટ્સ, બેન્કિંગ વગેરે બધી સર્વિસ આપતી ‘સુપરએપ’ બનવા તરફ આગળ વધશે.
ચીનની ‘વીચેટ’ ફક્ત મેસેજિંગ એપમાંથી સફળ રીતે ‘સુપરએપ’ બની છે. તેના અત્યારે સવાથી દોઢ અબજ જેટલા એક્ટિવ યૂઝર્સ છે અને એક એપમાં નાની-મોટી ૩૫ લાખ જેટલી સર્વિસ ઉપલબ્ધ છે!
ઇલોન મસ્ક આવો ચમત્કાર કરી શકશે? અત્યારે દુનિયા તો તેના ફેવરિટ મજાના પંખીની કતલના આંચકામાં ડૂબેલી છે!
થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર, નહીં, એક્સની સરખામણી

અત્યાર સુધી સોશિયલ મીડિયામાં અલગ અલગ કંપનીઓએ અલગ અલગ ઓડિયન્સ પર ફોકસ કરીને પોતાપોતાની અલગ દુનિયા ઊભી કરી હતી. તેમની વચ્ચે સ્પર્ધા ખરી, પણ મોટા ભાગે તેમના યૂઝર્સ ઓવરલેપ થાય. એટલે કે એક વ્યક્તિ ફેસબુક પણ વાપરે, ઇન્સ્ટાગ્રામ પણ વાપરે અને ટ્વીટર પણ વાપરે.
હવે લગભગ પહેલી વાર એવું થયું છે કે લગભગ એક સરખી બે સર્વિસ આમને-સામને આવી છે. થ્રેડ્સ ઇન્સ્ટાગ્રામ કનેક્ટેડ હોવાથી તેને શરૂઆતમાં જ જબરો પુશ મળી ગયો છે. યૂઝની દૃષ્ટિએ ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ ખાસ્સાં અલગ છે, પણ થ્રેડ્સ અને ટ્વીટર લગભગ સરખાં છે.
![]() |
![]() |
![]() |
|
| ફીચર | થ્રેડ્સ | ઇન્સ્ટાગ્રામ | ટ્વીટર |
| પોસ્ટમાં કેરેક્ટરની મર્યાદા | ફોકસ ટેક્સ્ટ પર, પોસ્ટ ૫૦૦ કેરેકટરની મર્યાદામાં લખી શકાય | ફોકસ ઇમેજ/વીડિયો પર. પોસ્ટમાં ૨૨૦૦ કેરેકટરની લિમિટમાં કેપ્શન લખી શકાય | ફોકસ ટેક્સ્ટ પર, ફ્રી યૂઝર માટે ૨૮૦ કેરેકટર અને પેઇડ યૂઝર માટે ૨૫૦૦૦ કેરેકટર! |
| મલ્ટિપલ એકાઉન્ટ | એકથી વધુ એકાઉન્ટ ક્રિએટ કરી શકાય | એકથી વધુ એકાઉન્ટ ક્રિએટ કરી શકાય | એકથી વધુ એકાઉન્ટ ક્રિએટ કરી શકાય |
| વેરિફિકેશન | જો તમે ઇન્સ્ટાગ્રામ પર વેરિફાઇડ હો તો થ્રેડ્સ પર પણ વેરિફાઇડ થઈ જાઓ | હવે વેરિફિકેશન પેઇડ થઈ ગયું છે | હવે વેરિફિકેશન પેઇડ થઈ ગયું છે |
| એકાઉન્ટ ડિલીટ | આપણું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ સાથે કનેક્ટેડ છે એટલે થ્રેડ્સનું એકાઉન્ટ ડિલીટ કરવા માટે ઇન્સ્ટા એકાઉન્ટ પણ ડિલીટ કરવું પડે | એકાઉન્ટ ડિલીટ કરવાનું થોડું મુશ્કેલ છે, ડેસ્કટોપ પર બ્રાઉઝરમાં લોગઇન થઈને એકાઉન્ટ ડિલીટ કરી શકાય | એકાઉન્ટ સહેલાઈથી ડિલીટ કરી શકાય |
| પ્રાઇવેટ એકાઉન્ટ | એકાઉન્ટ પ્રાઇવેટ રાખી શકાય | એકાઉન્ટ પ્રાઇવેટ રાખી શકાય | એકાઉન્ટ પ્રાઇવેટ રાખી શકાય |
| ઉપયોગની મર્યાદા | ઉપયોગ પર હાલમાં કોઈ મર્યાદા નથી | ઉપયોગ પર હાલમાં કોઈ મર્યાદા નથી | ફ્રી યૂઝર્સ એક દિવસમાં વધુમાં વધુ ૬૦૦ ટ્વીટ જોઈ શકે |
| હોમ ફીડ | હોમફીડમાં માત્ર મેઇન થ્રેડ્સ જોઈ શકાય | હોમફીડમાં આપણે જેમને ફોલો કરતા હોઇએ અને જેને ફેવરિટ્સ સેવ કરેલ હોય તેમની પોસ્ટ્સ જોઈ શકાય | ટ્રેન્ડિંગ ટ્વીટ, ક્રમબદ્ધ ટ્વીટ, જેમને ફોલો કરતા હોઇએ તેમની ટ્વીટ વગેરે રીતે હોમફીડ જોઈ શકાય |
| પોસ્ટ એડિટ | પોસ્ટ એક વાર પોસ્ટ કર્યા પછી એડિટ કરી શકાતી નથી. | પોસ્ટ એડિટ કરી શકાય | માત્ર પેઇડ સબસ્ક્રાઇબર પોસ્ટ એડિટ કરી શકે |
| ડાઇરેક્ટ મેસેજ | હજી ડાઇરેક્ટ મેસેજની સગવડ નથી | ડાઇરેક્ટ મેસેજ કરી શકાય | ડાઇરેક્ટ મેસેજ કરી શકાય |
| હેશટેગ | સોશિયલ મીડિયાના જીવ સમાન હેશટેગ્સ હાલમાં ઉપલબ્ધ નથી | હેશટેગનો ભરપૂર ઉપયોગ શક્ય | હેશટેગનો ભરપૂર ઉપયોગ શક્ય |
| ડેસ્કટોપ વર્ઝન | હાલમાં ડેસ્કટોપ પર ઉપયોગ શક્ય નથી | ડેસ્કટોપ વર્ઝન ઉપલબ્ધ છે | ડેસ્કટોપ વર્ઝન ઉપલબ્ધ છે |





