
માઇક્રોસોફ્ટના દરેક પ્રોગ્રામની જેમ તેના વર્ડ પ્રોગ્રામમાં પણ અનેક ફીચર છે, પરંતુ એ શોધવાં મુશ્કેલ બની શકે છે. આમ તો લાંબા સમયથી માઇક્રોસોફ્ટ કંપનીએ તેના પ્રોગ્રામ્સમાં સાદા મેનૂને વિદાય આપીને ‘વિઝ્યુઅલ રિબન’ અપનાવી લીધી છે.

રિબનમાં વિવિધ ફીચર અલગ અલગ ટેબમાં ગોઠવવામાં આવ્યા છે અને તેની ડિઝાઇન એ પ્રકારે તૈયાર કરવામાં આવી છે કે ફીચરના આઇકન જોઇને જ આપણે સમજી જઇએ કે તેનાથી કેવી સગવડ મળશે! પરંતુ વર્ડમાં ફીચર એટલાં બધાં છે કે તેના સુધી પહોંચવું ઘણી વાર મુશ્કેલ બને.

માઇક્રોસોફ્ટે આ કામ પણ સહેલું બનાવી દીધું છે. માઇક્રોસોફ્ટે તેના પ્રોગ્રામ્સમાં રિબનની ઉપર છેક મથાળે એક સર્ચ બોક્સ ઉમેરી દીધું છે. આ સર્ચ બોક્સ જે તે પ્રોગ્રામના વિવિધ ફીચર્સ સર્ચ કરવા માટે જ છે. આપણે તેમાં કંઈ પણ લખીને પ્રોગ્રામમાં એ ફીચર સુધી પહોંચી શકીએ છીએ.

જેમ કે વર્ડમાં સ્ક્રીન પર સૌથી નીચેના ટૂલબારમાં, ડોક્યુમેન્ટમાંના શબ્દોની સંખ્યા જાણવા માટે વર્ડ કાઉન્ટ દર્શાવવામાં છે. આવે કોઈ કારણસર ટૂલબારમાં એ રીતે વર્ડ કાઉન્ટ જોવા ન મળે તો આપણે મથાળાના સર્ચ બોક્સમાં ફક્ત ‘વર્ડ કાઉન્ટ’ લખીએ તો સર્ચ રિઝલ્ટમાં વર્ડ કાઉન્ટની લિંક જોવા મળે છે અને તેને ક્લિક કરતાં ‘ડિટેઇલ્ડ વર્ડ કાઉન્ટ’ દર્શાવતું બોક્સ ઓપન થાય છે.
આપણે જેમાં કામ કરી રહ્યા હોઇએ તે પ્રોગ્રામના વિવિધ ફીચરનું રિબન કે ટૂલબારમાં એકઝેટ લોકેશન જાણતા ન હોઇએ પરંતુ તે ફીચરને સંબંધિત શબ્દો જાણતા હોઇએ તો તેની મદદથી આ રીતે તેને સર્ચ કરી શકાય છે.
