તમે કોઈ ઓનલાઇન શોપિંગ સાઇટ પર શોપિંગ કરો, બસ, રેલવે, ફ્લાઇટ વગેરેની ટિકિટ ખરીદો, વીમાના પ્રીમિયમ ભરો કે મોબાઇલ-ઇલેક્ટ્રિસિટી વગેરેનાં બિલ માટે પેમેન્ટ કરો ત્યારે રકમની ચુકવણી કરો ત્યારે પેમેન્ટ કેવી રીતે કરો છો? આવી બધી જ સાઇટ ‘પેમેન્ટ ગેટવે’નો ઉપયોગ કરતી હોય છે, જે આપણને નેટ બેન્કિંગ, બેન્ક કાર્ડ, મોબાઇલ વોલેટ કે યુપીઆઇ જેવા વિવિધ વિકલ્પથી પેમેન્ટ કરવાની સગવડ આપે છે.

હવે આપણે યુપીઆઇ વ્યવસ્થઆ બહુ ફાવી ગઈ છે એટલે મોટા ભાગે આપણે વિવિધ ઓનલાઇન સ્ટોર કે સર્વિસની વેબસાઇટ પર રકમ ચૂકવવા માટે યુપીઆઇનો વિકલ્પ પસંદ કરીએ છે.
અત્યારે આપણે યુપીઆઇનો વિકલ્પ પસંદ કરીએ અને પેમેન્ટ પૂરું થયાં સુધીમાં આ કંઈક આવું બને છેઃ આપણે પોતાનો યુપીઆઇ આઇડી આપીએ, પેલી સર્વિસ તેને વેરિફાય કરે, એ સર્વિસ આપણને એ યુપીઆઇ આઇડી જે યુપીઆઇ એપથી જનરેટ થયો હોય તેમાં પેમેન્ટ રિકવેસ્ટ મોકલે, આપણે ફટાફટ એ યુપીઆઇ એપ ઓપન કરવા દોડવું પડે, તેમાં આવેલી રિકવેસ્ટ શોધીને તેને એપ્રૂવ કરીએ એટલે આપણા બેન્ક એકાઉન્ટમાંથી પેલી ઓનલાઇન સર્વિસને રકમની ચૂકવણી થાય. આ પછી આપણે ફરી મૂળ જ્યાં રકમની ચૂકવણી કરી હોય તે વેબપેજ પર આવીએ.
આ પ્રોસેસ લાંબી છે અને તેમાં કંઈક ભૂલ થાય કે ટેકનિકલ ખામી આવી જાય તો પેમેન્ટ નિષ્ફળ જઈ શકે છે. એના ઉપાય તરીકે વિવિધ ઓનલાઇન સર્વિસ પેમેન્ટ ગેટવે પર ક્યૂઆર કોડ સ્કેન કરીને પેમેન્ટ કરવાની સગવડ પણ આપે છે. અલબત્ત તેમાં પણ આપણે બીજી યુપીઆઇ એપમાં જવું પડે છે. આ સગવડ પીસી/લેપટોપમાં વધુ કામ લાગે કારણ કે તેના સ્ક્રીન પર દેખાતા ક્યૂઆર કોડને સ્માર્ટફોનથી સ્કેન કરવો સહેલો છે. આણ યુપીઆઇથી પેમેન્ટ એ ચૂકવણીના અન્ય તમામ રસ્તા કરતાં ઘણો વધુ ઝડપી, સહેલો અને સલામત રસ્તો છે, તેમ છતાં તેમાં પણ ઉપર લખ્યા મુજબ, ખાસ કરીને મર્ચન્ટ વેબસાઇટ્સ પર પેમેન્ટની પ્રોસેસ લાંબી છે અને તેમાં ભૂલથી પેમેન્ટ નિષ્ફળ જવાની શક્યતા રહે છે. વિવિધ પેમેન્ટ કંપની હવે આના ઉપાય શોધી રહી છે.
પેમેન્ટ ગેટવે વધુ સહેલો રસ્તો આપી રહ્યા છે
સારી વાત એ છે પેમેન્ટ ગેટવે તરીકે કામ કરતી કંપનીઓ આ પ્રોસેસ વધુ સહેલી બનાવી રહી છે – જેનો મર્ચન્ટ વેબસાઇટ્સ અને આપણને યૂઝર્સને પણ લાભ મળશે.

દેશની આગળ પડતી પેમેન્ટ ગેટવે કંપની રેઝરપે દ્વારા ‘ટર્બો યુપીઆઇ’ તથા પેટીએમ દ્વારા ‘યુપીઆઇ એસડીકે’ નામે ફીચર લોન્ચ થયાં છે. જે મર્ચન્ટ વેબસાઇટ પોતાના પેમેન્ટ ગેટવે તરીકે રેઝરપે કે પેટીએમનો ઉપયોગ કરતી હોય તે આ ફીચરનો ઉપયોગ કરીને પોતાના પેમેન્ટ ગેટવેમાં ડાયરેક્ટ યુપીઆઇ ઇન્ટિગ્રેટ કરી શકે છે.
અત્યારે વિવિધ સાઇટ પર યુપીઆઇ પેમેન્ટનો જે વિકલ્પ દેખાય છે તે આવો ડાયરેક્ટ હોતો નથી, લેખની શરૂઆતમાં જોયું તેમ થર્ડ પાર્ટી એપ્સ આધારિત હોય છે.
જ્યારે મર્ચન્ટ એપ પર ટર્બો યુપીઆઇ કે યુપીઆઇ એસડીકે ફીચર એક્ટિવેટ હશે ત્યારે આપણે તેની મદદથી પેમેન્ટ કરીશું તો આ કંપનીઓના દાવા મુજબ પેમેન્ટ કરવાની પ્રોસેસ લગભગ ચાર-પાંચ ગણી ઝડપી થશે કેમ કે તેમાં આપણે થર્ડ પાર્ટી યુપીઆઇ એપ પર જવું નહીં પડે, મૂળ મર્ચન્ટ એપ પરથી જ પેમેન્ટની પ્રક્રિયા પૂરી થશે.અલબત્ત આ નવી વ્યવસ્થા હમણાં લોન્ચ થઈ છે એટલે બહુ ઓછી મર્ચન્ટ વેબસાઇટ્સ પર તેનો ઉપયોગ શરૂ થયો છે. મોટા પ્રમાણમાં મર્ચન્ટ એપ્સ પર આ સગવડનો ઉપયોગ થશે એ પછી આપણે માટે પણ યુપીઆઇથી પેમેન્ટની પ્રોસેસ વધુ સહેલી અને વધુ ઝડપી બનશે!
