(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સમાંતર શિક્ષણનો નવો યુગ

આજના સમયમાં કોઈ વિદ્યાર્થી માત્ર એક કોલેજમાં થતા અભ્યાસ પર બધો આધાર રાખી શકે તેમ નથી. સદનસીબે, હવે તેના માટે મૂળ કોલેજને સમાંતર ઓનલાઇન એજ્યુકેશનની અનેક તકો ખૂલી રહી છે.

ભારતમાં ઉચ્ચ શિક્ષણનું નિયમન કરતા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ વર્ષ ૨૦૧૮માં ભારતમાં અભ્યાસને સંબંધિત એક ક્રાંતિકારી પગલું ભર્યું. યુજીસીએ યુનિવર્સિટીઝને પૂરેપૂરા ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફ કરવાની છૂટ આપી!

એ અગાઉ ભારતની યુનિવર્સિટી અને કોલેજો કોઈ પણ ડિગ્રી કોર્સના ૨૦ ટકાથી વધુ ભાગને ઓનલાઇન ઓફર કરી શકતી નહોતી. આ મર્યાદાનું કારણ એ હતું કે એ સમયે ઓનલાઇન કોર્સમાં શિક્ષણની ગુણવત્તા કથળવાની ચિંતા હતી. પરંતુ સમગ્ર વિશ્વમાં જે રીતે ઓનલાઇન એજ્યુકેશનનો વ્યાપ વધી રહ્યો છે એ જોતાં યુજીસીએ ભારતમાં પણ કેટલીક શરતોને આધિન પૂરેપૂરા ઓનલાઇન કોર્સ ઓફર કરવાની છૂટ આપી.

વિદેશોમાં ઓનલાઇન એજ્યુકેશન તેજ ગતિએ વિકસી રહ્યું છે. નોલેજ ફ્રી, સર્ટિફિકેટ જોઈતું હોય તો ફી – એવું તેનું મોડેલ છે. ભારતમાં પણ સરકાર લગભગ એવા જ મોડેલ પર દેશની ટોચની શિક્ષણ સંસ્થાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવા લાગી છે. બીજી તરફ દેશની ટોપ-૧૦૦માંની કેટલીય યુનિવર્સિટી પૂરેપૂરા ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરવા લાગી છે.

અલબત્ત આવા ઓનલાઇન ડિગ્રી કોર્સની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે યુજીસીએ કેટલીક શરતો પણ રાખી, જેમ કે…

  • દેશની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કના આધારે જે ચોક્કસ રેન્ક આપવામાં આવે છે, તેમાં પહેલા ૧૦૦માં સ્થાન ધરાવતાં ઇન્સ્ટિટ્યૂશન જ સંપૂર્ણપણે ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરી શકે છે.
  • માત્ર મર્યાદિત પ્રકારના વિષયોના ઓનલાઇન કોર્સ ઓફર કરી શકાય છે, મેડિકલ કે કાયદા સંબંધિત ડિગ્રીઓ માટે ઓનલાઇન કોર્સની છૂટ આપવામાં આવી નથી.
ઓનલાઇન કોર્સ શા માટે?

હાલની સ્થિતિ અનુસાર ભારતમાં હાઇસ્કૂલ સુધીનો અભ્યાસ પૂરો કરતા વિદ્યાર્થીઓમાંથી માંડ ૨૫ ટકા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધે છે. ભારત સરકાર ૨૦૩૫ સુધીમાં આ આંકડો ૫૦ ટકા સુધી પહોંચાડવા માગે છે.

ભારતમાં કોલેજ અને યુનિવર્સિટીઓ તો હજારો છે પરંતુ તેની સામે વસતી એટલી બધી છે કે ૫૦ ટકા વિદ્યાર્થીઓને પણ આવરી શકાય તેમ નથી.

આઇઆઇટીમાં એડમિશન પહેલાં લાખોનો ખર્ચ હવે જરૂરી નથી, ઓનલાઇન એડમિશન સસ્તું છે.

તેમાંય ટેકનોલોજી એજ્યુકેશનની સ્થિતિ હજી વધુ મુશ્કેલ છે. દેશમાં ઉચ્ચ સ્તરનું ટેકનોલોજી એજ્યુકેશન આપતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી)ની સંખ્યા માંડ ૨૩ જેટલી છે. તેમાં કુલ ફક્ત સોળ હજાર જેટલા વિદ્યાર્થીઓને સમાવી શકાય તેમ છે. તેની સામે આઇઆઇટીમાં એડમિશન માટે જેઇઇ મેઇન્સમાં પાસ થઈને જેઇઇ એડવાન્સ્ડ પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યા અઢી લાખ જેટલી હોય છે!

તેનો અર્થ એ થયો કે ઓછામાં ઓછા અઢી લાખ વિદ્યાર્થીઓ આઇઆઇટીમાં એડમિશન માટે તત્પર હોય છે પરંતુ માત્ર સોળ હજાર જેટલા વિદ્યાર્થીઓને આ તક મળે છે. એ જ કારણે જેઇઇ મેઇન્સ અને એડવાન્સ્ડ પરીક્ષા વિશ્વભરમાં સૌથી મુશ્કેલ પરીક્ષાઓમાંની એક ગણાય છે.

આઇઆઇટીનું લક્ષ્ય રાખતા વિદ્યાર્થીઓ ઘણા કિસ્સામાં છેક આઠમા ધોરણથી માત્ર જેઇઇ એડવાન્સ્ડમાં સફળ થવાની તૈયારીઓ કરતા હોય છે. આઇઆઇટીમાં આ ધસારાને ધ્યાનમાં રાખીને દેશભરમાં કોચિંગ ક્લાસીસ અને ડમી સ્કૂલ્સનું એક વ્યાપક દૂષણ પણ ઊભું થયું છે. ધીમે ધીમે એવી સ્થિતિ સર્જાય છે કે આઇઆઇટીમાં એડમિશન પહેલાં, ફક્ત તેની તૈયારી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી શકે માત્ર એ જ વિદ્યાર્થી સારા ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ શિક્ષણનું સપનું જોઈ શકે છે.

યુજીસીની છૂટથી હવે ભારતની ટોચની યુનિવર્સિટીમાં સેલ્ફ-પેસ્ડ ઓનલાઇન ડિગ્રી કોર્સ કરી શકાય છે. વિદ્યાર્થી સક્ષમ હોય તો તે પરંપરાગત કોલેજમાં ડિગ્રી કોર્સની સાથોસાથ બીજો ઓનલાઇન ડિગ્રી કોર્સ કરી શકે છે.

યુજીસીએ આ સ્થિતિ બદલવા માટે દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓને પૂરેપૂરા ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરવાની છૂટ આપી છે. તેની સાથોસાથ વર્ષ ૨૦૨૦થી કોઈ પણ વિદ્યાર્થી એક સાથે બે ડિગ્રી કોર્સનો અભ્યાસ કરી શકે એવી છૂટ પણ આપી છે! શરત માત્ર એટલી કે બંને કોર્સનો સમય એકબીજા માટે અવરોધરૂપ થવો ન જોઈએ.

પૂરેપૂરા ઓનલાઇન ડિગ્રી કોર્સનો સૌથી મોટો લાભ એ છે કે શૈક્ષણિક સંસ્થાઓ ઓન-કેમ્પસ કોર્સની સરખામણીમાં અનેકગણા વિદ્યાર્થીઓને એડમિશન આપી શકે છે. ઓન-કેમ્પસ ડિગ્રી કોર્સની સરખામણીમાં આવા કોર્સની ફી ખાસ્સી ઓછી રાખી શકાય છે. આમ માત્ર લાખોનો ખર્ચ કરી શકતા વિદ્યાર્થીઓ ‘તેજસ્વી’ ગણાય અને માત્ર આવા જ વિદ્યાર્થીઓ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂશન્સમાંથી ડિગ્રી મેળવી શકે તેવી સ્થિતિ હવે ધીમે ધીમે બદલાઈ રહી છે.


‘સાયબરસફર’માં આપણે વર્ષોથી ઓનલાઇન એજ્યુકેશનના વધતા મહત્ત્વની વાત કરી છે, તેમાં ઝોક મુખ્યત્વે વિદેશી સાઇટ્સ પર રહેતો હતો, હવે ભારતમાં જ આ દિશામાં થયેલી પહેલોની વાત કરીએ.

ભારતમાં આઝાદીનાં ૭૫ વર્ષ પછી પણ શિક્ષણની બાબતે ઘણા અવરોધ જોવા મળે છે. બહુ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ, મોટા ભાગે આર્થિક કારણોસર સારી ગુણવત્તાનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકતા નથી.

આ અંતરાય ટેકનોલોજીની મદદથી દૂર કરવા માટે ભારત સરકારે ‘સ્વયમ’ (https://swayam.gov.in/) નામે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવેલા પોર્ટલ પર ધોરણ ૯ થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના અભ્યાસક્રમો શીખવવામાં આવે છે.

હાલમાં સ્વયમ પોર્ટલ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય તેમજ એનપીસીઇએલ અને આઇઆઇટી મદ્રાસ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ગૂગલ કંપનીએ પણ સહયોગ આપ્યો છે.

સ્વયમ પોર્ટલમાં બહોળા વિષયોના ઓનલાઇન શિક્ષણ પર ભાર છે, જ્યારે એન્જિનીયરિંગ પર ફોકસ સાથે https://nptel.ac.in/ પોર્ટલ ઊભું કરવામાં આવ્યું છે. આ પોર્ટલ દેશની વિવિધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના સહયોગમાં ઊભું કરાયું છે.

બંને પોર્ટલ પર તમામ કોર્સ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. તમામ કોર્સ ઇન્ટરએક્ટિવ છે તથા તમામ કોર્સ જે તે વિષયની દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓના અધ્યાપકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોર્સ તૈયાર કરવામાં દેશભરમાંથી કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલા એક હજારથી વધુ ફેકલ્ટી અને શિક્ષકોએ યોગદાન આપ્યું છે.

સ્વયમ પોર્ટલ પર ઉપલબ્ધ તમામ કોર્સ ચારથી ચોવીસ અઠવાડિયાં સુધીની સમયમર્યાદામાં પૂરા કરી શકાય છે. nptel  પોર્ટલ પર ૧૨ અઠવાડિયાં સુધીના કોર્સમાં જોડાઈ શકાય છે.

બંને પોર્ટલ પર મુખ્યત્વે ચાર પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે ઃ

  1. રેકોર્ડેડ વીડિયો લેકચર
  2. ડાઉનલોડ કે પ્રિન્ટ કરી શકાય તેવું રીડિંગ મટીરિયલ
  3. ટેસ્ટ અને ક્વિઝ દ્વારા સેલ્ફ એસેસમેન્ટ
  4. કોર્સ સંબંધિત પ્રશ્નોના નિરાકરણ માટે ઓનલાઇન ડિસ્કશન ફોરમ

બધા જ કોર્સમાં ઓડિયો-વીડિયો તથા મલ્ટિમીડિયા ટેકનોલોજીના ઉપયોગથી શીખવાનો અનુભવ બહેતર બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

આ બધા જ કોર્સમાં કોઈ પણ ખર્ચ વિના જોડાઈ શકાય છે. ફક્ત જો કોર્સ પૂરો કર્યા પછી નિશ્ચિત તારીખે ચોક્કસ સ્થળોમાં યોજાતી પરીક્ષામાં રૂબરૂ હાજર રહેવું હોય અને પરીક્ષા પાસ કરીને સર્ટિફિકેટ મેળવવું હોય તો એ માટે ફી ચૂકવવાની રહે છે.

બંને પોર્ટલ પર કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીને નિશ્ચિત ક્રેડિટ મળે છે અને આ ક્રેડિટ વિવિધ યુનિવર્સિટીના નિશ્ચિત કોર્સમાં એકેડેમિક રેકોર્ડ તરીકે ઉમેરી શકાય છે.

તમે આ વર્ષે બારમા ધોરણમાં એ ગ્રૂપ સાથે એન્જિનીયરિંગની ડિગ્રી પર ફોકસ રાખ્યું હતું? તમે જેઇઇ મેઇન્સ પરીક્ષા સારા પર્સન્ટાઇલ સાથે પાસ કરી લીધી? અથવા, તમે બીટેક ડિગ્રી મેળવી લીધી છે અને કોઈ સારી જગ્યાએ જોબ પણ કરી રહ્યા છો, પણ હજી આગળ વધવા માટે કોઈ સારો કોર્સ કરવાની ઇચ્છા છે?

તમારે માટે ખુશખબર છે! દેશની ભારતની પ્રથમ ક્રમની એન્જિનીયરિંગ કોલેજ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ  ટેક્નોલોજી મદ્રાસે એક અનોખો ઓનલાઇન ડિગ્રી કોર્સ શરૂ કર્યો છે.

આગળ જેની વાત કરી છે કે સ્વયમ તથા  nptel.ac.in પોર્ટલનું માળખું તૈયાર કરવામાં આઇઆઇટી મદ્રાસનો સિંહફાળો છે. એ દૃષ્ટિએ આ ઇન્સ્ટિટ્યૂટને ઓનલાઇન કોર્સિસ ઓફર કરવાનો બહોળો અનુભવ છે.

એ અનુભવને આગળ ધપાવતાં આઇઆઇટી મદ્રાસ સમગ્ર વિશ્વનો પહેલો ડેટા સાયન્સ અને એપ્લિકેશન્સમાં ઓનલાઇન ત્રણ વર્ષનો બીએસસી અને ચાર વર્ષનો બીએસ ડિગ્રી પ્રોગ્રામ ઓફર કરે છે.

બારમા ધોરણ પછી વિદ્યાર્થી કોઈ પણ પરંપરાગત કોલેજમાં ડિગ્રી કોર્સ માટે જોડાય તેની સાથોસાથ આ ઓનલાઇન કોર્સ પણ કરી શકે છે!

આ કોર્સમાં કોણ જોડાઈ શકે?

આ વર્ષે જેઇઇની મેઇન્સ પરીક્ષામાં એડવાન્સ્ડ પરીક્ષા માટે ક્વોલિફાય થયેલા વિદ્યાર્થીઓને આઇઆઇટી મદ્રાસના આ કોર્સમાં સીધું જ એડમિશન મળે છે. એડવાન્સ્ડ માટે ક્વોિલફાય ન થયેલા તથા અન્ય ડિગ્રીના અભ્યાસ પછી જોબમાં જોડાયેલા લોકો પણ આ ઓનલાઇન કોર્સમાં જોડાઈ શકે છે. અલબત્ત તેમણે એક ક્વોલિફાયર એક્ઝામ આપવી પડે છે અને તે પાસ કર્યા પછી તેમને આ કોર્સમાં એડમિશન મળે છે.

આ કોર્સમાં એડમિશનના માપદંડ ઘણા હળવા છે, જેઇઇ એડવાન્સ્ડ માટે ક્વોલિફાઇડ વિદ્યાર્થીને સીધું એડમિશન છે. અભ્યાસ મુશ્કેલ લાગે તો કોર્સ એક, બે વર્ષ પછી છોડી શકાય – ડિગ્રી નહીં તો સર્ટિફિકેટ, ડિપ્લોમા તો મળે જ. આ કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થી આઇઆઇટી મદ્રાસના એલ્યુમનાઇનું ગૌરવભર્યું સ્ટેટસ મેળવે છે!

આ કોર્સની વિશેષતા એ છે કે તેમાં ઓનલાઇન અને ઓફલાઇન એમ બંને પ્રકારના હાઇબ્રીડ મોડેલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં લર્નિંગ પૂરેપૂરું ઓનલાઇન છે, જ્યારે કોર્સમાં જોડાયેલા વિદ્યાર્થીનું એસેસમેન્ટ વન-ટુ વન ક્વીઝ તથા ઓફલાઇન એક્ઝામના માધ્યમથી કરવામાં આવે છે. એ જ કારણે આ કોર્સ પૂરો કરનાર વિદ્યાર્થીના સર્ટિફિકેટમાં કોર્સ ઓનલાઇન હોવાની સ્પષ્ટતા પણ કરવામાં આવતી નથી.

મતલબ કે આ ડિગ્રી સર્ટિફિકેટનું મહત્ત્વ જરા પણ ઓછું થતું નથી!

આ કોર્સ એ રીતે સ્ટ્રકચર કરવામાં આવ્યો છે, જેથી તેમાં જોડાનારા વિદ્યાર્થીઓ ગમે તે કારણસર તેમાં આગળ વધી ન શકે તો એક, બે કે ત્રણ વર્ષના સમય પછી કોર્સ છોડી શકે છે (જુઓ નીચેનું ઇન્ફોગ્રાફિક).

કોર્સની ફી દરેક વર્ષ માટે ભરવાની હોવાથી તેનો મોટો બોજો આવતો નથી. ભારતમાં ઓફર થતા તમામ ઓનલાઇન કોર્સમાં આઇઆઇટી મદ્રાસનો આ કોર્સ કદાચ સૌથી મોંઘો છે, પરંતુ તે તેની સમકક્ષ ઓન- કેમ્પસ ડિગ્રી કોર્સની સરખામણીમાં બહુ જ ઓછો છે. જનરલ કેટેગરી સિવાય આર્થિક મુશ્કેલી કે વિકલાંગતા ધરાવતા વિદ્યાર્થીઓને કોર્સમાં જોડાવાના માપદંડોમાં તથા ફીમાં ઘણી રાહત મળે છે.

આ કોર્સના બેચ જાન્યુઆરી ૨૦૨૩, મે ૨૦૨૩, અને સપ્ટેમ્બર ૨૦૨૩માં યોજાઈ રહ્યા છે. મે ૨૦૨૩ના કોર્સ માટે એપ્લિકેશનની છેલ્લી તારીખ આ લખાઈ રહ્યું છે ત્યારે મે ૨૫ છે (જે લંબાઈ પણ શકે છે). સપ્ટેમ્બર ૨૦૨૩થી શરૂ થતા કોર્સ માટે જુલાઈ મહિનામાં એપ્લિકેશન કરી શકાશે.

વધુ વિગતો માટે જુઓઃ https://study.iitm.ac.in/ds/

ઓનલાઇન કોર્સમાં જોડાવાની વાત આવે ત્યારે પહેલો સવાલ સ્વાભાવિક રીતે એ થાય કે આવા કોર્સની વેલ્યૂ ખરી? હજી આગળના અભ્યાસમાં કે નોકરી મેળવવામાં આવા કોર્સ ઉપયોગી થશે ખરા?

આ સવાલોના જવાબ માટે તથા ઓનલાઇન કોર્સની યોગ્ય ગુણવત્તા જાળવવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ કઈ યુનિવર્સિટી ઓનલાઇન કોર્સ ઓફર કરી શકે તેનાં નિશ્ચિત ધોરણો નક્કી કર્યાં છે.

એ મુજબ,

  • યુનિવર્સિટી ઓછોમાં ઓછાં પાંચ વર્ષથી કાર્યરત હોવી જોઈએ.
  • યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત હોવી જોઈએ.
  • યુનિવર્સિટીએ પાછલાં ત્રણ વર્ષમાંથી ઓછામાં ઓછા બે વર્ષ માટે નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્કમાં ટોચની ૧૦૦ યુનિવર્સિટીમાં સ્થાન મેળવ્યું હોવું જોઈએ.

આ ધોરણો વર્ષ ૨૦૧૮માં નક્કી કરવામાં આવ્યાં હતાં અને વર્ષ ૨૦૨૦માં તેને હજી વધુ કડક બનાવવામાં આવ્યાં છે.

આ ધોરણો નક્કી થયાં તે પહેલાં, વિદ્યાર્થીઓ ભારતના સત્તાવાર માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી) પ્લેટફોર્મ ‘સ્વયમ’ પર ડિગ્રી કોર્સ માટે ૨૦ ટકા અભ્યાસક્રમ ઓનલાઇન પૂરો કરી શકતા હતા અને ત્યાર પછી કોઈ પણ યુનિવર્સિટીમાં ઓન-કેમ્પસ કોર્સમાં જોડાવું જરૂરી હતું.

હવે વિવિધ યુનિવર્સિટી ચાર પ્રકારના કોર્સ માટે સંપૂર્ણપણે ઓનલાઇન એજ્યુકેશન ઓફર કરી શકે છે ઃ

  • સર્ટિફિકેટ પ્રોગ્રામ
  • ડિપ્લોમા પ્રોગ્રામ
  • ત્રણ વર્ષના બેચલર ડિગ્રી પ્રોગ્રામ
  • ચાર વર્ષના બેચલર ડિગ્રી પ્રોગામ
  • માસ્ટર્સ ડિગ્રી પ્રોગ્રામ

આ ચારેય પ્રકારના કોર્સ પૂરા કરવા માટે એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવામાં આવે છે, જે પરંપરાગત પ્રકારના, ઓન-કેમ્પસ કોર્સ કરતાં વધુ હોય છે. ઓનલાઇન કોર્સ સેલ્ફ પેસ્ડ હોવાથી તે પૂરા કરવા માટે વધુ સમય પણ લઈ શકાય છે.

હાલમાં ભારતમાં વિવિધ યુનિવર્સિટી મુખ્યત્વે ત્રણ રીતે ઓનલાઇન કોર્સ ઓફર કરે છે.

  • સ્વયમ પોર્ટલ દ્વારા
  • કોર્સેરા જેવા વિશ્વવ્યાપી લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા
  • યુનિવર્સિટીએ પોતે જ વિકસાવેલા ઓનલાઇન લર્નિંગ પ્લેટફોર્મ દ્વારા

મહત્ત્વની વાત એ કે હવે ભારતમાં પણ શિક્ષણ ધરમૂળથી બદલાઈ રહ્યું છે અને અગાઉના ડિસ્ટન્સ લર્નિંગની જેમ, ઓનલાઇન એજ્યુકેશનથી ઓછા ખર્ચે સારા શિક્ષણની અનેક સંભાવના ખુલી રહી છે.

યુનિવર્સિટી પ્રોગ્રામ સમય અંદાજિત, સરેરાશ ફી
સર્ટિફિકેટ ૬ મહિના રૂ. ૩,૦૦૦
ડિપ્લોમા ૧ વર્ષ રૂ. ૯૦,૦૦૦
બેચલર્સ ડિગ્રી ૩/૪ વર્ષ રૂ. ૧,૨૦,૦૦૦
માસ્ટર્સ ડિગ્રી ૨ વર્ષ રૂ. ૧,૦૦,૦૦૦
કોર્સ/યુનિવર્સિટી અનુસાર ફીમાં મોટો ફેરફાર શક્ય છે, અહીં માત્ર પ્રાથમિક અંદાજ આપ્યો છે

ભારત સરકારે લાંબા સમયથી ઓનલાઇન એજ્યુકેશનની મદદથી સારું શિક્ષણ સૌને માટે સુલભ બનાવવાના પ્રયાસ શરૂ કર્યા છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ ભારતની વિવિધ યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ્સને પણ પૂરેપૂરા  ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરવાની છૂટ આપી દીધા પછી, ફક્ત ૨-૩ વર્ષમાં દેશમાં ઓનલાઇન ડિગ્રી કોર્સ ઓફર કરતી યુનિવર્સિટીની સંખ્યા ધડાધડ વધી રહી છે.

હાલમાં ૬૦થી વધુ યુનિવર્સિટી આવા ૫૦૦થી વધુ કોર્સ ઓફર કરી રહી છે. નીચે, દેશની કેટલીક જાણીતી શિક્ષણ સંસ્થા તરફથી ઓફર કરાતા કોર્સની વિગતો આપી છે. વાત ઓનલાઇન એજ્યુકેશનની છે એટલે દરેક સંસ્થાની વેબસાઇટ પર પૂરતી માહિતી મળશે.

યુનિવર્સિટી વેબસાઇટ ઓનલાઇન કોર્સ
આઇઆઇટી મદ્રાસ https://study.iitm.ac.in/ds/ BSc, BS in Data Science and Applications
મનીપાલ યુનિવર્સિટી https://www.onlinemanipal.com/ MBA, MCA, MSC in Data Science, BCA, BBA, BCom
બિટ્સ પિલાની https://www.coursera.org/degrees/bachelor-of-science-computer-science-bits BSc in Computer Science
બિટ્સ પિલાની (વર્ક ઇન્ટિગ્રેટેડ લર્નિંગ પ્રોગ્રામ્સ) https://bits-pilani-wilp.ac.in/ MTech in Software Engineering
એમિટી ઓનલાઇન https://amityonline.com/ B.Com, BA, BBA, M.Com, MBA, MCA,
એસઆરએમ યુનિવર્સિટી ચેન્નાઈ http://www.srmonline.in/ BBA, BCA, MBA, MCA, M.Com
જૈન યુનિવર્સિટી, બેંગ્લોર https://onlinejain.com/ B.Com, BBA, MA, M.Com, MBA, MCA
ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટી, સોનીપત https://jgu.edu.in/online-learning/ MBA Digital Finance and Banking
  • આ પ્રકારના ઓનલાઇન કોર્સનો સૌથી મોટો લાભ એ છે કે તેમાં વિદ્યાર્થીને પોતાના રસના વિષયમાં વધારાનું શિક્ષણ મેળવવાની તક મળે છે.
  • ઓન-કેમ્પસ ડિગ્રી કોર્સની ફીની સરખામણીમાં આ પ્રકારના ઓનલાઇન કોર્સમાં ફી ઘણી ઓછી હોય છે.
  • કોઈ એક વિષયમાં પરંપરાગત રીતે ડિગ્રી મેળવી લીધા પછી અને જોબ મેળવી લીધા પછી પણ, કરિયરમાં આગળ વધવા માગતી વ્યક્તિ જોબની સાથોસાથ આવા કોર્સ કરી શકે છે.
  • ઓનલાઇન કોર્સ  સેલ્ફ-પેસ્ડ હોય છે, એટલે કે પોતાની રીતે અનુકૂળ સમયમાં આગળ વધી શકાય એ પ્રકારના હોય છે. તેમાં મોટા ભાગે નિશ્ચિત સમયમાં કોર્સ પૂરો કરી લેવાનું દબાણ હોતું નથી.
  • આઇઆઇટી મદ્રાસના કોર્સની જેમ અમુક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓની સગવડ માટે સહેલાં એક્ઝિટ પોઇન્ટ પણ હોય છે. એટલે કે કોર્સમાં જોડાયા પછી કોઈ પણ કારણસર તેમાં આગળ વધવું મુશ્કેલ લાગે તો એક, બે કે ત્રણ વર્ષ પછી કોર્સ છોડી શકાય છે. એવા સંજોગમાં પહેલા વર્ષ પછી સર્ટિફિકેટ, બીજા વર્ષ પછી ડિપ્લોમા તથા ત્રીજા વર્ષ પછી ત્રણ વર્ષનો કોર્સ પૂરો કર્યાની ડિગ્રી મળી શકે છે.
  • કોર્સ ૪ વર્ષનો હોય તો ચારેય વર્ષની ફી એક સાથે ભરવાની હોતી નથી.
  • હવેના સમયમાં પરંપરાગત રીતે કોલેજમાં કોઈ પણ ડિગ્રીના અભ્યાસની સાથોસાથ વિદ્યાર્થીએ પોતાના વિષયમાં પૂરક બને તેવા ઓનલાઇન કોર્સ કરવા અત્યંત જરૂરી છે. તકલીફ એ હોય છે કે ઇન્ટરનેટ પર હવે અનેક ઇન્સ્ટિટ્યૂશન દ્વારા અનેક પ્રકારના ઓનલાઇન કોર્સ ઓફર કરવામાં આવે છે. એટલે કે કોર્સની ચોઇસ વિદ્યાર્થી ગૂંચવાઈ જાય એટલી, વધુ પડતી હોય છે. કયો કોર્સ કરવો તે નક્કી કરવું મુશ્કેલ હોય છે.
  • આઇટીની વાત કરીએ તો તેમાં માતા-પિતા મુખ્ય ડિગ્રી અભ્યાસની સાથોસાથ અન્ય ઓનલાઇન કોર્સ પસંદ કરવામાં વિદ્યાર્થીની લગભગ કોઈ મદદ કરી શકતાં નથી.
  • વિદ્યાર્થીએ જાતે અન્ય ઓનલાઇન કોર્સ પસંદ કરવાનો હોય ત્યારે ક્યો કોર્સ સારો હશે, ક્યો કોર્સ ખરેખર તેને ઉપયોગી બનશે તે નક્કી કરવું બહુ મુશ્કેલ હોય છે. જો ખોટી પસંદગી થઈ જાય તો તેનો મહામૂલો સમય વેડફાઈ જાય તેવું પણ બને.
  • તેની સરખામણીમાં પ્રખ્યાત અને વિશ્વસનીય ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રણ કે ચાર વર્ષના ઓનલાઇન કોર્સ ઓફર કરવામાં આવતા હોય તો તે નિષ્ણાતો દ્વારા બહુ વ્યવસ્થિત રીતે, સ્ટ્રકચર્ડ ફોર્મેટમાં ઓફર કરવામાં આવતા હોય તેવું બની શકે છે.
  • આડેધડ રીતે, ટૂંકી મુદતના કોઈ પણ ઓનલાઇન કોર્સ કરવા તેના કરતાં પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઓફર કરાતા લાંબા સમયના કોર્સ કરિયરમાં આગળ વધવામાં વધુ મદદ કરી શકે છે.
  • ઓનલાઇન કોર્સનો મુખ્ય હેતુ વધુ ને વધુ વિદ્યાર્થીઓ માટે સારી ઇન્સ્ટિટ્યૂટમાં ઉચ્ચ શિક્ષણ સુલભ કરવાનો હોય છે. આથી તેના પ્રવેશના માપદંડ બહુ આકરા હોતા નથી. અત્યંત અઘરી પરીક્ષા પાસ કર્યા પછી જ આ કોર્સમાં એડમિશન મળે તેવું હોતું નથી. ઘણા ખરા કોર્સમાં ઉંમરની પણ કોઈ મર્યાદા હોતી નથી.
  • મોટા ભાગના ઓનલાઇન કોર્સ મોટાં શહેરોમાં યોજાતી મેરેથોન દોડ જેવા હોય છે. આવી મેરેથોનમાં જેને નિયમિત રીતે દોડવાની પ્રેક્ટિસ ન હોય તેવા લોકો પણ જોડાઈ  શકે છે. આવી દોડમાં શરૂઆતમાં હજારો સ્પર્ધકો જોડાય છે પરંતુ એ બધા આખી મેરેથોન પૂરી કરી શકતા નથી. જેનામાં આવડત વધુ હોય એ જ મેરેથોન પૂરી કરી શકે છે.
  • એ જ રીતે ઓનલાઇન કોર્સમાં શરૂઆતમાં હજારો વિદ્યાર્થીઓ જોડાય છે કેમ કે તેમાં જોડાવાના માપદંડો એકદમ હળવા હોય છે. પરંતુ પૂરી મક્કમતા અને ધગશથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ આવા કોર્સ છેક સુધી પૂરા કરી શકે છે.
  • એ દૃષ્ટિએ ઓનલાઇન કોર્સ તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આગળ વધવા માટે સમાન તક પૂરી પાડે છે. ચારેતરફ ફૂટી નીકળેલા ટ્યુશન ક્લાસીસ કે ડમી સ્કૂલ કરીને, લાખોનો ખર્ચ કરીને અમુક પરીક્ષાઓ પાસ કરી શકે માત્ર એવા જ વિદ્યાર્થીઓ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ડિગ્રી મેળવી શકે એવું હવે રહ્યું નથી. માત્ર અભ્યાસમાં જે વિદ્યાર્થી ખરેખર તેજસ્વી હોય તે આગળ વધી શકે છે. પછી ભલે તે લાખોનો ખર્ચ કરી શકે તેમ ન હોય.
  • આ પ્રકારના ઓનલાઇન કોર્સમાં વિદ્યાર્થીઓનું એસેસમેન્ટ ઓનલાઇન થતું હોય કે ઓફલાઇન, તેનું આયોજન એ રીતે કરવામાં આવે છે કે તે મૂળ કોલેજના સમયમાં અવરોધરૂપ ન બને. જેમ કે આઇઆઇટી મદ્રાસના ડિગ્રી કોર્સમાં વિદ્યાર્થીનું એસેસમેન્ટ ઓફલાઇન ક્વિઝ તથા ઓફલાઇન એક્ઝામ દ્વારા કરવામાં આવે છે. પરંતુ તેનું આયોજન હંમેશા રવિવારે કરવામાં આવે છે, તેમ જ દેશભરમાં વિવિધ શહેરોમાં આવું ઓફલાઇન એસેસમેન્ટ યોજાય છે.
  • સામી બાજુનાં પાસાં વિચારીએ તો, ઓનલાઇન કોર્સ બધા વિદ્યાર્થી માટે અનુકૂળ ન પણ હોય. તેમાં જોડાતા બધા વિદ્યાર્થીઓ આખો કોર્સ પૂરો ન પણ કરી શકે.
  • પરંપરાગત રીતે ઓન-કેમ્પસ ડિગ્રી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બીજા ઓનલાઇન કોર્સ માટે વધારાનો સમય ફાળવવો પડે છે.
  • એ માટે તેણે બહુ ચુસ્ત રીતે પોતાનો ટાઇમ મેનેજ કરવો પડે છે.
  • ઓનલાઇન કોર્સ વિદ્યાર્થીના મૂળ ડિગ્રી અભ્યાસમાં પૂરક નીવડી શકે, તેનાથી સાવ અલગ હોઈ શકે અથવા તેમાં ઓવરલેપ થતા હોય તેવું બની શકે.
  • આ ત્રણેય સ્થિતિ વિદ્યાર્થી માટે લાભદાયક બને કે બાધારૂપ, તેનો આધાર વિદ્યાર્થી કેવી માનસિકતાથી આગળ વધે છે તેના પર છે.
  • હાલની સ્થિતિમાં માત્ર ઓનલાઇન કોર્સના આધારે સારું પ્લેસમેન્ટ મળશે એવી આશા રાખવી ન જોઈએ (જોકે બધાં ઇન્સ્ટિટ્યૂટ એ દિશામાં મદદ ચોક્કસ કરે છે). વિદ્યાર્થીનું લક્ષ્ય પોતાનું નોલેજ વિસ્તારવા પર હોવું જોઈએ.
  • જો વિદ્યાર્થી મૂળ કોલેજ ડિગ્રીની સાથોસાથ ઓનલાઇન ડિગ્રી કોર્સ પણ પૂરો કરી શકે તો અભ્યાસના ચાર વર્ષ પછી તેની પાસે બે ડિગ્રી અને ચોક્કસપણે ઘણું વિસ્તૃત જ્ઞાન હોઈ શકે છે, જે સારા પ્લેસમેન્ટમાં અચૂકપણે મદદ કરે. હવેના સમયમાં ડિગ્રી કરતાં પણ આવડત અને ટેલેન્ટ વધુ મહત્ત્વનાં છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!