જે એક સમયે ચોરે, ઓટલે, ગલ્લે કે કિટલીએ થતી તે ચર્ચાનો દોર હવે ઇન્ટનેટ પર આખી દુનિયા સુધી વિસ્તર્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની આ સમાંતર દુનિયા ટેક્નોલોજીથી એટલી સમૃદ્ધ છે કે તે વ્યક્તિગત સંબંધો અને બિઝનેસનાં સમીકરણો બદલી રહી છે
આગળ શું વાંચશો?
- જમા પાસા
- ઉધાર પાસા
- સોશિયલ મીડિયા અને શિક્ષણ
- સોશિયલ નેટવર્કિંગ અને સલામતી
- સોશિયલ મીડિયાની વિવિધ પ્રકારની સાઈટ્સ
વર્ષો પહેલાં સિલિંગ ફેનની એક સરસ ટીવી કમર્શિયલ આવતી હતી, યાદ છે? ‘અરે યે પીએસપીઓ નહીં જાનતા…’ યાદ આવ્યું? આખી જાહેરાતમાં આ પીએસપીઓ છે શું એનો ક્યાંય ફોડ પાડવામાં આવ્યો નહોતો અને પંખો ખરીદવા જતો ગ્રાહક છેવટે ભોળપણથી પૂછી બેસે છે કે આ છે શું, ત્યારે દુકાનદાર આખી શેરી ગજવી મૂકે છે અને ગ્રાહક લજવાઈ મરે છે!
ફેસબુક, ટવીટર, જીપ્લસ… નવું સવું પિન્ટરેસ્ટ… આ બધાં નામ અત્યારે પીએસપીઓ જેવાં બની ગયાં છે. હકીકતમાં એ છે શું એની બરાબર ન સમજ હોય તોય તમે કોઈને પૂછી શકો નહીં!
ઇન્ટરનેટ પરનો અત્યારનો કોઈ સૌથી હોટ ટોપિક હોય તો તે છે સોશિયલ મીડિયા કે નેટવર્કિંગ સાઇટ્સ. એટલી હદે કે બધી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં લોકપ્રિયતાની બાબતે સૌથી આગળ એવી ફેસબુક તેની આવકને જોરે અમેરિકન શેરબજારની પહેલી ટ્રિલિયન ડોલર કંપની બનવાનો વિક્રમ સર્જે એવી શક્યતા ઊભી થઈ ગઈ છે.
સોશિયલ મીડિયામાં એવી તે કેવી તાકાત છે કે માંડ આઠ વર્ષ પહેલાં જેની શઆત થઈ હતી તે ફેસબુક વિશ્વની ટોચની કંપની બનવા જેટલું ગજું કાઢી શકે? એવું તે શું છે આ સોશિયલ મીડિયામાં અને આખરે છે શું આ સોશિયલ નેટવર્કિંગ? ચાલો સમજવાનો પ્રયાસ કરીએ.
બારીકાઈી જોઈએ તો સોશિયલ મીડિયા એ સોશિયલ નેટવર્કિંગમાં ોડો તફાવત છે. સોશિયલ મીડિયા એટલે એક લોકો ભેગા થઈને જેનું સહિયારું સર્જન કરે તે. બ્લોગ્સ, વિકિપીડિયા, યુટ્યૂબ વગેરેે સોશિયલ મીડિયા કહી શકાય. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ આ મીડિયાો એક ભાગ છે, જે સોશિયલ મીડિયા સાઇટ્સના યુઝર્સે એકમેક સાથે જોડાવાની એ વિવિધ સામગ્રી સહેલાઇથી શેર કરવાની સવલત આપે છે. ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ વગેરે આનાં ઉદાહરણ છે.
ઇન્ટરનેટની શરુઆતના તબક્કામાં માહિતીનો પ્રવાહ મોટા ભાગે એકતરફી હતો. એટલે કે જે તે કંપની પોતાની વેબસાઇટ ઊભી કરે અને પોતાની માહિતી કંપનીનાં ઉત્પાદનો, સેવાઓ વગેરેમાં રસ ધરાવતા લોકો સુધી પહોંચાડે. ધીમે ધીમે તેમાં પરિવર્તન આવ્યું અને વેબ ૨.૦ તરીકે ઓળખાતો યુગ શરૂ થયો, જેમાં જે લોકો જે તે કંપનીની સાઇટ પર જઈને માહિતી મેળવતા હતા, તે પોતાનો અભિપ્રાય પણ આપી શકે તેવી સવલતો ઉમેરાઈ.
ધીમે ધીમે ટેક્નોલોજી વિકસતી ગઈ અને ઇન્ટરનેટ પર યુઝર્સની ભાગીદારી સરળ બનતી ગઈ. તેમાંથી લોકો ઇન્ટરનેટના માધ્યમથી વિવિધ વિષયોા લેખો, વીડિયો વગેરે એકત્ર કરી શકે તેવી સાઇટ્સ અને પછી તેનું શેરિંગ કરી શકે તેવાં પ્લેટફોર્મ્સનો પાયો નંખાયો.
જોકે સોશિયલ મીડિયાનાં મૂળ તો વેબ ૨.૦નો યુગ શ થયો તેના ઘણા સમય પહેલાં છેક ૧૯૭૮માં નંખાઈ ગયાં હતાં. કમ્પ્યુટરના બે રસિયાઓએ પોતાના મિત્રો સાથે મીટિંગ્સનો સમય વગેરે કે નવી નવી માહિતી શેર કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ)ની શરૂઆત કરી હતી. સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ આગળ આપ્યો છે, પણ મૂળ વાત એટલી કે ઇન્ટરનેટની સગવડ સૌને સુલભ બન્યા પછી સોશિયલ મીડિયા અત્યંત સરળ બન્યું અને ઇન્ટરનેટ પર જબરજસ્ત લોકપ્રિય પણ થયું.
આપણે સોશિયલ મીડિયા કે નેટવર્કિંગને નામે ફેસબુક, ટ્વીટર વગેરેને જ ઓળખીએ છીએ, પણ અત્યારે ઇન્ટરનેટ પર એવી અનેક સાઇટ્સ ઉપલબ્ધ છે જેની મદદથી તમે ટેક્સ્ટ, ફોટો, વીડિયો, ઓપિનિયન, કમેન્ટ વગેરે શેર કરી શકો એટલું જ નહીં, દુનિયાના જુદા જુદા ખૂણે રહેલા અનેક લોકો સાથે એક સાથે જુદી જુદી રમત રમી શકો, લાઇવ વીડિયો શો યોજી શકો, વર્ચ્યુઅલ મિલકતો ખરીદી-વેચી શકો… આ યાદી લંબાતી જાય છે!
આ બધી સોશિયલ સાઇટ્સ તમે એકાઉન્ટ ખોલાવીને તમને ઇચ્છા પડે ત્યારે તમારા વિચારો તમારા સોશિયલ નેટવર્કમાં વહેતા મૂકી શકો. એ માટે લાંબું લચક લખાણ લખવાની કોઈ જરુર નહીં. ઇન્ટરનેટ પર હરતાંફરતાં કોઈ લેખ, ફોટોગ્રાફ, વિડિયો વગેરે ગમી જાય તો તમે એ પણ શેર કરી શકો. તમારા નેટવર્કમાં સામેલ મિત્રો એ બધું વાંચે, જુએ, એ વિશે પોતાના અભિપ્રાય આપે અને વાત આગળ લંબાતી રહે!
આપણી જાણીતી સાઇટ્સમાં સોશિયલ નેટવર્કિંગ વિવિધ પ્રકાશે થઈ શકે છે. ટ્વીટર પર માત્ર ૧૪૦ શબ્દોની મર્યાદામાં તમારે તમારા વિચારો વહેતા મૂકવાના હોય છે. અહીં તમે બીજા કોઈને પણ ફોલો કરીને તેમના ટ્વીટ વાંચી શકો છો. ફેસબુકમાં તમારે પહેલાં મિત્રો બનાવવા પડે, સામેની વ્યક્તિ તમે લંબાવેલો મૈત્રીનો હાથ સ્વીકારે તો તમે મિત્રો બનો. લિન્ક્ડઇન નામની સાઇટ મોટા ભાગે બિઝનેસમેન અને પ્રોફેશનલ્સ વચ્ચે નેટવર્ટિંગ માટે ઉપયોગી છે. અહીં તમે તમારા મિત્રો, તેમના મિત્રો અને વળી તેમના મિત્રો એમ બહુ મોટા વર્તુળ સાથે જોડાઈ શકો. સૌ કોઈ પોતે જેમની સાથે કામ કર્યું હોય તેના વિશે અભિપ્રાય આપે!
યૂટ્યૂબ પર વીડિયો શેરિંગ અને તેના વિશે કમેન્ટ કરવાની સગવડ છે. ગૂગલ પ્લસમાં વળી કંઈક નવીનતા આવી, અહીં તમે જે લખો એ બધાને દેખાય એવું નથી. તમે મિત્રોનાં વિવિધ સર્કલ બનાવીને જુદાં જુદાં સર્કલ પ્રમાણે વાતચીતના દોર લંબાવી શકો છો. ગૂગલ પ્લસમાં એક સાથે એકથી વધુ મિત્રો સાથે વિડિયો ચેટિંગ કરવાની (ચાની કીટલીએ મિત્રો એકઠા થયા હોય એ રીતે) વર્ચ્યુઅલ હેન્ગઆઉટની સરસ સગવડ પણ છે.
છેવટે તો સોશિયલ મીડિયાની આ બધી સગવડોનો ઉપયોગ કેવો અને કેટલો કરવો તે તમારા પર છે!
જમાં પાસા
- તમે નવા મિત્રો બનાવી શકો છો ને જૂના સાથેનો સંબંધ ફરી જીવંત કરી શકો છો
- વિશ્વના ગમે તે ખૂણે રહેલી વ્યક્તિ સાથે ગાઢ સંપર્ક કેળવી શકો છો અને વિચારોનું અત્યંત ઝડપી આદાન-પ્રદાન કરી શકો છો
- મિત્રો સાથે લખાણ, ફોટોગ્રાફ, વીડિયો વગેરેની સરળતાથી ઝડપી આપલે કરી શકો છો
- જુદા જુદા વિષયો અને વિચારોના પ્રવાહોથી માહિતગાર રહી શકો છો
- ઓછા સમયમાં ઘણું નવું જાણી શકો છો, વાસ્તિક જીવનના કામકાજ, ખરીદી વગેરે બાબતો માટે અનેક મિત્રોના અભિપ્રાયો જાણી શકો છો
ઉધાર પાસા
- ઓનલાઇન મિત્રોમાંથી કેટલા સાચા મિત્ર એ તારવવું મુશ્કેલ છે.
- ઓનલાઇન શેર કરેલી માહિતી, ફોટો, વીડિયો વગેરેનો ક્યારે, કોણ દુરુપયોગ કરશે તે કહી શકાતું નથી
- હવે ઘણી સાઇટ્સ પ્રમાણમાં ઠીકઠીક પ્રાઇવસીની સગવડ આપે છે, પણ એની પૂરતી જાણકારી ન હોય તો તમે અમુક સાથે શેર કરેલી માહિતી સૌ કોઈ જુએ ને જાણે એવું બની શકે છે
- નેટવર્કિંગ સાઇટ્સના ઉપયોગની રીતસર લત લાગી શકે છે
- પોતાના વિશે બીજા લોકો ઉતરતો અભિપ્રાય આપે તો કાચી વયના લોકો આત્મવિશ્વાસ ઘટે કે તે ડીપ્રેશનમાં આવી જાય એવું બની શકે છે
સોશિયલ મીડિયા એ શિક્ષણ
સોશિયલ મીડિયા શું કરે છે? એ દુનિયાના ચાર ખૂણે બેઠેલા ચાર લોકોને ભેગા કરે છે. બરાબર એ જ રીતે, ભારતના કોઈ ખૂણે બેઠેલા શિક્ષક દુનિયાના જુદા જુદા ભાગમાં રહેલા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ પર કંઈક ભણાવતા હોય, સૌ પોતપોતના સ્ક્રીન પર એક જ વ્હાઇટ બોર્ડ પર લખાતું હોય તે જોઈ શકતા હોય અને ઇચ્છે ત્યારે એકબીજા સાથે ચર્ચા કરે એવી સુવિધા આપતી સાઇટ્સ આપણા ભારતમાં જ વિકસી છે. ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીએ ફેસબુક પર પેજ ક્રિએટ કરવાની પહેલ કરી છે, તો રાજસ્થાન સરકાર શિક્ષણ પર જ કેન્દ્રિત હોય તેવું, ફેસબુક જેવું જ અલગ પ્લેટફોર્મ વિક્સાવવાનો પ્રયાસ કરે છે.
આ તો કંઈક નવું ઊભું કરવાની વાત થઈ, પણ જે અત્યારે જ ઉપલબ્ધ છે એનું શું? ભારતીય શાળાઓ દેખીતાં કારણોસર ઓનલાઇન સોશિયલ મીડિયાથી હજુ દૂર ભાગે છે, પણ વિકસિત દેશોમાં ટીચર્સ અને સ્ટુડન્ટ્સ બંને ફેસબુક, ગૂગલ પ્લસ કે ટવીટરનો ઉપયોગ કરીને શિક્ષણને વર્ગખંડની બહાર વિસ્તારવા લાગ્યા છે. વિદેશોમાં ખાસ શાળાઓ પર જ કેન્દ્રિત હોય તેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પણ પ્રચલિત થઈ છે.
દેશવિદેશની યુનિવર્સિટીઝનાં લેક્ચર જોવાં, અન્ય ભાષા શીખવી, ઓનલાઇન લાયબ્રેરીઝનો ઉપયોગ કરવો, પોતાના પ્રોજેક્ટ પર ફીડબેક મેળવવો અથવા અન્ય વિદ્યાર્થીની મદદ લેવી જેવી અનેક પ્રવૃત્તિઓ સોશિયલ મીડિયા સાઇટ્સની મદદથી કરી શકે છે.
અનેક શાળાઓએ વિકી દ્વારા ઇન્ટરનલ સેટ અપ કર્યું છે જેના દ્વારા વિદ્યાર્થીઓ જુદા જુદા વિષયનાં લેખ તૈયાર કરી શકે છે, તેમની ટેક્સ્ટમાં ઉમેેરો કરી શકે, એડીટ કે શેર પણ કરી શકે છે. પ્રોજેક્ટ પોડકાસ્ટ દ્વારા વિદ્યાર્થીપ્રેઝન્ટેશન્સ યુટ્યૂબ પર મૂકે છે. આ બધું કરવાથી વિદ્યાર્થીની ક્ષમતા કેટલી વધી શકે છે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
શીખવા માટે વિશ્વથી શ્રેષ્ઠ કોઈ શિક્ષક નથી અને સોશિયલ મીડિયા વિશ્વનો અરીસો છે!
સોશિયલ નેટવર્કિંગ એ સલામતી
- સોશિયલ નેટવર્કિંગ દ્વારા અગણિત મિત્રો બનાવી શકાય છે ને સમય સાથે ચાલવા માટે આ એક સરસ સાધન છે, પણ તેમાં સલામતી અને સાવચેતી પણ એટલી જ જરુરી છે.
- સોશિયલ નેટવર્કિંગ દ્વારા કોઈને તમારું ઇમેલ આઇડી કે મોબાઇલ નંબર ન આપો.
- અજાણી વ્યક્તિને મિત્ર ન બનાવો. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર જે કંઈ કહેવામાં આવે એ બધું સાચું જ છે એવું ક્યારેય ન માનો.
- સંવેદનશીલ અને અંગત માહિતી, ફોટોગ્રાફ વગેરે સાઇટ પર મૂકવાનું ટાળો.
- તમે નેટવર્કિંગ સાઇટ્સ પર જે કંઈ શેર કરો છો એ તમારા પરિવારજનો, તમારા સહકર્મચારીઓ, એમ્પ્લોયર, ક્લાયન્ટ, હાલના તેમ જ ભાવિ સગાંસંબંધી સુધી પણ પહોંચી શકે છે ને સંબંધો જોખમાઈ શકે છે.
- સોશિયલ મીડિયા જીવનનો ફક્ત એક ભાગ છે, એને જ જીવન ન બનાવશો.
સોશિયલ નેટવર્કિંગ બિઝનેસ વધારે?
જગતની ૮૦ ટકા જેટલી મોટી કંપનીઓએ ફેસબુક પર પોતાનાં પેજ બનાવ્યાં છે એ બતાવે છે કે બિઝનેસ જગતને સોશિયલ મીડિયાની શક્તિમાં ઘણો વિશ્વાસ છે. તમે સોશિયલ મીડિયાના ઉપયોગથી તમારી પ્રોડક્ટ કે સર્વિસનો પ્રચાર કરી શકો છો અને તમારા સંભવિત કસ્ટમર સુધી સહેલાઈથી પહોંચી શકો છો, પણ એ માટે ફક્ત પેજ બનાવી દેવું કે થાય એટલા ફોલોઅર્સ ઊભા કરવા એટલું પૂરતું નથી.
તમારે આ મીડિયમની ખૂબીઓ અને ખામીઓ બરાબર સમજવી જરુરી છે. તમારે તમારા બિઝનેસ પેજને તમારા ફોલોઅર્સનો રસ જળવાઈ રહે એવું ‘લાઇવ’ અને ‘એન્ગેજિંગ’ બનાવવું પડશે. સતત તમારા બિઝનેસ કે પ્રોડક્સની વાત કરશો તો લોકો તરત કંટાળી જશે.
એટલું પણ યાદ રાખો કે આ મીડિયમ ફક્ત પ્રોડક્ટ વેચવામાં નહીં, પણ પ્રોડક્ટ સુધારવામાં પણ ઉપયોગી થાય તેમ છે.
અહીં તમે ઇમેજ બિલ્ડિંગ કરી શકો છો, પણ એ તરત સેલ્સના ગ્રાફને ઊંચો લઈ જશે એવી અપેક્ષા રાખશો નહીં. સોશિયલ નેટવર્કિંગમાં તમારા બિઝનેસની પ્રેઝન્સ ઊભી કરી દેવી એ એક વાત છે અને તેને લાંબા ગાળા માટે વિક્સાવવી એ સાવ અલગ વાત છે આટલું સમજી લેશો તો સોશિયલ મીડિયા તમારા બિઝનેસ માટે ચોક્કસ ફાયદાકારી નીવડશે.
સોશિયલ મીડિયાની વિવિધ પ્રકારની સાઈટ્સ

- પબ્લિશ : એ પ્રકારની સાઇટ્સ જ્યાં તમે વિવિધ પ્રકારનું કન્ટેન્ટ પબ્લિશ અને શેર કરી શકો. આ કન્ટેન્ટ તમારા પોતાના બ્લોગ સ્વરુપે હોઈ શકે અથવા વિકિ જેવું સહિયારું સર્જન પણ હોઈ શકે.
- શેર : વીડિયો, ફોટોગ્રાફ, પ્રેઝન્ટેશન, મ્યુઝિક વગેરે શેર કરવાની સગવડ આપતી સાઇટ્સ.
- ડિસ્કસ : દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા લોકો સાથે ઇન્સ્ટન્ટ મેસેજિંગ દ્વારા, ટેક્સ્ટ, વોઇસ કે વીડિયો દ્વારા વાતચીતની સગવડ આપતી સાઇટ્સ.
- સોશિયલ નેટવર્ક : મિત્રવર્તુળો ઊભાં કરીને વિવિધ ચર્ચા ચલાવવાની સગવડ આપતી સાઇટ્સ.
- માઇક્રોબ્લોગિંગ : ટૂંકમાં, ફટાફટ થોડું લખાણ લખીને બીજા સાથે શેર કરવાની સગવડ.
- લાઇફસ્ટ્રીમ : એવી સગવડ, જેમાં તમે તમારી બધી સોશિયલ સાઇટ્સનું કન્ટેન્ટ એકત્ર કરી શકો.
- લાઇવકાસ્ટ : તમે તમારા ઓડિયન્સને લાઇવ શો બતાવી શકો તેવી સગવડ, જેને પછીથી તમારા બ્લોગમાં આકર્ઇિવ કરી શકાય.
- વર્ચ્યુઅલ વર્લ્ડ : જેમ વાસ્તવિક જગતમાં હરો, ફરો, ખરીદો, વેચો વગેરે કરો છો બરાબર તેવું જ વર્ચ્યુઅલ જગતમાં કરી શકો તેવી સાઇટ્સ.
- સોશિયલ ગેમ્સ : નેટ પર બીજા લોકોના સાથે રમી શકો તેવી ગેમ્સ.
- એમએમઓ : એકલદોકલ નહીં, એકસાથે અનેક ખેલાડીઓ દુનિયાના જુદા જુદા ખૂણેથી રમી શકે એવી મલ્ટિપ્લેયર ઓનલાઇન ગેમ્સ.
(નોંધ : આ યાદી સંપૂર્ણ નથી!)

