ફેસબુક આજની ‘યંગ’ અને ‘હેપ’ જનરેશન માટે છે એવું માનતા હો તો તમે ભૂલ કરો છો. ગુજરાતીઓને સાત્વિક વાંચન તરફ વાળનારા મહેન્દ્રદાદા ૮૯ વર્ષે પણ ફેસબુકને ‘લાઇક’ કરે છે! એમના અનુભવો ઉર્વીશ કોઠારીની કલમે.
“પહેલાં મને એવું હતું કે ફેસબુક એટલે એવી જગ્યા જ્યાં નવરા લોકો અરસપરસ વાતો કરવા આવે છે, પણ પછી મારા એકાઉન્ટ પર આવતા પ્રતિભાવ જોઇને સમજાયું કે સાવ એવું નથી.
સાહિત્યના પ્રચાર-પ્રસાર જેવા ઘણા હેતુઓ માટે કમ્પ્યુટર-ઇન્ટરનેટ અદ્ભુત શોધ છે, એવું સ્વીકારતા મહેન્દ્રભાઈ પચીસ-પચાસ વર્ષ પહેલાં ઇન્ટરનેટ આવ્યું હોત તો તમે શીખ્યા હોત? તેનો જવાબ ઉત્સાહપૂર્વક હામાં આપે છે.
ફેસબુક એવો ઓનલાઇન મેળો છે, જેમાં ઘણા ધારેલા લોકોની સાથે કેટલાંક અણધાર્યાં આશ્ર્ચર્યો પણ ભટકાઈ જાય. મેઘાણી સાહિત્ય સહિત સાત્ત્વિક વાચનના આજીવન પ્રચારક-પ્રસારક, અરધી સદીની વાચનયાત્રા ખ્યાત ૮૯ વર્ષના, મહેન્દ્ર મેઘાણી ફેસબુક પર જોવા મળી જાય ત્યારે સુખદ આશ્ચર્ય થાય?
નવાઈ લાગવાનું પહેલું કારણ તેમની સુપર-સિનિયર સિટીઝન જેટલી વય. બીજું કારણ તેમની સાત્વિક, નો નોનસેન્સ છાપ. ત્રીજું કારણ : ધારેલા કામ સિવાય બીજામાં વખત નહીં બગાડવાની વૃત્તિ. છતાં, ફેસબુક પર (૨૩-૨-૧૨ સુધી) ૨૬૭૪ ફ્રેન્ડ્સ અને ખાસ્સા નિયમિત અપડેટ્સ સાથે મહેન્દ્રભાઈની હાજરી સતત વરતાય છે. સામગ્રી તો એ જ છે, જેની મહેન્દ્રભાઈ પાસેથી આશા હોય : ગુજરાતી-અંગ્રેજીમાં અવતરણો, ચોટદાર કાવ્યપંક્તિઓ, રમૂજી વન-લાઇનર, વાંચેલાં પુસ્તકો અંગેની નોંધ. એ જોઈને આ એકાઉન્ટ મહેન્દ્રભાઈના નામે તેમનો કોઈ ચાહક-પ્રેમી ચલાવતો હોવાની રહીસહી આશંકા પણ નાબૂદ થાય.
પરંતુ રૂબરૂ મુલાકાત વખતે મહેન્દ્રભાઈ તેમની ખાસિયત જેવા, મોં ભરાઈ જાય એવા ખડખડાટ હાસ્ય સાથે જાહેર કરે કે હું તો કમ્પ્યુટરની બાબતમાં અભણ છું ત્યારે નવેસરથી આશ્ર્ચર્ય થાય. છ-સાત વર્ષથી મને કમ્પ્યુટરનો પરિચય છે. અમેરિકા મારી દીકરી અંજુને ત્યાં જાઉં ત્યારથી કમ્પ્યુટર વિશે ખ્યાલ ખરો, પણ મેં જાતે એ વાપર્યું નથી. એવું મહેન્દ્રભાઈ કહે ત્યારે મારા જેવો સાદો માણસ કમ્પ્યુટર જેવું આધુનિક સાધન વાપરે? એવા સાત્ત્વિક અહમ્ની ગંધ આવી શકે, પણ કમ્પ્યુટર ન વાપરવા પાછળનાં કારણ એમનાં જ શબ્દોમાં છે : આળસ, નબળાઈ.
આટલાં વર્ષોથી તમે લેખન-પ્રકાશન સાથે સંકળાયેલા છો, તો ટાઇપ તો કરતા જ હશો. એવા પ્રશ્રનો ફરી એક વાર ખડખડાટ હાસ્ય સાથે જવાબ આપતાં મહેન્દ્રભાઈ કહે છે, હું અને ગોપુભાઈ (પુત્ર ગોપાલ મેઘાણી) અમને બન્નેને ટાઇપ પણ નથી આવડતું. કારણ? ઉપર જણાવ્યું એ જ.
તો પછી ફેસબુક એકાઉન્ટ? અમેરિકા અંજુબહેન (પુત્રી અંજુ દવે)ની દીકરી તિરુશાને બહુ ઉત્સાહ હતો. એણે ફેસબુક પર મારા નામે એકાઉન્ટ શરુ કર્યું, થોડાં વર્ષ પહેલાં પહેલાં એણે મારો બ્લોગ (http://mjmeghani.blogspot.in/) પણ કર્યો હતો. ભારત પાછા ફર્યા પછી ગોપુભાઈનો દીકરો યશ મારું ફેસબુક એકાઉન્ટ ચલાવે છે. મહેન્દ્રભાઈના ઉપલબ્ધ સંગ્રહમાંથી યશ પોતે પસંદ કરે અથવા મહેન્દ્રભાઈને પૂછીને, તેમની પાસેથી એકાદ પંક્તિ કે વન લાઇનર કઢાવે અથવા તેમણે કાગળ પર લખેલી નોંધ ટાઇપ કરે અને ફેસબુક પર મૂકે. પછી તેની પર આવતા પ્રતિભાવો અંગે પણ મહેન્દ્રભાઈને વાત કરે. એ ઘણી વાર મને પાસે બેસાડીને ફેસબુકનું એકાઉન્ટ ખોલીને પ્રતિભાવો બતાવવાનું કહે, પણ સમયના અભાવને કારણે મોટે ભાગે એ શક્ય બનતું નથી.
પહેલાં મને એવું હતું કે ફેસબુક એટલે એવી જગ્યા જ્યાં નવરા લોકો અરસપરસ વાતો કરવા આવે છે, પણ પછી મારા એકાઉન્ટ પર આવતા પ્રતિભાવ જોઈને સમજાયું કે સાવ એવું નથી. આપણે જે આપવા માગીએ છીએ એમાં રસ ધરાવનારો વર્ગ પણ અહીં આવે છે. તેમના એક સ્ટેટસ પર રાજકોટનાં હેમલ દવેએ વિગતવાર પ્રતિભાવ લખ્યો. તેમાં ઝવેરચંદ મેઘાણીનાં ગાઢ પરિચયમાં આવેલાં અને જેમની વાત સાંભળીને ઝવેરચંદ મેઘાણીએ એક નવલિકા લખી હતી, એવાં પોતાનાં કુટુંબી કુમુદબહેનને યાદ કર્યાં હતાં. ફેસબુકના માધ્યમથી ફોનનંબરની આપ-લે થઈ. મહેન્દ્રભાઈ સાથે હેમલબહેને વાતચીત કરી. પછી અમેરિકા રહેતા તેમના બીજા કુટુંબીને આ જાણકારી પહોંચતાં અમેરિકાથી મહેન્દ્રભાઈ પર ફોન આવ્યો અને ઝવેરચંદ મેઘાણી તથા કુમુદબહેન વિશેનાં અનેક સ્મરણ નીકળ્યાં. મહેન્દ્રભાઈ રાજીપાના ભાવથી કહે છે તેમ, (ફેસબુકના માધ્યમથી) આખી સર્કિટ રચાઈ ગઈ.
યુરોપ-અમેરિકા જાય ત્યારે ત્યાંનાં અખબારોનાં કતરણ ટપાલ દ્વારા ભારતમાં મિત્રો-સ્નેહીઓને મોકલતા મહેન્દ્રભાઈ થોડા વખતથી ટપાલને બદલે ઈ-મેઇલનો ઉપયોગ કરતા – એટલે કે કરાવતા – થયા છે. પોતાના સંપર્કોનાં એડ્રેસ તે પ્લાસ્ટિકના એક બોક્સમાં, જુદાં જુદાં કાર્ડ પર લખીને રાખે છે (આ બોક્સને તે લાડથી મારું બ્લેકબોક્સ તરીકે ઓળખાવે છે). દરેક કાર્ડ પર (લાઇબ્રેરીના ઇન્ડેક્સ કાર્ડની જેમ) વ્યક્તિનું નામ-સરનામું-ટેલિફોન નંબર હોય. એ વિગતમાં થોડા સમયથી ઈ-મેઇલનો ઉમેરો થયો છે. આ બ્લેકબોક્સમાંથી સ્નેહી-સંબંધીઓના ઈ-મેઇલ પર તે ન્યૂ યોર્ક ટાઇમ્સ જેવા અખબારની પ્રિન્ટ કોપીમાં પોતે વાંચેલા લખાણની લિન્ક અંજુબહેન કે તેમની પુત્રીની મદદથી મોકલાવે એટલે ટપાલનો મોટો ખર્ચો બચી જાય છે.
સાહિત્યના પ્રચાર-પ્રસાર જેવા ઘણા હેતુઓ માટે કમ્પ્યુટર-ઇન્ટરનેટ અદ્ભુત શોધ છે, એવું સ્વીકારતાં મહેન્દ્રભાઈ પચીસ-પચાસ વર્ષ પહેલાં ઇન્ટરનેટ આવ્યું હોત તો તમે શીખ્યા હોત? તેનો જવાબ ઉત્સાહપૂર્વક હામાં આપે છે. હું ઇંગ્લેન્ડ ગયો ત્યારે (ઓપિનિયનના તંત્રી) વિપુલ કલ્યાણીએ મને પાસે બેસાડીને કમ્પ્યુટર શીખવવા પ્રયાસ કર્યો હતો. તેમને બહુ હોંશ હતી. કમ્પ્યુટર શીખવાનું ભલે ન બન્યું, પણ પોતાના જીવનકાર્ય જેવા સુરુચિપૂર્ણ-સમાજલક્ષી વાચનના પ્રસાર માટે કમ્પ્યુટરને-ઇન્ટરનેટને ખપમાં લેવાનું મહેન્દ્રભાઈ ચૂક્યા નથી.


