(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • જૂના એન્ડ્રોઇડ ફોનમાં નવા વર્ઝનના લાભ મળશે
  • ડોક્ટરના ગરબડિયા અક્ષરો હવે ગૂગલ ઉકેલી આપશે!
  • ઝૂમ વીડિયો કોલિંગ સર્વિસમાં નવાં ફીચર્સ ઉમેરાયાં
  • આઇફોનની જેમ એન્ડ્રોઇડમાં પણ સેટેલાઇટ કનેક્ટિવિટી

જો તમે એન્ડ્રોઇડનો લાંબા સમયથી ઉપયોગ કરતા હશો અને એન્ડ્રોઇડ તથા એપલ વચ્ચેના એક પાયાના તફાવતથી વાકેફ હશો, તો એક વાત તમને અકળાવતી હશે – એન્ડ્રોઇડના સ્માર્ટફોનમાં ઓપરેટિંગ સિસ્ટમ આઇફોન જેટલી સહેલાઈથી અપડેટ કરી શકાતી નથી.

ગૂગલે વર્ષો પહેલાં વિવિધ ફોન મેન્યુફેકચરિંગ કંપનીઓના સાથમાં એન્ડ્રોઇડને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો, આથી એન્ડ્રોઇડનું નવું વર્ઝન લોન્ચ થાય ત્યારે તેનો લાભ મોબાઇલધારકોને આપવો કે નહીં એનો નિર્ણય ફોન મેન્યુફેકચરિંગ કંપનીના શિરે રહે છે. સામાન્ય રીતે આપણે ઓછી કિમતનો ફોન ખરીદ્યો હોય તો તેમાં એન્ડ્રોઇડનું વર્ઝન ક્યારેય અપડેટ થાય નહીં.

બીજી તરફ એપલના કિસ્સામાં ફોનના સોફ્ટવેર અને હાર્ડવેર બંને પર પૂરેપૂરો એપલનો જ કંટ્રોલ હોવાને કારણે કંપની જ્યારે ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરે ત્યારે લાભ લગભગ બધા આઇફોનધારકોને મળી શકે છે.

ગૂગલ આ સ્થિતિ બદલવા માટે લાંબા સમયથી પ્રયત્નશીલ છે. હવે સમાચાર છે કે ગૂગલ ‘એક્સટેન્શન સોફ્ટવેર ડેવલપર કિટ’ નામે એક નવી વ્યવસ્થા લોન્ચ કરી રહી છે. જેને કારણે એન્ડ્રોઇડ૧૧ કે ૧૨ ધરાવતા ફોનમાં પણ ડેવલપર્સ પોતાની એપમાં એન્ડ્રોઇડ૧૩નાં નવા ફીચર્સનો લાભ આપી શકશે.

ગૂગલ લાંબા સમયથી એન્ડ્રોઇડના હાર્દરૂપ કોમ્પોમેન્ટ્સ આખી ઓપરેટિંગ સિસ્ટમના અપડેશનને બદલે પ્લે સ્ટોર મારફત સહેલાઈથી અપડેટ કરી શકાય તેવા પ્રયાસ કરી રહી છે. આ કારણે હવે આપણને પ્રમાણમાં જૂના એન્ડ્રોઇડ ફોનમાં પણ નવા ફીચર્સનો લાભ મળી શકે છે.

આ સમાચારમાં ડોકટરો, તેમના દર્દીઓ અને દવાના દુકાનદારો સૌને એક સરખો રસ પડવો જોઇએ. આપણો વર્ષોનો અનુભવ છે કે મોટા ભાગના ડોકટર તેમના પ્રીસ્ક્રિપ્શન ગરબડીયા અક્ષરોમાં લખતા હોય છે. દવાની દુકાને કાઉન્ટર પરના લોકો આ અક્ષરો કેમ ઉકેલી શકતા હશે તેની આપણને નવાઈ લાગે. હવે આ વાતમાં પણ ગૂગલે ચંચૂપાત કર્યો છે!

ગૂગલે તેની લેન્સ સર્વિસને કામે લગાડી છે. થોડા સમય પહેલાં ‘ગૂગલ ફોર ઇન્ડિયા કોન્ફરન્સ’માં આ જાહેરાત કરતાં ગૂગલે જણાવ્યું કે થોડા સમયમાં ગૂગલની લેન્સ સર્વિસની મદદથી જો ડોકટરના પ્રીસ્ક્રિપ્શનનો ફોટોગ્રાફ લઇને તેને સ્કેન કરવામાં આવશે તો લેન્સ સર્વિસ ડોકટરના ગરબડિયા અક્ષરો ઉકેલી આપશે અને દવાનાં નામ સ્પષ્ટ અક્ષરોમાં દર્શાવશે!

ટાઇપ થયેલી કે પ્રિન્ટ થયેલી ટેકસ્ટને આ રીતે ગૂગલ લેન્સથી સ્કેન કરીને એડિટેબલ ટેક્સ્ટમાં ફેરવવાની બાબતમાં ગૂગલની લેન્સ સર્વિસે ખાસ્સી માસ્ટરી કેળવી લીધી છે. પરંતુ હાથે લખાયેલા અક્ષરો ઉકેલવામાં તેને હજી એટલી ફાવટ નથી. એ જોતાં ડોકટરના અક્ષરો ઉકેલવા એ ઘણી મોટી સિદ્ધિ કહેવાય! જોકે આ સર્વિસ એક્ઝેક્ટલી ક્યારે લોન્ચ થશે એ વિશે હજી સ્પષ્ટતા નથી.

આ જ ઇવેન્ટ દરમિયાન ગૂગલ ક્લાઉડ અને ભારતની એપોલો હોસ્પિટલ ચેઇન વચ્ચેના એક જોડાણની પણ જાહેરાત કરવામાં આવી. બંને કંપની સાથે મળીને એક ‘ક્લિનિકલી ઇન્ટેલિજન્ટ પ્લેટફોર્મ’ વિકસાવશે જેને કારણે ગૂગલ ક્લાઉડ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ટેકનોલોજીની મદદથી સામાન્યથી લઇને ભાગ્યે જ થતી બીમારીઓના રહસ્યો ઉકેલવામાં મદદ મળશે.

કોરોનાને પગલે દુનિયા અચાનક વીડિયો કોલિંગ તરફ વળી ત્યારે એક એપને સૌથી વધુ ફાયદો થયો – ઝૂમ! નાનીમોટી બિઝનેસ મીટિંગથી માંડીને નાનામોટા ઓનલાઇન કોચિંગ ક્લાસિસ માટે હવે ઝૂમ સૌની ફેવરિટ વીડિયો મીટિંગ એપ બની ગઈ છે. આ વર્ષની શરૂઆતમાં કંપનીએ ચાર નવાં ફીચર રજૂ કર્યાં.

ઝૂમ અવતારઃ કંપનીએ ગયા વર્ષે જ ઝૂમમાં લોકો પોતાના ચહેરાને બદલે અલગ પ્રકારના અવતાર પસંદ કરી શકે એવું ફીચર લોન્ચ કર્યું હતું. એ વખતે અવતાર તરીકે જુદાં જુદાં પ્રાણીઓ પસંદ કરી શકાતાં હતાં, જે ઝૂમ મીટિંગ દરમિયાન આપણા ચહેરાની મૂવમેન્ટ અને હાવભાવની કોપી કરતાં હતાં. હવે કંપનીએ પ્રાણીઓ ઉપરાંત માણસ જેવા અવતાર પસંદ કરવાની સગવડ આપી છે. ચાલુ મીટિંગે આપણે બ્રેકફાસ્ટ પતાવતા હોઈએ કે નાનુંમોટું બીજું કોઈ કામ પતાવતા હોઈએ ત્યારે બોરિંગ, સ્ટેટિક અવતારને બદલે આવા ડાયનેમિક અવતાર પસંદ કરી શકાય છે!

મીટિંગ ટેમ્પલેટઃ તમે જાણતા જ હશો કે ઝૂમ મીટિંગ દરમિયાન હોસ્ટ અને પાર્ટિસિપન્ટ્સને અલગ અલગ કંટ્રોલ આપતાં સેટિંગ કરી શકાય છે. કંપની માને છે કે દરેક મીટિંગ જુદા જુદા પ્રકારની હોય છે, તેથી દરેક મીટિંગ માટે અલગ અલગ પ્રકારનાં સેટિંગ જરૂરી હોય છે. આથી કંપનીએ હવે લાર્જ મીટિંગ, સેમિનાર અને કે-૧૨ (સ્કૂલ ક્લાસરૂમ) માટે નિશ્ચિત સેટિંગ સાથેનાં રેડી-ટુ-યૂઝ મીટિંગ ટેમ્પલેટ રજૂ કર્યાં છે. એ ઉપરાંત આપણે પોતાની જરૂરિયાત અનુસાર મીટિંગનાં વિવિધ સેટિંગ્સ કરીને તેને ટેમ્પલેટ તરીકે સેટ કરી શકીએ છીએ, જેથી દરેક મીટિંગ વખતે આપણે નવેસરથી સેટિંગ કરવા જવું પડે નહીં.

ઇન-મીટિંગ ચેટમાં નવાં ફીચરઃ ઝૂમ મીટિંગ દરમિયાન આપણે અન્ય પાર્ટિસિપન્ટ્સ સાથે ચેટ પણ કરી શકીએ છીએ અને તેમાં વિવિધ ઇન્ફર્મેશન, રિસોર્સ અને કમેન્ટ્સ શેર કરી શકીએ છીએ. હવે આવી ચેટમાં ટ્વીટરની જેમ થ્રેડેડ મેસેજિંગ અને વોટ્સએપની જેમ ઇમોજીથી રિએકશનની સુવિધા ઉમેરાઈ છે.

ક્વેશ્ચેન-આન્સરઃ ઝૂમ પર તમે કોઈ વેબિનાર કન્ડક્ટ કરી રહ્યા હો ત્યારે ઓડિયેન્સને વધુ સારી રીતે એંગેજ કરવા માટે ક્વેશ્ચેન-આન્સરની સુવિધા મળે છે. એ જ ફીચર હવે રોજિંદી મીટિંગમાં પણ ઉમેરાયું છે. જેનાથી મીટિંગના હોસ્ટ અને પાર્ટિસિપન્ટ વચ્ચે, મીટિંગ દરમિયાન એક જ જગ્યાએ વિવિધ ક્વેશ્ચેન-આન્સરની આપલે થઈ શકશે.

થોડા સમય પહેલાં ‘સાયબરસફર’માં ઇમરજન્સીમાં, મોબાઇલ નેટવર્ક ન હોય ત્યારે પણ આઇફોન સેટેલાઇટ કનેક્ટિવિટીથી મદદ માટે મેસેજ મોકલી શકે છે એની વાત કરી હતી. આ ફીચરથી કેવી રીતે લોકોના જીવ બચી રહ્યા છે એની પણ આપણે વાત કરી ગયા છીએ. હવે આવું જ ફીચર એન્ડ્રોઇડ ફોનમાં પણ આવી રહ્યું છે! ક્વોલકોમ કંપનીએ જાહેર કર્યું છે કે તે હાઇ-એન્ડ એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સમાં ટુ-વે સેટેલાઇટ કમ્યુનિકેશન શક્ય બનાવશે.

આ પહેલાં, એન્ડ્રોઇડ તરફથી પણ કન્ફર્મ કરવામાં આવ્યું હતું કે મોટા ભાગે એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમના ૧૪મા વર્ઝનમાં સેટેલાઇટ કનેક્ટિવિટી હશે (હાલમાં ૧૩મું વર્ઝન આવી પહોંચ્યું છે). ક્વોલકોમ કંપનીએ આ માટે ઇરિડિયમ સેટેલાઇટ્સની મદદ લીધી છે, જે દુનિયાના ખૂણે ખૂણાને કવર કરી શકે છે.  અમુક સ્માર્ટવૉચ કંપની પણ આ પ્રકારે સેટેલાઇટ કનેક્ટેવિટી આપવા માટે પ્રયત્નશીલ છે.

નજીકના ભવિષ્યમાં સ્માર્ટફોન ઉપરાંત લેપટોપ, કનેક્ટેડ કાર્સ અને અન્ય ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ડિવાઇિસસમાં સેટેલાઇટ કનેક્ટિવિટી મળવા લાગે તો નવાઈ નહીં!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!