
કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં એક ચોક્કસ ભાગ ‘બૂટ સેકટર’ તરીકે ઓળખાય છે. આપણે કમ્પ્યૂટર સ્ટાર્ટ કરીએ ત્યારે આ ભાગમાં સ્ટોર થયેલી ઇન્ફર્મેશનના આધારે કમ્પ્યૂટરમાં ઓપરેટિંગ સિસ્ટમ અને અન્ય મહત્ત્વના પ્રોગ્રામ્સ સ્ટાર્ટ થાય છે.
એ કારણે આપણા કમ્પ્યૂટરની હાર્ડ ડિસ્કમાં બૂટ સેકટર સૌથી સંવેદનશીલ ભાગ ગણી શકાય. આ ભાગને કોઈ પણ કારણે નુકસાન પહોંચે કે તેમાં વાઇરસ ઘૂસે તો આખું કમ્પ્યૂટર ઠપ્પ થઈ શકે છે.
કમ્પ્યૂટરમાં સૌથી સામાન્ય રીતે હાર્ડ ડિસ્ક ડ્રાઇવ (એચડીડી) પ્રકારની હાર્ડ ડિસ્કનો ઉપયોગ થાય છે. આવી હાર્ડ ડિસ્ક ગોળ ફરી શકે તેવી, સ્પિનિંગ ડિસ્ક હોય છે. તેમાં ‘સેકટર’ તરીકે ઓળખાતાં નાનાં સેકશન હોય છે. આવા દરેક સેકટર પર ફિલ્મ કે મેગ્નેટિક મેટલનું પાતળા પડનું કોટિંગ કરેલું હોય છે. આ ફિલ્મ કે મેગ્નેટ ગ્રેઇન્સમાં ૦ અને ૧ ના સ્વરૂપમાં ડેટાનો સંગ્રહ થાય છે.
બૂટ સેક્ટર કેમ મહત્ત્વનું છે?
હાર્ડ ડિસ્કની ભૌતિક રચના, તેમાં ડેટાનો સંગ્રહ વગેરે ખાસ્સી ટેકનિકલ બાબતો છે, પણ આપણે માટે કામની વાત એ છે કે હાર્ડ ડિસ્કમાંનું બૂટ સેક્ટર આખા કમ્પ્યૂટરના પ્રાણ સમાન હોય છે. તેમાં કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમની ફાઇલ્સ સ્ટોર થાય છે.
જ્યારે આપણે કમ્પ્યૂટર સ્વિચ ઓન કરીએ ત્યારે બેઝિક ઇનપૂટ આઉટપૂટ સિસ્ટમ (બીઆઇઓએસ) તરીકે ઓળખાતો એક નાનો પ્રોગ્રામ સૌથી પહેલાં રન થાય છે. તેનાથી કમ્પ્યૂટરનો સ્ક્રીન અને કી-બોર્ડ એક્ટિવેટ થાય છે અને એ પછી કમ્પ્યૂટરની સિસ્ટમ હાર્ડ ડિસ્ક ‘વાંચવા’નું શરૂ કરે છે.
બીઆઇઓએસ સૌથી પહેલાં હાર્ડ ડિસ્કનું બૂટ સેકટર વાંચે છે.
આગળ કહ્યું તેમ હાર્ડ ડિસ્કના આ મહત્ત્વના ભાગમાં ઓપરેટિંગ સિસ્ટમ લોડ કરવાની સૂચનાઓ સંગ્રહ થઈ હોય છે. આ સૂચનાઓનો અમલ શરૂ થતાં કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય છે. પછી ડેસ્કટોપ સ્ક્રીન કે લોગ-ઇન સ્ક્રીન જોવા મળે છે. ત્યાંથી આપણે કમ્પ્યૂટરનો રોજિંદો ઉપયોગ શરૂ કરી શકીએ છીએ.

બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે હાર્ડ ડિસ્ક એ કમ્પ્યૂટરનું તાળું છે અને બૂટ સેકટર તેની ચાવી છે. આપણે જો ચાવી ગુમાવી દઇએ કે જો ચાવીમાં કંઈ ગરબડ થાય તો કમ્પ્યૂટરનું તાળું ખોલવું મુશ્કેલ કે અશક્ય બની જાય.
કમ્પ્યૂટરમાં બૂટ સેકટરનું મહત્ત્વ જાણતા હેકર્સ અને સાયબર ક્રિમિનલ્સ સૌથી પહેલાં બૂટ સેકટરને જ નિશાન બનાવવાનો પ્રયાસ કરે છે. જો એમાં તેઓ સફળ થઈ જાય તો કમ્પ્યૂટરની ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ થાય તે પહેલાં હેકરે ઘુસાડેલો વાઇરસ એક્ટિવેટ થઈ શકે છે. આ કારણે આપણે કમ્પ્યૂટરમાં સારો એન્ટિવાઇરસ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કર્યો હોય તો પણ તે પોતાનું કામ કરવાનું શરૂ કરે તે પહેલાં, હેકરનો વાઇરસ એક્ટિવેટ થઈ ચૂક્યો હોય છે!
બૂટ સેકટર વાઇરસના મુખ્ય ત્રણ હેતુ હોય છે :
- એન્ટિવાઇરસ સોફ્ટવેરની પકડમાં ન આવવું
- પોતાનું ને પોતાનું રેપ્લિકેશન કરવું અને વધુ ને વધુ ડિવાઇસમાં પહોંચવું
- જે હેતુથી વાઇરસ ડેવલપ કરવામાં આવ્યો હોય તે પ્રોગ્રામ રન કરવો
આવા હેતુ કોઈ પણ હોઈ શકે – કમ્પ્યૂટરમાં ધરાર જાહેરાતો બતાવવી કે કમ્પ્યૂટર યૂઝરના પર્સનલ ડેટાની ચોરી કરવી કે પછી કમ્પ્યૂટરનો બધો ડેટા લોક કરીને તેને અનલોક કરવાના બદલામાં ખંડણી માગવી!
બૂટ સેકટર વાઇરસથી કઈ રીતે બચવું?
આપણે કમ્પ્યૂટરમાં વાઇરસ ધરાવતી પેનડ્રાઇવ કે અન્ય એક્સટર્નલ ડ્રાઇવ કનેક્ટ કરીએ અથવા વાઇરસ ધરાવતા અન્ય કમ્પ્યૂટર્સ સાથે કનેક્ટ થઈએ તો તેની મારફત આપણા કમ્પ્યૂટર કે લેપટોપમાં બૂટ સેકટર વાઇરસ ઘૂસી શકે છે. હેકર બૂટ વાઇરસનો કોડ ધરાવતું એટેચમેન્ટ ઇમેઇલ મારફત આપણને મોકલી શકે છે. આવું એટેચમેન્ટ ડાઉનલોડ કરીને ઓપન કરીએ તો એ વખતે કમ્પ્યૂટરમાં બૂટ સેકટર વાઇરસ ઘૂસી શકે છે.
આપણા કમ્પ્યૂટરમાં બૂટ સેકટર વાઇરસ ઘૂસી ગયો હોય અને એક્ટિવેટ થઈ ગયો હોય છતાં આપણને તેની જાણ ન થાય એવું પણ બની શકે છે. આપણે કમ્પ્યૂટરમાં કોઈ ખરેખર સારો એન્ટિવાઇરસ પ્રોટેક્શન પ્રોગ્રામ કે માલવેર સ્કેન રન કરીએ ત્યારે જ આ વાઇરસ પકડાય તેવું બને. એ જ કારણે બૂટ સેકટર વાઇરસથી બચવા માટે આપણે હંમેશા સારા એન્ટિવાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ કરવો જોઇએ. આ પ્રોગ્રામ નિયમિત રીતે નવી નવી વાઇરસ ડેફિનેશનથી અપડેટ થતો હોવો જોઇએ.
સૌથી મહત્ત્વની વાત એ કે આપણે પોતે તેનો નિયમિત ઉપયોગ કરતા હોવા જોઇએ એટલે કે કમ્પ્યૂટરને નિયમિત રીતે સ્કેન કરવું અને જ્યારે પણ કમ્પ્યૂટરમાં પેનડ્રાઇવ કનેક્ટ કરીએ અને એન્ટિવાઇરસ પ્રોગ્રામ તેને સ્કેન કરવા માટે મંજૂરી માગે ત્યારે અચૂકપણે હા કહેવી જોઈએ!

