(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

WordPress, wordpress.com અને wordpress.org વિશે જાણીએ!

દુનિયાની 43 ટકા વેબસાઇટ્સ વર્ડપ્રેસ પર ચાલે છે. બ્લોગથી માંડી મોટાં કોર્પોરેશનની સાઇટ તેના પર છે. મૂળ બ્લોગ માટે સર્જાયેલું આ પ્લેટફોર્મ હવે કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ તરીકે વિસ્તર્યું છે અને અત્યંત પોપ્યુલર થયું છે. વર્ડપ્રેસ પર બ્લોગ કે સાઇટ બનાવવા માટે જુદા જુદા વિકલ્પો ઉપલબ્ધ છે. અહીં એ બધા જ વિકલ્પો વિશે જાણીએ.

જો   તમે પોતાનો બ્લોગ કે વેબસાઈટ બનાવવાનો ક્યારેક વિચાર કર્યો હશે તો તમે અચૂકપણે વર્ડપ્રેસ વિશે કંઈક જાણ્યું હશે. વર્ડપ્રેસ પ્લેટફોર્મ બે સ્વરૂપે ઉપલબ્ધ છે :

  1. wordpress.com
  2. wordpress.org

આ બંને બાબતો તમને થોડી ગૂંચવી શકે છે, પરંતુ એની વાત કરતાં પહેલાં બ્લોગ અને વેબસાઇટમાં શું ફેર છે તે પણ સ્પષ્ટ કરી લઇએ.

આમ તો આ બંને વચ્ચેનો તફાવત હવે ઘણો ધૂંધળો થઈ ગયો છે, પરંતુ સાદી રીતે એવું કહી શકાય કે બ્લોગ એટલે વ્યક્તિગત રીતે અથવા સામૂહિક રીતે ઇન્ટરનેટ પર લખાતી ડિજિટલ ડાયરી. આવી ડિજિટલ ડાયરીમાં લખાણ, ઇમેજ, સાઉન્ડ ફાઇલ કે વીડિયો વગેરે કંઈ પણ અપલોડ કરી શકાય.

વર્ડપ્રેસ પ્લેટફોર્મની શરૂઆત બ્લોગિંગ પ્લેટફોર્મ તરીકે જ થઈ. પોતાનો બ્લોગ શરૂ કરવા ઇચ્છતી વ્યક્તિ વર્ડપ્રેસ ડોટ કોમ વેબસાઇટ પર જઇને તદ્દન મફતમાં બહુ ઝડપથી પોતાનો બ્લોગ શરૂ કરી શકે. એ માટે કોઈ પ્રકારના ટેકનિકલ નોલેજની જરૂર નથી. તમારા બ્લોગનું ડોમેઇન એટલે કે વેબ સરનામું yourname.wordpress.com એ પ્રકારનું બને.

જો તમને ઇમેઇલ લખતાં આવડતું હોય કે ફેસબુક પર કંઈક પણ પોસ્ટ કરતાં આવડતું હોય તો તમે બહુ સહેલાઈથી પોતાનો બ્લોગ શરૂ કરી શકો અને એમાં નિયમિત રીતે બ્લોગ પોસ્ટ ઉમેરી શકો.

આ પ્રકારના બ્લોગમાં સામાન્ય રીતે હોમપેજ પર આપણી પોસ્ટ ક્રોનોલોજિકલ ઓર્ડરમાં દેખાય. એટલે કે પહેલા દિવસે માત્ર એક પોસ્ટ કરી હોય તો હોમપેજ પર એ પોસ્ટ દેખાય અને બીજા દિવસે બીજી પોસ્ટ કરીએ તો તે પહેલી પોસ્ટની ઉપર દેખાય. આ રીતે દરેક નવી પોસ્ટ ઉપર ઉમેરાતી જાય.

આમ બ્લોગનું હોમપેજ ડાયનેમિક રહે, જેમાં નવી નવી પોસ્ટ ઉમેરાતી જાય. એ સિવાય આપણે બ્લોગમાં કેટલાંક સ્ટેટિક પેજ પણ ઉમેરી શકીએ. જેમાં અબાઉટ અસ, કે અન્ય પ્રકારની બહુ ઝડપથી બદલાતી ન હોય તેવી માહિતી આપી શકાય.

વર્ડપ્રેસ ડોટ કોમ પર આવો બ્લોગ બનાવ્યા પછી તેમાં જુદી જુદી ફ્રી થીમની મદદથી આપણે બ્લોગનો દેખાવ ઘણે અંશે બદલી શકીએ.

જો તમને આટલાથી સંતોષ ન હોય તો પછી વર્ડપ્રેસ ડોટ ઓઆરજી પ્લેટફોર્મ તમને ઉપયોગી થઈ શકે.

તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરની તમામ વેબસાઇટ્સમાંથી પૂરા ૪૩ ટકા સાઇટ્સ વર્ડપ્રેસ પ્લેટફોર્મ પર તૈયાર થયેલી છે.


વર્ડપ્રેસ આખરે એક કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે. વર્ડપ્રેસ ડોટ કોમમાં આ સિસ્ટમ વર્ડપ્રેસના પોતાના સર્વર પર હોસ્ટ થયેલી હોય છે, જ્યારે વર્ડપ્રેસ ડોટ ઓઆરજીમાં આ જ આખી સિસ્ટમ આપણે પોતે જે સર્વર પર હોસ્ટિંગ સ્પેસ ખરીદી હોય તેમાં ઇન્સ્ટોલ કરી શકાય છે. એટલે વર્ડપ્રેસના આ પ્રકારને સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ પણ કહેવામાં આવે છે.

તમે સોશિયલ મીડિયા પર પોસ્ટિંગથી આગળ વધીને પોતાનો ફુલફ્લેજ્ડ બ્લોગ કે વેબસાઇટ ડેવલપ કરવા માગતા હો તો વર્ડપ્રેસ જુદી જુદી ઘણી રીતે મદદરૂપ થઈ શકે છે. તેના પર ફોકસ કરવા જેવું છે.

વર્ડપ્રેસ ડોટ કોમ પર બ્લોગ તૈયાર કરવા માટે અને નિયમિત રીતે અપડેટ કરવા માટે કોઈ પ્રકારની ટેકનિકલ આવડત હોવી જરૂરી નથી. માત્ર તેની વેબસાઈટ પર આપેલી સૂચનાઓનું પાલન કરતા જઇએ તો બ્લોગ સહેલાઈથી તૈયાર થઈ જાય.

સેલ્ફ હોસ્ટિંગ વર્ડપ્રેસ એટલી સહેલી વાત નથી. તેમાં આપણે કોઈ જાણકાર વેબડિઝાઇનર કે વેબડેવલપરની મદદ લઇએ તો તેઓ આપણી ઇચ્છા મુજબ બિલકુલ નવેસરથી આખી વેબસાઈટ તૈયાર કરી શકે છે. સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસનો ફાયદો એ છે કે તેમાં આપણને બધી વાતની પૂરેપૂરી સ્વતંત્રતા મળે છે.

તમે ઇચ્છો તો વર્ડપ્રેસ ડોટ કોમ અને સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ વચ્ચેનો વિકલ્પ પણ પસંદ કરી શકો છો – તેમાં આપણી વેબસાઇટ વર્ડપ્રેસ ડોટ કોમ પર જ બને, પરંતુ ફ્રી વર્ઝનને બદલે પેઇડ વર્ઝન પસંદ કરતાં, જુદા જુદા પ્રમાણમાં વધારાની સગવડો મેળવી શકાય છે. વર્ડપ્રેસ ડોટ કોમમાં કુલ પાંચ પ્રકારનાં વર્ઝન છે :

  1. ફ્રી
  2. પેઇડ પર્સનલ
  3. પેઇડ પ્રીમિયમ
  4. પેઇડ બિઝનેસ
  5. પેઇડ ઇકોમર્સ

જોકે સામાન્ય રીતે, થોડી ટેકનિકલ આવડત હોય કે કોઈ જાણકારની મદદ હોય તો વર્ડપ્રેસ ડોટ કોમનાં પેઇડ વર્ઝન કરતાં સેલ્ફહોસ્ટેડ વર્ડપ્રેસ સાઇટ વધુ સારી રહે. આ પૂર્વભૂમિકા સાથે વર્ડપ્રેસની સેલ્ફ હોસ્ટેડ સાઇટ, ફ્રી વર્ઝન અને પેઇડ વર્ઝનની સરખામણી કરી લઇએ.

વર્ડપ્રેસ ડોટ ઓઆરજી

(સેલ્ફ હોસ્ટેડ સાઇટ)

વર્ડપ્રેસ ડોટ કોમ

(ફ્રી વર્ઝન)

વર્ડપ્રેસ ડોટ કોમ

(પેઇડ વર્ઝન)

વાર્ષિક ખર્ચઃ

આપણે પોતાનું ડોમેઇન અને વેબહોસ્ટિંગ્સ સ્પેસ ખરીદવી પડે. આ બંને માટે વાર્ષિક ધોરણે ફી ચૂકવવી પડે. ડોમેઇન અને વેબ હોસ્ટિંગ આપણે એવી સર્વિસ આપતી કોઈ પણ સર્વિસ પાસેથી ખરીદી શકીએ.

તદ્દન ફ્રી સર્વિસઃ

એક જીબીની સ્ટોરેજ સુધી વર્ડપ્રેસ ડોટ કોમના બ્લોગ મફત છે. આટલી સ્પેસ અંગત બ્લોગ માટે પૂરતી છે. પરંતુ વર્ડપ્રેસ મફત સર્વિસના બદલામાં આપણા બ્લોગ પર જાહેરાતો બતાવે છે. આવો બ્લોગ પોતાના ડોમેઇન પર બતાવી શકાતો નથી.

પેઇડ પર્સનલ પ્લાનમાં પોતાનું ડોમેઇન મેળવી શકાય અને જાહેરાતો દૂર કરી શકાય. તેનાથી ઉપરના પ્લાનમાં બ્લોગમાં ખાસ્સું કસ્ટમાઇઝેશન પણ કરી શકાય.

ફુલ થીમ સપોર્ટઃ

સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ વેબસાઇટ માટે પાર વગરની ફ્રી અને પેઈડ થીમ્સ ઉપલબ્ધ છે. તમે ચાહો તેનો ઉપયોગ કરી શકો અને તેમાં ચાહો તેવા ફેરફાર કરી શકો. પેજ બિલ્ડર સર્વિસની મદદથી આખી વેબસાઈટના વિવિધ ભાગને તમે ઇચ્છો તે રીતે ડિઝાઇન કરી શકાય.

લિમિટેડ થીમ સપોર્ટઃ

વર્ડપ્રેસ ડોટ કોમ પરના બ્લોગ માટે મર્યાદિત પ્રમાણમાં ફ્રી થીમ ઉપલબ્ધ છે. માત્ર તેમાંથી કોઈનો ઉપયોગ કરી શકાય. એ થીમને કસ્ટમાઇઝ્ડ ન કરી શકાય કે પોતાની થીમ અપલોડ કરી શકાય નહીં.

પ્રીમિયમ પ્લાનના યૂઝર સીએસએસને કસ્ટમાઇઝ કરી શકે તથા મર્યાદિત પ્રમાણમાં પ્રીમિયમ થીમમાંથી પસંદગી કરી શકે. બિઝનેસ પ્લાનના યૂઝર થર્ડ પાર્ટી થીમનો પણ ઉપયોગ કરી શકે.

ફૂલ પ્લગઇન સપોર્ટઃ

જે રીતે એન્ડ્રોઇડ કે આઇફોનમાં અલગ અલગ એપ્સ ઉમેરીને તેની ઉપયોગિતા વિસ્તારી શકીએ, એ જ રીતે વર્ડપ્રેસ ડોટ ઓઆરજીના મૂળ પ્લેટફોર્મમાં અનેક જાતના પ્લગઇન્સ ઉમેરી શકાય છે. એ માટે ફ્રી અને પેઇડ બંને પ્રકારના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે.

કોઈ પ્લગઇન નહીંઃ

વર્ડપ્રેસ ડોટ કોમ પરના બ્લોગમાં ફીચર તરીકે વિવિધ પ્રકારના પ્લગઇન્સ મળે છે પરંતુ તે સિવાયના કોઈ પણ ફ્રી, પેઈડ કે કસ્ટમ પ્લગઇન્સનો ઉપયોગ કરી શકાતો નથી.

માત્ર બિઝનેસ પ્લાનના યૂઝર થર્ડ પાર્ટી પ્લગઇન્સનો ઉપયોગ કરી શકે.

આવકની પૂરી સ્વતંત્રતાઃ

સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ વેબસાઇટ બધી રીતે આપણી પોતાની વેબસાઇટ હોવાથી આપણે તેમાં કોઈ પણ પ્રકારની એડ સર્વિસનો ઉપયોગ કરી શકીએ છીએ. સાઇટ પર બતાવવામાં આવતી જાહેરખબરમાંથી જે આવક થાય તે પૂરેપૂરી આપણી રહે છે.

આવકની મર્યાદિત શક્યતાઃ

વર્ડપ્રેસ ડોટ કોમ પરના બ્લોગમાં આપણે પોતાની રીતે કોઈ જાહેરાત દર્શાવી શકતા નથી. તમારી વેબસાઇટ પર મહિને ૨૫,૦૦૦થી વધુ પેજ વ્યૂનો ઊંચો વેબ ટ્રાફિક હોય તો તમે વર્ડપ્રેસ ડોટ કોમના એડવર્ટાઇઝિંગ નેટવર્ક સાથે જોડાઈ શકો છો પરંતુ તેમાં પણ, તમારી કમાણીમાંથી ભાગ આપવો પડે છે.

પ્રીમિયમ કે બિઝનેસ પ્લાન ખરીદ્યો હોય તો વર્ડપ્રેસના એડ પ્રોગ્રામમાં આપોઆપ સામેલ થઈ જવાય છે.

ઇ-કોમર્સ સ્ટોરઃ

સેલ્ફ હોસ્ટેડ વેબસાઇટ પર મૂળ વેબસાઈટના ભાગ રૂપે અથવા માત્ર ઇ-કોમર્સ સ્ટોર તૈયાર કરી શકાય છે. આ સ્ટોર પર વિવિધ પેમેન્ટ ગેટવેની મદદથી પેમેન્ટ કલેક્ટ કરી શકાય છે. ઇ-સ્ટોરના સંચાલન બાબતે તમને પૂરેપૂરી સ્વતંત્રતા મળે છે.

ઇ-કોમર્સ સ્ટોર નહીંઃ

ફ્રી વર્ડપ્રેસ ડોટ કોમ પર તમે પોતાના બ્લોગમાં ઓનલાઇન સ્ટોર ઊભો કરી શકતા નથી. અલબત્ત અહીં તમે મર્યાદિત પ્રમાણમાં સાદું ઓર્ડરપેજ તૈયાર કરી, તેમાં યુપીઆઈ કે અન્ય પેમેન્ટ ગેટવેની પેમેન્ટ લિંક મૂકીને બ્લોગની બહાર પેમેન્ટ કલેક્ટ કરી શકો છો.

વર્ડપ્રેસ ડોટ કોમ હવે ઇ-કોમર્સ પ્લાન ઓફર કરે છે, પરંતુ એ ખાસ્સો મોંઘો છે.

મેમ્બરશિપ સાઇટઃ

સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ સાઇટ પર, પ્લગઇન્સથી વિવિધ પ્રકારે કન્ટેન્ટની એક્સેસ રીસ્ટ્રિક્ટ કરી શકાય છે અને લોકોને જુદા જુદા પ્લાન ઓફર કરી શકાય છે. નિશ્ચિત પ્લાન માટે પેમેન્ટ કરનારી વ્યક્તિ તેમાં સામેલ કન્ટેન્ટ જોઈ શકે એવી વ્યવસ્થા કરી શકાય. યુટ્યૂબમાં અપલોડ આપણે અપલોડ કરેલા વીડિયોની એક્સેસ યુટ્યૂબ પર પ્રાઇવેટ રાખીને તેની એક્સેસ માત્ર આપણી વેબસાઇટ પર પેઇડ પ્લાનના ભાગ તરીકે મળે એવું પણ કરી શકાય.

મેમ્બરશિપ સાઇટ નહીંઃ

વર્ડપ્રેસ ડોટ કોમ પરના બ્લોગને મેમ્બરશિપ વેબસાઇટમાં ફેરવી શકાતો નથી કેમ કે એ માટે ખાસ પ્રકારના પ્લગઇન્સનો ઉપયોગ કરવો જરૂરી છે.

બિઝનેસ પ્લાનમાં મેમ્બરશિપ પ્લગઇન્સ ઉમેરી શકાય છે.

એનાલિટિક્સઃ

સેલ્ફ હોસ્ટેડ વર્ડપ્રેસ વેબસાઇટ પર આવતા ટ્રાફિકનું આપણે જુદી જુદી ઘણી રીતે એનાલિસિસ કરી શકીએ છીએ. એ માટે ગૂગલ એનાલિટિક્સ તેમજ અન્ય થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરી શકાય.

વર્ડપ્રેસ ડોટ કોમ પરના ફ્રી બ્લોગમાં વર્ડપ્રેસ પોતે મર્યાદિત પ્રમાણમાં ટ્રાફિકની વિગતો અને એનાલિસિસ આપે છે. થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરી શકાતો નથી.

બિઝનેસ પ્લાનમાં ગૂગલ એનાલિટિક્સ અને અન્ય થર્ડ પાર્ટી સર્વિસનો ઉપયોગ કરી શકાય છે.

મેઇન્ટેનન્સઃ

આ પ્રકારની વેબસાઈટ આપણી પોતાની હોવાથી તેને મેઇન્ટેન કરવાની, સલામત રાખવાની અને તેનો નિયમિત બેકઅપ લેવાની જવાબદારી આપણા શિરે છે. આ માટે ફ્રી અને પેઇડ પ્લગઇન્સનો ઉપયોગ કરી શકાય.

કોઈ મેઇન્ટેનન્સ નહીં:

આ પ્રકારના બ્લોગમાં મેઇન્ટેનન્સ, બેકઅપ, સિક્યુરિટી વગેરે કોઈ બાબતની ચિંતા રાખવાની જરૂર નથી. એ બધું જ કામ વર્ડપ્રેસ સંભાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!