(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હમણાં એડોબ કંપનીએ જેને ખરીદી લીધી, તે ફિગ્મા સોફ્ટવેરનો ઉપયોગ શો છે?

હમણાં એડોબ કંપનીએ ફિગ્મા નામની એક કંપનીને આશરે ૨૦ અબજ ડોલરમાં ખરીદી લેવાની જાહેરાત કરી (સરખામણી ખાતર જાણી લો કે ફેસબુકે ૨૦૧૪માં વોટ્સએપ કંપની ૧૯ અબજ ડોલરમાં ખરીદી હતી). ફેસબુક વોટ્સએપ ખરીદે તો એ મોટા સમાચાર બને, પણ એડોબ કંપની ફિગ્મા ખરીદે તો એ મુદ્દો આપણને ખાસ અસર ન કરતો હોય તેવું લાગે.

અત્યાર સુધી ગ્રાફિક ડિઝાઇનિંગ, ડેસ્કટોપ પબ્લિશિંગ અને વીડિયો એડિટિંગ સોફ્ટવેરના ક્ષેત્રે દુનિયાભરમાં એડોબ કંપનીના સોફ્ટવેરનો જબરજસ્ત દબદબો રહ્યો છે. જાહેરાતનાં ફરફરિયાંથી માંડીને બ્રોશર, ન્યૂઝલેટર કે આખેઆખા અખબારનાં પાનાં ડિઝાઇન કરવામાં અને વીડિયોના એડિટિંગ કે તેમાં ઇફેક્ટ્સ ઉમેરવાની વાત આવે ત્યારે ક્રિએટિવ પ્રોફેશનલ્સ માટે એડોબના સોફ્ટવેર ટોપ-ચોઇસ હોય છે. ભારતમાં હજી ડેસ્કટોપ પબ્લિશિંગ માટે કોરલ ડ્રો જેવા સોફ્ટવેરનો વધુ ઉપયોગ થાય છે, પરંતુ ટેકસ્ટ હેવી ડોક્યુમેન્ટ્સ માટે એડોબના સોફ્ટવેર ઘણા ચઢિયાતા છે.

વાતમાં ટ્વીસ્ટ હવે આવે છે.

દુનિયાભરમાં પ્રિન્ટ પબ્લિકેશનની સાથોસાથ ડિજિટલ પબ્લિશિંગનું ચલણ સતત વધી રહ્યું છે. વેબસાઇટ કે એપ માટે યૂઝર ઇન્ટરફેસ (યુઆઇ) અને યૂઝર એક્સપિરિયન્સ (યુએક્સ) ડિઝાઇનનું મહત્ત્વ વધી રહ્યું છે. આ બાબતે એડોબની સરખામણીમાં બીજાં નાનાં સ્ટાર્ટઅપ્સ ખાસ્સું ગજું કાઢવા લાગ્યાં હતાં. જેમાંનું એક સ્ટાર્ટઅપ એટલે ફિગ્મા, જેની શરૂઆત માંડ હજુ ૨૦૧૬માં જ થઈ.

અમેરિકામાં કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરતા બે મિત્રોએ વિચાર્યું કે ક્રિએટિવ લોકો તેમના બ્રાઉઝરમાં જ યુઆઈ અને યુએક્સ ડિઝાઇન કરી શકે તેવું કોઈ ટૂલ વિકસાવવું જોઈએ. દુનિયા ડેસ્કટોપ પરથી ક્લાઉડ તરફ વળી રહી છે તેનું આ એક વધુ ઉદાહરણ. ફિગ્મા ટૂલની મદદથી લોકો તેમની વેબસાઇટ કે એપ ફ્રન્ટએન્ડ પર, એટલે કે સાઇટ કે એપના યૂઝરને કેવી દેખાશે તે બતાવી શકે છે અને દરેક ક્લિકથી કેવી રીતે આગળ વધી શકાશે તેનો ફ્લો પણ બતાવી શકે છે. એ પછી આ ડિઝાઇનની મદદથી બેકએન્ડમાં સાઇટ કે એપનું કોડિંગ કરવામાં આવે છે. ફિગ્મામાં લોગો, ઇન્ફોગ્રાફિક વગેરે પણ ડિઝાઇન કરી શકાય છે.

બંને મિત્રોએ એવું બિઝનેસ મોડેલ અપનાવ્યું કે બિલકુલ નાની ટીમ ફિગ્માના ટૂલ્સનો મફત ઉપયોગ કરી શકે, પરંતુ ડિઝાઇન એજન્સીએ તેનો ઉપયોગ કરવો હોય તો ફી ચૂકવવી પડે. તેની સરખામણીમાં એડોબના બધા સોફ્ટવેર  માટે માસિક અને તોતિંગ સબસ્ક્રિપ્શન ભરવું પડે છે. ફિગ્માની વધતી લોકપ્રિયતાનો સામનો કરવા માટે એડોબ કંપનીએ પહેલાં તેના જેવા એડોબ એક્સડી સોફ્ટવેરને મર્યાદિત ઉપયોગ માટે ફ્રી કર્યો અને હવે તો આખેઆખી ફિગ્મા કંપની જ ખરીદી લીધી છે.

ફિગ્મા સોફ્ટવેરમાં વેબસાઇટ કે એપની ડિઝાઇન અને ફ્લો બનાવી શકાય છે, ત્યાર પછી તેનું કોડિંગ થાય.

આઇટી સેકટરમાં વિવિધ ફિલ્ડમાં અભ્યાસ કરતા કે પછી નોકરી-સ્ટાર્ટઅપમાં જોડાઈ ગયેલા લોકોએ આ ડીલ તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

આજની દુનિયામાં કોલાબોરેટિવ રીતે એટલે કે એક જ પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણેથી લોકો એક સાથે કામ કરે એવી રીતે કામ કરવાનું ચલણ સતત વધી રહ્યું છે. કામકાજની આ નવી રીતો જેટલી વહેલી શીખીએ અને સમજીએ એટલા વધુ લાભમાં રહીએ. ફિગ્મા એ માટે ઉપયોગી છે.

આપણે એવી આશા રાખીએ કે ફિગ્મા કંપની એડોબે ખરીદી લીધા પછી પણ, તેનો ઉપયોગ નાનાં સ્ટાર્ટઅપ્સ માટે મફત રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!