આગળ શું વાંચશો?
- વોટ્સએપમાં ગ્રૂપ એડમિન સામેનાં જોખમો
- આખરે ટેલિગ્રામ સામે અદાલતી કાર્યવાહી
- સારેગામા કંપનીએ ઇન્સ્ટાગ્રામ સાથેની જુગલબંદી તોડી
- ફેક ન્યૂઝના કેસમાં પશ્ચિમ બંગાળ મોખરે
- ટ્વીટરમાં સર્કલની નવી સુવિધા
- ટ્વીટર પર આવે છે એડિટ બટન
વોટ્સએપમાં છેલ્લા થોડા સમયથી ગ્રૂપના એડમિનને વધુ પાવર્સ મળી રહ્યા છે. પરંતુ તેની સાથોસાથ ગ્રૂપ એડમિનની જવાબદારીઓ પણ વધી રહી છે અને તે નિભાવવમાં ચૂક થાય તો ગ્રૂપ એડમિન સામે કાયદેસર પગલાં પણ લેવાઈ શકે છે.
જેમ કે, હમણાં વોટ્સએપ કંપની ગ્રૂપ એડમિનને એક નવી સત્તા આપી છે – જો તમે કોઈ ગ્રૂપના એડમિન હો તો તેમાં અન્ય મેમ્બરે મૂકેલી પોસ્ટ તમે ડિલીટ કરી શકો છો. અત્યાર સુધી આવી સગવડ જે તે વ્યક્તિને પોતાને જ મળતી હતી.

હવે ધ્યાનથી આ વાત સમજજો – એડમિન ગ્રૂપમાં કંઈ પણ વાંધાજનક પોસ્ટ મૂકાય તો તેને ડિલીટ કરી શકે છે, જો તે તેમ ન કરે તો આવી સગવડ હોવા છતાં, એડમિન તેનો ઉપયોગ ન કરે તો ગ્રૂપમાંની વાંધાજનક પોસ્ટ માટે તે કાયદાની રીતે જવાબદાર ઠરી શકે છે. એડમિન માટે મુશ્કેલી એ છે કે તેને માત્ર કંઈક વાંધાજનક દેખાય તે પછી તેને ડિલીટ કરવાની સત્તા છે, કોઈ પણ મેસેજ ગ્રૂપમાં પોસ્ટ થાય તે પહેલાં તેને તપાસવાની એડમિનને કોઈ સત્તા કે સગવડ નથી.
ઉપરાંત જો એડમિન કંઈક વાંધાનજક દેખાતાં તેને ડિલીટ કરે તો પણ એ ગ્રૂપમાં સામેલ તમામ મેમ્બર્સ વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરતા હોય તો જ તે પોસ્ટ બધા માટે ડિલીટ થાય છે.
આ બધાનો અર્થ એ થયો કે ગ્રૂપના કોઈ મેમ્બરની વાંધજનક પોસ્ટનો વિવાદ ઊભો થાય તો એડમિન તેમાં ફસાઈ શકે છે.
આપણે શું ધ્યાન રાખવું?
વોટ્સએપના ગ્રૂપની એક મોટી તકલીફ એ છે કે તેમાં આપણે કોઈ ગ્રૂપમાં મેમ્બર હોઇએ અને એ ગ્રૂપના એક માત્ર એડમિન જો ગ્રૂપ છોડી જાય તો પછી ગ્રૂપમાંની અન્ય વ્યક્તિ આપોઆપ ગ્રૂપની એડમિન બની જાય છે. એટલે એવું બની શકે કે તમે અત્યારે કોઈ ગ્રૂપના એડમિન હો અને તમને તેની જાણ જ ન હોય!
બીજી મુશ્કેલી એ છે કે જો ગ્રૂપમાં તમે એક માત્ર એડમિન હો તો તમે અન્ય વ્યક્તિને એડમિન બનાવી શકો પરંતુ તમે પોતે, જાતે એડમિનની જવાબદારીથી છટકી ન શકો! એટલે કે તમારે ગ્રૂપમાં રહેવું હોય, પરંતુ એડમિન તરીકે નહીં, માત્ર સાદા મેમ્બર તરીકે તો એ કામ આપણે જાતે કરી શકતા નથી. એ માટે આપણે અન્ય કોઈ વ્યક્તિને એડમિન બનાવવી પડે, પછી તેને કહેવું પડે કે તે આપણને એડમિન તરીકે દૂર કરે.
બીજો એક રસ્તો એ ગ્રૂપમાંથી એક્ઝિટ થવાનો છે. એ પછી ગ્રૂપમાં જે વ્યક્તિ નવી એડમિન બને તેને વિનંતી કરીને આપણે ફરી ગ્રૂપમાં સાદા મેમ્બર તરીકે જોડાઈ શકીએ.
હજી ત્રીજો રસ્તો પણ છે. એડમિન તરીકે આપણે ગ્રૂપમાં જોડાવા માટેની ઇન્વાઇટ લિંક તૈયાર કરી શકીએ છીએ. એવી લિંક બનાવીને આપણે બીજે ક્યાંય પણ સેવ કરી રાખીએ અને પછી ગ્રૂપમાંથી એક્ઝિટ થઇએ તો ગ્રૂપમાંની અન્ય કોઈ વ્યક્તિ એડમિન બનશે અને આપણે પેલી ઇન્વાઇટ લિંકનો ઉપયોગ કરીને ગ્રૂપમાં ફરી જોડાઈ શકીશું! અજાણ્યા લોકોના ગ્રૂપમાં એક માત્ર એડમિન હોવામાં જોખમ છે કારણ કે એ ગ્રૂપમાં કંઈ પણ અયોગ્ય પોસ્ટ થાય તો તેની જવાબદારી એડમિન પર આવી શકે છે.
ઇન્ટરનેટની મદદથી કોઈ પણ પ્રકારના પોતાના ઓરિજનલ કન્ટેન્ટ (સોફ્ટવેર, મ્યુઝિક, બુક્સ, મેગેઝિન વગેરે)નું ઓનલાઇન સેલિંગ કરતી કંપનીઓ અને વ્યક્તિઓ માટે ટેલિગ્રામ એક બહુ મોટો માથાનો દુઃખાવો છે.
લોકો કોઈ ને કોઈ રીતે અન્યોના કોપીરાઇટેડ કન્ટેન્ટની ઇન્ટરનેટ પરથી ચોરી કરે છે અને પછી ટેલિગ્રામ પર તેનું બેરોકટોક શેરિંગ થાય છે. હદ તો એ થાય કે આવું ચોરીનું કન્ટેન્ટ મેળવવા માટે ટેલિગ્રામ પર રૂપિયા પણ ઉઘરાવવામાં આવે!
પાયરેટેડ મટિરિયલ માટે ટેલિગ્રામ એપ રીતસર સ્વર્ગ બની ગઈ છે.

હવે અદાલત આ બાબતે કડક બની છે. તાજેતરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ સેન્ટર ચલાવતાં એક મહિલાએ ટેલિગ્રામ અને વિવિધ અજાણી વ્યક્તિઓ સામે અદાલતમાં ફરિયાદ કરી હતી કે તેમના કોપીરાઇટેડ સ્ટડી મટિરિયલનું ટેલિગ્રામ પર શેરિંગ અને વેચાણ થઈ રહ્યું છે. ફરિયાદ કરતાં પહેલાં એ મહિલાએ ટેલિગ્રામનો સંપર્ક કરીને તેને પોતાની ફરિયાદ જણાવી હતી અને તેમના ઓરિજિનલ કન્ટેન્ટનું શેરિંગ કે સેલિંગ કરતી વિવિધ ચેનલ્સ બંધ કરવા જણાવ્યું હતું . આ પછી, તેમણે જણાવેલી ચેનલ્સ સામે ટેલિગ્રામે પગલાં લીધાં હતા અને કેટલીક ચેનલ બંધ પણ થઈ હતી.
પરંતુ એ પછી તરત જ એ જ પ્રકારની નવી ચેનલ ઊભી થઈ જતી હતી. બીજી તરફ ટેલિગ્રામ એપ યૂઝર્સની પ્રાયવસીને નામે આ પ્રકારની ચેનલના સંચાલકોનાં નામ જાહેર કરતી નથી.
આખરે પેલાં મહિલાએ થાકીને અદાલતનું શરણું લીધું.
દિલ્હી હાઇકોર્ટમાં આ કેસ ચાલતાં ટેલિગ્રામના વકીલે એવી દલીલ કરી હતી કે ફરિયાદી મહિલાએ ટેલિગ્રામનો સંપર્ક કર્યા પછી ટેલિગ્રામે કેટલીક ચેનલ્સ બંધ કરી હતી. જોકે અદાલતે કહ્યું હતું કે ટેલિગ્રામ પર આ રીતે ગુમનામ રહીને ગમે તેટલી ચેનલ ઊભી કરી શકાતી હોવાથી ટેલિગ્રામ ચેનલ બંધ કરે તેનાથી કોઈ અર્થ સરતો નથી.
પેલી ચેનલ્સના સંચાલકોનાં નામ જાહેર કરવા બાબતે ટેલિગ્રામના વકીલની દલીલ હતી કે કંપનીનાં સર્વર સિંગાપોરમાં છે તેથી તેને માત્ર સિંગાપોરના કાયદા લાગુ થાય. આ વિશે પણ અદાલતે કડક વલણ દાખવીને કહ્યું કે ટેલિગ્રામનાં સર્વર ભારતની બહાર હોવાનો અર્થ એ નથી કે તેને ભારતના કાયદા લાગુ ન પડે.
હવે દિલ્હી હાઇકોર્ટે ટેલિગ્રામને આદેશ આપ્યો છે કે તે આ કેસમાં કોપીરાઇટેડ મટિરિયલ શેર કરતી ચેનલ્સના ક્રિએટર્સ અને ઓપરેટર્સનાં નામ જાહેર કરે.
અદાલતે નિશ્ચિત સમયમાં એ વ્યક્તિઓના ફોન નંબર, આઇપી એડ્રેસ તથા ઇમેઇલ એડ્રેસ અદાલતને સોંપવા જણાવ્યું છે. દિલ્હી હાઇકોર્ટનો આ બહુ મહત્ત્વનો ચુકાદો છે અને ટેલિગ્રામ પર કોપીરાઇટેડ મટીરિયલનું બેધડક શેરિંગ કરતા અનેક લોકોને તે લાગુ પડે તેમ છે. ભારતના કાયદા અનુસાર દેશના કાયદા વિરુદ્ધની કોઈ પણ પ્રવૃત્તિ કરનાર સોશિયલ મીડિયા યૂઝરની વિગતો તે પ્લેટફોર્મે જાહેર કરવી પડે.
એ જોવું રસપ્રદ રહેશે કે આ કેસ આગળ કેવો વળાંક લે છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઝ અને રીલ ક્રિએટ કરતા અને તેમાં મ્યુઝિક ઉમેરતા લોકો માટે એક બેડ ન્યૂઝ! અત્યાર સુધી ઇન્ડિયન મ્યુઝિક કંપની ‘સારેગામા’નો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટા સાથે ગ્લોબલ કોન્ટ્રેક્ટ હતો અને એ મુજબ આ બંને પ્લેટફોર્મ પર સ્ટોરીઝ કે રીલ ક્રિએટ કરતા લોકો સારેગામા કંપનીના વિવિધ મ્યુઝિક આલ્બમ્સનો ઉપયોગ કરી શકતા હતા. હવે મળતા સમાચાર મુજબ સારેગામા કંપનીએ મેટા સાથેનો પોતાનો કોન્ટ્રેક્ટ રીન્યૂ કર્યો નથી.

સારેગામા કંપનીએ હવે ઇન્સ્ટાગ્રામ રીલ્સની હરીફાઈમાં શરૂ થયેલ યુટ્યૂબ શોર્ટ્સ વીડિયો માટે આ જ પ્રકારનો કોન્ટ્રેક્ટ કર્યો છે. સારેગામા કંપની સમગ્ર વિશ્વની સૌથી જૂની મ્યુઝિક કંપનીઓમાંની એક છે. ૧૯૦૨માં તેની સ્થાપના થઈ હતી અને કંપની અત્યારે ૧.૨ લાખ ગીતોનો વિશાળ સંગ્રહ ધરાવે છે.
ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાયો તે પછી ગૂગલ અને મેટા કંપનીએ શોર્ટ વીડિયોના સેગમેન્ટમાં ઝંપલાવ્યું હતું અને ત્યારે, જૂન ૨૦૨૦માં એ સમયની ફેસબુક કંપનીએ સારેગામા સાથે મ્યુઝિક માટે કોન્ટ્રેક્ટ કર્યો હતો. આ પ્રકારનો કોન્ટ્રેક્ટ મ્યુઝિક કંપની અને સોશિયલ મીડિયા બંને માટે લાભદાયી બનતો હોય છે. સોશિયલ મીડિયાના કન્ટેન્ટ ક્રિએટર્સ કોપીરાઇટની ચિંતા વિના મ્યુઝિકનો ઉપયોગ કરી શકે છે અને બીજી તરફ મ્યુઝિક કંપનીને તેનાં જૂનાં તથા ખાસ કરીને નવાં સોંગ્સને પ્રમોટ કરવાનો મોકો મળે છે.
દેશની લોકસભાની ચૂંટણી હોય કે રાજ્યોની વિધાનસભાની ચૂંટણી, એ સમયે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝનો ધમધમાટ જબરજસ્ત વધી જતો હોય છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના આંકડા અનુસાર ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ પ્રમાણમાં ફેક ન્યૂઝ સંબંધિત કેસ નોંધાયા હતા.

એ સમયે સમગ્ર દેશમાં ફેક ન્યૂઝના જેટલા કેસ નોંધાયા હતા તેમાંથી ચોથા ભાગના માત્ર પશ્ચિમ બંગાળમાં નોંધાયા હતા. તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોએ આ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા. ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એ જ સ્થિતિનું પુનરાવર્તન થવાનું છે એ નક્કી છે!
ફેસબુકમાં, તમે જાણો છો તેમ, આપણે કંઈ પણ પોસ્ટ કરતી વખતે એ માત્ર અમુક નજીકના લોકોને જ દેખાય એવો વિકલ્પ પણ પસંદ કરી શકીએ છીએ. કંઈક એવી જ સુવિધા હવે ટ્વીટરમાં મળી છે. ટ્વીટરે આ સુવિધાને ‘ટ્વીટર સર્કલ’ નામ આપ્યું છે. ટ્વીટરે આ સુવિધા મે મહિનામાં પ્રાયોગિક ધોરણે લોન્ચ કરી હતી અને તેને સારો પ્રતિસાદ મળતાં હવે ટ્વીટરની વેબસાઇટ તથા આઇઓએસ અને એન્ડ્રોઇડ એપ પર સૌને તે ઉપલબ્ધ કરી દેવામાં આવી છે.

આ ફીચર મુજબ હવે આપણે ટ્વીટર પર કંઈ પણ પોસ્ટ કરીએ તો તેને પોસ્ટ કરતાં પહેલાં આ ટ્વીટ આપણા તમામ ફોલોઅર્સ સાથે શેર કરવી છે કે માત્ર નિશ્ચિત ‘સર્કલ’ સાથે એ નક્કી કરી શકાશે.
એક સર્કલમાં ૧૫૦ વ્યક્તિ સમાઈ શકે છે. આપણે ઇચ્છીએ ત્યારે આપણા સર્કલમાં કોઈ પણ વ્યક્તિને ઉમેરી શકીએ છીએ કે દૂર કરી શકીએ છીએ. આપણે કરેલા આ ફેરફારની સામેની વ્યક્તિને જાણ થતી નથી.
આપણે સર્કલમાં મોકલેલી ટ્વીટ સામેની વ્યક્તિને એક ગ્રીન બેજ સાથે જોવા મળશે. તેમ જ આ ટ્વીટને અન્ય વ્યક્તિ રીટ્વીટ કે આગળ શેર કરી શકશે નહીં. આપણું ટ્વીટર એકાઉન્ટ પબ્લિક હોય તો પણ સર્કલમાં મોકલેલી ટ્વીટના રિપ્લાય પ્રાઇવેટ રહે છે.
આપણે ટ્વીટર પરની કોઈ પણ વ્યક્તિને પોતાના સર્કલમાં ઉમેરી શકીએ છીએ. આપણે જેને ફોલો ન કરી રહ્યા હોઇએ તેને પણ સર્કલમાં ઉમેરી શકાય છે. એક સમયે આપણે માત્ર એક ટ્વીટર સર્કલ બનાવી શકીએ છીએ.
આપણા ટ્વીટર સર્કલમાં કોણ કોણ છે તે માત્ર આપણે જોઈ શકીએ છીએ. ટ્વીટરમાં કંઈક આ જ પ્રકારે ‘ટ્વીટર કમ્યૂનિટી’ નામનું એક ફીચર પણ છે. પરંતુ તેમાં કોઈ ચોક્કસ મુદ્દા વિશે ટ્વીટ્સની આપ-લે થઈ શકે છે. જ્યારે ટ્વીટર સર્કલ માત્ર મર્યાદિત લોકો જોઈ શકે એ રીતે ટ્વીટ કરવાની સગવડ છે.
ટ્વીટર પર લાંબા સમયથી એડિટ બટન ચર્ચામાં રહ્યું છે. ટ્વીટર પર આપણે કંઈ પણ ટ્વીટ કરીએ એ પછી એમાં ફેરફાર કરવાની સગવડ આ એડિટ બટનથી મળશે. અલબત્ત આપણા સુધી તેનો લાભ મળતાં હજી લાંબો સમય નીકળી જાય તેવું લાગે છે.
હાલમાં ટ્વીટરના પોતાના એમ્પ્લોઇઝ માટે એડિટ બટનની ટ્રાયલ શરૂ થશે. એ પછી ટ્વીટરના પેઇડ વર્ઝનનો લાભ લેતા લોકોને આ સગવડ મળશે અને તેનાં પરિણામોના આધારે આપણા સુધી આ લાભ પહોંચશે કે નહીં તે નક્કી થશે.
