ટૂંકો જવાબ તો એ કે ફોન બદલી નાખવો જોઈએ! એપલના કિસ્સામાં ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને ફોન બંને એપલ કંપની જ બનાવતી હોવાથી, ફોનનું મોડેલ ઝડપથી ન બદલીએ તો ચાલે, તેમાં કંપની તરફથી ઓપરેટિંગ સિસ્ટમ અથવા સિક્યોરિટી અપડેટ્સ સતત મળતા રહે છે.

એન્ડ્રોઇડમાં, ખાસ કરીને સસ્તા, બજેટ કે મિડ-રેન્જ બજેટ ફોનમાં આવો લાભ મળતો નથી. તેમાં ફોન મેન્યુફેક્ચરિંગ કંપની અને ફોનની ઓપરેટિંગ સિસ્ટમ બંને પોતપોતાની રીતે નવી સુવિધાઓ આપે છે. સામાન્ય રીતે એન્ડ્રોઇડ દર વર્ષે સપ્ટેમ્બરની આસપાસ ઓપરેટિંગ સિસ્ટમનું નવું વર્ઝન લોન્ચ કરે છે. આપણે સ્ટોક એન્ડ્રોઇડવાળો ફોન ખરીદ્યો હોય કે પ્રમાણમાં મોંઘો એન્ડ્રોઇડ ફોન ખરીદ્યો હોય તો તેમાં ઝડપથી નવું વર્ઝન મળવાની શક્યતા ખરી, બાકી ક્યારેય ન મળે એવું પણ બને.
પરંતુ કંપની એન્ડ્રોઇડનું આખેઆખું નવું વર્ઝન ન આપે તો પણ, ફોનની સિસ્ટમમાં ધ્યાનમાં આવેલી ખામીઓ સુધારી લેવા માટે અવારનવાર સિક્યોરિટી અપડેટ્સ આપતી હોય છે. ઘણી કંપની આવા અપડેટ્સને નામે ધરાર જાતજાતની, આપણે કામની ન હોય એવી એપ્સ પણ ફોનમાં ઘૂસાડતી હોય છે.
સિક્યોરિટી અપડેટ્સ વિના પણ ફોન ચાલે તો ખરો, પણ તેમાં આપણી સાથે કોઈ ફ્રોડ થવાની શક્યતા વધી જાય છે. આથી આવા અપડેટ્સ મળવા જરૂરી છે.
આવી તકલીફ હોવા છતાં સિક્યોરિટી અપડેડટ્સ મળવા જરૂરી છે અને આપણે તેને ઇન્સ્ટોલ પણ કરવા જોઈએ. ફોનમાં પ્રમાણમાં જૂની ઓપરેટિંગ સિસ્ટમ હોય તો ફોન તો ચાલે, આપણું કામ પણ ચાલી જાય, પણ જો ફોન કંપની વિવિધ સિક્યોરિટી અપડેટ્સ પણ આપવાનું બંધ કરી દે તો એ સાચો સમય છે જ્યારે આપણે ફોન બદલવાનો વિચાર કરવો જોઈએ.
આથી, વાત માત્ર સગવડની નથી. સલામતીની છે. આજના સમયમાં સ્માર્ટફોન ઘણી બધી રીતે આપણી નબળી કડી હોવાથી તેમાં નવા નવા સિક્યુરિટી અપડેટ્સ મળવાનું બંધ થાય તો એ ફોન ઝડપથી બદલવો જોઇએ.
