
તમે વોટ્સએપનો લાંબા સમયથી ઉપયોગ કરતા હશો. જો તમે માત્ર મિત્રો, સંબંધીઓના ટચમાં રહેવા તેનો ઉપયોગ કરતા હશો, તો તમને તેનાં હાલનાં ફીચર્સથી પૂરતો સંતોષ હશે. પરંતુ જો તમે બિઝનેસ કે અન્ય હેતુથી જુદા જુદા પ્રકારના, મોટી સંખ્યામાં લોકો સાથેના કમ્યુનિકેશન માટે વોટ્સએપ વાપરતા હશો, તો એમાં ઘણું ખૂટતું હોય એવું લાગતું હશે.
વોટ્સએપની સૌથી મોટી મર્યાદા એ કે તેમાં એક ગ્રૂપમાં માત્ર ૨૫૬ સભ્યો હોઈ શકે. ફેમિલી ગ્રૂપ્સ માટે આ સંખ્યા ઘણી છે, પણ બિઝનેસ કમ્યુનિકેશન માટે એ બહુ ઓછી પડે. બ્રોડકાસ્ટ લિસ્ટની સુવિધા ખરી, પણ એમાંય એક લિસ્ટમાં માત્ર ૨૫૬ મેમ્બર્સ ઉમેરી શકાય. ઉપરાંત, એ દરેકે આપણો નંબર સેવ કર્યો હોય તો જ એમને આપણો મેસેજ મળે.
આવી મર્યાદાઓ છતાં, ઉપયોગમાં એકદમ સરળ હોવાને કારણે વોટ્સએપની લોકપ્રિયતા જબરજસ્ત વિસ્તરી. મજા એ છે કે ભૂતકાળમાં યાહૂમાં કામ કરી ચૂકેલા બે મિત્રોને વોટ્સએપ જેવી એપનો વિચાર સૂઝ્યો ત્યારે તેમણે માત્ર આપણી એડ્રેસબુકમાંના લોકો પોતાના વિશે નાની નાની વાતોના સ્ટેટસ મૂકી શકે અને એ બધાને દેખાય એવું કંઈક વિચાર્યું હતું.
આપણી ફેવરિટ વોટ્સએપ એપમાં જે ખૂટતું હતું તે હવે કદાચ મળી જશે.
એ વાત હતી તેર વર્ષ પહેલાંની. હવે ફેસબુક-મેટા કંપનીના નેજા હેઠળ વોટ્સએપમાં પાર વગરનાં ફીચર્સ ઉમેરાયાં છે.
વોટ્સએપનો ઉપયોગ હજી વધુ વિસ્તારવા માટે તેમાં ‘કમ્યૂનિટિઝ’ નામે એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે, જે વોટ્સએપની હાલની લગભગ બધી મર્યાદાઓ દૂર કરી દે એવી શક્યતા છે!
વોટ્સએપમાં ગ્રૂપની સુવિધા આપણે સૌ બરાબર જાણીએ છીએ. ‘કમ્યુનિટિઝ’ના નવા ફીચરને આપણે ‘જુદાં જુદાં ગ્રૂપ્સનું એક ગ્રૂપ’ ગણી શકીએ.
વોટ્સએપ કંપનીએ આ ફીચરની હજી જાહેરાત કરી છે. એ એક્ઝેક્ટલી કેવી રીતે કામ કરશે અને આપણી એપમાં કમ્યૂનિટિઝ કેવી રીતે દેખાશે એ પણ હજી બહુ સ્પષ્ટ નથી. પછીના પાને જે સ્ક્રીનશોટ આપ્યો છે તેની સાથે પણ વોટ્સએપે કહ્યું છે કે આ યૂઝર ઇન્ટરફેસ હજી ફાઇનલ નથી.
છતાં, કમ્યૂનિટિઝનું ફીચર કેવું હશે એનો કંપનીએ ઉદાહરણ સાથે ખાસ્સો અંદાજ આપ્યો છે.
એ મુજબ…
અત્યારે ઘણી ખરી સ્કૂલમાં ટીચર અને સ્ટુડન્ટ્સ/પેરેન્ટ્સ સાથેના કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ સામાન્ય થઈ પડ્યો છે. તકલીફ એ છે કે મોટી સ્કૂલમાં સહેજે ૫૦-૧૦૦ શિક્ષકો અને ૫૦૦-૧૦૦૦ વિદ્યાર્થીઓ હોય. સ્કૂલના પ્રિન્સિપાલ એ બધા સાથે વોટ્સએપ પર સંપર્કમાં રહેવા માગતા હોય તો?

અત્યારે જુદી જુદી સ્કૂલ પોતાની મલ્ટિ-પર્પઝ એપ દ્વારા આ જરૂરિયાત સંતોષે છે. વોટ્સએપ પર ‘કમ્યૂનિટિઝ’ ફીચરને કારણે પ્રિન્સિપાલનું કામ સહેલું બનશે.
તેમની સ્કૂલના જુદા જુદા ક્લાસના ટીચર્સ તેમના સ્ટુડન્ટ્સ/પેરેન્ટ્સ માટે અલગ અલગ ગ્રૂપ્સ તો બનાવશે જ, પ્રિન્સિપાલ તેમની સ્કૂલનાં આવાં બધાં ગ્રૂપ્સને સાંકળતી એક ‘કમ્યૂનિટિ’ બનાવશે. આ કમ્યૂનિટિના એડમિન તરીકે પ્રિન્સિપાલ જ્યારે ઇચ્છે ત્યારે એ કમ્યૂનિટિ હેઠળનાં તમામ ગ્રૂપ્સના મેમ્બર્સને એક સાથે મેસેજ મોકલી શકશે (એક કમ્યૂનિટિમાં કેટલાં ગ્રૂપ્સ હોઈ શકે, એક સાથે કુલ કેટલા મેમ્બર્સને મેસેજ મોકલી શકાશે, વગેરેની હજી સ્પષ્ટતા નથી).

વોટ્સએપની પેરેન્ટ કંપની ફેસબુકમાં આ પ્રકારે ગ્રૂપ્સની સુવિધા છે, પરંતુ એ ઘણે અંશે પબ્લિક છે. તેમાં જે કંઈ કમ્યુનિકેશન થાય એ સૌ કોઈ જોઈ શકે. જ્યારે વોટ્સએપની કમ્યૂનિટિઝમાં પ્રાઈવસી પર વિશેષ ભાર રહેશે. હવે ફેસબુકને પણ સમજાયું છે કે બહુ મોટા પ્રમાણમાં લોકો, અમુક નિશ્ચિત બાબતો માટે ‘આખી દુનિયાને જાણ’ કરવા કરતાં અમુક સંબંધિત લોકો જ જાણી શકે એ રીતે પ્રાઇવેટલી કમ્યુનિકેટ કરવું વધુ પસંદ કરે છે.
આનો અર્થ એવો પણ થયો કે કોઈ મોટી કંપનીમાં જુદા જુદા પ્રોજેક્ટ પર કામ ચાલતું હોય ત્યારે એ દરેક પ્રોજેક્ટની ટીમનાં અલગ અલગ વોટ્સએપ ગ્રૂપ હોઈ શકે છે અને કંપનીના સીઈઓ આ દરેક ગ્રૂપને સાંકળતી એક કમ્યૂનિટિ બનાવી શકે. કમ્યૂનિટિની વિશેષતા એ છે કે દરેક ગ્રૂપમાંના લોકો પોતપોતાના ગ્રૂપમાંના અન્ય મેમ્બર્સ સાથે જ ચેટિંગ કરી શકશે, માત્ર એડમિન એક સાથે સૌને મેસેજ મોકલી શકશે. ઉપરાંત, વોટ્સએપની કમ્યૂનિટિ કે ગ્રૂપ સર્ચ એન્જિનમાં સર્ચ કરી શકાશે નહીં એટલે કે એડમિન ઇચ્છે એ જ લોકો આવી કમ્યૂનિટિ કે તેમાંના ગ્રૂપમાં જોડાઈ શકશે.
કમ્યૂનિટિ ફીચરની હવે તાતી જરૂર છે
કોરોના પહેલાંથી જ, વોટ્સએપનો ઉપયોગ ફેમિલી ચેટિંગથી ઘણો વિસ્તરી રહ્યો હતો. કોરોના દરમિયાન અને ત્યાર પછી વિવિધ સ્કૂલ્સ, ટ્યૂશન ક્લાસિસ, નાની-મોટી કંપનીઓ વગેરે ઇન્ટર્નલ કમ્યુનિકેશન માટે તથા બિઝનેસના પ્રમોશન માટે વોટ્સએપનો મોટા પાયે ઉપયોગ કરવા લાગ્યાં, પણ તેમાં અત્યારે ગ્રૂપ્સ કે બ્રોડકાસ્ટ લિસ્ટને સંબંધિત મર્યાદાઓ ઘણી નડે છે.
હવે કમ્યૂનિટિ ફીચરને કારણે વોટ્સએપથી લાર્જ ગ્રૂપ કમ્યુનિકેશન ઘણું સહેલું ને છતાં ખાનગી રહેશે એવી આશા રાખી શકાય.
વોટ્સએપનું કહેવું છે કે તેમાં એક બીજા સાથે, વાસ્તવિક વિશ્વમાં પણ કોઈ ને કોઈ કારણથી ગાઢ રીતે સંકળાયેલા લોકો, પ્રાઇવસી જાળવીને વાતચીત કરી શકે એ વાત પર વિશેષ ફોકસ છે.
એ રીતે, વોટ્સએપ અન્ય સોશિયલ મીડિયા કરતાં ઘણી અલગ સર્વિસ છે અને કમ્યૂનિટિઝ ફીચરમાં પણ, લોકો વધુ સહેલાઈથી અને વધુ પ્રાઇવસી જાળવીને કમ્યુનિકેશન કરી શકે એ વાતની કાળજી લેવામાં આવશે.
આવાં નવાં ઉમેરાઈ રહેલાં કેટલાંક ફીચર્સ જોઈએ તો…
૧. ગ્રૂપ-કમ્યૂનિટિના એડમિનને વધુ કંટ્રોલ મળશે
હાલમાં વોટ્સએપમાં ગ્રૂપના એડમિનને હવે ખાસ્સા પાવર્સ છે. કમ્યૂનિટિમાં તે વધશે. કોઈ વ્યક્તિ નવાં ગ્રૂપ બનાવીને અથવા હાલનાં ગ્રૂપ્સને સાંકળતી કમ્યૂનિટિ બનાવી શકશે. કમ્યૂનિટિ એડમિન ધારે તે ગ્રૂપને કમ્યુનિટિમાંથી દૂર કરી શકશે. કમ્યૂનિટિ હેઠળના કોઈ પણ ગ્રૂપમાં કોઈ પણ મેમ્બર અયોગ્ય મેસેજ મૂકે, તો કમ્યૂનિટિના એડમિન તેને સૌ મેમ્બર્સ માટે ડિલીટ કરી શકશે.
૨. યૂઝરને તેમની પોતાની ચેટ્સ પર વધુ કંટ્રોલ મળશે
હાલમાં વોટ્સએપમાં આપણે નક્કી કરી શકીએ છીએ કે અન્ય કઈ વ્યક્તિ આપણને તેના ગ્રૂપમાં ઉમેરી શકે. આ જ પ્રકારની સુવિધા કમ્યૂનિટિમાં પણ મળશે. આપણી મરજી વિના કોઈ ધરાર પોતાની કમ્યૂનિટિ કે ગ્રૂપમાં ઉમેરી શકશે નહીં. યૂઝર પોતે ઇચ્છે ત્યારે તેમાંથી બહાર નીકળી શકશે. આવી રીતે આપણે બહાર નીકળીએ તો તેની અન્ય લોકોને જાણ પણ નહીં થાય.
૩. સાઇઝ, ફોરવર્ડ વગેરેની નવી મર્યાદા નક્કી થશે
વોટ્સએપની કમ્યૂનિટિ અને તેની હેઠળનાં ગ્રૂપ્સમાં બિનજરૂરી મેસેજની ભરમાર ન થાય એટલે માત્ર એડમિન સૌને મેસેજ મોકલી શકશે.
વોટ્સએપ કહે છે કે આ રીતે શરૂઆતથી હજારો યૂઝર્સને કમ્યૂનિટિ એનાઉન્સમેન્ટ મોકલી શકાશે, પણ કમ્યૂનિટિને સર્ચ કરીને તેમાં જોડાઈ શકાશે નહીં. ઉપરાંત એક મેસેજ એક સમયે માત્ર એક ગ્રૂપમાં ફોરવર્ડ કરી શકાશે.
૪. આપણી ચેટ, ફોન નંબર ખાનગી જ રહેશે
વોટ્સએપ કમ્યૂનિટિમાં પણ મેસેજિસ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહેશે. બે છેડા વચ્ચે બીજું કોઈ તે જોઈ શકશે નહીં. કમ્યૂનિટિ હેઠળના એક ગ્રૂપમાંના મેમ્બર્સની ચેટ્સ અને ફોન નંબર અન્ય ગ્રૂપમાંના મેમ્બર્સ જોઈ શકશે નહીં. ફક્ત એડમિન અને જે તે ગ્રૂપમાં સામેલ અન્ય લોકો તે જોઈ શકશે. આ કારણે અન્ય લોકોના ફોન નંબર મેળવી તેમના પર મેસેજનો મારો થઈ શકશે નહીં.
૫. વાંધાજનક કમ્યૂનિટિઝ સામે એક્શન લેવામાં આવશે
વોટ્સએપમાં એડમિનને વધુ પાવર્સ મળશે તેમ અન્ય યૂઝર્સ પણ, જે તે ગ્રૂપમાંના વાંધાજનક કન્ટેન્ટને ડાઇરેક્ટ વોટ્સએપને રિપોર્ટ કરી શકશે. કંપની કહે છે કે આવા કિસ્સામાં તે જે તે યૂઝર, એડમિન પર અથવા તો આખેઆખી કમ્યૂનિટિ પર પણ પ્રતિબંધ મૂકી શકે છે. ટેલિગ્રામ પાઇરેટેડ કન્ટેન્ટનું સ્વર્ગ બની ગઈ છે ત્યારે વોટ્સએપમાં આવા કંટ્રોલ બહુ મહત્ત્વના બનશે.
ટેલિગ્રામનાં ગ્રૂપ્સ અને ચેનલ્સ

ફીચર્સની દૃષ્ટિએ વોટ્સએપની પહેલી સરખામણી હંમેશાં ટેલિગ્રામ એપ સાથે થાય છે. વોટ્સએપમાં ‘કમ્યૂનિટિ’ ફીચરથી હવે જે સુવિધા મળશે એ ટેલિગ્રામમાં જરા જુદી રીતે પહેલેથી છે. વોટ્સએપના ગ્રૂપમાં માત્ર ૨૫૬ લોકો જોડાઈ શકે છે, જ્યારે ટેલિગ્રામના ગ્રૂપમાં બે લાખ લોકો જોડાઈ શકે છે. બ્રોડકાસ્ટિંગ ચેનલની ટેલિગ્રામમાં કોઈ લિમિટ જ નથી! તેમાં પણ ચેનલના એડમિનને ખાસ્સા પાવર્સ છે. તેમાં ૨ જીબીની લિમિટમાં ફાઇલ્સ શેર કરી શકાય છે. અલબત્ત, વધુ પડતી સિક્રસીને કારણે ટેલિગ્રામ પર પાઇરેટેડ, પોર્ન અને ટેરરિઝમ સંબંધિત કન્ટેન્ટનું શેરિંગ બહુ સહેલું બન્યું છે.
ફેસબુકમાંનાં ગ્રૂપ્સ

ફેસબુકમાં લાંબા સમયથી ગ્રૂપ્સ ક્રિએટ કરવાની સગવડ છે. ફેસબુકમાં ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેન, કોઈ સર્વિસના યૂઝર્સ, કોઈ એક શહેરમાંથી વિશ્વભરમાં વિખરાયેલા લોકો… વગેરે તેમને સૌને સાંકળતા એક વિષય પર ગ્રૂપ બનાવી એકમેકના સંપર્કમાં રહી શકે છે.
ફેસબુક ગ્રૂપ્સ ને વોટ્સએપ કમ્યૂનિટિઝમાં ફેર એટલો છે કે ફેસબુક બહુ વિશાળ પાયે અને એકમેકના સીધા સંપર્કમાં ન હોય એવા લોકોને પણ એક પ્લેટફોર્મ પર લાવે છે, જ્યારે વોટ્સએપમાં મોટા ભાગે એકબીજાને ઓળખતા લોકો પહેલાં ગ્રૂપમાં સંકળાાય છે અને છેવટે તેમની કમ્યૂનિટિ બને છે.
સ્કેલ, ડિસ્કોર્ડ વગેરે

આપણે સામાન્ય રીતે સ્લેક, ડિસ્કોર્ડ વગેરે સર્વિસને બહુ જાણતા નથી, પણ કોર્પોરેટ કંપનીઓમાં વિવિધ ટીમ ઇન્ટર્નલ કમ્યુનિકેશન માટે સ્લેક સર્વિસનો વધુ ઉપયોગ કરે છે. સ્લેકમાં કોઈ પણ પ્રોજેક્ટ, ટોપિક કે ટીમ સંબંધિત ચેનલ તૈયાર કરી શકાય છે અને તેના પર વિવિધ મેમ્બર્સ આઇડિયા, એક્શન વગેરેની આપલે કરી શકે છે. ડિસ્કોર્ડ જેવી સર્વિસ ગેમર્સમાં વધુ પોપ્યુલર છે, જેનો મલ્ટિ-પ્લેયર ગેમ રમતી વખતે એકબીજા સાથે ચેટ કરવા માટે વધુ ઉપયોગ થાય છે. સ્લેક ‘ચેનલ’ શબ્દનો ઉપયોગ કરે છે તો ડિસ્કોર્ડમાં ‘સર્વર’ તરીકે ઓળખાતા ચેટરૂમ્સ છે!

