
એક સહેલો સવાલ – તમને મૂવી કે સિરિયલ્સ ટીવીમાં જોવી ગમે છે કે ઓવર-ધ-ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ્સ પર? હવે મોટા ભાગનાં ઘરોમાં એક પરિવારના લોકો, એક ટીવી સામે બેઠા હોય ખરા, ટીવીમાં કોઈ એક પ્રોગ્રામ ચાલી રહ્યો હોય, પણ લગભગ બધા જ લોકો પોતપોતાના સ્માર્ટફોનમાં બીજું જ કંઈક જોઈ રહ્યા હોય એવું સામાન્ય થઈ ગયું છે! ટીવી બાજી હારી રહ્યું છે એ નક્કી છે. એમાંય જે ઘરોમાં સ્માર્ટ કે કનેક્ટેડ ટીવી આવી ગયાં છે તેમાં ટીવીની રોજિંદી ચેનલ્સ કરતાં, ઇન્ટરનેટ આધારિત કન્ટેન્ટ વધુ જોવયા છે. એટલે પહેલા સવાલનો જવાબ તો સહેલો છે.
હવે બીજો જરા અણિયાળો સવાલ – તમારા ફેવરિટ ઓટીટી પ્લેટફોર્મ માટે તમે પોતે સબસ્ક્રિપ્શન ભર્યું છે કે કોઈ ઓળખીતાના પાસવર્ડનો ઉપયોગ કરી રહ્યા છો?! માત્ર ભારત નહીં, સદ્ધર ગણાતા અમેરિકામાં પણ લોકો મોજથી ઓટીટીના પાસવર્ડ્સ શેર કરે છે!
તમે એકાઉન્ટ બીજા સાથે શેર કરતા હો તો બીજા લોકો પણ તમારી પ્રવૃત્તિ વિશે જાણી શકે છે. આવું થતું કંઈક અંશે રોકી શકાય.
ઓટીટી પ્લેટફોર્મ્સ આના ઉપાય કરે છે, પણ આપણે પાસવર્ડ શેર કરીએ એનો અર્થ એ પણ થયો કે જે તે ઓટીટી પર આપણે જે જોતા હોઈએ એ બીજા લોકો પણ જોઈ શકે. વૉચહિસ્ટ્રીના ફાયદા છે – તેને આધારે પ્લેટફોર્મ બીજું કન્ટેન્ટ સજેસ્ટ કરી શકે છે, અ઼ડધા છોડેલા વીડિયો, ફરી ત્યાંથી જ આગળ વધારી શકીએ છીએ.
ઇન્ટરનેટની અન્ય તમામ સર્વિસની જેમ ઓટીટી પ્લેટફોર્મ પણ આપણી દરેક પ્રવૃત્તિનો રેકોર્ડ સાચવી રાખે છે.
ઉપરાંત, હવે લગભગ બધા ઓટીટી પર અલગ અલગ પ્રોફાઇલ ક્રિએટ કરવાની સગવડ હોય છે, જેથી સૌની પોતપોતાની વૉચહિસ્ટ્રી ક્રિએટ થાય અને કંઈક અંશે પ્રાઇવસી જળવાય. પરંતુ આવી સગવડનો તમે લાભ ન લેતા હો અને જે તે પ્લેટફોર્મ કે પરિવારના અન્ય સભ્યોને તમે જોયેલા અમુક કન્ટેન્ટથી દૂર રાખવા માગતા હો તો તમારી વૉચહિસ્ટ્રી ડિલીટ કરી શકાય છે. પ્લેટફોર્મ અનુસાર આ કામ થોડું ઝંઝટવાળું બની શકે છે, અમુકમાં એપ પર આ કામ થશે જ નહીં, પણ રસ્તાઓ જાણી રાખવા સારા! અહીં મુખ્ય ત્રણ પ્લેટફોર્મની વાત કરી છે. બીજામાં લગભગ આવી જ વિધિ રહેશે.
એમેઝોન પ્રાઇમ વીડિયોમાં નજીકના સમયમાં તમે જે જે વીડિયો જોયા હોય એ તમામ ‘કન્ટીન્યૂ વૉચિંગ’ના લેબલ હેઠળ જોવા મળતા હોય છે. આમ જુઓ તો આ સારી સગવડ છે. આપણે કોઈ વેબસિરીઝ જોઈ રહ્યા હોઇએ ત્યારે વારંવાર એના એપિસોડ્સ શોધવા જવું પડતું નથી. કન્ટીન્યૂ વૉચિંગ લિસ્ટમાં એ વીડિયો પર ક્લિક કરીને જે તે સીઝનના જે એપિસોડમાં જ્યાં અટક્યા હોઇએ ત્યાંથી આગળ જોઈ શકીએ છીએ.

પરંતુ જ્યારે એક જ એકાઉન્ટનો પરિવારનો એકથી વધુ સભ્યો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે ક્યારેક એવું બને કે કન્ટીન્યૂ વૉચિંગ લિસ્ટમાં અમુક વીડિયો અન્યોને ન જોવા મળે એવું આપણે ઇચ્છીએ.
આપણને કંટાળાજનક લાગેલા વીડિયો પણ આપણે આ લિસ્ટમાંથી દૂર કરવા માગીએ. આ કામ પ્રાઇમ વીડિયોની એપમાં કરવું હોય તો તેમાં વૉચલિસ્ટમાંના એક એક વીડિયો પર જરા વધુ સમય પ્રેસ કરી, જે મેનૂ ખુલે તેમાંથી એ વીડિયોને હાઇડ કરવાનો વિકલ્પ પસંદ કરવો પડશે. પીસીમાં આ કામ થોડું વધુ સહેલું છે. પ્રાઇમ વીડિયોની સાઇટ પર લોગ-ઇન થયા પછી ‘કન્ટીન્યૂ વૉચિંગ’નું જે લિસ્ટ જોવા મળે તેમાં જમણી તરફ એડિટનો વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કર્યા પછી લિસ્ટમાંના કોઈ પણ વીડિયો તમે સહેલાઈથી ડિલીટ કરી શકશો.
એન્ટરટેઇન્મેન્ટ માટે ટીવી હવે ભૂલાવા લાગ્યું છે. લોકો પોતપોતાના ડિવાઇસમાં ઓટીટીમાં ઓતપ્રોત થવા લાગ્યા છે.
એમેઝોન પ્રાઇમમાં આપણે જે કોઈ વીડિયો જોયા હોય તેની આખી હિસ્ટ્રી ડિલીટ કરવાનું સહેલું નથી.
યાદ રહે, પ્રાઇમમાં વૉચલિસ્ટ અને વૉચહિસ્ટ્રી એ બંને અલગ અલગ બાબત છે. વૉચલિસ્ટમાં આપણે જે વીડિયો જોવા માગતા હોઇએ અને જેને વિશલિસ્ટમાં ઉમેર્યા તે જોવા મળે છે, જ્યારે વૉચહિસ્ટ્રી આપણે જોયેલા તમામ વીડિયોની યાદી બતાવે છે. એ જ રીતે, કન્ટીન્યૂ વૉચિંગ માત્ર અડધેથી છોડેલા વીડિયો બતાવે છે જ્યારે વૉચહિસ્ટ્રી ભૂતકાળમાં જોયેલા તમામ વીડિયો બતાવે છે.
પ્રાઇમ વીડિયોની એપમાં આ લિસ્ટ જોવા મળશે નહીં. વૉચહિસ્ટ્રી ડિલીટ કરવા માટે આપણે પીસીમાં પ્રાઇમ વીડિયોમાં લોગ-ઇન થવું પડશે. જમણી તરફ તમારું નામ જોવા મળે, તેનું ડ્રોપ ડાઉન મેનૂ ઓપન કરો. તેમાં એકાઉન્ટ એન્ડ સેટિંગ્સમાં જાઓ. અહીં વૉચહિસ્ટ્રીનો એક વિકલ્પ જોવા મળશે. તેને ક્લિક કરતાં તમે જોયેલા તમામ વીડિયોની યાદી જોવા મળશે. અહીંથી તમે કોઈ પણ વીડિયો વૉચહિસ્ટ્રીમાંથી દૂર કરી શકો છો.
અહીંથી ડિલીટ થયેલા વીડિયો માત્ર તમારા લિસ્ટમાંથી દૂર થાય છે. તમારા એકાઉન્ટથી અન્ય પ્રોફાઇલ ક્રિએટ કર્યા હોય તો એ દરેક પ્રોફાઈલ માટે અલગ અલગ વૉચહિસ્ટ્રીનું લિસ્ટ તૈયાર થતું હોય છે. દરેક પ્રોફાઇલ મુજબ વૉચહિસ્ટ્રી અલગ અલગ રીતે ડિલીટ કરવી પડશે.

નેટફ્લિક્સમાં આપણી વ્યૂઇંગ હિસ્ટ્રી ડિલીટ કરવાનું કામ એપ અને વેબ બ્રાઉઝર બંનેમાં થઈ શકશે.
- મોબાઇલમાં તમારા એકાઉન્ટમાં લોગ-ઇન થયા પછી એકાઉન્ટમાં ‘વ્યૂઇંગ એક્ટિવિટી’નું પેજ જોવા મળશે.
- તેમાં તમે જોયેલા વીડિયોનું લિસ્ટ જોવા મળશે.
- ચાહો તો તમામ વીડિયો એક સાથે હાઇડ કરો અથવા એક પછી એક હાઇડ કરી શકાશે.
વેબબ્રાઉઝરમાં પણ વિધિ લગભગ સરખી છે.
- નેટફ્લિક્સની સાઇટમાં લોગ-ઇન થયા પછી એકાઉન્ટ પેજમાં જાઓ.
- તેમાં પ્રોફાઇલ એન્ડ પેરેન્ટલ કન્ટ્રોલ પેજમાં જાઓ.
- અહીં પણ, તમે એક જ એકાઉન્ટ માટે જુદા જુદા પ્રોફાઇલ ક્રિએટ કર્યા હશે તો દરેક માટે અલગ અલગ વ્યૂઇંગ હિસ્ટ્રી હશે. તમારે દરેકને અલગ અલગ રીતે મેનેજ કરવી પડશે.
જે તે પ્રોફાઇલમાં વ્યૂઇંગ એક્ટિવિટીમાં ગયા પછી એક્ટિવિટી પેજ પર જે એપિસોડ કે સિરીઝ હાઇડ કરવા માગતા હો તેને સિલેક્ટ કરી શકાશે.
નેટફ્લિક્સમાં કિડ્ઝ પ્રોફાઇલ તૈયાર કરવાની સગવડ હોય છે. તેમાં બાળકોને અનુરૂપ કન્ટેન્ટ રહે તેવો પ્રયાસ કરવામાં આવે છે અને પેરેન્ટ્સ તેના પર નજર રાખી શકે છે. પેરેન્ટિંગ કન્ટ્રોલને ધ્યાનમાં રાખીને નેટફ્લિક્સમાં કિડ્ઝ પ્રોફાઇલમાંથી એક્ટિવિટી પેજમાંનાં ટાઇટલ હાઇડ કરી શકાતાં નથી.
તમારા અલગ અલગ ડિવાઇસમાંથી ટાઇટલ્સ દૂર થતાં ૨૪ કલાકનો સમય લાગી શકે છે. આ રીતે વીડિયો વ્યૂઇંગ હિસ્ટ્રીમાંથી ડિલીટ કર્યા પછી તેના આધારે આપણને અન્ય વીડિયો સૂચવવામાં આવશે નહીં. આવા વીડિયો કન્ટીન્યૂ વૉચિંગ લિસ્ટમાંથી પણ દૂર થશે.

ભારતમાં ખાસ્સા લોકપ્રિય અન્ય ઓટીટી પ્લેટફોર્મ ડિઝની+ હોટસ્ટાર એપમાં ‘કન્ટીન્યૂ વૉચિંગ’ લિસ્ટમાંના વીડિયો ડિલીટ કરવાનું કામ ઘણું સહેલું છે.
આ કામ આપણે એપમાં પણ કરી શકીએ છીએ.
- એપમાં લોગ-ઇન થયા પછી કન્ટીન્યૂ વૉચિંગ લિસ્ટમાં જમણી તરફના એરો પર ક્લિક કરો.
- હવે જે પેજ ખૂલે તેમાં આ લિસ્ટમાંના બધા વીડિયો જોવા મળશે અને ઉપરની તરફ એડિટ બટન જોવા મળશે. તેને ક્લિક કરીને આપણે અલગ અલગ વીડિયો સિલેક્ટ કરી લિસ્ટમાંથી ડિલીટ કરી શકીએ છીએ.

