(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હવે ઇ-કોમર્સમાં પણ આવી લોકશાહી: ગૃહિણીને બિઝનેસવૂમન બનાવે છે નવા સમયનું સોશિયલ ઇ-કોમર્સ

પરિવારમાં પતિની એક માત્ર આવકથી બધા ખર્ચને પહોંચી વળાતું નથી? તમે પણ પોતાની કમાણી ઊભી કરવા માગો છો? હવે જુદી જુદી ઘણી કંપની ગૃિહણીઓ અને વિદ્યાર્થીઓ કે નાના વેપારીઓ... સૌને કોઈને કોઈ પ્રકારના રોકાણ વિના ઈ-બિઝનેસમેન બનવાની તક આપી રહી છે. ચાહો તો તમે પણ આ નવા પ્રવાહમાં ઝંપલાવી શકો છો!

તમે મધ્યમ વર્ગની ગૃહિણી હો તો તમારે એક સાથે અનેક મોરચે લડવાનું હોય. પરિવારમાં પતિ એક માત્ર કમાનાર વ્યક્તિ હોય તો તેની આવકમાં પરિવારના બધા ખર્ચ નીકળે નહીં. તમારામાં આવડત હોય, પતિને સાથ આપવાની તૈયારી હોય, પણ જોઈતી તક મળતી ન હોય!

હવે તમને આવી તક મળી શકે છે – સોશિયલ ઇ-કોમર્સ સ્વરૂપે.

લોકો વડે, લોકો થકી, લોકો માટે… આ શબ્દો અત્યાર સુધી લોકશાહી માટે વપરાતા આવ્યા છે, હવે તે ઓનલાઇન વેપારધંધા એટલે કે ઇ-કોમર્સ માટે પણ વાપરી શકાય તેમ છે! ભારતમાં અંગ્રેજોની ઇસ્ટ-ઇન્ડિયા કંપની વેપાર માટે આવી, ધીમે ધીમે ભારતને ગુલામ બનાવ્યું, એની સામે સ્વતંત્રતા આંદોલન શરૂ થયું, દેશ આઝાદ થયો અને પછી પ્રજાસત્તાક બનતાં, ખરા અર્થમાં લોકોના હાથમાં સત્તા આવી… કંઈક આવું જ બધું અત્યારે ઇ-કોમર્સના ક્ષેત્રે થઈ રહ્યું છે. દેશમાં શરૂ થયેલાં કેટલાંક સ્ટાર્ટઅપ (વિદેશી રોકાણકારોની મદદથી!) જાયન્ટ ઇ-કોમર્સ પ્લેટફોર્મ ઊભાં કરી શક્યાં, પછી વિદેશી કંપનીઓ મેદાનમાં આવી અને છેવટે ફક્ત બે જ મહારથી ટક્યા, જેની કમાન વિદેશીઓના હાથમાં છે! હવે આ ‘ડ્યુઓપોલી’ સામે પણ નાનાં-મોટાં આંદોલનો શરૂ થયાં છે અને સત્તા ફરી લોકોના હાથમાં આવી રહી છે!

વિદેશોમાં સોશિયલ ઇ-કોમર્સનો ટ્રેન્ડ વર્ષોથી સેટ છે. લોકો પોતે નાની-મોટી પ્રોડક્ટ બનાવે અથવા માત્ર રીસેલ કરે, તેમને માર્કેટપ્લેસ જેવી સગવડ આપતાં નાનાં-મોટાં પ્લેટફોર્મ પણ વિકસે અને એ બધું સોશિયલ મીડિયાથી વિસ્તરતું જાય.

ભારતમાં અત્યાર સુધી ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા ઘણે અંશે અલગ હતાં, પણ હવે ભેળસેળ થવા લાગી છે. ઓનલાઇન પેમેન્ટ સહેલું બન્યા પછી ઓનલાઇન બિઝનેસ શરૂ કરવો પણ સહેલો બન્યો છે.

હવે ભારતમાં એવાં કેટલાંય પ્લેટફોર્મ વિકસ્યાં છે, જેની મદદથી માત્ર પાર્ટટાઇમ કામ કરવા ઇચ્છતી ગૃહિણીથી લઈ, પહેલેથી નાનો-મોટો બિઝનેસ કરતા લોકો તેમની પોતાની પ્રોડક્ટ્સ વેચીને અથવા બીજાની પ્રોડક્ટ્સ માત્ર રીસેલ કરીને કમાણી કરી શકે છે. એ રીતે ભારતમાં સોશિયલ ઇ-કોમર્સનો એક નવો જ યુગ શરૂ થયો છે.

કોઈ રોકાણ વિના, લગભગ કોઈ જોખમ વિના, બિલકુલ પોતાની ફુરસદે કરી શકાતા બિઝનેસના આ નવા પ્રકાર વિશે થોડું ઊંડાણથી જાણીએ.

અત્યાર સુધી આપણા દેશમાં ઇ-કોમર્સ અને સોશિયલ મીડિયા માર્કેટિંગની બોલબાલા રહી છે. તમે ચાહો તો સેલર તરીકે વિવિધ ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સમાં જોડાઈ શકો અને તમારી પોતાની પ્રોડક્ટ્સ કસ્ટમર્સને વેચી શકો. અથવા, તમારો બિઝનેસ ઘણું ખરું ઓફલાઇન હોય અને તમે તેનું પ્રમોશન સોશિયલ મીડિયા પર કરી, કસ્ટમર્સને તમારા સ્ટોર કે વેબસાઇટ પર ખેંચી લાવવાની કોશિશ કરો.

આ બધાની વચ્ચે ‘એફિલિએટ માર્કેટિંગ’ પણ કમાણીનો એક નવો રસ્તો ઊભો કરે છે. તેમાં, તમારી પોતાની કોઈ પ્રોડક્ટ ન હોય, માત્ર લોકપ્રિય વેબસાઇટ કે બ્લોગ હોય. તમે તેના પર લોકોને રસ પડે તેવું કન્ટેન્ટ મૂકતા રહો, તેમાં વચ્ચે વચ્ચે વિવિધ પ્રોડક્ટ ખરીદવાની લિંક હોય, લોકો તેના પર ક્લિક કરીને ઈ-કોમર્સ સાઇટ પર પહોંચે. ત્યાંથી તરત અથવા અમુક નિશ્ચિત દિવસમાં તેઓ ખરીદી કરે તો તેનું કમિશન, એ ગ્રાહક જેના બ્લોગની લિંક પરથી આવ્યો હોય તેને એટલે કે તમને મળે. ‘ઇન્ફ્લુઅન્સર્સ માર્કેટિંગ’ પણ કંઈક આ જ પ્રકારે લોકોને કમાણી કરાવી શકે છે.

આ બધી રીતમાં તમારી પાસે વેચવા જેવું કંઈક હોવું જોઈએ – પોતાની પ્રોડક્ટ કે લોકોને ગમે તેવું કન્ટેન્ટ. સોશિયલ કોમર્સથી વાતમાં નવો એંગલ ઉમેરાયો છે. હવે પોતાની પ્રોડક્ટ હોવી જરૂરી નથી. પોતાનો કોઈ લોકપ્રિય બ્લોગ, સાઇટ કે વીડિયો ચેનલ હોવી પણ જરૂરી નથી. તમે સોશિયલ મીડિયા પર ‘સ્ટાર’ હો  એવું પણ જરૂરી નથી.

તમારે માત્ર રીસેલિંગની સગવડ આપતી એક કે વિવિધ સાઇટ પર એકાઉન્ટ ખોલાવવાનું. વોટ્સએપ, ફેસબુક વગેરે પર તમારા ‘સ્ટોર’નું ગ્રૂપ બનાવવાનું. પછી પેલી સાઇટની પ્રોડક્ટ્સ બ્રાઉઝ કરતા રહેવાનું, તેની ઇમેજ, લિંક્સ વગેરે પોતાના વોટ્સએપ ગ્રૂપમાં શેર કરતા રહેવાનું. તમારા ઓળખીતા-પાળખીતાને  એ ગમે તો તમારે પોતાનો માર્જિન ઉમેરી કિંમત કહેવાની, તેમના વતી ઓર્ડર મૂકવાનો. પેલી સાઇટ ઓર્ડરની ડિલિવરી કરે, કસ્ટમર પાસેથી પેમેન્ટ મેળવે અને પોતાની કિંમત, ડિલિવરી ચાર્જ કાપી, તમારો માર્જિન તમને ચૂકવે! એક રીતે જુઓ તો વિવિધ પ્રોડક્ટના ડાઇરેક્ટ સેલિંગ જેવી જ વાત છે, માત્ર સોશિયલ મીડિયાને કારણે આખી પ્રોસેસ ઘણી સહેલી બની જાય છે.

ચાર સ્ટેપમાં સમાઈ જાય છે સોશિયલ ઇ-કોમર્સનો કન્સેપ્ટ

બ્રાઉઝર કરો : રીસેલિંગ સાઇટમાં એકાઉન્ટ ખોલાવો, તેમાં વિવિધ પ્રોડક્ટ્સ તપાસતા રહો. તમારા ગ્રૂપ્સમાં વેચાઈ શકે તેવી કોઈ એક ચોક્કસ કેટેગરી નક્કી કરી લેશો તો સારું રહેશે.

શેર કરો : વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરેમાં તમારા કોન્ટેક્ટ્સને પ્રોડક્ટ્સની ઇમેજ નિયમિત મોકલો. સાઇટ પરની કિંમત, ડિલિવરી ચાર્જ વત્તા પોતાનો માર્જિન ઉમેરી કિંમત જણાવો.

ઓર્ડર મેળવો : તમારા કોન્ટેક્ટ ઓર્ડર આપે તો તેમના વતી, પેલી સાઇટ પર ઓર્ડર આપો. ચાહો તો સાઇટની કિંમત+ડિલિવરી ચાર્જ પે કરો અથવા કેશ-ઓન-ડિલિવરી (સીઓડી)નો વિકલ્પ પસંદ કરો.

માર્જિન મેળવો : સાઇટ તમારા વતી ડિલિવરી કરશે. તમે પેમેન્ટ કર્યું હોય તો, માર્જિન સહિત બધી કિંમત કસ્ટમર પાસેથી મેળવો. સીઓડી ઓર્ડર હશે તો સાઇટ તમને માર્જિન ચૂકવશે.

સોશિયલ ઇ-કોમર્સના ચાર ખાસ ફાયદા છે

ઝીરો ઇન્વેસ્ટમેન્ટ : શરૂઆતમાં, આ સાઇડ ઇન્કમ માટેનો બિઝનેસ છે. તમારે કોઈ પ્રોડક્ટ બનાવવાની નથી. સ્ટોર, વેબસાઇટ વગેરે કશું જ નહીં જોઈએ. ઓર્ડર, પેમેન્ટ, માર્જિન એવો રોકડિયો વિકલ્પ છે!

રેડી પ્લેટફોર્મ : ઇ-કોમર્સ સાઇટ્સની જેમ રીસેલિંગ સાઇટ્સ તમારા વતી ડિલિવરી અને પેમેન્ટ લે છે. તમારે કોઈ વસ્તુ ખરીદવાની પણ નથી, ફક્ત ઓર્ડર મુજબ રીસેલ કરવાની છે.

રેડી કોન્ટેક્ટ્સ : તમારાં સોશિયલ ગ્રૂપ્સનો જ ઉપયોગ કરવાનો છે. કસ્ટમર્સ શોધવા જવાનું નથી. પોતાના ઓળખીતા-સંબંધીઓથી શરૂઆત કરી શકાય (સ્વજનો પાસેથી માર્જિન લેવો પડશે!).

ઇઝી પેમેન્ટ : સીઓડીનો વિકલ્પ હોવાથી, તમારે પોતે કસ્ટમર પાસેથી રકમ લેવાનું ટેન્શન રહેતું નથી. એ રકમ ચૂકવે પછી તમને તમારો માર્જિન મળશે (ઘણી સાઇટ બોનસ પણ આપે છે).

ભારતમાં રીસેલિંગની તક આપતાં ઘણાં પ્લેટફોર્મ્સ વિકસી રહ્યાં છે. દરેકે કોઈ ને કોઈ ખાસિયત વિક્સાવવાની કોશિશ કરી છે. તમે આવી એપ્સ તપાસી જુઓ, અન્ય રીસેલર્સના રીવ્યૂ વાંચો, પછી યોગ્ય લાગે તેમાં આગળ વધી જુઓ.

મીશો

www.meesho.com

ભારતમાં સોશિયલ રીસેલિંગને પોપ્યુલર બનાવવામાં મીશોનો સિંહફાળો છે. મીશોએ અનેક ગૃહિણીની આંખોમાં ‘સારી એવી સાઇડ ઇન્કમ’ ઊભી કરવાનાં સપનાં આંજ્યાં છે. જોકે મીશો પરથી લોકો ડાઇરેક્ટ ખરીદી પણ કરી શકે છે અને હવે મીશોનું બધું ધ્યાન ફ્લિપકાર્ટ/એમેઝોન સાથે હરીફાઇ કરવા પર છે. ‘ઘરમાંથી કોઈએ ઓર્ડર કર્યો હશે’ એમ માની લોકો બેધ્યાનપણે પેમેન્ટ કરી દે એવી આશાએ મીશોના ઘણા રીસેલર્સ તદ્દન ખોટા સીઓડી ઓર્ડર્સ મૂકતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.

સોશિયલ ઇ-કોમર્સમાં તમારામાં કોઈ ચોક્કસ આવડત હોવી જરૂરી નથી. એટલે આ ક્ષેત્રમાં હરીફાઈ પણ બહુ છે.

શોપ 101

www.shop101.com

મીશોની જેમ આ કંપની પણ વર્ષ ૨૦૧૫માં લોન્ચ થઈ, પણ મીશો કરતાં થોડા મહિના પહેલાં. નામ મીશો જેટલું ગાજતું નથી, છતાં, સાઇટના દાવા મુજબ ૯૦ લાખ લોકો તેના રીસેલર તરીકે કામ કરે છે. તમે આ સાઇટની મદદથી રીસેલિંગ કરો તો ઓર્ડરની ડિલિવરી અને રીટર્નનો પીરિયડ પૂરો થઈ ગયો હોય તેવા દરેક પેમેન્ટ માટે દર શુક્રવારે તમને માર્જિન ચૂકવવામાં આવે છે. આ કંપની હવે, ગૂગલનું પીઠબળ ધરાવતી ગ્લાન્સ નામની બીજી એક મોટી કંપનીએ હસ્તગત કરી લીધી છે.

ઘણાં પ્લેટફોર્મ સોશિયલ ઈ-કોમર્સથી શરૂઆત કરે છે અને પછી પોતે જ ડાઇરેક્ટ સેલિંગ પર ભાર આપવા લાગે છે.

શોપ્સી

www.shopsy.in

કૂર્તી, ડ્રેસ મટિરિયલ વગેરેથી શરૂઆત કરી, અનેક ગૃહિણીને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને મીશોએ એવી ઝડપી પ્રગતિ કરી કે ફ્લિપકાર્ટને તેની અસર વર્તાવા લાગી. ફ્લિપકાર્ટે હવે મીશોનો સામનો કરવા એ જ પ્રકારની એપ ‘શોપ્સી’ નામે લોન્ચ કરી છે. પ્રોડક્ટ અને બિઝનેસ મોડેલ બધું જ મીશો જેવું જ છે. અહીં પણ તમે ઇચ્છો તો ડાઇરેક્ટ ખરીદી કરી શકો અથવા બીજાના નામે ઓર્ડર મૂકી પોતે માર્જિન કમાઈ શકો છો. ફ્લિપકાર્ટને તેના વર્ષોના અનુભવ અને સ્કેલની મદદ મળવાની આશા છે.

રીસેલિંગ પ્લેટફોર્મ તમારા વતી બિઝનેસની બધી જ ઝંઝટ સંભાળે છે અને તેનો ચાર્જ લે છે.

ગ્લોરોડ

www.glowroad.com

મેડિકલની ડિગ્રી પછી ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરતાં ડૉ. સોનલે બે બાળકોની સંભાળ માટે ફુલ ટાઇમ મેડિકલ કરિયરમાં બ્રેક લીધો. એ સમયમાં, ૨૦૧૭માં એમણે આ કંપની સ્થાપી. તેમાં અત્યારે ૬૦ લાખ જેટલા લોકો રીસેલર તરીકે કામ કરે છે. કંપનીના દાવા મુજબ, રીસેલર દ્વારા વેચાતી વસ્તુની ઓરિજિનલ પ્રાઇસ અને સોર્સ કસ્ટમરને ખબર ન પડે તેની કંપની ખાસ કાળજી લે છે. આ કંપની રીસેલરને પર્સનલ સ્ટોર ફ્રન્ટ પણ પૂરો પાડે છે, જેને રીસેલર સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી શકે છે.

ઘણા રીસેલર્સ તદ્દન ખોટા કેશ-ઓન-ડિલિવરી ઓર્ડર મૂકતા હોવાથી સોશિયલ ઇ-કોમર્સની છાપ ખરડાઈ છે.


તમારો અનુભવ સૌને જણાવો!

તમે અહીં જણાવેલ કે બીજા કોઈ સોશિયલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર રીસેલર તરીકે નાનો મોટો બિઝનેસ શરૂ કર્યો છે? અથવા તમે નજીકના પરિચિત પાસેથી આ રીતે જુદી જુદી ચીજવસ્તુઓ મંગાવો છો? તમારો અનુભવ કેવો રહ્યો? બીજા લોકોને પણ લાભ થાય એવી કોઈ વાત તમે શેર કરી શકો છો? તો અમને લખો…

editor@duplics.cybersafar.in

રીસેલિંગ પ્લેટફોર્મ તરીકે વિકસી રહેલી ઘણી સાઇટ્સ મહિને રૂ. ૨૫,૦૦૦થી એક લાખ રૂપિયા સુધીની કમાણીની તક બતાવે છે, પણ સૌ માટે આ પ્રકારના બિઝનેસમાંથી આટલી કમાણી કરવી સહેલી નથી.

મૂળ પ્રોસેસ બહુ સહેલી છે એટલે જ કમાણી સહેલી નથી. ઇમેજિસ શેર કરવામાં કોઈ ખાસ આવડતની જરૂર નથી એટલે સૌ કોઈ આ પ્રકારના રીસેલિંગમાં ઝંપલાવવા લાગ્યા છે. તમને પોતાને તમારા જ ઓળખીતાઓ તરફથી આ પ્રકારનાં ગ્રૂપમાં, વિવિધ પ્રોડક્ટ્સની ઓફર આવતી રહેતી હશે.

બીજી, વધુ મોટી હરીફાઇ રીસેલિંગ પ્લેટફોર્મ તરફથી જ છે! તમે કોઈ ઓળખીતા રીસેલર પાસેથી એક કૂર્તી કે ડ્રેસ એક હજાર રૂપિયામાં ખરીદો, એ જ વસ્તુ કોઈ પ્લેટફોર્મ પર છસો કે આઠસો રૂપિયામાં વેચાતી દેખાય, તો તમે પેલા રીસેલર પાસેથી બીજી વાર ખરીદી કરશો?

રીસેલર કયા પ્લેટફોર્મ/સાઇટ પરથી ખરીદી કરીને આપણને વસ્તુ મોકલે છે એ આપણે જાણી શકતા નથી. અમુક પ્લેટફોર્મ માત્ર રીસેલર્સ માટે જ હોય છે, તેના પરથી ડાઇરેક્ટ, છૂટક ખરીદી કરી શકાતી નથી.

પરંતુ મીશો જેવાં અમુક પ્લેટફોર્મ હવે બહુ જાણીતાં બન્યાં છે અને લોકો તેના પર જઈને વસ્તુ અને તેની મૂળ કિંમત તપાસી શકે છે અને રીસેલર કરતાં ઓછી કિંમતે ખરીદી પણ શકે છે. આ રીતે કદાચ ચોક્કસ ડિઝાઇન કે પેટર્ન ન મળે, પણ આ પ્રકારે ખરીદી કરતા વર્ગ માટે ચોઇસ કરતાં કિંમત વધુ મહત્ત્વની હોય છે. હાલનાં મોટાં ઇ-કોમર્સ પ્લેટફોર્મ ‘સગવડ’ના જોરે લડે છે જ્યારે રીસેલિંગ પ્લેટફોર્મ ‘સસ્તી કિંમત’ના જોરે.

દરેક સોશિયલ ઇ-કોમર્સ પ્લેટફોર્મ મહિને ઓછામાં ઓછા પચીસ હજાર રૂપિયાની સાઇડ ઇન્કમનું સપનું બતાવે છે, પણ…

રીસેલિંગ પ્લેટફોર્મ્સ, પહેલાં રીસેલર-ગૃહિણીઓ-નાના વેપારીઓના પ્લેટફોર્મ તરીકે શરૂઆત કરે છે અને પછી પોતે જ મોટા ઇ-કોમર્સ પ્લેટફોર્મ બનીને ડાઇરેક્ટ સેલિંગ પર વધુ ધ્યાન આપે છે.

જાણીતી સાઇટ્સની અગાઉની ટીવી જાહેરાતો અને અને અત્યારની જાહેરાતો જોશો તો તેમનું બદલાયેલું વલણ તરત પરખાઈ આવશે. જેમ કે મીશો, શોપ્સી વગેરેએ પહેલાં રીસેલિંગ પર ફોકસ કર્યું પણ હવે ડાઇરેક્ટ સેલિંગમાં તેને વધુ રસ છે. બીજી તરફ, જે પ્લેટફોર્મ માત્ર રીસેલિંગ પ્લેટફોર્મ હોય, જેના પર ડાઇરેક્ટ ખરીદી ન કરી શકાય તેમાં ઓર્ડર રીટર્ન થાય કે પ્રોડક્ટ એક્સચેન્જ કરવાની થાય ત્યારે પ્લેટફોર્મ તરફથી સારી સર્વિસ ન મળે તો એ ઝંઝટ તમારે માટે માથાનો દુઃખાવો બની શકે છે.

આ બધું ધ્યાનમાં રાખીને બહુ મોટી આશા રાખ્યા વિના, પ્રમાણમાં ઓછો માર્જિન રાખીને રીસેલિંગ કરશો તો વધતા અનુભવ સાથે સાઇડ ઇન્કમ ઊભી કરી શકાશે, મહેનત તો આમાં પણ છે!

આ રીતે રીસેલિંગ પ્લેટફોર્મ પર કોઈ પ્રો઼ડક્ટ, સ્ટોર કે ઇન્વેસ્ટમેન્ટ વિના શરૂઆત કર્યા પછી, આત્મવિશ્વાસ વધે, કમાણી વધે તો તમે બિઝનેસને વધુ સારી રીતે વિસ્તારવા પર ધ્યાન આપી શકો છો.

રીસેલિંગ પ્લેટફોર્મનો મોટો એડવાન્ટેજ એ છે કે તેમાં આપણે માટે પ્રોડક્ટની વિશાળ રેન્જ બિલકુલ તૈયાર મળી જાય છે. ઉપરાંત ઓર્ડર પ્લેસમેન્ટ, ડિલિવરી, પેમેન્ટ, રીટર્ન કે એક્સચેન્જ વગેરે ઝંઝટ પણ આપણા વતી પેલું પ્લેટફોર્મ સંભાળે છે. આ બધાની એ કિંમત પણ વસૂલે છે. એટલે જો કોઈ એક ચોક્કસ કેટેગરીમાં તમારી ફાવટ આવી જાય, મોટા પ્રમાણમાં તમને ઓર્ડર્સ મળવા લાગે અને તમે પ્લેટફોર્મને બદલે સપ્લાયર પાસેથી ડાઇરેક્ટ ચીજવસ્તુઓ મેળવી શકો તો પોતાનો ઇ-સ્ટોર ઊભો કરી શકો છો. વિવિધ સાઇટ્સ પર ઇ-સ્ટોર તૈયાર કરવાનું કામ હવે બહુ સહેલું બની ગયું છે.

એ ઉપરાંત, ફેસબુક પરનું શોપિંગ ફીચર પણ હવે ભારતમાં આવી ગયું છે. તમારું બિઝનેસ પેજ હોય તો આ સુવિધા તમને મળવા લાગી હશે કે ટૂંક સમયમાં મળી શકશે. ઇન્સ્ટાગ્રામ પર પણ આ જ પ્રકારની સુવિધાઓ મળે છે. વોટ્સએપની બિઝનેસ એપ પર પણ તમે કેટેલોગ બનાવીને સેલિંગ કરી શકો છો. ગૂગલ પેની બિઝનેસ એપમાં પણ એ જ પ્રકારે ‘માય શોપ’ ઊભી કરવાની સગવડ આવી રહી છે.

આ બધી સર્વિસ પર તમે ખાસ્સા એક્ટિવ હો તો જેમ રીસેલિંગમાં તેનો લાભ લઈ શકો છો એ જ રીતે ડાઇરેક્ટ સેલિંગ પણ આગળ વધી શકો છો.

અલબત્ત આ રીતમાં પ્રોડક્ટ ઇન્વેન્ટરી, પ્રમોશન અને માર્કેટિંગ, ઓર્ડર મેનેજમેન્ટ, ડિલિવરી, રીટર્ન અને એક્સચેન્જ, એકાઉન્ટિંગ વગેરે બધું જ તમારે જાતે જ સંભાળવાનું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!