દરિયા કિનારે કે કોઈ જાણીતા મોન્યુમેન્ટ પાસે કે ફેમિલી ઇવેન્ટ દરમિયાન આપણે નિકટની વ્યક્તિઓનો ફોટોગ્રાફ લઇએ ત્યારે ઘણી વાર એવું બનતું હોય છે કે એ ફોટામાં કોઈક ખૂણે અજાણી વ્યક્તિઓ કે વણજોઇતી બાબતો પણ કેપ્ચર થઇ જાય. એ ફોટોગ્રાફ જોતાવેંત આપણને મનમાં થાય કે આ બધું વધારાનું ન હોત તો ફોટોગ્રાફ હજી વધુ અફલાતૂન હોત (જાહેર સ્થળોએ ઘણા લોકોને બીજાના ફોટોગ્રાફ્સમાં ધરાર ઘૂસવાની આદત હોય છે, આવી આદતને ‘ફોટોબોમ્બિંગ’ કહે છે).
તમારી પાસે ફોટોશોપ કે જિમ્પ કે અન્ય કોઈ સારો ફોટો એડિટિંગ પ્રોગ્રામ હોય અને તમે થોડું ઘણું ફોટો એડિટિંગ જાણતા હો તો પેલા ફોટોગ્રાફમાંથી વણજોઇતી બાબતો દૂર કરવાનું કામ જાતે કરી શકો. ગૂગલની ‘સ્નેપસીડ (Snapseed)’ નામની એપમાં પણ આવી સગવડ છે (સ્માર્ટફોનમાં જ પ્રોફેશનલ જેવું ફોટો એડિટિંગ કરવું હોય તો આ એપ ઇન્સ્ટોલ કરવા જેવી છે. આ એપમાં ફોટો એડિટિંગનાં ખાસ્સાં ટૂલ્સ મળશે. ‘સાયબરસફર’માં અગાઉ એનો વિગતવાર પરિચય મેળવ્યો છે).
પરંતુ પહેલી વાત એ કે આપણી પાસે આવું કોઈ સારું, પાવરફૂલ એડિટિંગ ટૂલ હોવું જોઇએ. બીજી વાત એ કે આપણને તેમાં એડિટિંગ કરતા આવડવું જોઇએ!

હવે આ બંને જરૂરી નહીં રહે. ગૂગલે લોન્ચ કરેલા નવા પિક્સેલ સિક્સ સ્માર્ટફોનમાં ગૂગલ ફોટોઝ એપમાં ‘મેજિક ઇરેઝર’ નામનું એક ફીચર ઉમેરાયું છે. આ ફીચરને કારણે જ્યારે તમારા કોઈ સરસ ફોટોગ્રાફમાં બેકગ્રાઉન્ડમાં અન્ય લોકો કે વીજળીના તાર કે થાંભલા જેવું કંઈ દેખાય તો તેને બે ત્રણ ક્લિકથી સહેલાઈથી દૂર કરી શકાય છે.
આ ફીચરનું સ્માર્ટ પાસું એ છે કે તે પોતે સામે ચાલીને કોઈ ફોટોગ્રાફ બતાવશે અને સૂચવશે કે અમુક બાબતો દૂર કરવા જેવી છે. આપણે એ બધી બાબતો એક સાથે દૂર કરી શકીએ અથવા એક પછી એક દૂર કરી શકીએ છીએ.
જે બાબતો દૂર કરવી હોય તેના પર આંગળીથી આપણે સર્કલ દોરી શકીએ અથવા બ્રશની જેમ એ બાબતો સિલેક્ટ કરી શકીએ. મેજિક ઇરેઝર ‘સમજી’ લેશે કે તમારે શું દૂર કરવું છે. આપણે બહુ ચોકસાઈપૂર્વક કશું સિલેક્ટ કરવાની જરૂર નથી, આ સમજદારને ઇશારો કાફી છે.
હજી વધુ મજાની બાબત એ છે કે મેજિક ઇરેઝર એ વણજોઇતી બાબતો ભૂંસી નાંખીને તેની આસપાસ ફોટોગ્રાફમાં જે ડિટેઇલ્સ હોય તેની કોપી કરીને ફોટોગ્રાફ ફરી કમ્પ્લીટ કરી દે છે!
ફીચર મજાનું અને કામનું છે, પણ અત્યારે તે માત્ર ગૂગલના પિકસેલ સિક્સ ફોનમાંની ફોનમાંની ગૂગલ ફોટોઝ એપમાં જોવા મળશે.
અલબત્ત ગૂગલની પરંપર રહી છે તેમ થોડા સમયમાં તે અન્ય ફોનમાં પણ પહોંચે તો નવાઈ નહીં.
જોકે એ વાત પણ ધ્યાને લેવી રહી કે ગૂગલે હવે ફોટોઝ એપમાં અમુક ફીચર્સ માત્ર પેઇડ યૂઝર્સને આપવાનું શરૂ કર્યું છે.
આ જ પ્રકારની ફ્રી સર્વિસ પણ ટ્રાય કરો
ગૂગલે આ મજાની સર્વિસ મોંઘા સ્માર્ટફોનમાં આપી, પણ એના જેવી જ સગવડ આપતી બીજી કેટલીક સર્વિસ પણ છે. ગૂગલ ફોટોઝમાં બધું લગભગ ઓટોમેટિક થાય છે, જ્યારે અહીં જેની વાત કરવી છે તે સર્વિસમાં આપણે માઉસ કે આંગળીને થોડી કસરત કરાવવી પડશે. તમે લીધેલા ફોટોગ્રાફ્સમાં વણજોઈતા લોકો કે બીજા ઓબ્જેક્ટ આવી ગયા હોય અને તેને દૂર કરવા માગતા હો તો તમારે માટે કામની સર્વિસ છે https://cleanup.pictures/.
આ એક ફ્રી વેબ એપ્લિકેશન છે. તેનો લાભ લેવા પીસી/ફોનમાં બ્રાઉઝરમાં આ વેબસાઇટ પર જતાં, તેમાં ફોટોગ્રાફ અપલોડ કરી શકો છો. એ પછી આંગળી કે માઉસના ઇશારે ફોટોગ્રાફનો જે ભાગ ન જોઇતો હોય તે સિલેક્ટ કરવાનો રહે છે. કામમાં ચોક્સાઈ લાવવા બ્રશની સાઇઝ નાની મોટી કરી શકીએ છીએ.
ન જોઇતો ભાગ બ્રશથી સિલેક્ટ કરીએ એ સાથે આ સર્વિસ તે ભાગ સચોટ રીતે દૂર કરે છે અને ઇમેજના બાકીના ભાગથી ખાલી જગ્યા એવી રીતે પૂરે છે કે અગાઉ ત્યાં કંઈ હતું એવો અણસાર સુદ્ધાં આવતો નથી. સર્વિસના ડેવલપરે ‘સાયબરસફર’ સાથે કરેલી સ્પષ્ટતા અનુસાર આપણે અપલોડ કરેલા ફોટોગ્રાફ ફરી ડાઉનલોડ કરીએ એ પછી તરત ડિલીટ કરવામાં આવે છે.

(૧) ઉપરની ઓરિજિનલ તસવીરમાં પંખી જ મેઇન ઓબ્જેક્ટ છે, પણ ઉદાહરણ ખાતર તેને દૂર કરવું છે એમ માનીએ.

(૨) સર્વિસમાં ઇમેજ અપલોડ કરી, પંખીને આંગળી કે બ્રશથી સિલેક્ટ કરો.

(૩) ઝીણી નજરે જોતાં ખ્યાલ આવશે કે ડાળી પર પગ રહી ગયા! બ્રશની સાઇઝ ઘડાટી, એ પણ સિલેક્ટ કરો.

(૪) ઇમેજમાંથી પંખી પૂરેપૂરું ગાયબ થઈ જાય છે!


