
માર્ચ એટલે રંગોનો મહિનો! રંગ તો જીવનમાં રંગ અને ઉમંગ છે! આપણી આસપાસ, ચારે તરફ પાર વગરના રંગો પથરાયેલા છે, પણ જેવું આપણા સંબંધોનું છે એવું જ રંગોનું પણ છે – જે બહુ નજીક હોય એની હાજરીને આપણે એવી ટેકન ફોર ગ્રાન્ટેડ ગણીએ કે એ નહીં હોય ત્યારે શું થશે એનો વિચાર પણ નથી આવતો. એટલે જ કુદરત ન કરે, પણ આપણી આંખોમાં અકાળે અંધારાં ઊતરે એવો સમય આવે તે પહેલાં, માર્ચ મહિનામાં ધૂળેટીને નિમિત્ત બનાવીને રંગોનો મહિમા ગાઈ લેવા જેવો છે!
મૂવીમેકર્સ રંગોનો અફલાતૂન ઉપયોગ કરી જાણતા હોય છે. ‘ગાંધી’ ફિલ્મમાં સ્ક્રીન પર સેપિયા ટોન છવાયેલો રહે, રામગોપાલ વર્માની ‘સરકાર’ ફિલ્મમાં દરેક ફ્રેમમાં ડલ, ડાર્ક થીમનું રાજ રહે, તો રોહિત શેટ્ટીની ગોવા બેઝ્ડ ‘ગોલમાલ-૩’ જેવી મૂવીમાં પોપટી પેન્ટથી લઈને રસ્તા પરની લારીનાં પાટિયાં અને વાહનોમાં પણ તડકભડક રંગોનું તોફાન જામે! સ્ટીલ ફોટોગ્રાફીમાં આપણો અનુભવ છે કે તેમાં રંગોનો અભાવ ને રંગોનો પ્રભાવ બંનેની આગવી અસર, મજા અને ઉપયોગ છે. આ બધું આપણે સ્પષ્ટપણે નોંધીએ નહીં તો પણ એની આપણા પર અસર ચોક્કસ થાય.
આ લેખ પ્રિન્ટ મેગેઝિનમાં બેરંગ દેખાય, પણ ડિજિટલ વર્ઝનમાં એની મજા ખરેખર રંગીન છે!
આપણા વિષય ટેક્નોલોજીમાં, સાવ પાયાના સ્તરની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ વાયરના નોમેનક્લેચર (વિવિધ, પણ એકમેક સાથે સંકળાયેલી બાબતોને એક ચોક્કસ, નિશ્ચિત પેટર્નથી ઓળખ આપવાની પદ્ધતિ)માં રંગો ગૂંથાયેલા છે. આપણા દેશમાં લાઇવ વાયર લાલ, અર્થિંગ માટેનો વાયર લીલો અને ન્યૂટ્રલ વાયર હંમેશા કાળો હોય!
આપણને કોઈ વેબસાઇટ્સ વારંવાર જોવાનું મન થાય તો એમાં તેના કન્ટેન્ટ ઉપરાંત વેબસાઇટ્સની કલરસ્કીમ અને ડિઝાઇનનો પણ ફાળો હોઈ શકે છે. ગૂગલે હજી હમણાં સુધી ભરપૂર વ્હાઇટ સ્પેસમાં જુદા જુદા મૂળભૂત રંગોનો મસ્ત ઉપયોગ કર્યો હતો. હવે તેના રીડિઝાઇન થયેલા રંગોમાં લાલ, બ્લુ ને લીલા રંગ પર વધુ ભારથી પહેલા જેવી મજા નથી એવો પણ ઘણાનો અભિપ્રાય છે.
અહીં આપણે પર્સનલ ટેકનોલોજી પર ફોકસ કરીને એમાં રંગોની રંગબેરંગી વાતો જાણીએ. રંગો ફક્ત મજાની વાત નથી, એનાથી વર્ક એફિશિયન્સી પણ વધી શકે છે!
તમે તમારા લેપટોપમાં, ફેવરિટ બ્રાઉઝરમાં કામકાજ અને અંગત જિંદગી માટે અલગ અલગ પ્રોફાઇલનો ઉપયોગ કરો છો? તો તમે બંને પ્રોફાઇલ માટે અલગ અલગ કલરની થીમ પસંદ કરી શકો છો.
પહેલી નજરે જ તમે ક્યા પ્રોફાઇલનો ઉપયોગ કરી રહ્યા છો તે સ્પષ્ટ થઈ જશે! બ્રાઉઝરમાં અલગ અલગ પ્રોફાઇલ તૈયાર કરવાનો ફાયદો એ કે તમે એક સમયે બે અલગ અલગ બ્રાઉઝર વિન્ડોમાં બે અલગ અલગ ગૂગલ એકાઉન્ટથી સાઇન-ઇન થઈ શકો છો.

બંને પ્રોફાઇલમાં તમારી જરૂરિયાત અનુસાર જુદાં જુદાં એડ-ઓન્સ ઉમેરીને બ્રાઉઝરને કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારા પ્રોફાઇલ અનુસાર બુકમાર્કસ, પાસવર્ડ વગેરે સિન્ક્ડ રાખી શકો છો.
તમે પીસી/લેપટોપમાં ક્રોમમાં સાઇન-ઇન હો ત્યારે ક્રોમ વેબસ્ટોર (chrome.google.com/webstore/)માં જાઓ અને તેમાં ડાબી પેનલમાં થીમ પસંદ કરી, વિવિધ ડિઝાઇનરે બનાવેલ થીમ્સ તપાસી જુઓ.
કેટેગેરીમાં ‘પબ્લિશ્ડ બાય ગૂગલ’ પણ પસંદ કરી શકાય.
જુદી જુદી ઈમેજ ઉપરાંત માત્ર કલરથી અલગ તરી આવતી થીમ્સ પસંદ કરી શકાશે. કોઈ પણ થીમ પસંદ કરતાં, તમે જે પ્રોફાઇલમાં સાઇન-ઇન થશો તેમાં એ કલર થીમ જળવાશે અને મથાળાનો ભાગ રંગથી અલગ તરી આવશે.
એકથી વધુ પ્રોફાઇલમાં કામ કરતી વખતે આ પ્રકારનો કલર ડિફરન્સ ચોક્કસ કામનો છે!
ગૂગલના સહસ્થાપક લેરી પેજે ૧૯૯૭માં, ફોટોશોપ જેવા ફ્રી ‘જિમ્પ’ પ્રોગ્રામમાં ગૂગલનો પ્રાથમિક લોગો બનાવ્યો. ૧૯૯૮માં તેને ફોર્મલ સ્વરૂપ મળ્યું, પછી ફોન્ટ સિવાય મોટા ફેરફાર થયા નથી.

લોગો માટે કેટલાય રંગોના વિકલ્પો અજમાવ્યા પછી લાલ-પીળો-વાદળી (બ્લુ) એ મૂળ રંગો પસંદ કરવામાં આવ્યા. તેમાં પહેલા ત્રણ અક્ષરમાં બ્લુ, રેડ અને યલોની પેટર્ન બાકીના અક્ષરમાં રીપીટ કરવાને બદલે, એલ માટે સેકન્ડરી ગ્રીન કલર પસંદ કરવામાં આવ્યો. કેમ? આ લોગોના ગ્રાફિક ડિઝાઇરના મતે ‘‘ગૂગલ હંમેશા નવા ચીલા ચાતરવામાં માને છે’’ એવું દર્શાવવા!
તમે જીમેઇલમાં લેબલ્સનો ઉપયોગ કરો છો? (ન કરતા હો તો મેઇલ્સના સ્માર્ટ મેનેજમેન્ટ માટે લેબલ્સ અને ફિલ્ટર બરાબર સમજવા જેવાં ફીચર છે, ‘સાયફરસફર’માં આપણે તેની વાત કરી ચૂક્યા છીએ).

જીમેઇલમાં દરેક લેબલને અલગ અલગ કલર આપી શકાય છે. જે મેઇલ પર એકશન લેવાનું બાકી હોય તેને ‘ટુ રિપ્લાય’ કે ‘ઇમ્પોર્ટન્ટ’ જેવું લેબલ આપી, આ લેબલને લાલ રંગ આપો અને જેના પરનું કામ થઈ ગયું હોય તે ઈ-મેઇલ માટે ‘ડન’ લેબલ આપીને તેને માટે લીલો કલર પસંદ કરો.
આ પછી, તમારા ઇનબોક્સમાં જતાં, પહેલી નજરે જ કયા મેઇલ પર ધ્યાન આપવાની જરૂર છે તે દેખાઈ આવશે. જીમેઇલ આ માટે વિવિધ રંગના સ્ટાર ઉમેરવાની પણ સગવડ આપે છે.
બાજુમાં આપેલી કેલેન્ડરની ઇમેજ પહેલી નજરે ક્લટર્ડ લાગશે, પણ એમાં એક મેથડ છે.
ડિજિટલ કેલેન્ડર્સમાં આ રીતે કલરનો સ્માર્ટ ઉપયોગ થઈ શકે છે.

ડિજિટલ કેલેન્ડરમાં આપણે વિવિધ ટાસ્કને અલગ અલગ કલર આપી શકીએ છીએ. તમે દરેક ક્લાયન્ટ માટે એક એક નિશ્ચિત કલર પસંદ કરી લો અથવા મીટિંગ્સ, ઇન્વોઇસ, પ્લાનિંગ વગેરે જુદા જુદા પ્રકારના કામ માટે અલગ અલગ નિશ્ચિત કલર પસંદ કરી લેશો તો ડિજિટલ કેલેન્ડરના તમારા ઉપયોગમાં ખાસ્સી, નવી સ્માર્ટનેસ આવશે!
વિન્ડોઝ એક્સપ્લોરરમાં આપણે જોઇએ છીએ કે બધાં ફોલ્ડર્સ માટે એકસરખા, બીબાંઢાળ યલો કલરના આઇકનનો ઉપયોગ થાય છે.

વિન્ડોઝનું વર્ઝન ૧૦ સુધી પહોંચી ગયું તેમ છતાં તેમાં ફોલ્ડર્સના આઇકનને અલગ અલગ કલર આપવાની સગવડ હજી મળી નથી (એ શક્ય છે, પણ એ માટે થર્ડ પાર્ટી સોફ્ટવેરનો ઉપયોગ કરવો પડે). તેના વિકલ્પે જે તે ફોલ્ડરને રાઇટ ક્લિક કરી, તેની પ્રોપર્ટીઝમાં કસ્ટમાઇઝમાં જઇને આપણે ફોલ્ડરનો આઇકન બદલી શકીએ છીએ. નિશ્ચિત પ્રકારના ફોલ્ડર માટે નિશ્ચિત કલરના જુદા જુદા આઇકન પસંદ કરી લઈએ તો વિન્ડોઝ એક્સપ્લોરરમાં ફોલ્ડર્સ અને સબ ફોલ્ડર્સના આટાપાટામાં આપણે કામના ફોલ્ડર્સ સુધી પહોંચવું વધુ સહેલું બની શકે.
ગૂગલ ડ્રાઇવ જેવી સ્ટોરેજ સર્વિસમાં વિન્ડોઝની જેમ ફોલ્ડરના આઇકન બદલવાની સગવડ નથી, પણ ફોલ્ડરને નિશ્ચિત કલર આપવાની સગવડ ચોક્કસ છે.
અહીં પણ તમે કામના પ્રકાર અનુસાર ફોલ્ડર્સને નિશ્ચિત કલર્સ આપવાની ટેવ કેળવશો તો કામકાજ રંગભર્યું અને ખાસ તો, ખાસ્સું સહેલું બનશે!
૧૯૭૬માં, એપલના સૌથી પહેલા લોગોમાં, સફરજનના ઝાડ નીચે બેઠેલ ન્યૂટનનું ચિત્ર હતું! ૧૯૭૭માં તેને સિમ્પલ બનાવી, માત્ર સફરજન પસંદ થયું. એ નાની ચેરી ન લાગે, એ માટે મોટું બટકું ઉમેરાયું!

ત્યારે સફરજનમાં મેઘધનુષી રંગો હતા કારણ કે એ સમયે એપલ ટુથી કલર ડિસ્પ્લે મળ્યો.
પછી રંગો ઊડતા ગયા ને સિમ્પ્લીસિટી માટે ટ્રાન્સલુસન્ટ બ્લુ, બ્લેક, એક્વા થઈને છેવટે સફરજન ક્રોમ કલરનું થયું!
ફેસબુકના લોગો અને તેની સમગ્ર સાઇટ-એપમાં જબરજસ્ત હદે બ્લુ રંગનો ઉપયોગ થયો છે. કેમ?

વિશ્વભરનાં અનેક અખબારોમાં પ્રસિદ્ધ થયેલી થીયરી અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગને રંગ-અંધત્વની તકલીફ છે, એ લાલ અને લીલો રંગ જોઈ શકતા નથી. ખુદ માર્કના શબ્દોમાં, ‘‘બ્લુ મારા માટે સૌથી રીચ કલર છે, મને બ્લુ કલર પૂરેપૂરો દેખાય છે.’’ આ માત્ર અફવા છે કે હકીકત એ કહી શકાય નહીં, પરંતુ માર્ક હંમેશાં એફબી બ્લુ કલરના ટીશર્ટમાં જ જોવા મળે છે – માત્ર બ્રાન્ડિંગ માટે જ?!
એક્સેલ કે ગૂગલશીટ જેવા સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં ભલે કોરાધાકોડ આંકડાની ભરમાર રહેતી હોય, આપણે તેમાં પણ રંગોથી અનોખી મજા ઉમેરી શકીએ છીએ. મહત્ત્વની વાત એ છે કે મુદ્દો માત્ર મજાનો નથી, સ્પ્રેડશીટમાં કલર્સના આગવા ઉપયોગ પણ છે.
ડેટા ટેબલમાં એક પછી એક આવતી રો કે કોલમને જુદા જુદા કલર્સથી અલગ પાડવા માટે ‘ઓલ્ટરનેટિંગ કલર્સ’ની સુવિધા અપનાવવા જેવી છે. તેનાથી ટેબલમાંનો ડેટા વાંચવો બહુ સરળ બની જાય છે.

એ જ રીતે, ક્યારેક ફૂરસદ હોય ત્યારે ‘કન્ડિશનલ ફોર્મેટિંગ’ની સુવિધા તપાસી જોજો. આ ફીચરની મદદથી તમે ડેટા ટેબલમાં વિવિધ સેલ કે રો અને કોલમમાં નિશ્ચિત શરત અનુસાર ચોક્કસ રંગ ઉમેરાય એવું કરી શકો છો.
જેમ કે આપણે સેલ્સ સંબંધિત ડેટા ટેબલ બનાવ્યું હોય તો અમુક મહિનામાં વેચાણનો આંકડો અમુક નિર્ધારિત રકમ કરતાં નીચો જાય ત્યારે એ સેલનો કલર આપોઆપ રેડ થઈ જાય એવું સેટિંગ્સ કરી શકાય છે. તેમ, સ્પ્રેડશીટનો આપણે ટુ-ડુ લિસ્ટ તરીકે ઉપયોગ કરતા હોઈએ ત્યારે કોઈ કામના સ્ટેટસની કોલમમાં ‘ડન’ લખીએ એ સાથે એ સેલ ડાર્ક ગ્રીન કલરનો થાય, તેમાંની ટેકસ્ટ બ્લેકને બદલે વ્હાઇટ કલરની થાય અને એ આખી રો આછા ગ્રીન કલરની થઈ જાય તેવું કન્ડિશનલ ફોર્મેટિંગનું સેટિંગ પણ કરી શકાય છે.
મજા એ છે કે આવા ડેટા ટેબલને આપણે રંગ મુજબ ફિલ્ટર અને સોર્ટ પણ કરી શકીએ છીએ. સ્પ્રેડશીટમાં કલર્સનો ઉપયોગ કરી જુઓ, તમારું ડેટા એનાલિસિસ ચોક્કસપણે વધુ સ્માર્ટ બનશે.
હવે મોટા ભાગની વેબસાઇટ્સ થીમ અને માસ્ટર ટેમ્પલેટ્સની મદદથી બનતી હોય છે. આ માસ્ટર ટેમ્પલેટ્સમાં આખી વેબસાઇટનાં વિવિધ પાસાં માટે માસ્ટર કલર્સ પસંદ કરવાની સગવડ હોય છે.

આ કારણે વેબસાઇટમાં પાર વગરની પોસ્ટ અને પેજિંસ હોય તો પણ માસ્ટર કલર્સમાં ફેરફાર કરીને આખી વેબસાઇટ માટે ‘લૂક એન્ડ ફિલ’ પલકવારમાં બદલી શકાય છે! યુએક્સ ડિઝાઇનરે કલર સાયકોલોજી જરૂર સમજવી જોઈએ.
વિવિધ પ્રકારની ‘નોટ કીપિંગ’ એપ્સ અને ‘ટુ-ડુ લિસ્ટ’ એપ્સમાં કલર કોડિંગ સાથે લેબલ કે ટેગ આપવાની ખાસ સુવિધા હોય છે.
આવી એપ્સમાં કલર કોડિંગને કારણે આપણું કામકાજ ખરેખર સ્માર્ટ બની શકે છે અને તેમાં નેકસ્ટ લેવલની પ્રોડક્ટિવિટી આવી શકે છે. એટલે જ ઘણી ખરી ટુ-ડુ લિસ્ટ એપમાં ટેગ્ઝ કે લેબલ્સને અલગ અલગ કલર આપવાની સુવિધા માત્ર પેઇડ વર્ઝનમાં ઉપલબ્ધ હોય છે!

જો તમે મહત્ત્વના મુદ્દાઓ ઝડપથી ટપકાવી લેવા માટે ‘ગૂગલ નોટ્સ કીપિંગ’ કે ‘વન નોટ’ જેવી એપનો ઉપયોગ કરતા હો તો તેમાં આખેઆખી નોટને નિશ્ચિત કલર આપવાની સુવિધા હોય છે.
એ જ રીતે ડિજિટલ સ્ટીકી નોટ્સ ઉમેરવાની સગવડ આપતા સોફ્ટવેરમાં પણ નોટનો કલર બદલવાની સગવડ હોય છે. એનો ઉપયોગ કરવાની આદત કેળવીએ તો આપણું ધ્યાન પણ ન જાય એ રીતે કામકાજ સહેલું બની શકે છે.
