એપલના આઇફોનમાં લાંબા સમયથી ફોન સ્ક્રીન પર જુદી જુદી બાબતો પર જરા લાંબો સમય પ્રેસ કરતાં તેને સંબંધિત એક્શન્સ લેવાની સગવડ હતી. પાછલા થોડા સમયથી એન્ડ્રોઇડમાં પણ આવા શોર્ટકટ્સ વધતા જાય છે.
આ સુવિધા મુજબ, કોઈ પણ એપના આઇકન પર સામાન્ય કરતાં જરા વધુ સમય પ્રેસ કરવાથી ત્યાં જ એક નાનું મેનૂ ખુલે છે અને જુદા જુદા પ્રકારની એકશન્સના શોર્ટકટ જોવા મળે છે.

જેમ કે ફોનમાંની કોલિંગ એપના આઇકન પર ક્લિક કરતાં આપણે જેમને વારંવાર કોન્ટેક્ટ કરતા હોઇએ તેમનાં નામ તથા નવા કોન્ટેક્ટ સેવ કરવા માટેના શોર્ટકટ મળી શકે છે.
એ જ રીતે જીમેઇલ એપ પર ક્લિક કરતાં તમારા જુદા જુદા જીમેઇલ એકાઉન્ટમાં જવાની સગવડ મળે છે. તેમ જ નવો મેઇલ કંપોઝ કરવાનો શોર્ટકટ પણ મળે છે. ક્રોમ બ્રાઉઝરના આઇકન પર ક્લિક કરતાં નવી નોર્મલ ટેબ અથવા નવી ઇનકોગ્નિટો ટેબ ઓપન કરવાના શોર્ટકટ મળશે.
તમે ટુડુઇસ્ટ જેવી ટાસ્ક મેનેજમેન્ટ એપનો ઉપયોગ કરતા હો તો તેના આઇકન પર જરા વધુ સમય પ્રેસ કરવાથી નવું ટાસ્ક ઉમેરવું, બધાં ટાસ્કમાં સર્ચ કરવું, આજનાં ટાસ્ક જોવાં વગેરે કામના શોર્ટકટ્સ મળશે!
તમે જેનો વધુ ઉપયોગ કરતા હો તે એપ્સ માટે આવા શોર્ટકટ્સ શોધી જુઓ. અલબત્ત આપણને ક્યા શોર્ટકટ જોવા મળશે તેનો આધાર એ એપના ડેવલપર પર છે. મતલબ કે એપના ડેવલપર એપના આઇકન પર જે શોર્ટકટ્સ આપે તેનો લાભ આપણને મળી શકે છે.

