ગૂગલના સર્ચ એન્જિન પર રોજેરોજ કરોડો શબ્દોની મદદથી સર્ચ થાય છે. તેમાંથી બહુ મોટા પ્રમાણમાં શબ્દો વિશે પણ સર્ચ થાય છે! કોઈ જગ્યાએ કોઈ એવો શબ્દ વાંચવા મળે, જેના અર્થ વિશે સ્પષ્ટતા ન હોય એટલે તરત આપણી આંગળી ગૂગલ તરફ વળે (કે વળવી જોઈએ, સારું અંગ્રેજી શીખવા એ જરૂરી છે!).
પીસી કે લેપટોપ પર હોઇએ તો ગૂગલના સર્ચ બોક્સમાં ‘‘ડિફાઇનઃ ઘીસ વર્ડ’’ જેવું કંઈક લખીને આપણે એ શબ્દ વિશે સર્ચ કરી શકીએ. મોબાઇલમાં જે તે શબ્દને જરા લાંબો સમય પ્રેસ કરતાં એ જ પેજ પર નીચે તેના વિશે ગૂગલ સર્ચનાં રીઝલ્ટ જોવા મળે અથવા ડિક્શનરીમાંથી તેનો અર્થ બતાવવામાં આવે.
ગૂગલ કહે છે કે લોકો સર્ચ એન્જિમાં પાર વગરના શબ્દો તપાસતા રેહ છે. એથી, ગૂગલે તેના સર્ચ એન્જિનમાં શબ્દોની શોધને જરા વધુ રસપ્રદ બનાવવાનો વિચાર કર્યો છે, જે આપણને ખાસ્સો ઉપયોગી થઈ શકે.

હવે આપણે સ્માર્ટફોનમાં ગૂગલ એપની મદદથી રોજેરોજ નવા શબ્દો અને તેના વિશે રસપ્રદ હકીકતો જણાવે તેવાં નોટિફિકેશન્સ મેળવવા માટે સાઇન-અપ કરી શકીએ છીએ (આમ તો રોજેરોજ આપણા પર મોટા ભાગે બિનજરૂરી નોટિફિકેશન્સનો મારો થતો હોય છે, તેમાં ક્યારેક આવા ઉપયોગી નોટિફિકેશન પણ ઉમેરી શકાય!).
આ સર્વિસનો લાભ લેવા માટે કોઈ પણ શબ્દ વિશે ગૂગલ એપમાં સર્ચ કરો. જેમ કે define trail (ધ્યાન આપજો, આપણે trial નહીં, trail શબ્દ વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ). તરત જ સર્ચ બોક્સમાં લખવા જેવા વધુ શબ્દો સૂચવવામાં આવશે અને તેમાં સૌથી ઉપર ટ્રેઇલ શબ્દની વ્યાખ્યા બતાવવામાં આવશે. તેના પર ક્લિક કરો (અન્ય કોઈ શબ્દ હોત તો કદાચ વર્ડ સજેશનમાં તરત વ્યાખ્યા જોવા ન મળી હોત).
હવે ડિક્શનરી ઓપન થશે અને તેમાં ટ્રેઇલ શબ્દનો અર્થ ઇંગ્લિશમાં બતાવવામાં આવશે. આપણા લોકેશન અનુસાર ઇંગ્લિશ ઉપરાંત અન્ય ભાષામાં પણ અર્થ જાણી શકાય છે. એ જ પેજ પર ઉપર જમણી તરફ નોટિફિકેશનનો બેલ જોવા મળશે. તેને ક્લિક કરતાં ગૂગલ સર્ચ એપ તરફથી નોટિફિકેશન મેળવવા માટે આપણી મંજૂરી માંગવામાં આવશે. જો આપણે અગાઉ સર્ચ એપમાં એપ તરફથી નોટિફિકેશન ન મળે એવું સેટિંગ કર્યું હશે તો તેને ઓન કરવું જોઇશે. એ સાથે પાર વગરના નોટિફિકેશન્સ માટેના બોક્સ ટીક થઈ જશે, તેમાં તમને જે બિનજરૂરી લાગે તેને ઓફ કરી શકાય. એ પછી ગૂગલ તરફથી રોજેરોજ ‘ટુડેઝ વર્ડ’ એવા હેડિંગ સાથે નવા નવા શબ્દોની વ્યાખ્યાનાં નોટિફિકેશન મળવાનું શરૂ થશે.
હાલમાં નવું નવું ઇંગ્લિશ શીખતા કે સારી પકડ ધરાવતા લોકો એમ બંને સ્તરના લોકોને ઉપયોગી થાય તેવા શબ્દોનાં નોટિફિકેશન મળશે. ભવિષ્યમાં આપણને શબ્દોની ડિફિકલ્ટીનાં અલગ લેવલ પસંદ કરવાની તક મળશે. ઇંગ્લિશ વોકેબ્યુલરી વધારવાનો અને અંગ્રેજી ભાષાની વધુ ઊંડી સમજ કેળવવાનો આ એક સરસ રસ્તો છે (ડિક્શનરીના પેજ પર જરા ઊંડે જશો તો ‘વર્ડ કોચ’ સર્વિસ જોવા મળશે, આપણે તેના વિશે અગાઉ વાત કરી ગયા છીએ).

(૧) સ્માર્ટફોનમાં ગૂગલ સર્ચ એપમાં કોઈ પણ શબ્દની વ્યાખ્યા સર્ચ કરો, જેમ કે define trial. રીઝલ્ટ પર ક્લિક કરી, ડિક્શનરી પેજ પર જાઓ.

(૨) અહીં આપણે સર્ચ કરેલા શબ્દની વ્યાખ્યા આપવામાં આવશે. તેની સાથે, ઉપર જમણે નોટિફિકેશન આઇકનને ક્લિક કરો.

(૩) તમારી મંજૂરી પછી, ગૂગલ રોજેરોજ એક નવો શબ્દ નોટિફિકેશનમાં જણાવશે. તેને ક્લિક કરી, એ શબ્દ વિશે વધુ જાણી શકાશે!

(૪) આ દરમિયાન, હોમ સ્ક્રીન પર ડિક્શનરીનો શોર્ટકટ ઉમેરવાનું પૂછવામાં આવી શકે છે.

(૫) ‘એડ’ પર ક્લિક કરશો, તો ફોનના હોમસ્ક્રીન પર ડિક્શનરીનો શોર્ટકટ ઉમેરાશે.

(૬) ડિક્શનરીનો શોર્ટકટ ઉમેરવાનું પૂછવામાં ન આવે, તો પણ ઉપર ત્રણ ડોટ પર ક્લિક કરી, જે મેનૂ ખૂલે તેમાં ‘એડ ટુ હોમ સ્ક્રીન’ પસંદ કરી લો. આથી ડિક્શનરી પેજનો શોર્ટકટ ઉમેરાશે. આ રીતે રોજ નોટિફિકેશન મેળવવાનો કે શોર્ટકટ ઉમેરવાનો ફાયદો છે કે ડિક્શનરી સતત આપણી નજર સામે રહેશે અને આપણને તેને ક્લિક કરવાનું મન થતું રહેશે. વોકેબ્યુલરી વધારવા માટે નિયમિત પ્રેક્ટિસ જ સૌથી અસરકારક છે!

