(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેટાવર્સથી આપણું જીવન કેવું બદલાશે?

સોશિયલ મીડિયા, ગેમિંગ, ઇ-કોમર્સ વગેરે ઉપરાંત, આપણા જીવનને સ્પર્શતી બીજી ઘણી બાબતોમાં મેટાવર્સથી આમૂલ પરિવર્તન આવશે.

અમેરિકાના એક ટાબરિયાનો નવમો જન્મદિવસ હતો. એણે મમ્મી-પપ્પા પાસે કોઈ ગિફ્ટ ન માગી, ફક્ત જિદ પકડી કે એની બર્થડે પાર્ટી ‘રોબ્લોક્સ’ પર ઉજવવાની છૂટ મળે. મંજૂરી મળી. ટાબરિયો અને એના ફ્રેન્ડ્સ રોબ્લોક્સમાં એકઠા થયા, કલાકો સુધી ધમાલ મચાવી, જાતભાતની ગેમ્સ રમ્યા, પાર્ટી એન્જોય કરી અને પછી છૂટા પડ્યા. આ ‘રોબ્લોક્સ’ કોઈ રેસ્ટોરાં નહોતી. એ એક ડિજિટલ પ્લેટફોર્મ (www.roblox.com) છે.

પેલા ટાબરિયા અને એના ફ્રેન્ડ્સે રોબ્લોક્સમાં પાર્ટી ઉજવી ત્યારે કોઈ પોતાના ઘરની બહાર નીકળ્યું નહોતું. એ એમની ‘વર્ચ્યુઅલ પાર્ટી ’ હતી. રોબ્લોક્સ પર કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટ ખોલાવીને પોતાની કલ્પના મુજબ વિવિધ ૩ડી એક્સપિરિયન્સ ક્રિએટ કરી શકે છે, ચાહે તો ફ્રેન્ડસ સાથે ફ્રીમાં એની મજા માણી શકે અને ડેવલપર્સ આવા ૩ડી એક્સપિરિયન્સ બીજાને વેચીને તેમાંથી કમાણી કરી શકે છે! રોબ્લોક્સ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના ઓ઼ડિયન્સમાં ટોપ ઓનલાઇન એન્ટરટેઇન્મેન્ટ પ્લેટફોર્મ ગણાય છે. રોબ્લોક્સની મજા કમ્પ્યૂટર, સ્માર્ટફોન, એક્સબોક્સ વગેરે પર માણી શકાય છે. યાદ રહે, રોબ્લોક્સ ૧૫ વર્ષ જૂની કંપની છે!

રોબ્લોક્સ ફક્ત એક ઉદાહરણ છે, જે મેટાવર્સ શું છે કે શું હશે એની ઝલક આપે છે. હાલમાં, મેટાવર્સ ટેક્નોલોજીનો અનુભવ કરવા માટે આપણે આંખો પર ડાબલા જેવા હેડસેટ્સ પહેરવા પડે છે, જેની ક્વોલિટી ખરાબ હોય તો અડધા કલાકમાં માથું દુઃખવા લાગે છે. ભવિષ્યમાં સામાન્ય ચશ્મા પહેરીને આપણે ખરેખર પલકવારમાં બીજી દુનિયાનો અનુભવ કરી શકીશું! આ બધાની શરૂઆત થઈ જ ચૂકી છે, કેટલાંક ઉદાહરણો તપાસીએ.

 

ગયા વર્ષે, ઇજિપ્ત દેશે તેની અમુક ઐતિહાસિક સાઇટ્સની વર્ચ્યુઅલ ટુર્સ લોન્ચ કરી. ગૂગલના  અર્થ, સ્ટ્રીટવ્યૂ કે બીજી રીતે દુનિયાભરનાં સ્થળો કે મ્યુઝિયમ્સની ઘેરબેઠાં વિઝિટ્સ કરી શકાય છે. આ અનુભવ હજી ‘રૂબરૂ ત્યાં ગયા’ જેવો નથી. મેટાવર્સમાં ટેલિપ્રેઝન્સથી, મિત્રો સાથે આપણે વિવિધ જગ્યાએ રૂબરૂ ગયા જેવા અનુભવ સાથે, ‘લાઇવ ટ્રાવેલ’ કરી શકીશું!

જુઓ https://artsandculture.google.com/

એક શક્યતા એવી છે કે આપણને મેટાવર્સનો પહેલો અનુભવ રોજિંદા સ્ટોરમાં મળશે. મેટા (અગાઉની ફેસબુક) કંપની નજીકના ભવિષ્યમાં વાસ્તવિક સ્ટોર્સમાં, મેટાવર્સનો અનુભવ આપવાનું શરૂ કરશે. આવા સ્ટોર્સ કદાચ ‘મેટાહબ’ તરીકે ઓળખાશે. આવા સ્ટોર્સમાં રોજિંદી, વાસ્તવિક ચીજવસ્તુઓ ઉપરાંત, દુનિયાભરની કંપનીઓની પ્રોડક્ટ્સ ‘જોઈ-તપાસી’ને પછી તેનો ઓર્ડર આપી શકાશે. મેટા કંપની આ આખી વાતમાં બીજી ઘણી કંપનીને સાંકળશે.

કોરોનાને પાપે એજ્યુકેશન ધરાર ઓનલાઇન થયું. શિક્ષણનું આ નવું સ્વરૂપ ઘણા ટીચર-સ્ટુડન્ટને ગોઠ્યું નહીં, પણ તેનું કારણ ટેક્નોલોજીની હાલની મર્યાદા છે. હાલના ઓનલાઇન ટીચિંગમાં સ્કૂલનો લાઇવ ટચ છૂટી ગયો છે. મેટાવર્સમાં આ અનુભવ જુદો જ હશે. શિક્ષણ વધુ જીવંત, વધુ રસપ્રદ, વધુ ઇન્ટરેક્ટિવ બનશે ને ખરા અર્થમાં ક્લાસરૂમની બહાર વિસ્તરશે. અન્ય તમામ પ્રકારની ટ્રેનિંગને પણ આ વાત લાગુ થશે.

જુઓ https://studio.gometa.io/

અત્યારે આપણે ઘર કે ઓફિસ સ્પેસ ખરીદવી હોય તો હવા-ઉજાસ તપાસવા જાતે સાઇટ પર જવું પડે છે. હવે ઘણા બિલ્ડર્સ સાઇટ પર પાયા ખોદાતા હોય ત્યાં ૩૬૦ ડિગ્રી વીઆર એક્સ્પિરીયન્સ કરાવવા લાગ્યા છે. આપણે ઘેરબેઠાં, ભવિષ્યનું નવું ઘર કેવું હશે તેનો અનુભવ કરી શકીએ. ‘મેટરપોર્ટ’ નામની એક મલ્ટિનેશનલ કંપની તેના પ્લેટફોર્મ પર વિવિધ ઇન્ડસ્ટ્રીની સાથોસાથ રીયલ એસ્ટેટ સેક્ટર માટે ‘ડિજિટલ ટ્વિન્સ’ તૈયાર કરે છે!

જુઓ https://matterport.com/

ગ્રાફિક કાર્ડ્સ માટે જાણીતી એનવિડિયા કંપની ‘ઓમ્નીવર્સ’ નામે એક પ્લેટફોર્મ વિક્સાવી રહી છે. તેની મદદથી આર્કિટેક્ટ્સ, એન્જિનીયર્સ વગેરે અલગ અલગ જગ્યાએથી વર્ચ્યુઅલ કોલાબોરેશન કરી શકે છે અને  ‘રીયલ ટાઇમ, ફિઝિકલી એક્યુરેટ સિમ્યુલેશન્સ’ તૈયાર કરી શકે છે (આ શબ્દો પર ધ્યાન આપજો). આ રીતે લોકો ડિઝાઇન ટૂલ્સ, એસેટ્સ અને પ્રોજેક્ટ્સ વર્ચ્યુઅલ શેર્ડ સ્પેસમાં કનેક્ટ કરી શકે છે! 

જુઓ www.nvidia.com/omniverse


શૂઝ અને સ્પોર્ટવેર બનાવતી નાઇકી કંપનીએ તેના ટ્રેડમાર્કમાં, વાસ્તવિક ચીજવસ્તુઓ ઉપરાંત તે વર્ચ્યુઅલ ગૂડ્સને પણ લાગુ થાય એવા ફેરફાર કર્યા છે. કંપની ખરીદીને ડિલિવરી મેળવી શકાય એવી વસ્તુઓ ઉપરાંત, માત્ર ઓનલાઇન ખરીદીને ઓનલાઇન જ પહેરી શકાય એવા શૂઝ, સ્પોર્ટ્સવેર, ગોગલ્સ, બેકપેક્સ વગેરેનું ‘પ્રોડક્શન’ તરીકે તેનું વેચાણ શરૂ કરવાની તૈયારીમાં છે!

ઓટો ઇન્ડસ્ટ્રીનો ઇન્ફર્મેશન ટેક્નોલોજી સાથેનો સંબંધ સતત વધુ ગાઢ બનતો જાય છે. એક તરફ ડ્રાઇવરલેસ કારની વાત છે તો બીજી તરફ, કાર મેન્યુફેક્ચરિંગ માટે વર્ચ્યુઅલ કોલાબોરેશનની વાત છે. મેટાવર્સમાં દુનિયાના અલગ અલગ ખૂણેથી એન્જિનીયર્સ કાર ડિઝાઇન, મેન્યુફેકચર અને ટેસ્ટ કરી શકશે. ઘણી કાર કંપનીના એન્જિનીયર્સ હવે વીઆર હેડસેટ પહેરીને કામ કરે છે. આપણે નવી કાર પસંદ કરવા ફેમિલી સાથે વર્ચ્યુઅલ શોરૂમ વિઝિટ કરી શકીશું!

લોકડાઉનથી ઘણી ઇન્ડસ્ટ્રીને મરણતોલ ફટકો પડ્યો છે, તેમાંના એક છે જિમ્સ. કોરોના પહેલાંથી, જેમને પોસાતું હતું તેઓ હોમ જિમમાં પર્સનલ ટ્રેઇનર્સની મદદ લેતા હતા. મેટાવર્સમાં, આ બધું વર્ચ્યુઅલ સ્પેસમાં થવા લાગ્યું છે. લોકો પોતાના ઘરમાં સ્ક્રીન સામે એક્ચ્યુઅલ વર્કઆઉટ કરે છે, ટ્રેઇનર્સ એપ પર તેમને વર્ચ્ચુઅલી ગાઇડ કરે છે! ફ્રેન્ડ્સ સાથે કનેક્ટેડ રહીને મોટિવેટ થઈ શકાય એ વધારાનો લાભ!

જુઓ www.onepeloton.com

ડિસેમ્બર ૨૦૧૮માં, ભારતના સુપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ, પદ્મશ્રી ડો. તેજસ પટેલે ઐતિહાસિક રીતે હૃદયનાં જટિલ ઓપરેશન્સ કરી બતાવ્યાં. તેઓ પોતે ગાંધીનગરના અક્ષરધામ સંકુલમાં બેઠા હતા, તેમના દર્દીઓ ૩૨ કિલોમીટર દૂર, અમદાવાદમાં તેમની હોસ્ટિપલના ઓપરેશન થિયેટરમાં હતા. સર્જન અને પેશન્ટ વચ્ચે ૩૨ કિલોમીટરનું અંતર હતું, જે ૩૨૦૦ કિલોમીટર હોત તો પણ કોઈ ફેર પડ્યો ન હતો.

એક રીતે જોઈએ તો ‘મેટાવર્સ’ના કન્સેપ્ટનું આ એક અદભુત ઉદાહરણ છે – પોતે જ્યાં વાસ્તવિક રીતે નથી, ત્યાં વર્ચ્ચુઅલી પહોંચીને કંઈક કરવું.

આ ‘કંઈક’ શું હોઈ શકે એ જ નક્કી કરશે કે મેટાવર્સનો કન્સેપ્ટ સમાજ માટે આશીર્વાદરૂપ બનશે કે હાનિકારક.

ગૂગલના સ્થાપક સહિતના અનેક નિષ્ણાતો અત્યારે એવો મત દર્શાવી રહ્યા છે કે અત્યારે, ખાસ કરીને ફેસબુકની કલ્પનાનું મેટાવર્સ સમાજ માટે સારું જ હશે એમ કહી શકાય તેમ નથી. ગેમિંગ, વર્ચ્યુઅલ પાર્ટી અને છેવટે કમાણી – મેટાવર્સ જેવી અદભુત ટેક્નોલોજીનું માત્ર આટલું સીમિત ધ્યેય રહેશે તો છેવટે એ સમાજ માટે હાનિકારક જ નીવડશે. અત્યારે ‘સામાન્ય’ સોશિયલ મીડિયાથી ફાયદા કરતાં નુક્સાન વધુ થઈ રહ્યું છે, મેટાવર્સનો ખોટો ઉપયોગ એ નુક્સાનને અનેકગણું વધારી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!