આગળ શું વાંચશો?
- ગૂગલ પેમાં ‘માય શોપ’ : નાના વેપારીઓ માટે ફાયદાની સગવડ
- એપ્સ માટે પ્લેસ્ટોરની ફી ઘટશે
- હવે એપલની પેમેન્ટ સર્વિસ એપ્સ બાયપાસ કરી શકશે
- ઓસ્ટ્રેલિયા પણ સોશિયલ મીડિયા પર અંકુશની તૈયારીમાં
- ઇન્સ્ટા પર અમુક કન્ટેન્ટ જોવા રૂપિયા ચૂકવવા પડે તેવી શક્યતા
ગૂગલ પેની બિઝનેસ એપમાં નાના વેપારીઓ માટે ‘માય શોપ’ નામે એક નવી સગવડ ઉમેરાઈ રહી છે. ગૂગલ પેની બિઝનેસ એપમાં એકાઉન્ટ ધરાવતા લોકો આ ફીચરની મદદથી ગૂગલ પે સર્વિસમાં પોતાની નિશ્ચિત પ્રોડક્ટ કે સર્વિસની ઇમેજ, તેની વિગતો તથા કિંમતો ઉમેરી શકશે અને પછી તેની લિંક ચાહે તેની સાથે શેર કરી શકશે.

આ ફીચર ઘણું નોંધપાત્ર છે. વોટ્સએપ અને ફોનપે બંનેમાં કંઈક આ પ્રકારની સગવડ છે, પણ બંનેમાં અત્યારે કંઈક ખૂટે છે. વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટમાં પણ કેટેલોગની સર્વિસ છે, જેમાં વેપારી પોતાનો કેટેલોગ ક્રિએટ કરીને સંભવિત ગ્રાહકો સાથે શેર કરી શકે છે. પરંતુ તેમાં સંભવિત ગ્રાહક સામે ચાલીને વિવિધ બિઝનેસ કેટેલોગ સર્ચ કરી શકતા નથી. ઉપરાંત, પેમેન્ટ બાબતે લોકોને વોટ્સએપ પર વિશ્વાસ નથી! ફોનપે એપમાં પણ ‘સ્ટોર્સ’ લગભગ એ જ પ્રકારની આ સર્વિસ છે. પરંતુ તેમાં કેટેલોગ ક્રિએટ કરવાની સગવડ નથી. આમ વોટ્સએપ અને ફોનની સરખામણીમાં ગૂગલ પે ‘માય શોપ’માં કેટેલોગ છે, તેને લોકો સર્ચ કરી શકશે અને પેમેન્ટ માટે લોકો ઓલરેડી વોટ્સએપ કરતાં લોકોને ગૂગલ પે પર વધુ વિશ્વાસ છે. આ બધું જોતાં ‘માય શોપ’ સર્વિસ વેપારીઓ માટે લાભદાયી બની શકે તેમ છે.
ગૂગલ પેમાં યૂઝર હવે વોઇસ કમાન્ડથી અન્ય લોકોને રકમ મોકલવાની સુવિધા પણ ઉમેરાઈ રહી છે. આપણે હિન્દી અથવા ઇંગ્લિશમાં બોલીને ખાતા નંબર જણાવી શકીશું, નંબર સાચો હોવાની સિસ્ટમ તરફથી ખાતરી કરવામાં આવશે અને પછી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.
ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરેલી એપ્સમાંથી તમે કોઈ ખરીદી કરો ત્યારે તે એપની ડેવલપર કંપનીએ તેને મળેલી રકમમાંથી ૩૦ ટકા જેટલો ઊંચો ભાગ ગૂગલને ચૂકવવો પડે છે! એક સામાન્ય છાપ એવી છે કે ડિજિટલ કન્ટેન્ટની ડેવલપર કંપનીને કોઈ ખર્ચ હોતો નથી પરંતુ હકીકત જુદી છે. એપ અને કન્ટેન્ટ ડેવલપમેન્ટ, સર્વર હોસ્ટિંગ વગેરે ખર્ચાળ છે જ અને તેમાં પ્લેસ્ટોરને ચૂકવવું પડતું ઊંચું કમિશન ઘણા ડિજિટલ બિઝનેસનું ગણિત ખોરવી નાખતું હોય છે. સામાન્ય, નાની એપના ડેવલપરથી માંડીને જગત આખામાં પેઇડ યૂઝર્સ ધરાવતી વિશાળ કંપનીઓ આ બાબતે અવારનવાર ફરિયાદ કરતી રહી છે.

હવે ગૂગલે આ ફરિયાદ સાંભળી હોય તેવું લાગે છે. ગયા માર્ચ મહિનામાં ગૂગલે જાહેરાત કરી હતી કે તેના પ્લેસ્ટોરમાં હોસ્ટ થતી એપમાંથી એપ ડેવલપર એક વર્ષમાં, પહેલા ૧૦ લાખ ડોલરની કમાણી કરે ત્યાં સુધી તેણે ગૂગલને ચૂકવવી પડતી સર્વિસ ફી માત્ર અડધી ચૂકવવાની રહેશે. એપલ કંપનીએ પણ કંઈક આ પ્રકારનું સર્વિસ ચાર્જ મોડલ અપનાવ્યું છે.
હવે ગૂગલે હજી વધુ રાહત આપવાનું નક્કી કર્યું છે. ગયા મહિને તેણે જાહેરાત કરી છે કે પ્લે સ્ટોરમાંની સબસ્ક્રિપ્શન આધારિત એપ્સે ગૂગલને ૧૫ ટકા ચૂકવવાના રહેશે. અત્યાર સુધી ગૂગલ કંપની પહેલા વર્ષે ૩૦ ટકા અને પછીના વર્ષથી ૧૫ ટકા સર્વિસ ફી લેતી હતી. એ ઉપરાંત ઇ-બુક કંપનીઝ અને મ્યુઝિક સ્ટ્રીમિંગ સર્વિસિસ માટે આ દર ૧૦ ટકા જેટલો નીચો રાખવામાં આવ્યો છે. આ ફેરફાર આવતા વર્ષે જાન્યુઆરીથી લાગુ થશે.
એપલ કંપનીએ તેના એપ સ્ટોર માટે નવી પેમેન્ટ પોલિસી જાહેર કરી છે એ મુજબ હવે એપ ડેવલપર્સ પેમેન્ટ માટે પોતાના યૂઝર્સનો સીધો સંપર્ક કરી શકશે.

આ બહુ મોટા સમાચાર છે કેમ કે અત્યાર સુધી એપલ (કે ગૂગલ)ના એપસ્ટોરમાંથી ડાઉનલોડ થતી એપમાં ઇન-એપ પરચેઝની સુવિધા હોય ત્યારે એપ ડેવલપરે ફરજિયાત પણે એપલ કે ગૂગલની પેમેન્ટ વ્યવસ્થાનો ઉપયોગ કરવો પડતો હતો અને એ સાથે એપ ડેવલપરે પોતાને મળતી રકમમાંથી ૧૫ થી ૩૦ ટકા રકમ આ કંપનીઓને ચૂકવવી પડતી હતી.
હવે એપલે કરેલા ફેરફાર મુજબ એપ ડેવલપર પોતાના યૂઝરને એપમાંથી પોતાની વેબસાઇટ પર મોકલીને ત્યાંથી પેમેન્ટ કરવા સૂચવી શકશે અને એ રીતે પોતે ચૂકવવું પડતું મોટું કમિશન બચાવી શકશે.
સોશિયલ મીડિયાની બાળકો પર થતી અસર ધીમે ધીમે આખા વિશ્વમાં ચિંતાનો વિષય બની રહી છે. અત્યારે મોટા ભાગની સોશિયલ મીડિયા સાઇટ પર ૧૩ વર્ષથી નાની ઉંમરના બાળકો એકાઉન્ટ ખોલાવી શકતા નથી (જોકે ઘણા બાળકો આ નિયમ ઘોળીને પી જાય છે અને તેમના મા-બાપને ખબર પણ હોતી નથી!). હવે ઓસ્ટ્રેલિયા આ બાબતે કંઈક પરિવર્તન ઇચ્છે છે.
ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટે જાહેર કરેલી વિગતો અનુસાર ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી નાની વ્યક્તિ સોશિયલ મીડિયા કંપનીમાં એકાઉન્ટ ખોલાવવાનો પ્રયાસ કરે ત્યારે તેના માતાપિતાની મંજૂરી લેવી ફરજિયાત બને તેવી શક્યતા છે. ફેસબુક, રેડિટ, વોટ્સએપ તથા વિવિધ ડેટિંગ એપ્સને આ નવા નિયમ લાગુ પડશે.
આ નિયમો અમલમાં આવતાં ઉંમરની બાબતે સોશિયલ મીડિયા પર સૌથી વધુ કડક અંકુશ મુકનાર દેશોની યાદીમાં ઓસ્ટ્રેલિયા સામેલ થઈ જશે.
ઇન્ટરનેટ પર અત્યાર સુધી લગભગ બધું જ ‘મફત’ આપવાનો ધારો રહ્યો છે અને યૂઝર્સ સમજી પણ ગયા છે કે જો સર્વિસ મફત હશે તો આપણને પોતાને પ્રોડક્ટ તરીકે વેચવામાં આવતા હશે! હવે ચિત્ર બદલાઈ રહ્યું છે. વિવિધ સાઇટ્સ તેના કન્ટેન્ટ માટે સબસ્ક્રિપ્શન લેવા લાગી છે અને આ ચલણ હવે સોશિયલ મીડિયા પર પણ આવી ગયું છે.

ભારતમાં ટિકટોક પર પ્રતિબંધ મૂકાયા પછી ઇન્સ્ટાગ્રામની લોકપ્રિયતા ખાસ્સી વધી છે. તેના પર પોપ્યુલર કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના ફોલોઅર્સ પાસેથી, એક્સક્લુઝિવ કન્ટેન્ટ જોવા માટે સબસ્ક્રિપ્શન લેવાની સગવડ મળે તેવી શક્યતા છે. ભારતમાં આ માટે દર મહિને રૂ. ૮૯ જેટલો ચાર્જ લેવામાં આવશે.
સરેરાશ ઉપયોગ માટે ઇન્સ્ટાગ્રામ મફત જ રહેશે, પણ કોઈ ચોક્કસ કન્ટેન્ટ ક્રિએટરનું, અમુક ખાસ કન્ટેન્ટ જોવામાં રસ હોય તો આ ચાર્જ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. લવાજમના અલગ અલગ લેવલ મુજબ, અલગ અલગ ચાર્જ હોય એવી પણ શક્યતા છે. આ પહેલાં ટ્વીટર પર પણ આ રીતે ‘ટ્વીટર બ્લુ’ નામે સબસ્ક્રિપ્શન લેવાનું મોડેલ લોન્ચ થઈ ગયું છે.
