એપલની આઇઓએસના નવા, ૧૫મા વર્ઝનમાં ઘણી બધી નવી ખૂબીઓ છે, પણ એક ખૂબી ખાસ ધ્યાન ખેંચે એવી છે.

એની વાત કરતાં પહેલાં, એપલની સ્માર્ટવોચમાંની આવી જ એક ખૂબીની વાત કરીએ. તમે કાંડા પર એપલ વોચ પહેરી હોય અને ચાલતાં ચાલતાં તમે ગબડી પડો, થોડી વાર સુધી ઊભા ન થઈ શકો તો એપલ વોચ પોતે ઇમર્જન્સી સર્વિસને કોલ કરે, તમે પહેલેથી જણાવેલા ઇમર્જન્સી કોન્ટેક્ટ્સને મેસેજિસ મોકલે અને સાથે તમે ક્યાં પડી ગયા છો એ લોકેશન પણ જણાવે! આ સગવડથી ઘણા લોકોના જીવ બચ્યા હોવાના પણ અખબારોમાં રિપોર્ટ્સ આવ્યા છે.
આઇઓએસ ૧૫નું નવું ફીચર આ ખૂબીથી એક કદમ આગળ વધે છે. એ આપણને પડતાં જ અટકાવી શકે છે!

કેવી રીતે? આઇફોનમાંની હેલ્થ એપ આપણે કેવી રીતે ચાલીએ છીએ તેની અમુક ચોક્કસ બાબતો ટ્રેક કરશે. સામાન્ય રીતે, ચાલતી વખતે દરેક વ્યક્તિના બંને પગ એક ચોક્કસ, એક સરખી રીધમમાં ચાલે. વ્યક્તિના મગજમાં કંઈક સંતુલન ખોરવાય, એ રીધમમાં ગરબડ થાય ને એક પગ બીજા કરતાં ઝડપી કે ધીમો પડે તો એ વ્યક્તિ ગમે ત્યારે ગબડી પડે એ નક્કી. આઇફોનની હેલ્થ એપ, આપણાં પગલાંમાં આવું અસંતુલન કેટલી વાર થાય છે તે નોંધે છે!
અમેરિકાના આંકડા અનુસાર, ત્યાં 65 વર્ષથી મોટી ઉંમરના દર ચારમાંથી એક વડીલ ચાલતાં ચાલતાં ગબડી પડવાને કારણે ફ્રેક્ચર કે ઇજાનો ભોગ બને છે.
થોડા દિવસો સુધી આવો ડેટા કલેક્ટ કર્યા પછી હેલ્થ એપ આપણને જણાવશે કે તમે બરાબર રીતે ચાલો છો કે નહીં. ‘વોકિંગ સ્ટેડીનેસ સ્કોર’ એટલે કે સંતુલિત રીતે ચાલવાનો સ્કોર નબળો પડે એ સાથે એપ નોટિફિકેશનથી આપણને ચેતવશે કે નજીકના સમયમાં તમે ચાલતાં ચાલતાં ગબડી પડો એવી શક્યતા છે, સારવાર લો કે યોગ્ય કસરત શરૂ કરો.
અમેરિકાના આંકડા અનુસાર, ત્યાં ૬૫ વર્ષથી મોટી ઉંમરના દર ચારમાંથી એક વડીલ ચાલતાં ચાલતાં ગબડી પડવાને કારણે ફ્રેક્ચર કે ઇજાનો ભોગ બને છે અને ૨૦૦૭થી ૨૦૧૬ દરમિયાન આવું થવાનું પ્રમાણ ૩૦ ટકા વધ્યું છે. તમારી પાસે આઇફોન છે? તમે વડીલ છો? તો આઇઓએસનું વર્ઝન અપડેટ કરો અને ગબડતાં બચો!
નવા સમયના ફોન ‘સ્માર્ટ’ અમથા થોડા કહેવાય છે?
