(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓક્ટોબર મહિનામાં બનેલી ટેક ઘટનાઓ જેણે આપણું ભાવિ ઘડ્યું!

ઇતિહાસ હંમેશા ભવિષ્યનો પાયો રચે છે. આપણે એકવીસમી સદીના બે દાયકાનું સીમાચિહ્ન ઓળંગી ગયા છીએ ત્યારે, નજીકના અને દૂરના ભૂતકાળમાં બનેલા મહત્ત્વપૂર્ણ વળાંકો પર નજર નાખવાની ટેવ કેળવવા જેવી છે. એનાથી બીજા ઘણા સવાલો જાગશે અને ઇન્ટરનેટ પર ખણખોદ કરવાનું મન થશે! અહીં ફોકસ મુખ્યત્વે ટેક્નોલોજી પર અને એમાંય ખાસ કરીને ઇન્ટરનેટ સંબંધિત ટેક્નોલોજી પર રાખ્યું છે, છતાં બીજી કેટલીક રસપ્રદ બાબતો પણ તપાસતા રહીશું. તારીખ કરતાંય, વર્ષ પર નજર રાખશો તો વાંચવાની વધુ મજા આવશે!

 

આપણે જેને ‘ઝેરોક્સ’ તરીકે ઓળખીએ છીએ એ પ્રિન્ટેડ ડોક્યુમેન્ટની નકલ મેળવવાની પદ્ધતિનું મૂળ નામ ફોટોકોપી છે અને હવે જાણીને નવાઈ લાગશે કે તેનાં મૂળ છેક ૧૯૪૨માં છે! આજના દિવસે ચેસ્ટર કાર્લસન નામના એક સંશોધકને એક પ્રોસેસ માટે પેટન્ટ મળી, ત્યારે તે ‘ઇલેકટ્રોફોટોગ્રાફી’ તરીકે ઓળખાતી હતી. જોકે પેટન્ટ મળ્યા પછી પણ તેનો કમર્શિયલ ઉપયોગ થઈ શકે તેવી શક્યતા કોઈ કંપનીને દેખાતી નહોતી.

ચારેક વર્ષ પછી ૧૯૪૬માં હેલોઇડ નામની એક કંપનીએ આ પેટન્ટનું લાયસન્સ મેળવ્યું અને પરંપરાગત ફોટોગ્રાફીથી તેને અલગ પાડવા માટે આ પ્રોસેસને ‘ઝેરોગ્રાફી’ નામ આપ્યું. આગળ જતાં કંપનીની ઘણી ખરી આવક ફોટોકોપી મશીન્સમાંથી થવા લાગી અને છેવટે કંપનીએ તેના મશીનને ‘ઝેરોક્સ’ નામ આપ્યું (આ જ બાબતે, ચાર વર્ષ પહેલાં શું બન્યું હતું, એ જાણવા મળશે આગળ!).

આજના દિવસે ‘આર્ટિકલ ક્લાસિફિકેશન થ્રૂ ધ મીડિયમ ઓફ આઇડેન્ટિફાઇંગ પેટર્ન’ નામે જેનું વર્ણન થયું હતું એવી એક ટેકનોલોજી માટે અમેરિકન સંશોધકોને પેટન્ટ આપવામાં આવી. ફિલ્મ ‘થ્રી ઇડિયટ્સ’માં આમીર ખાને પ્રોફેસરને ‘ટેકનિકલ’ ભાષામાં પુસ્તકની વ્યાખ્યા આપી હતી, બરાબર એવી જ અટપટી વ્યાખ્યા ધરાવતી આ ટેકનોલોજીને આજે આપણે ‘બારકોડ’ તરીકે ઓળખીએ છીએ!

આમ આજે લગભગ તમામ શોપિંગ સ્ટોરમાં બિલિંગ માટે જેનો ઉપયોગ થાય છે તે બારકોડ પદ્ધતિ લગભગ ૭૦ વર્ષ જૂની છે.

આજે આપણી હથેળીમાં સમાઈ જતું ટચૂકડું કેલક્યુલેટર એક સમયે મોટા ટેબલ જેટલી જગ્યા રોકતું હતું એમ માનવું પણ મુશ્કેલ છે. આજના દિવસે આઇબીએમ કંપનીના સંશોધકોએ તેમના વેક્યૂમ ટ્યૂબનો ઉપયોગ કરતા કેલક્યુલેટરમાં ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શરૂ કર્યો. આ કારણે એ મસમોટા મશીનના કદમાં કે ઝડપમાં કોઈ ફેર પડ્યો નહીં પરંતુ પાવરનો ઉપયોગ અત્યંત ઘટી ગયો. આ સફળતાને પગલે ચાર વર્ષ પછી કંપનીએ પહેલું કમર્શિયલ ટ્રાન્ઝિસ્ટર કેલક્યુલેટર લોન્ચ કર્યું. 

આજના દિવસે અમેરિકામાં ‘પેક-મેન’ નામે એક વીડિયો ગેમ લોન્ચ થઈ, જે આગળ જતાં ઇતિહાસની સૌથી પહેલી મેગાહિટ વીડિયો ગેમ ગણાઈ. જોકે આ જ ગેમ અમેરિકાની પહેલાં, આ જ વર્ષે મે મહિનામાં જાપાનમાં ‘પક-મેન’ નામે લોન્ચ થઈ હતી. પરંતુ અમેરિકામાં લોન્ચ થયા પછી જોતજોતામાં તે આખા વિશ્વમાં ફેલાઈ.

વર્ષ તરફ બરાબર ધ્યાન આપજો – આજના દિવસે ડોર ઇ. ફેલ્ટ નામના એક સંશોધકને ‘કોમ્પ્ટોમીટર’ નામના એક સાધન માટે બીજી પેટન્ટ મળી. આ સાધન વિશ્વનું પહેલું, વિવિધ કીથી ચાલતું મિકેનિકલ કેલક્યુલેટર ગણાય છે, જેનો વ્યવહારુ ઉપયોગ શક્ય હતો અને વેપારી દૃષ્ટિએ પણ તે સફળ રહ્યું. જાણીને નવાઈ લાગશે કે છેક ૧૯૭૦ના દાયકા સુધી આ પ્રકારનાં મશીન બનતાં રહ્યાં હતાં!

એપલથી જુદી પડ્યા પછી સ્ટીવ જોબ્સે સ્થાપેલી નેકસ્ટ ઇન કોર્પોરેશન કંપનીએ આજના દિવસે ‘નેકસ્ટ’ કમ્પ્યૂટર લોન્ચ કર્યું. જેને સ્ટીવે પોતાના સમય કરતાં પાંચ વર્ષ આગળનું કમ્પ્યૂટર બતાવ્યું હતું. આ કમ્પ્યૂટર પોતે ખાસ સફળ ન રહ્યું પરંતુ કમ્પ્યૂટર અને ઇન્ટરનેટના ઇતિહાસ સાથે તેનું નામ જોડાઈ ગયું. સ્ટીમ બર્નર્સ લીએ પહેલું વર્લ્ડવાઇડ વેબ સર્વર અને વેબ બ્રાઉઝર નેકસ્ટ કમ્પ્યૂટર પર ડેવલપ કર્યાં હતાં. એપલ કંપનીએ નેકસ્ટ કંપની ખરીદી લીધા પછી નેકસ્ટ કમ્પ્યૂટરના આધાર પર જ આજની સૌથી સફળ ગણાતી એપલની ઓપરેટિંગ સિસ્ટમ વિકસાવી.  

આજે કોઈ વ્યક્તિ પોતાની કારમાંથી કોઈને ફોન કરે એમાં કોઈ નવી વાત નથી. પરંતુ આજના દિવસે અમેરિકાની એક ટેક કંપનીના એક્ઝિક્યુટીવે શિકાગો શહેરમાં પોતાની પાર્ક કરેલી કારમાંથી ફોનકોલ જોડ્યો ત્યારે તેને જોવા લોકો ટોળે વળ્યા હતા. એ ઐતિહાસિક ક્ષણ હતી કેમ કે એ દિવસથી અમેરિકામાં સેલ્યુલર ફોનના ઉપયોગની શરૂઆત થઈ.


ભારતમાં જુલાઈ ૩૧, ૧૯૯૫ના દિવસે એ સમયના કેન્દ્રીય ટેલિકોમ પ્રધાન અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બસુએ નોકિયાના મોબાઇલ પર વાતચીત કરીને ભારતમાં મોબાઇલ યુગની શરૂઆત કરી હતી. એ સમયે આઉટગોઇંગ અને ઇનકમિંગ કોલ્સ માટે મિનિટ દીઠ રૂપિયા ૮.૪ જેટલો તોતિંગ ચાર્જ ચૂકવવો પડતો હતો. જે પીકઅવર્સ દરમિયાન બમણા સુધી પહોંચતો હતો

આજે આપણે જે ઉજાસભર્યા ટેકનોલોજી યુગમાં જીવીએ છીએ તે વીજ વ્યવસ્થાની શોધને આભારી છે. આજના દિવસે સંશોધક થોમસ એડિસન અને કેટલાક રોકાણકારોએ સાથે મળીને ‘એડિસન ઇલેક્ટ્રિક લાઇટ કંપની’ની સ્થાપના કરી. આ કંપનીનું લક્ષ્ય થોમસ એડિસનના વીજળીના પ્રયોગો માટે નાણાકીય ટેકો પૂરો પાડવાનું અને વખત જતાં આખા શહેર માટે વીજ વ્યવસ્થા વિક્સાવવાનું હતું.

આ કંપનીના સાથમાં એડિસને ફિલામેન્ટવાળો વીજળીનો ગોળો વિકસાવ્યો (અગાઉ ઘણા સંશોધકો એ દિશામાં કામ કરી ચૂક્યા હતા). આગળ જતાં, આ કંપની અને એડિસનની બીજી કેટલીક કંપનીઓએ એકમેકમાં ભળીને એક નવી કંપની બનાવી, જેને આજે આપણે ‘જનરલ ઇલેક્ટ્રિક’ તરીકે ઓળખીએ છીએ!

આજના દિવસે વિશ્વભરના મૂવી ફેન્સને “rec.arts.movies movie database” નામે એક અનોખી ભેટ મળી. જેને આજે આપણે ‘ઇન્ટરનેટ મૂવી ડેટાબેઝ’ કે ‘આઇએમડીબી’ તરીકે ઓળખીએ છીએ. એ સમયે, એચપી કંપનીના કોલીન નીડહેમ નામના એક એન્જિનિયરે પોતાના ફિલ્મના શોખમાંથી આ ડેટાબેઝ વિકસાવ્યો અને ૧૯૯૬માં આ શોખને પૂરો સમય આપવા માટે નોકરી પણ છોડી દીધી.

બે વર્ષ પછી એમેઝોને આઇએમડીબી સાઇટ ખરીદી લીધી. આજે ઇન્ટરનેટ પર સૌથી વધુ વિઝિટર્સ ધરાવતી સાઇટ્સમાં આઇએમડીબી સામેલ છે અને કોલીન નીડહેમ હજી પણ તેની સાથે સંકળાયેલા છે.

આજે દરેક બિઝનેસ માટે કમ્પ્યૂટરમાં સ્પ્રેડશીટનો ઉપયોગ અનિવાર્ય થઈ ગયો છે. ઘણી પ્રોડક્ટના કિસ્સામાં બન્યું છે તેમ પ્રોડક્ટની કેટેગરીને બદલે અમુક ચોક્કસ બ્રાન્ડનેમ જ તે કેટેગરીની ઓળખ બની જાય, તેમ સ્પ્રેડશીટને આપણે ‘એક્સેલ’ તરીકે વધુ ઓળખીએ છીએ.

વાસ્તવમાં એક્સેલ જેવા અન્ય ઘણા પ્રોગ્રામ છે. એક્સેલની પહેલાં, આજના દિવસે ‘વિઝિકેલ્ક’ નામના સ્પ્રેડશીટ પ્રોગ્રામનું વેચાણ શરૂ થયું. કમર્શિયલી ઉપલબ્ધ હોય એવો તે પહેલો સ્પ્રેડશીટ પ્રોગ્રામ ગણાયો. એ સમયે પર્સનલ કમ્પ્યૂટરનું માર્કેટ પણ ધીમે ધીમે ઊંચકાઈ રહ્યું હતું. વિઝિકેલ્ક જેવા સોફ્ટવેરને કારણે લોકોને બિઝનેસમાં કમ્પ્યૂટરનો શો ઉપયોગ થઈ શકે છે એ સમજાયું – પરિણામે સ્પ્રેડશીટ અને પર્સનલ કમ્પ્યૂટર બંનેનો ઉપયોગ ધૂંઆધાર ગતિએ વધ્યો! 

આજના દિવસે ડો. લી ડીફોરેસ્ટ નામના સંશોધકે પોતે ત્રણ એલિમેન્ટવાળી ઇલેક્ટ્રિકલ વેક્યૂમ ટ્યૂબ વિકસાવી હોવાની જાહેરાત કરી. આગળ જતાં આ શોધ ‘ટ્રાયોડ’ તરીકે જાણીતી બની. ટ્રાયોડને કારણે નબળાં સિગનલ્સને એમ્પ્લિફાઈ કરી શકાતાં હતાં. આ શોધને કારણે જ લોંગ ડિસ્ટન્સ કમ્યુનિકેશન શક્ય બન્યું. 

ઘણા બધા ઉતારચઢાવ પછી છેવટે થોમસ એડિસને લાઇટ બલ્બની શોધને કમર્શિયલ અને પ્રેક્ટિકલ ઉપયોગ કરી શકાય તેવી પ્રોડક્ટમાં ફેરવવામાં સફળતા મેળવી (તેમની પહેલાં ઘણા લોકો એ માટે મથ્યા હતા).

કાર્બનાઇઝ્ડ કોટન થ્રેડથી બનેલા ફિલામેન્ટનો ઉપયોગ કરતો આ બલ્બ શરૂઆતમાં ૧૩.૫ કલાક સુધી ચાલી શકતો હતો. તેના પછી નવી ડિઝાઇનથી બલ્બ ૪૦ કલાક સુધી ટકી શક્યો. આ પહેલાં એડિસને ૧૮ માસના ગાળામાં શાકભાજીના રેસા સહિતની જાતભાતની ચીજવસ્તુનો ફિલામેન્ટ તરીકે ઉપયોગ કરીને બલ્બ બનાવવાની નિષ્ફળ કોશિશ કરી હતી.

આજના દિવસે એપલે લાસ વેગાસમાં યોજાયેલા એક કમ્પ્યૂટર એક્સ્પોમાં ‘પાવરબુક’ નામના કમ્પ્યૂટરની સીરિઝ રજૂ કરી. આ પ્રકારનાં કમ્પ્યૂટર પહેલાં પોર્ટેબલ મેકિન્ટોશ હતાં. આ કમ્પ્યૂટરે ભવિષ્યનાં લેપટોપની ડિઝાઇન્સનો પાયો તૈયાર કર્યો. માઉસનું કામ આપતા ટ્રેક બોલનો ઉપયોગ પણ આ કમ્પ્યૂટરથી શરૂ થયો!

આજે દરેક ગામ, શહેરની ગલીએ ગલીએ ‘ઝેરોક્સ’ શોપ્સ જોવા મળે છે તે ફોટોકોપિંગની પ્રક્રિયાનાં મૂળ આજના દિવસમાં છે. ચેસ્ટર કાર્લસન નામના એક સંશોધક અને ઓટ્ટો કોર્નેઈ નામના તેના સહાયકે આજના દિવસે એક પ્રક્રિયા વિકસાવામાં સફળતા મેળવી, જેના આધારે ભવિષ્યમાં ફોટો કોપીયર મશીન બન્યાં. 

નવાઈની વાત એ હતી કે પેલા સહાયકને આ શોધમાં ખાસ ભરોસો ન બેઠો અને એક વર્ષમાં જ તેણે કાર્લસન માટે કામ કરવાનું છોડી દીધું. એ સાથે તેણે પ્રોસેસ પરનો પોતાનો બધો દાવો પણ જતો કર્યો. જોકે આગળ જતાં કાર્લસને એ સહાયકને ઝેરોક્સ કોર્પોરેશનના ૧૦૦ શેર ભેટ આપ્યા, જેણે તેને મિલિયોનર બનાવ્યો!

‘‘૧૦૦૦ સોંગ્સ ઇન યોર પોકેટ’’ તેવા સ્લોગન સાથે સ્ટીવ જોબ્સે આજના દિવસે ઓરિજિનલ આઇપોડ લોન્ચ કર્યા. એ આઇપોડમાં ૫ જીબીની હાર્ડડ્રાઇવ હતી અને તેને મેકિન્ટોશ કમ્પ્યૂટર્સ મારફત આઇટ્યૂન્સ સાથે સિંક કરી શકાતો હતો. એ સમયનાં અન્ય એમપી-૩ પ્લેયર્સની સરખામણીમાં આઇપોડ ખાસ્સો નાનો હતો.

આગળ જતાં આઇપોડનું વિન્ડોઝ કોમ્પેટિબલ વર્ઝન પણ લોન્ચ કરવામાં આવ્યું. ૨૦૦૩માં આઇટ્યૂન્સ મ્યુઝિક સ્ટોરની શરૂઆત થતાં આઇપોડની લોકપ્રિયતા જબરજસ્ત વિસ્તરી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ધરમૂળથી બદલાઈ ગઈ.

હજી પણ સંખ્યાબંધ વિન્ડોઝ કમ્પ્યૂટરમાં જે ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે તે વિન્ડોઝનું એક્સપી વર્ઝન આજના દિવસે એટલે કે લગભગ ૨૦ વર્ષ પહેલાં લોન્ચ થયું હતું. વિન્ડોઝ એક્સપી વિશ્વની સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ્સમાંની એક ગણાય છે.

આજે ઇન્ટરનેટ ટેકનોલોજીએ હરણફાળ ભરી લીધી હોવા છતાં આપણે થોડા થોડા સમયે વિવિધ જાણીતી સર્વિસિસ ખોટકાયાના કે અમુક દેશોમાં આખેઆખી ઇન્ટરનેટ સર્વિસ અટકી પડ્યા વિશેના સમાચાર વાંચીએ છીએ. આવું જે તે સર્વિસના સર્વરમાં ખામી સર્જાતાં કે પછી મહાસાગરોના તળિયે બિછાવેલા ઇન્ટરનેટ કેબલ્સને નુકસાન થવાના કારણે થતું હોય છે.

આજે આ સ્થિતિ હોય તો પછી આજના આધુનિક ઇન્ટરનેટનો પાયો નંખાયો એ આર્પાનેટના સમયમાં પણ આવી ખામીઓ સર્જાય તેમાં નવાઈ નથી. આજના દિવસે એ નેટવર્કમાં એક ખામી સર્જાતાં પૂરા ચાર કલાક સુધી નેટવર્કે કામ કરવાનું બંધ કરી દીધું. એ સાથે ઇન્ટરનેટ આઉટેજના કિસ્સાઓની પણ શરૂઆત થઈ તેમ કહી શકાય!

આર્પાનેટની વાત નીકળી છે તો તેના સંદર્ભે બીજી એક વાત પણ જાણી લઈએ. આજના દિવસે અમેરિકાનીના લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના એક વિદ્યાર્થીએ આર્પાનેટથી જોડાયેલા સ્ટેનફોર્ડ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એક કમ્પ્યૂટરને માત્ર ‘‘Login’’ લખેલો એક ટેકસ્ટ મેસેજ મોકલવાની કોશિશ કરી.

મજા એ થઈ કે ફ્કત ‘lo’ અક્ષરો મોકલાયા પછી સિસ્ટમ ક્રેશ થઈ ગઈ! એકાદ કલાક પછી સિસ્ટમ ફરી શરૂ થઈ ત્યારે આખો શબ્દ સફળતાપૂર્વક મોકલાયો. આમ ઇન્ટરનેટ પર મોકલાયેલો પહેલો મેસેજ ‘‘lo’’ ગણાયો, આજના સંદર્ભે ‘‘lol’’ કહેવાનું મન થાય તેવી વાત છે ને!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!