(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ક્રોમબુક : કોરોના પછીની દુનિયા માટે પરફેક્ટ લેપટોપ?

નવા સમયમાં, આપણી કામકાજની પદ્ધતિ ખાસ્સી બદલાઈ છે. ત્યારે આપણી લેપટોપની ચોઇસ પણ બદલાઈ શકે છે.

વર્ક-ફ્રોમ-હોમ અને સ્કૂલિંગ-ફ્રોમ-હોમ હવે આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો બનવા લાગ્યાં છે એ સાથે લેપટોપની ડિમાન્ડ પણ વધવા લાગી છે. ગયા વર્ષે, આખી દુનિયાના વિવિધ દેશોમાં ઓફિસો બંધ થવા લાગી એ સાથે એક તરફ ડેસ્કટોપના વેચાણમાં રીતસર કડાકો બોલી ગયો, તો બીજી બાજુ લેપટોપનું વેચાણ સતત વધતું ગયું.

લોકડાઉન દરમિયાન અને ત્યાર પછીના સમયમાં, ઓફિસના કામકાજ માટે તથા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે લેપટોપ અનિવાર્ય બનવા લાગ્યાં છે. પરિવારમાં જેટલા લોકો હોય એટલા સ્માર્ટફોન હોય એવી સ્થિતિ તો લગભગ આવી જ ગઈ હતી, હવે લેપટોપમાં પણ એવી સ્થિતિ સર્જાવા લાગી છે (મમ્મીઓને પણ રેસિપી ક્લાસ કે ‘યોગા’ માટેની ઝૂમ મીટિંગ એટેન્ડ કરવા માટે સ્માર્ટફોનનો સ્ક્રીન નાનો પડવા લાગ્યો છે!).

આ સ્થિતિમાં, જો તમે પણ તમે તમારા પોતાના માટે કે સંતાનો માટે સારું અને સસ્તું લેપટોપ શોધી રહ્યા હો તો તમારે માટે એક ખુશખબર છે. વિવિધ કમ્પ્યૂટર કંપનીએ ભારતમાં ક્રોમબુક લેપટોપની નવી સીરિઝ લોન્ચ કરી રહી છે, જેની પ્રારંભિક કિંમત માંડ વીસ-પચીસ હજાર હોય અને છતાં પરફોર્મન્સ અફલાતૂન હોય – ફક્ત અહીં પણ કેટલીક શરતો લાગુ છે!

દુનિયામાં લેપટોપની ડિમાન્ડ ખાસ્સી વધી છે ત્યારે લેપટોપના પ્રકારની પસંદગીમાં એક રસપ્રદ પરિવર્તન જોવા મળ્યું છે.

‘સાયબરસફર’માં આપણે લેપટોપની ખરીદી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ચ ૨૦૧૯માં વિગતવાર વાત કરી હતી, ત્યારે આપણે મુખ્યત્વે વિન્ડોઝ લેપટોપને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. પરંતુ અત્યારના સમયમાં જો તમે લેપટોપ ખરીદવા માટે ફિઝિકલ શોપ્સ કે ઓનલાઇન સાઇટ્સમાં ખાંખાંખોળાં કર્યાં હશે, ફિલ્ટર્સમાં બધા પ્રકારની લેપટોપ કેટેગરી ઓન રાખી હશે અને પ્રોટક્ટ લિસ્ટનું સોર્ટિંગ ‘ફ્રોમ લો ટુ હાઇ’ પ્રાઇસનું રાખ્યું હશે, તો કદાચ ક્રોમબુક્સ પણ તમારા ધ્યાનમાં આવી હશે.

નવા પ્રકારનાં લેપટોપ જેવાં ક્રોમબુક લેપટોપ આમ તો પૂરા એક દાયકા પહેલાં લોન્ચ થયાં હતાં, પણ તેનો ખરો દસકો હવે શરૂ થઈ રહ્યો છે એમ કહી શકાય.

ખરેખર તો, કોરોનો પછીની દુનિયા માટે ક્રોમબુક પરફેક્ટ છે એ કહીએ તોય ખોટું નથી. ગયા વર્ષથી ક્રોમબુકના વેચાણમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે એ હકીકત પણ આ વાત તરફ ઇશારો કરે છે.

એક સમયે લગભગ નિષ્ફળ ગણાયેલ ક્રોમબુક હવે, તેની ઓછી કિંમતને કારણે લાઇમલાઇટમાં આવેલ છે.

ક્રોમબુકની લોકપ્રિયતા અચાનક વધવા પાછળ બે મુખ્ય કારણો છે. એક કારણ છે મેક અને વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં તેની ઘણી ઓછી કિંમત. બીજું કારણ છે, કોરોના પછીના સમયગાળામાં ક્લાઉડ કમ્પ્યુટિંગ સતત વધતો ઉપયોગ.

આગળ વાત કરી તેમ, તમે ઓનલાઇન સાઇટ્સ પર વિન્ડોઝ લેપટોપ તપાસો તો પ્રમાણમાં ઠીક ઠીક સ્પેસિફિકેશન કહી શકાય એવાં લેપટોપ માટે આપણે સહેજે ચાલીસ હજારથી વધુનું બજેટ રાખવાની તૈયારી રાખવી પડે. જ્યારે ક્રોમબુક તપાસો, તો તેની કિંમત માંડ વીસ હજાર રૂપિયાથી શરૂ થતી દેખાય.

તમારી જરૂરિયાત અમુક નિશ્ચિત પ્રકારની હોય તો ક્રોમબુક તમારે માટે એક ખરેખર સ્માર્ટ ચોઇસ બની શકે છે.

અલબત્ત, આ નારંગી અને સફરજનને સરખાવવા જેવી વાત છે, બંને લેપટોપના પ્રકાર એકબીજાથી બિલકુલ અલગ છે, પણ જરૂરિયાત અને પરફોર્મન્સ લગભગ સરખાં હોય ત્યારે કિંમત મહત્ત્વની વાત બને. જ્યારે લેપટોપની વાત આવે ત્યારે કિંમતની સાથોસાથ તમારો ઉપયોગ શો છે એ બહુ મહત્ત્વની બાબત બની જાય છે. તમે તમારા પોતાના મુખ્ય નહીં, પણ સેકન્ડરી કમ્પ્યૂટર તરીકે અથવા સંતાનોના સ્કૂલ-કોલેજના અભ્યાસ માટે  સારું લેપટોપ શોધી રહ્યા હો, તો ક્રોમબુક તમારા માટે એક બહુ મજબૂત વિકલ્પ છે – તમને બજેટની ચિંતા ન હોય તો પણ!

તો મૂળ મુદ્દો આ છે – વિન્ડોઝ લેપટોપને બદલે ક્રોમબુક લેવાય? એ માટે આપણે પહેલાં ક્રોમબુક એક્ઝેક્ટલી શું છે એ જાણીએ અને પછી, ક્રોમબુક કયાં કારણોસર લેવાય અને કયાં કારણોસર ન લેવાય તેની વાત કરીએ.


 

ક્રોમબુક આખરે એક પ્રકારનું લેપટોપ જ છે. વિન્ડોઝ લેપટોપ અને ક્રોમબુક બાજુ બાજુમાં પડ્યાં હોય તો બંનેને કોઈ રીતે અલગ તારવી ન શકીએ એટલી હદે બંને સરખાં છે. છતાં, એટલું ખરું કે લેપટોપની વાત આવે ત્યારે આપણા મનમાં પહેલો વિચાર માઇક્રોસોફ્ટની વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમ અને ઇન્ટેલના પ્રોસેસરવાળા લેપટોપનો જ આવે છે.

કારણ એ છે કે ડેસ્કટોપ અને લેપટોપનું લગભગ ૭૬ ટકા માર્કેટ માઇક્રોસોફ્ટે કબજે કરેલું છે. ૧૭ ટકા માર્કેટમાં એપલની ઓએસનો દબદબો છે અને ગૂગલની ક્રોમ ઓએસનો માર્કેટશેર માત્ર બે ટકા જેટલો છે.

બીજી રીતે જોઈએ તો આ સ્થિતિ સ્માર્ટફોન કરતાં બિલકુલ ઊંધી છે! તેમાં ૯૦-૯૫ ટકા જેટલો હિસ્સો ગૂગલની એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો છે, બાકીનો હિસ્સો એપલનો છે અને માઇક્રોસોફ્ટ હવે ક્યાંય નથી.

ગૂગલે લેપટોપના માર્કેટમાં પણ બાજી પલટાવવાના ધ્યેય સાથે, દસ વર્ષ પહેલાં એટલે કે ૨૦૧૧માં ક્રોમબુક નામનાં ‘ખાસ પ્રકારનાં’ લેપટોપ લોન્ચ કર્યાં. ત્યારે એ લેપટોપ, વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં લેપટોપ જ ન કહી શકાય એવાં હતાં. ગૂગલે પોતાના આ લેપટોપ માટે ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ વિક્સાવી હતી, જે ખરેખર તો ક્રોમ બ્રાઉઝર જેવી જ હતી.

ઓપરેટિંગ સિસ્ટમ સિવાય બીજી બધી રીતે આ લેપટોપ વિન્ડોઝ લેપટોપ જેવાં જ છે. તેમાં પણ ઇન્ટેલનાં પ્રોસેસર હોય છે, એટલે એ ફેર પણ નથી.

છતાં, શરૂઆતનાં વર્ષોમાં એવી છાપ હતી કે ક્રોમબુક એટલે એવું લેપટોપ જેમાં ક્રોમ વેબ બ્રાઉઝર ચાલી શકે, બાકી લગભગ કશું જ નહીં! આ છાપ સાચી પણ હતી. ક્રોમબુકમાં કેવાં કામ કરી શકાય એના કરતાં, શું ન થઈ શકે એની યાદી બહુ લાંબી હતી અને પરિણામે લોકોને લાગ્યું કે ક્રોમબુક ખાસ ઉકાળી શકશે નહીં. પૂરાં દસ વર્ષ વીતી ગયા પછી છેક, લેપટોપના માર્કેટમાં ક્રોમબુકનો હિસ્સો માંડ બે ટકાનો હોય, તો એ નિરાશાવાદ ખોટો પણ નહોતો.

મોટી મોટી કંપનીઓ, અમુક પ્રકારના એમ્પ્લોઇ માટે હવે વર્ક-ફ્રોમ-હોમનો કન્સેપ્ટ કાયમ માટે અપનાવી રહી છે. આવી કંપીઓનું કામકાજ મોટા ભાગે ગૂગલ વર્કસ્પેસ અને માઇક્રોસોફ્ટ આધારિત અથવા વેબ બેઝ્ડ સોફ્ટવેર પર ચાલતું હોય છે. તેમને માટે ક્રોમબુક હવે એક સારો વિકલ્પ બને તેમ છે.

છતાં, હવે કહેવાય છે કે ૨૦૨૧નું વર્ષ અને કદાચ આવતો દાયકો ક્રોમબુકનો હશે!  એનાં ખાસ કારણો છે. કોરોના મહામારી ગૂગલ અને તેની ક્રોમબુકને ફળી છે.

એક તરફ પાછલાં દસ વર્ષમાં ક્રોમબુકમાં ખાસ્સાં પરિવર્તનો આવ્યાં છે અને બીજી તરફ, આપણી કામ કરવાની પદ્ધતિ પણ ખાસ્સી બદલાઈ છે.

ગૂગલે એન્ડ્રોઇડ જેવો જ અભિગમ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ માટે અપનાવ્યો છે. જુદી જુદી ફોન મેન્યુફેક્ચરિંગ કંપની ઓપન સોર્સ એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ મફતમાં મેળવીને, તેને યથાવત રાખીને અથવા તેમાં પોતાની રીતે ફેરફાર કરીને જુદા જુદા એન્ડ્રોઇડ ફોન લોન્ચ કરી શકે છે. એ જ રીતે, ક્રોમ ઓએસ કંઇક અંશે ઓપનસોર્સ છે. લેપટોપ બનાવતી વિવિધ કંપની પોતાના હાર્ડવેરમાં આ ઓપરેટિંગ સિસ્ટમ આપીને તેને ક્રોમબુક તરીકે વેચી શકે છે.

ક્રોમબુક ગૂગલની ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે અને તેમાં મુખ્ય ઝોક ઓનલાઇન વર્કિંગ પર છે.

આપણે ડેલ, એચપી, એસર, સેમસંગ, લીનોવો વગેરે કંપનીનાં ક્રોમબુક ખરીદી શકીએ છીએ. ક્રોમબુક રેગ્યુલર લેપટોપ તથા સ્ક્રીન ડીટેચ કરીને ટેબલેટ તરીકે ઉપયોગમાં લઈ શકાય એવા મોડેલ્સમાં મળે છે. હવે ક્રોમબુકમાં ગૂગલ પ્લે સ્ટોરની સવલત મળે છે, એટલે એન્ડ્રોઇડ ફોનમાં ડાઉનલોડ કરી શકાતી ઘણી ખરી એપનો ક્રોમબુકમાં ઉપયોગ કરી શકાય છે.

હવે મૂળ સવાલ તરફ આગળ વધીએ – તમારે ક્રોમબુક લેવાય? જવાબ છે, અમુક સંજોગોમાં ચોક્કસ હા અને અમુક સંજોગોમાં ચોક્કસ ના!

ક્રોમબુક લેપટોપ કેવા સંજોગમાં લેવાય અને કેવા સંજોગમાં નહીં તેનો બધો આધાર તમારી જરૂરિયાત પર છે. નિશ્ચિત જવાબ મેળવવા માટે, પાછલા એક જ વર્ષમાં તમે ડેસ્કટોપ કે લેપટોપમાં કેટલો સમય વેબબ્રાઉઝરમાં અને કેટલો સમય અન્ય સોફ્ટવેરમાં ગાળ્યો તેનો વિચાર કરી જુઓ.

તમારો પીસી કે લેપટોપનો ઉપયોગ કેવો છે? તમે માત્ર માઇક્રોસોફ્ટ ઓફિસના વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ જેવા પ્રોગ્રામ ચલાવવા, વેબ બ્રાઉઝ કરવા અને ઈ-મેઇલ્સની આપલે કરવા માટે પીસીનો ઉપયોગ કરો છો?

તો તમારું કામ ક્રોમબુકથી ચોક્કસ ચાલી જશે.

અગાઉ આપણને પીસી કે લેપટોપમાં જ ઇન્સ્ટોલ કરેલા સોફ્ટવેરમાં કામ કરવાની આદત હતી. હવે એવી સ્થિતિ નથી. માઇક્રોસોફ્ટ ઓફિસનું ફ્રી વર્ઝન વેબ બેઝ્ડ છે એટલે કે તેનો માત્ર વેબ બ્રાઉઝરમાં ઉપયોગ કરી શકાય છે. તેનું પેઇડ વર્ઝન ખરીદીએ તો તેમાં પીસીમાં ઇન્સ્ટોલ કરી શકાતાં સોફ્ટવેર ઉપરાંત ફુલફ્લેજ્ડ વેબ વર્ઝન પણ મળે છે, જે ક્રોમબુકમાં ચલાવી શકાય છે.

સ્ટુડન્ટ માટે પણ મોટા ભાગે બે જ મુખ્ય જરૂરિયાત હોય છે, એમએસ ઓફિસ અને વેબ બ્રાઉઝર (જેમાં એન્ટરટેઇન્મેન્ટ પણ આવી ગયું). ચોક્કસપણે ફક્ત આટલી જ જરૂરિયાત હોય તો તેમના માટે પણ ક્રોમબુક પરફેક્ટ છે કેમ કે તે વિન્ડોઝ લેપટોપ કરતાં સસ્તું, ફાસ્ટ અને સિક્યોર છે.

ક્રોમબુક લેપટોપ સસ્તાં કેમ છે?

મુખ્ત તફાવત ઓપરેટિંગ સિસ્ટમનો છે. ક્રોમબુકમાં ગૂગલની ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ છે. લગભગ બ્રાઉઝર જેવી આ અત્યંત લાઇટવેઇટ ઓએસ છે, એટલે તેમાં વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં સાદાં ઇન્ટેલ પ્રોસેસરથી પણ સરસ પરફોર્મન્સ મળે છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ૮-૧૨ જીબી રેમ આવવા લાગી છે ત્યારે આઇફોન ૧૨ પ્રોમાં હવે છેક ૬ જીબી રેમ મળી છે. એ પહેલાંના આઇફોન માંડ ૩ જીબીમાં પણ મસ્ત પર્ફોર્મન્સ આપી શકતા હતા.

એ જ રીતે ક્રોમબુકમાં પ્રોસેસિંગ પાવર અને સ્ટોરેજ બંને ઓછાં જોઈતાં હોવાથી તેની કિંમત વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં ઘણી ઓછી છે.

આ ફાયદા લોભામણા છે

  • ખાસ્સી ઓછી કિંમત, લગભગ રૂ. ૨૦,૦૦૦થી શરૂઆત
  • સોલિડ સ્ટેટ ડ્રાઇવ (એસએસડી) અને લાઇટવેઇટ ઓએસને કારણે અત્યંત ફાસ્ટ, માંડ ૮ સેકન્ડમાં બૂટ થાય
  • વાઇ-ફાઇ કે મોબાઇલના હોટ-સ્પોટ પર નેટ કનેટ કરી શકાય
  • મૂળ ક્રોમબુકમાં સ્ટોરેજ માંડ ૩૨ કે ૬૪ જીબી જેટલી, પણ ગૂગલ એકાઉન્ટ પર ૧૦૦ જીબીનો બે વર્ષ ફ્રી ઉપયોગ
  • વજનમાં ખાસ્સું હળવું, માંડ ૯૦૦ ગ્રામથી શરૂઆત
  • એન્ટ્રી લેવલ ક્રોમબુકમાં પણ બેટરી ૬ કે વધુ કલાક ચાલી શકે, સરેરાશ ૮-૯ કલાક પણ ચાલી શકે
  • ગૂગલ વર્કસ્પેસ (ડોક્સ, શીટ્સ, સ્લાઇડ્સ વગેરે) તથા માઇક્રોસોફ્ટ ઓફિસ ડોક્યુમેન્ટ્સ ઓનલાઇન તથા ઓફલાઇન એડિટ કરી શકાય
  • ક્લાઉડ વર્કિંગ માટે પરફેક્ટ
  • એન્ટરટેઇન્મેન્ટ માટે વેબ પર ઉપલબ્ધ બધા વિકલ્પ ક્રોમબુકમાં પણ મળે
  • ૨૦૧૭ પછીનાં ઘણાં ખરાં મોડેલમાં એન્ડ્રોઇડ એપ્સ ઇન્સ્ટોલ કરી શકાય
  • તમારી બધી જ ફાઇલ્સ ગૂગલ એકાઉન્ટમાં રહેતી હોવાથી, ક્રોમબુક ખોવાઈ/ચોરાઈ જાય કે ભાંગીને ભૂક્કો થાય તોય ચિંતા નહીં, બીજા ડિવાઇસમાં ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થઈ કામ આગળ વધારી શકાય
  • વિન્ડોઝ કરતાં વધુ સલામત છે, ઓએસ સતત અપડેટ થાય અને ઓટોમેટિકલી અપડેટ થાય, માલવેરની લગભગ કોઈ ચિંતા નહીં 

ઓફિસ ઉપયોગની દૃષ્ટિએ વાત કરીએ, તો તમારા વિન્ડોઝ પીસીમાં માઇક્રોસોફ્ટ ઓફિસ સિવાય કોઈ ખાસ પ્રકારના સોફ્ટવેર ઇન્સ્ટોલ કરીને તેનો ઉપયોગ કરો છો? જો જવાબ હા હોય, તો ક્રોમબુક લેવાનો વિચાર પણ કરશો નહીં. વિન્ડોઝ લેપટોપની સરખામણીમાં ક્રોમબુકની ઘણી મર્યાદાઓ છે!

વિન્ડોઝ લેપટોપમાં આપણે કોઈ પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, ક્રોમબુકમાં એવું નથી.

તમે એકાઉન્ટિંગ માટે કે ઇન્સ્યોરન્સ અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેના મેનેજમેન્ટ માટે કોઈ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હો, ડેસ્કટોપ પબ્લિશિંગ માટે કોરલડ્રો, ઇનડિઝાઇન, ફોટોશોપ વગેરેનો ઉપયોગ કરતા હો, ગુજરાતી-હિન્દી જેવી ભાષામાં ટાઇપિંગ માટે શ્રીલિપિ, ઇન્ડિકા જેવા સોફ્ટવેર ખરીદ્યાં હોય કે વીએફએક્સ માટે સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરતા હો કે પછી એન્જિનીયરિંગના સ્ટુડન્ટ તરીકે તમે ઓટોકેડ જેવા સોફ્ટવેર વાપરતા હો, તો આ બધાં સોફ્ટવેર ક્રોમબુકમાં ઇન્સ્ટોલ કરી શકાશે નહીં.

આમાંથી કોઈ સોફ્ટવેરનો તમે અત્યારે ઉપયોગ ન કરતા હો, પણ ભવિષ્યમાં કરવાની શક્યતા હોય, તો પણ ક્રોમબુક ખરીદશો નહીં. (હા, ઓટોકેડની જેમ જેનું ક્લાઉડ વર્ઝન હોય તે સોફ્ટવેર ક્રોમબુકમાં ચાલશે)

તમારું સંતાન સ્કૂલ-કોલેજમાં હોય અને તેણે ‘બ્લૂજે’ જેવા ખાસ પ્રોગ્રામમાં જાવા પ્રોગ્રામિંગ શીખવાનો થતો હોય એ પણ ક્રોમબુકમાં ચાલશે નહીં. 

ટૂંકમાં, જે કામ તમે ક્રોમબુકમાં કરી શકો એ બધાં જ કામ વિન્ડોઝ લેપટોપમાં થઈ જ શકશે, પણ એથી ઉલટું સાચું નથી. વિન્ડોઝ લેપટોપમાં થઈ શકતાં બધાં કામ ક્રોમબુકમાં ન પણ થાય! ક્રોમબુક બધી રીતે લોભામણા લાગે તો પણ આ મર્યાદા બરાબર ધ્યાનમાં રાખીને પછી ક્રોમબુક ખરીદવા વિશે વિચાર કરજો.

આ ગેરફાયદા પણ ધ્યાને લેજો

  • મુખ્યત્વે ઇન્ટરનેટ આધારિત કામકાજ માટે ઉપયોગ, અલબત્ત, હવે લગભગ બધું કામ ઓફલાઇન શક્ય છે, પણ ઝોક ઓનલાઇન પર છે, એટલે જ લોકલ સ્ટોરેજ અત્યંત ઓછી છે
  • વિન્ડોઝ લેપટોપમાં ઇન્સ્ટોલ કરી શકાતા ઘણા ખરા લોકલ પ્રોગ્રામ ક્રોમબુકમાં ચાલશે નહીં
  • એન્ડ્રોઇડ એપ્સ ઇન્સ્ટોલ કરી શકાય, પણ મોટા ભાગની એપ્સ મોબાઇલ સ્ક્રીન માટે ડિઝાઇન થયેલી હોવાથી લેપટોપના સ્ક્રીન પર બરાબર ન ચાલે એવું બની શકે
  • સ્ટોરેજ મોટા ભાગે ૩૨ જીબીની, જ્યારે વિન્ડોઝ લેપટોપમાં ૫૦૦ જીબી કે ૧ ટીબી પણ સામાન્ય વાત છે
  • સીડી-ડીવીડી ડ્રાઇવ હવે વિન્ડોઝ લેપટોપમાં પણ મોટા ભાગે ગેરહાજર હોય છે, ક્રોમબુકમાં પણ નથી
  • સ્પેસિફિકેશનની દૃષ્ટિએ જોઈએ તો ક્રોમબુકમાં પણ ઇન્ટેલનાં પ્રોસેસરનો ઉપયોગ થાય છે અને એન્ટ્રી લેવલનાં ક્રોમબુકમાં સેલેરોન જેવું વિન્ડોઝની દૃષ્ટિએ હવે બહુ નબળું ગણાય તેવું પ્રોસેસર હોય છે. અલબત્ત, ઓએસ અને બીજી રીતે ક્રોમબુક અત્યંત લાઇટવેઇટ હોવાથી આ પ્રોસેસરમાં પણ તે સારું પર્ફોર્મન્સ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!