ઓગસ્ટ ૨૦૨૧માં એપલ કંપનીએ એક નવા ફીચરની જાહેરાત કરી, જેનો હેતુ સારો હોવા છતાં તે વિવાદાસ્પદ બન્યું છે. અત્યાર સુધી એપલ કંપનીએ તેના યૂઝર્સના ડેટાની પ્રાયવસી બાબતે હંમેશાં અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આ માટે તે અમેરિકાની સરકાર કે એફબીઆઈ સામે પણ શિંગડાં ભરાવતાં ખચકાઈ નથી. પરંતુ હવે કંપનીએ કહ્યું છે કે તે તેની વિવિધ સર્વિસ અને ડિવાઇસમાંની ઇમેજીસને તપાસશે, બાળકોનું જાતીય શોષણ દર્શાવતી ઇમેજીસ સ્કેન કરશે, તેને અટકાવશે તથા કાયદાપાલક એજન્સીઓને આવી ઇમેજીસનું શેરિંગ અટકાવવામાં મદદ પણ કરશે.
એપલના આ નવા ચાઇલ્ડ પ્રોટેકશન ફીચરને કારણે, જ્યારે કોઈ બાળકના એપલ ડિવાઇસમાં વાંધાજનક તસ્વીરો આવે કે ડિવાઇસમાંથી તેને મોકલવામાં આવે ત્યારે ડિવાઇસની સિસ્ટમ એ બાળકને તથા તેના પેરેન્ટ્સને તે વિશે ચેતવશે. ડિવાઇસને જ્યારે કોઈ તસવીર વાંધાજનક લાગશે ત્યારે તેને ધૂંધળી કરી દેવામાં આવશે અને એ બાળકને કહેવામાં પણ આવશે જો તે એ ઇમેજ જોશે તો એ વિશે તેના પેરેન્ટસને ટેકસ્ટ મેસેજથી જાણ કરવામાં આવશે! પેરેન્ટ્સ ધારે તો આ ફીચર ઓન કે ઓફ કરી શકશે.
યુએસમાં બાળકોને સાંકળતા પોર્નોગ્રાફિક કન્ટેન્ટને ‘ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યૂઝ મટીરિયલ’ કહે છે અને તેનો સેન્ટ્રલ ડેટાબેઝ તૈયાર થાય છે. ઇન્ટરનેટ પર આ પ્રકારના કન્ટેન્ટની લગભગ બેરોકટોક આપલે થતી રહેતી હોય છે. પરંતુ હવે એપલ તેના પ્લેટફોર્મ પર શેર થતી ઇમેજીસને સેન્ટ્રલ ડેટાબેઝ સાથે સરખાવશે. જ્યારે કોઈ યૂઝરના એપલ એકાઉન્ટથી એપલના પ્લેટફોર્મ પર વાંધાજનક ઇમેજીસનું શેરિંગ અમુક નિશ્ચિત મર્યાદા કરતાં વધી જશે ત્યારે એપલ એ યૂઝરનું એકાઉન્ટ ડિસેબલ પણ કરી દેશે.
એપલની આ પહેલની એક તરફ પ્રશંસા થઈ રહી છે પરંતુ બીજી તરફ નિષ્ણાતોનો અભિપ્રાય એવો પણ છે કે આ ફીચરને કારણે સરકાર અને તપાસ સંસ્થાઓને કોઈ પણ વ્યક્તિના એપલ ડિવાઇસ કે એકાઉન્ટમાં ઘૂસવાનું બહાનું મળી જશે અને એપલની એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ નબળી પડી જશે.
અલબત્ત એપલે સ્પષ્ટપણે કહ્યું છે કે તે આ ફીચરનો સરકારને અન્ય કોઈ રીતે લાભ લેવા દેશે નહીં.
