(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો એડિટિંગ એપ્સમાં ક્લિક્સ

વીડિયો હવે માત્ર જોવાનું માધ્યમ રહ્યું નથી, તમે પણ વીડિયો લઈ તેનું પ્રોફેશનલ જેવું એડિટિંગ કરી શકો છો.

લગભગ લોકડાઉન જેવા દિવસો દરમિયાન તમે રસોડામાં કોઈ નવી રેસિપી ટ્રાય કરી? ચાહો તો, તમારા ફોનના કેમેરામાં ‘ફૂડ’ ફિલ્ટર હોય તો એ મોડમાં એક મજાનો ફોટો લઈ, વોટ્સએપમાં ફેમિલી ગ્રૂપમાં શેર કરો. અથવા, એક સ્ટેપ આગળ વધીને કૂકિંગનાં બધાં સ્ટેપનો વીડિયો કેપ્ચર કરો અને પછી ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યૂબ પર શેર કરો!

તમે ઇચ્છો તો આ વીડિયોને પ્રોફેશનલ ટચ પણ આપી શકો – તમારા સ્માર્ટફોનમાંની જ કોઈ ફ્રી વીડિયો એડિટિંગ એપની મદદથી!

વીડિયો હવે માત્ર જોવાનું માધ્યમ રહ્યું નથી, સૌ કોઈને વીડિયો ક્રિએશનમાં પણ રસ પડ્યો છે. હજી થોડા સમય પહેલાં સુધી વીડિયો એડિટિંગ પ્રોફેશનલ્સનું કામ હતું (હજી પણ છે!), પરંતુ હવે સ્માર્ટફોનને કારણે જેમ વીડિયો શૂટિંગ સાવ સહેલું થઈ ગયંું છે, તેમ ફક્ત મોજ માટે વીડિયોનું એડિટિંગ કરવું પણ સહેલું બન્યું છે. વાત ફક્ત મોજ માટે હોય એનો અર્થ એ નથી કે આપણે ફીચર્સમાં કોમ્પ્રોમાઇઝ કરવાં પડે, એ તો પ્રોફેશનલ સોફ્ટવેર જેવાં જ મળશે!

વીડિયો જોવાની સાથે સાથે વીડિયો ક્રિએટ કરવાનું પ્રમામ પણ વધ્યું છે ત્યારે સંખ્યાબંધ એપ્સ વીડિયો એડિટિંગનાં પ્રોફેશનલ ફીચર્સ આપવા લાગી છે.

અહીં છ વીડિયો એડિટિંગ એપ્સની વાત કરી છે. મોટા ભાગની એપ્સ એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે ઉપલબ્ધ છે. આમાંની ઘણી ખરી એપનાં ડેસ્કટોપ વર્ઝન પણ છે, પણ અહીં ફોકસ સ્માર્ટફોન એપ પર જ રાખ્યું છે.

આ દરેકનાં બેઝિક વર્ઝન ફ્રી છે. મોટા ભાગની એપમાં વોટરમાર્ક કે વીડિયોની ટાઇમલિમિટ પણ નથી, છતાં ફીચર્સ જાતભાતનાં છે.

લગભગ આ બધી એપ્સનાં ડેસ્કટોપ વર્ઝન છે, પરંતુ સ્માર્ટફોનમાં પણ સહેલાઈથી ઉપયોગ કરી શકાય છે.

લગભગ બધી એપના બેઝિક કન્સેપ્ટ એક સરખા છે, ફક્ત તમારે તેનાથી પરિચિત થવું પડશે. તમે જોશો તેમ આ બધી એપ્સમાં કોઈ ને કોઈ આગવી ખાસિયત છે. ફોટો સ્ટોરેજ અને શેરિંગ માટે સૌથી સારી ગણાતી ગૂગલ ફોટોઝ એપ, આ લિસ્ટમાં સૌથી ઓછાં ફીચર્સ ધરાવતી એપ છે, તો એડોબ પ્રીમિયર એપ મફતમાં બહુ મર્યાદિત હોવા છતાં, પાવરફુલ ફીચર્સ જોવા-સમજવા માટે સામેલ કરી છે. હમણાં તમારી પાસે ફુરસદ વધુ હોય તો આવી એપ્સ પણ તપાસવા જેવી છે. હા, એ યાદ રાખશો કે આ એપ્સને આપણે પોતાના વીડિયો-ફોટોની એક્સેસ આપ્યા વિના છૂટકો નથી!

 

ડેસ્કટોપ માટેનાં વીડિયો એડિટિંગ સોફ્ટવેરમાં એક્શનડિરેક્ટર એડવાન્સ્ડ અને પ્રીમિયમ ફીચર્સ માટે જાણીતું નામ છે. તાઇવાનની આ કંપનીની એન્ડ્રોઇડ એપ (આઇઓએસમાં ‘પાવરડિરેક્ટર’) પણ સિમ્પલ છતાં પાવરફુલ વીડિયો એડિટિંગ ટૂલ્સ ધરાવે છે. તમે ઇચ્છો તો એપમાંથી જ વીડિયો રેકોર્ડ કરી તેને એડિટ કરી શકો. તમારો ફોન સપોર્ટ કરતો હોય તો તેમાં ફોરકે વીડિયોનું એડિટિંગ પણ થઈ શકે છે. એપમાં વીડિયો એડિટિંગ પછી, એડ જોવાની સંમતિ આપી, તમારા વીડિયોમાંથી વોટરમાર્ક દૂર કરી શકો છો. સ્પીડ કંટ્રોલ, એક્શન ઇફેક્ટ, વીડિયો સ્મૂધિંગ, ઓડિયો એડિટિંગ, કલર કસ્ટમાઇઝેશન વગેરે સંખ્યાબંધ ફીચર્સ ધરાવતી આ એપ પ્લે સ્ટોરમાં ‘એડિટર્સ ચોઇસ’ રહી ચૂકી છે.

બિલકુલ ફ્રી, વોટરમાર્ક વિના વીડિયો એડિટિંગ માટેની શોધ વીએન એડિટર (‘વ્લોગ નાઉ’) એપથી પૂરી થઈ શકે. જર્મન કંપનીએ વિક્સાવેલ આ સોફ્ટવેર એન્ડ્રોઇડ, આઇઓએસ ફોન અને વિન્ડોઝ લેપટોપ/મેક વગેરે માટે ઉપલબ્ધ છે. તેમાં મલ્ટીપલ વીડિયો અને ઇમેજનું એડિટિંગ શક્ય છે. એપના બેઝિક કમાન્ડ એકદમ સહેલા છે. તમે પોતે સ્માર્ટફોનથી કેપ્ચર કરેલા વીડિયોના એડિટિંગ માટે એપમાં ખાસ્સાં ફીચર્સ છે. તમે યુટ્યૂબને ધ્યાનમાં રાખીને વીડિયો એડિટ કરી રહ્યા હો તો ટેક્સ્ટ અને સબટાઇટલ્સના કંટ્રોલ ખાસ ઉપયોગી થશે. તમને વીડિયો એડિટિંગનો થોડો ઘણો અનુભવ હોય તો આ એપમાં પ્રોફેશનલ્સ માટેનાં ફીચર્સ પણ મળશે. ઊંડો રસ હોય તો એપનાં ટ્યુટોરિલ્સ પણ તપાસવા જેવાં છે.

તમે વીડિયો એડિટિંગ પર નવો નવો હાથ અજમાવી રહ્યા હો તો કાઇનમાસ્ટર એપ તમને ગમશે. શીખાઉ વ્યક્તિને પણ તરત સમજાય એવા સિમ્પલ ઇન્ટરફેસ સાથે આ એપ ખાસ્સાં પાવરફુલ ફીચર્સ ધરાવે છે. તેમાં તમે વીડિયો ક્લિપ્સને ટ્રીમ અને ક્રોપ કરી શકશો, એક ક્લિપમાંથી બીજીમાં જવાનાં ટ્રાન્ઝિશન સેટ કરી શકશો, સબટાઇટલ્સ કે વોઇસઓવર ઉમેરી શકશો, ઇફેક્ટ્સ એપ્લાય કરી શકશો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ઉમેરી શકશો. વીડિયોમાં બીજી ઇમેજ અને સ્ટીકર્સ પણ ઉમેરી શકાશે. અલબત્ત, આ એપ વીડિયોમાં વોટરમાર્ક ઉમેરશે! આ એપ એન્ડ્રોઇડ પ્લે સ્ટોરમાં એડિટર્સ ચોઇસ છે. નામથી અને તેની વેબસાઇટ પર જતાં આ એપ ચાઇનીઝ લાગશે, પણ દ. કોરિયાની છે.

આ જરા જુદા પ્રકારની વીડિયો એડિટિંગ એપ છે. તમે ‘ગોપ્રો’ એક્શન કેમેરા વિશે સાંભળ્યું છે? દરિયાની લહેરો પર સર્ફિંગ કરતી વખતે કે પર્વતારોહણ કરતી વખતે સાહસિકો પોતાની હેલમેટમાં આ પ્રકારના કેમેરા સેટ કરી તેનાથી અનોખી ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી કરી શકે છે. ‘ક્વિક’ આ અમેરિકન કેમેરા કંપનીની એપ છે. તેમાં વીડિયો એડિટિંગ ટૂલ્સ તો છે જ, પણ કંઈક અંશે ગૂગલ ફોટોઝની જેમ, આ એપને તમારા વીડિયોઝની એક્સેસ આપ્યા પછી, તે ઓટોમેટેકિલી, તમારી ક્લિપ્સમાંથી નીતનવી, અનોખી મૂવી ક્રિએટ કરીને તમને બતાવે છે! આ એપ પણ આઇઓએસ, એન્ડ્રોઇડ બંને માટે ઉપલબ્ધ છે. તેમાંનાં કેટલાંય ફીચર્સ પેઇડ છે, પણ બેઝિક ફ્રી વર્ઝન ટ્રાય કરવા જેવું છે!

તમે અંગત ઉપયોગ માટે વીડિયો એડિટિંગ એપ શોધી રહ્યા હો, તો અહીં દર્શાવેલી અન્ય એપ્સથી કામ ચાલી જશે, પણ પ્રોફેશનલ વીડિયો એડિટિંગ શીખવા માગતા હો તો તમારા ફોનમાં અમેિરકન એડોબ પ્રીમિયર રશ એપ હોવી જોઈએ (જો ફોન સપોર્ટ કરી શકે તો!). પ્રોફેશનલ વીડિયો એડિટિંગમાં એડોબ પ્રીમિયર બહુ મોટું નામ છે, તેનાં બધાં ફીચર્સ આ ફ્રી એપમાં ઉપયોગી કરી શકાય છે, પણ એક મોટી શરત સાથે. તેમાં અનલિમિટેડ વીડિયો એડિટ કરી શકશો, પણ એક્સપોર્ટ માત્ર ત્રણ વીડિયો કરી શકશો! મતલબ કે તમે વીડિયો એડિટિંગમાં કારકિર્દી માટે ટ્રાય કરી રહ્યા હો, કોઈ સારા એડિટિંગ સ્ટુડિયોમાં નોકરી કરતા હો કે શોધી રહ્યા હો તો એડોબ પ્રીમિયર શીખવા પૂરતી આ એપ કામ લાગશે!

જો તમે સ્માર્ટફોનથી લીધેલા વીડિયો ગૂગલ ફોટોઝ એપમાં અપલોડ કરતા હો અને વીડિયોમાં માત્ર નજીવું એડિટિંગ કરવા માગતા હો તો આ એપ પણ વીડિયો એડિટર તરીકે કામ આપે છે. ફોટોઝ એપમાં જે તે વીડિયો ઓપન કરતાં તેને એડિટ કરવાના વિકલ્પો મળશે. યાદ રહે, આ એડિટર માત્ર એ વીડિયો માટે જ કામનું છે, એટલે કે તેમાં બીજી વીડિયો ક્લિપ્સ ઉમેરી શકાશે નહીં. અહીં માત્ર સ્ટેબિલાઇઝેશન, ક્રોપિંગ, બ્રાઇટનેસ કે કોન્ટ્રાસ્ટ એડજસ્ટમેન્ટ વગેરે બેઝિક એડિટિંગ થઈ શકશે. તેમાં ઓડિયો ઉમેરવાની સગવડ પણ નથી, હા, તમે ઇચ્છો તો વીડિયો ક્લિપ નાનું લખાણ ઉમેરી શકો છો. વીડિયોમાંથી અલગ અલગ ફ્રેમ ઇમેજ ફાઇલ તરીકે એક્સપોર્ટ પણ કરી શકાશે.

વીડિયો એડિટિંગના બેઝિક કન્સેપ્ટ્સ એક વાર બરાબર સમજી લઈએ એ પછી આ બધી એપ્સનો ઉપયોગ સરળ બની જાય છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!