
‘ઓછી મહેનતે વધુ આવક!’ આ શબ્દો કોઈને પણ લલચાવવા માટે પૂરતા છે. કોરોનાને કારણે તકલીફમાં મૂકાયેલા લોકોને તો ખાસ. ઘેરબેઠાં કામ કરવાની તકને નામે છેતરપિંડી કરતા લોકો પહેલાં પણ હતા અને હવે વધ્યા છે. એમની તરકીબો સમજવા જેવી છે.
વર્ક-ફ્રોમ-હોમ… આ શબ્દો હવે આપણે માટે અજાણ્યા નથી. કોરોના પછી સૌને તેનો પરિચય થઈ ગયો, પણ એવા લોકોને જેમની પાસે પહેલેથી કોઈ ઓફિસમાં જઈને કામ કરી શકાય એવી નોકરી હતી. કોરોના પહેલાં પણ વર્ક-ફ્રોમ-હોમનો કન્સેપ્ટ તો હતો, પણ ત્યારે આઇટી, વીમા એજન્ટ અને કન્સલ્ટન્ટ્સ પૂરતો સીમિત હતો. તેમના ઉપરાંત એવા લોકો માટે હતો, જેમની પાસે ઓફિસ કે નોકરી નહોતાં.

એ વખતે છાપાં ભેગાં ‘ઘેરબેઠાં કમાઓ’ લખેલાં ફરફરિયાં આવતાં. પછી ઇન્ટરનેટને કારણે તેનું સ્વરૂપ બદલાયું અને કોરોનાના પાપે, અનેક લોકોએ કામધંધો ગુમાવ્યાં એટલે એ જૂનો, ‘વર્ક-ફ્રોમ-હોમ’નો ગોરખધંધો કરનારા લોકોને નવેસરથી મોટું કામ મળી ગયું.
ઘરેથી કામ કરવામાં કે કરાવવામાં કંઈ જ ખોટું નથી. પહેલેથી જે લોકો એ રીતે કામ કરતા હતા, તેમને લોકડાઉન દરમિયાન કોઈ તકલીફ પડી નહીં. પરંતુ બીજાની મુશ્કેલીમાં પોતાનો લાભ જોનારા લોકોનો કોઈ તોટો નથી. કોરોનાને કારણે જે લોકો નવેસરથી આર્થિક ભીંસમાં મૂકાયા છે, તેમને હવે ‘ઘેરબેઠાં કામ કરવાની તક’ આપીને લૂંટનારા અનેક લોકો ફૂટી નીકળ્યા છે.
પહેલાં મોબાઇલ એપ મારફત ઇન્સ્ટન્ટ લોન આપવાનો ધંધો પૂરબહારમાં ખીલ્યો (આપણે જાન્યુઆરી ૨૦૨૧ અંકમાં એ વિશે વિગતવાર વાત કરી હતી). એ જ રીતે ઘેરબેઠાં ટાઇપિંગ, ટ્રાન્સલેશન કે વેબસાઇટ્સમાં જાહેરાતો પર ક્લિક કરીને ‘તગડી’ કમાણીની લાલચ આપવાનો ધંધો પહેલેથી ચાલે છે.
ઘેરબેઠાં, ઇન્ટરનેટ પર કામ કરીને સાચી રીતે, સારી કમાણી કેવી રીતે કરી શકાય એની વાત આપણે આગામી અંકમાં કરીશું. આ અંકમાં ફ્રોડની રીતો પર ફોકસ કરીએ.
જો તમારામાં કોઈ એક ચોક્કસ બાબતની એવી આવડત હોય જે અન્ય લોકોમાં મળવી મુશ્કેલ હોય તો તમને ઘેરબેઠાં પૂરતું કામ મળી શકે છે. ઘણા લોકોની ઓફિસ હવે લેપટોપમાં સમાઈ ગઈ છે. કોરોના પછીની દુનિયામાં ઘેરબેઠાં કામની નવી તકો પણ ખૂલી છે. ઇન્ટરનેટ એમાં પણ અનેક રીતે મદદરૂપ થાય છે. જેમ ઇન્ટરનેટ પર વિવિધ પ્રોડક્ટ વેચી શકાય છે એ જ રીતે આપણી કોઈ ચોક્કસ આવડતનો ઉપયોગ કરી, આખી દુનિયામાં ક્લાયન્ટ્સ શોધવા હવે મુશ્કેલ નથી.
પરંતુ આવી આવડત ન હોય અને ઘરના બે છેડા ભેગા કરવાની મથામણમાં રહેતા હોય એવા લોકો ‘શિકારીઓ’ના સકંજામાં આવી જવાની શક્યતા વધુ છે. ઇન્ટરનેટ પરથી સાચી રીતે, યોગ્ય કંપની કે ક્લાયન્ટ્સ પાસેથી કામ કેમ મેળવી શકાય એની વાત આપણે આવનારા દિવસોમાં કરીશું, અત્યારે ટ્રેપથી કેવી રીતે બચવું તેની વાત કરીએ કેમ કે નેટ પર જેન્યુઇન કંપનીઓ કરતાં ફ્રોડ કરનારાનું પ્રમાણ ઘણું વધુ છે.
કામ કરાવ્યા પછી સામી ઉઘરાણી!

સૌથી પહેલાં એક સ્પષ્ટતા જરૂરી છે : વર્ક-ફ્રોમ-હોમ ઓફર કરતી બધી કંપની ફ્રોડ કરવા, આપણને છેતરવા જ બેઠી છે એવું નથી. આપણે ઘરેથી કામ કરવા તત્પર અને તૈયાર હોઈએ, તો આપણો મુખ્યત્વે પાંચ પ્રકારની ‘કંપની’ સાથે ભેટો થઈ શકે છે :
- જેન્યુઇન-સાચી કંપની, જેનું ખરેખર મોટા પાયે કામકાજ છે, જે પોતાનો વર્કલોડ અન્ય લોકોમાં શેર કરી, તેમને તેમના ભાગની યોગ્ય રકમ આપવા તૈયાર છે.
- એવી કંપની જે કામ કરાવવા ઇચ્છતી બીજી કંપનીને માટે કામ કરી આપનાર લોકો શોધી આપવાનું કામ કરે છે (આમાં પાછી, સાચી-ખોટી બંને પ્રકારની કંપની હોય છે!)
- ગમે તે ભોગે પોતાની કમાણી વધારવા માગતી કંપની, જે ખરેખર કામકાજ તો ધરાવે છે, તેણે એ કામ પાર પાડવા બીજાની મદદ લેવી પડે તેમ છે, પણ એ માટે તે બીજા લોકોને ચૂસાય એટલા ચૂસી લેવા માગે છે. સામાન્ય રીતે આવી કંપની સાથેનું કામકાજ થોડો લાંબો સમય ચાલે છે, પછી આપણને પોતે છેતરાતા હોવાનું સમજાય છે
સામાન્ય નોકરી કરતાં ‘વધુ’ આવક, જવા-આવવાનો ખર્ચ નહીં ને બીજું કામ પણ કરી શકાય… આ બધી બાબતોને કારણે લોકો ઓનલાઇન વર્ક ફ્રોડમાં ફસાય છે.
- બિલકુલ બનાવટી, ઠગ કંપની, જે કોઈ પ્રકારનું કામકાજ ધરાવતી હોતી નથી, જે માત્ર કામ આપવાનો ઢોંગ કરીને કોઈ ને કોઈ રીતે, ઝડપથી રકમ પડાવે છે અને પછી ગાયબ થઈ જાય છે.
- બિલકુલ બનાવટી કંપની, કામ આપવાની કે એવો દેખાવ કરવાની લાંબી ઝંઝટમાં પડ્યા વિના, માત્ર ખોટી લિંક પર આપણને લઈ જઈ, આપણી વિગતો ચોરે છે અને પછી તેમાંથી કોઈ રીતે કમાઈ લેવાની કોશિશ કરે છે.
મુશ્કેલી એ હોય છે કે આપણે આર્થિક ભીંસમાં હોઈએ, જે મળે તે કામ કરી લેવા તલપાપડ હોઈએ ત્યારે આવી પાંચેય પ્રકારની કંપનીને પારખવી આપણે માટે મુશ્કેલ બની જાય છે.
ઠગ લોકો કેવી પદ્ધતિ અજમાવે છે?
મોટા ભાગના વર્ક-ફ્રોમ-હોમ કૌભાંડમાં લોકોને શીશામાં ઉતારવા માટે લગભગ એકસરખી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના કૌભાંડમાં લોકોને ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે કે ડેટા એન્ટ્રી કે ટાઇપિંગનું કામકાજ અથવા ઓનલાઇન વેબપેજિસ પર જોવા મળતી જાહેરાતો ક્લિક કરવાનું કે ઘેર બેઠાં થઈ શકે તેવું અન્ય કોઈ પ્રકારનું ઓનલાઇન કામ કરવાની ઓફર કરવામાં આવે છે.
આવી મોટા ભાગની ઓફરમાં કોઈ ઓફિસે નિયમિત, રૂબરૂ જઇને કામ કરવું પડે અને તેમાં જે પગાર મળે તેના કરતાં પણ વધુ કમાણીની લાલચ આપવામાં આવતી હોય છે. બહાર આવવા જવાનો કોઈ ખર્ચ નહીં, ઘેરબેઠાં પોતાની અનુકૂળતાએ કામ કરવાની તક અને સાથોસાથ બીજું કોઈ પણ કામકાજ મળે તો એ પણ કરી શકાય એ બધી લાલચ ઉમેરાવાને કારણે લોકો ઓનલાઇન વર્ક-ફ્રોમ-હોમના કૌભાંડમાં સહેલાઈથી ફસાય છે.
આ પ્રકારના ‘જોબ’ ઓફર કરનારા લોકો ઉમેદવારો શોધવા માટે વોટ્સએપ, એસએમએસ, ઇ-મેઇલ મેસેજિસ અને બનાવટી વેબસાઇટ્સની માયાજાળ ઊભી કરે છે. આ રીતે તદ્દન ઓછા ખર્ચે મોટી સંખ્યામાં મેસેજ મોકલી શકાય છે. ઠગ લોકોના ફાયદાની વાત એ કે વોટ્સએપ જેવી એપમાં વગર વિચાર્યે મેસેજ ફોરવર્ડ કરી બીજાની ‘સેવા’ કરનારા લોકોની ફોજ બહુ મોટી છે, પરિણામે ઠગ લોકોનું કામ સહેલું બને છે.
નોકરીની તાતી જરૂરિયાત અનુભવતી વ્યક્તિ, ઘેરબેઠાં સારી કમાણીની તક મળતી જોઈને લલચાઈ જાય છે. એ જે તે મેસેજમાં લિંક પર ક્લિક કરીને જે વેબપેજ ખુલે તેના પર જાય છે.
ઓનલાઇન કામ ઓફર કરતી કંપની જે વિગતો માગે છે તે સાચી નોકરી આપતી કંપની પણ માગતી હોય છે. આથી સાચા-ખોટાનો ભેદ પારખવો મુશ્કેલ બને છે.
મોટા ભાગે આવી લિંક પર ‘ઉમેદવાર’ને તેની માહિતી આપવાનું કહેતાં ફોર્મ મૂકવામાં આવ્યાં હોય છે. કોઈ પણ જગ્યાએ નોકરી માટે અરજી કરતી વખતે આપવી જરૂરી હોય તેવી સામાન્ય માહિતી અહીં પૂછવામાં આવી હોવાથી આ માહિતી ભરતાં લોકો ખચકાતા નથી. આવી માહિતીમાં વ્યક્તિનું નામ, ઇ-મેઇલ અને મોબાઇલ નંબર ખાસ પૂછવામાં આવે છે.
પહેલી વાર અત્યંત વ્યાપક પ્રમાણમાં જે મેસેજિસ મોકલવામાં આવે છે તે અંધારામાં છોડેલાં તીર જેવા હોય છે – માછલી પકડવા માટે પાણીમાં નાખેલી જાળ જેવા. એવા મેસેજમાંની લિંક પર ક્લિક કરી કોઈ વ્યક્તિ પોતાની સંપર્ક માહિતી આપે એ પછી તેઓ એકદમ નિશાનમાં આવી જાય છે.
આવા પહેલા મેસેજમાં કાં તો ફોર્મ પર લઈ જતી લિંક હોય છે અથવા સીધો સંપર્ક કરવા માટે ફોન નંબર આપવામાં આવ્યો છે. તેના પર કોલ કરીને પણ વ્યક્તિ જાળમાં ફસાય છે.
ફોર્મ ભરવામાં આવે કે કોલ કરવામાં આવે એ સાથે નક્કી થઈ જાય છે કે કઈ વ્યક્તિ ઘેરબેઠાં કામકાજ શોધી રહી છે અને તેને આગળ કઈ રીતે ફસાવી શકાશે.
સાચાં-ખોટાં પગલાંની ભેળસેળ
આ પછી ઘેરબેઠાં કામ કરવા ઇચ્છતી વ્યક્તિનો ફોન પર અથવા વોટ્સએપ પર ‘ઇન્ટરવ્યૂ’ લેવામાં આવે છે. તેમની સામાન્ય પૂછપરછ કર્યા પછી તેમને ઘેરબેઠાં કામકાજ કરવા માટે પસંદ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવે છે. આવી જાણકારી ઇ-મેઇલ, વોટ્સએપ કે એસએમએસ દ્વારા આપવામાં આવે છે. એ પછી ઘેરબેઠાં કામકાજ કરવા ઇચ્છતી વ્યક્તિની ઓળખ અને સરનામાની સાબિતી માટે તેનું સરનામું, પાનકાર્ડ અથવા આધારકાર્ડ વગેરે પુરાવા માગવામાં આવે છે.
એ યાદ રાખવા જેવું છે કે અહીં સુધીનું કશું જ ગેરકાયદે કે ખોટું નથી. ખરેખર, સાચી રીતે નોકરી આપવા ઈચ્છતી કે કામકાજ કરાવવા ઈચ્છતી સાચી કંપનીએ પણ આ બધાં પગલાં લેવાં જરૂરી હોય છે. એટલા માટે જ અહીં સુધી, ઘેરબેઠાં કામ મેળવવા ઈચ્છતી વ્યક્તિને તેની સાથે કશું ખોટું થઈ રહ્યું હોય તેવી શંકા જતી નથી.
પછી ઘેરબેઠાં કામ ઓફર કરતી કંપની સામેની વ્યક્તિને ઓનલાઇન પીડીએફ ફોર્મ મોકલી, તેની પ્રિન્ટ કાઢી તેના પર સહી કરી, તેના ફોટોગ્રાફ લઇને ઓનલાઇન સબમિટ કરવાનું કહે છે. આ ફોર્મ સામાન્ય રીતે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સનું હોય છે. તેમાં કેટલા સમયમાં કામ પૂરું કરવાનું રહેશે અને કામમાં ભૂલો જણાશે તો તેની પેનલ્ટી ભરવી પડશે એવી શરતો સામેલ હોય છે.
આર્થિક ભીંસ અનુભવી રહેલી વ્યક્તિ સામાન્ય રીતે આવી શરતો પૂરતી કાળજીથી વાંચવાની તસ્દી લેતી નથી. કદાચ વાંચે તો પણ પહેલી નજરે આ શરતો યોગ્ય લાગે તેવી હોય છે. કામ મળતું હોવાનું દેખાતાં એ ફટાફટ જેમ કહેવામાં આવે તેમ કરી આપે છે. આમ કરતી વખતે તેમને એવો અંદાજ હોતો નથી કે તેઓ પોતાનાં કાંડાં કાપી રહ્યા છે.
ઘેરબેઠાં ‘કામકાજ’ની શરૂઆત
આ ‘ફોર્માલિટી’ પૂરી થયા પછી ઘેરબેઠાં કામ ઓફર કરતી કંપની તેના ઓનલાઇન પોર્ટલ માટેના યૂઝરનેમ અને પાસવર્ડ મોકલે છે.
આ બધા કોઠા ભેદી નાખ્યા પછી કૌભાંડનો ભોગ બની રહેલી વ્યક્તિને પૂરતો વિશ્વાસ બેસી જાય છે કે તેને કામ મળી ગયું છે. આવે સમયે હળવેકથી, તેમને કામકાજ શરૂ કરતાં પહેલાં સિક્યોરિટી ડિપોઝિટ તરીકે અમુક રકમ જમા કરવાનું કહેવામાં આવે છે. મોટા ભાગે, મળનારી રકમનો આંકડો ખાસ્સો મોટો દેખાતો હોવાથી લોકો તેની સરખામણીમાં નજીવી લાગતી સિક્યોરિટી ડિપોઝિટ ભરવા તૈયાર થઈ જાય છે.
આટલું થયા પછી ઓનલાઇન કામ મોકલવાનું શરૂ કરવામાં આવે છે.
શરૂઆતમાં વાત કરી તેમ, અમુક કંપની અાટલે સુધી પહોંચી, મળે તેટલી રકમ પડાવી ગાયબ થઈ જાય છે. આ પ્રકારના કૌભાંડમાં સિક્યોરિટી ડિપોઝિટ ભર્યા પછી કરવા માટે કોઈ કામ મોકલવામાં આવતું નથી. આથી લોકોને ઝડપથી પોતે છેતરાયા હોવાની ખબર પડે છે.
કામ કરાવ્યા પછી સામી ઉઘરાણી
અમુક કંપનીને સિક્યોરિટી ડિપોઝિટ મેળવીને સંતોષ થતો નથી. આવા પ્રકારના કૌભાંડમાં ‘જોર કા ઝટકા ધીરે સે લગે’ જેવી સ્થિતિ સર્જાય છે.
તેમાં શરૂઆતમાં નિયમિત રીતે કામકાજ મોકલવામાં આવે છે. શરૂઆતમાં કામકાજમાં કોઈ પ્રકારની ભૂલો કાઢવામાં આવતી નથી અને નક્કી થયા મુજબ પ્રારંભિક નજીવું પેમેન્ટ પણ કરવામાં આવે છે. આથી ઘેરબેઠાં કામ કરી રહેલી વ્યક્તિને પોતે યોગ્ય કંપની સાથે જોડાઈ હોવાનો ભરોસો બેસે છે. એ વધુ ને વધુ ખંતથી પોતાનું કામ કરવા લાગે છે. બીજી બાજુ કામ આપનારી કંપની ધીમે ધીમે પેમેન્ટ કરવામાં વિલંબ કરતી જાય છે. અમુક કિસ્સામાં એવું પણ બને છે કે પહેલેથી પેમેન્ટ ટર્મ્સ એવી રીતે નક્કી કરવામાં આવી હોય છે જેમાં લગભગ ૭૦-૭૫ ટકા જેટલું કામ પૂરું થયા પછી પેમેન્ટ આપવાનું શરૂ કરવાની વાત હોય છે.
પરિણામે પૂરા કરી આપેલા કામનું પ્રમાણ વધતું જાય, પણ તેનું પેમેન્ટ મળવામાં મોડું થતું જાય. પછી કામ કરી આપનારી વ્યક્તિ પેમેન્ટ વિશે પૂછપરછ શરૂ કરે ત્યારે પેલી કંપની પોત પ્રકાશવાનું શરૂ કરે છે. ઓનલાઇન કામ મોકલી આપ્યા પછી આપણો તેના પર કોઈ કંટ્રોલ હોતો નથી. આ તબક્કે ઘેરબેઠાં કામ કરનારી વ્યક્તિએ તેના કામમાં કેટલી ‘ભૂલો’ કરી છે તે બતાવવાનું શરૂ કરવામાં આવે છે. આ બધી ભૂલોને કારણે ‘‘કામ આપનારી કંપની માટે મુશ્કેલીઓ સર્જાઈ છે, તેણે જેની પાસેથી વર્કઓર્ડર મળ્યા છે એ કંપનીને પેનલ્ટી ચૂકવવી પડી’’ વગેરે કહેવાની શરૂઆત થાય છે.
આ પછીનો તબક્કો વધુ ખરાબ હોય છે.
હવે કામ આપનારી કંપની તેનું ‘નુકસાન’ ભરપાઈ કરી આપવા વળતી ‘નોટિસ’ મોકલવાનું શરૂ કરે છે. મતલબ કે આખી વાત અહીંથી બિલકુલ યુ-ટર્ન લે છે.
ઘણી કંપની શરૂઆતમાં નજીવી રકમનું પેમેન્ટ કરે અને મોટા ભાગનું કામ પૂરું થઈ જાય એ પછી, તેમાં ‘ભૂલો‘ બતાવી સામે પેનલ્ટી માગવાનું શરૂ કરે છે.
જેણે કામ કર્યું છે અને કરેલા કામના જેને રૂપિયા મળવા જોઇએ તેણે ‘નુકસાન’ ભરપાઈ કરવું પડે એવી સ્થિતિ સર્જાય છે. આવે તબક્કે કામ આપનારી કંપની તરફથી ધાકધમકી અને હેરાનગતિના ફોનકોલ્સ આવવાનું શરૂ થઈ જાય છે. ઘણા કિસ્સામાં એક જ દિવસમાં સેંકડો લોકો તરફથી જુદા જુદા નંબર પરથી આવા ફોનકોલ્સ આવવાનું શરૂ થયાનું નોંધાયું છે. આ બધા જ કોલ પેલી કામ આપનારી કંપનીના ‘રિકવરી એજન્ટ’ કે ‘વકીલ’ કે ‘પોલીસ’ તરફથી હોય એવો દેખાવ ઊભો કરવામાં આવે છે.
દરેક ફોનનો સૂર એક જ હોય છે – તમે સ્વીકારેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન મુજબની પેનલ્ટી ભરી આપો નહીંતર કાયદાકીય પગલાંનો સામનો કરવા તૈયાર થઈ જાવ. આવી ધાકધમકીથી ડરીને ઘણા લોકોએ, પોતે કરેલા કામ બદલ રૂપિયા મેળવવાને બદલે છૂટકારો પામવા મોટી રકમ આપી હોય એવા કેસ નોંધાયા છે.
જુદી રીતે પણ ‘કમાણી’
ઘણા કિસ્સામાં ઘેરબેઠાં કામકાજ કરવા કમ્પ્યૂટર કે લેપટોપ હોવું જરૂરી હોય ત્યારે કામ આપનારી કંપની પોતે લેપટોપ પણ મોકલવાની ઓફર કરતી હોય છે. આવા કેસમાં કંપની તરફથી આપણે ઘેર લેપટોપ પહોંચે તે પહેલાં તેના ઇન્સ્યોરન્સ અને ડિલિવરી ચાર્જ માટે ૧૦ થી ૧૫ હજાર રૂપિયા માગવામાં આવે છે. આ રકમ ભર્યા પછી કંપની તરફથી ‘વર્ક ઓર્ડર’ કે ‘ઓફર લેટર’ કે કંપનીનું આઇકાર્ડ વગેરે મોકલવામાં આવે છે, પરંતુ લેપટોપ આવતું નથી!
ઘેરબેઠાં, ઇન્ટરનેટ પર કામ કરવું સહેલું છે, પણ એક વિષયની ચોક્કસ આવડત ન હોય તો મોટા ભાગે છેતરાવાનું થાય છે – કામ મેળવવા ઉતાવળ કરશો નહીં!

સામાન્ય, રોજિંદી નોકરી કરતાં કે તમારી લાયકાત કરતાં પણ વર્ક-ફ્રોમ-હોમમાં વધુ કમાણીની ઓફર કરવામાં આવે છે? તમે ખરેખર આર્થિક ભીંસ અનુભવતા હો તો પણ આવી લોભામણી ઓફર પર વિશ્વાસ મૂકશો નહીં.

જેનો ઇરાદો છેતરપિંડીનો જ છે, તે લોકો એક વાર આપણી સંપર્ક માહિતી મળ્યા પછી વારંવાર ફોલો-અપ કરે છે અને કોન્ટ્રેક્ટ સાઇન કરીને મોકલવા વધુ પડતી ઉતાવળ કરે છે. એ ગમે તેટલું દબાણ કરે તો પણ ઉતાવળિયું પગલું ભરશો નહીં.

તમને જે કંપની કામ ઓફર કરી રહી છે તેની વિગતો ઇન્ટરનેટ પર તપાસો. ફ્રોડ કંપની હશે તો ક્યાંક તેના વિશે ફરિયાદની વિગતો પણ જોવા મળશે. કંપનીની વેબસાઇટ, પોસ્ટલ એડ્રેસ, કંપનીના નામનું ઈ-મેઇલ એડ્રેસ વગેરે કંઈ ન હોય તો તેની સાથે કામ કરવા માટે આગળ વધશો નહીં.

ઘણી કંપની સાથે જોડાઈ, બીજાને ટીમમાં સામેલ કરીને કામ કરવાનું હોય છે. મલ્ટિ-લેવલ માર્કેટિંગ ખોટું કે ગેરકાયદે નથી, પરંતુ એ સહેલું નથી. કોઈ અજાણી કંપની તમારા કામ સામે નિશ્ચિત રકમ આપવા બંધાય નહીં, ઉલટાનું તમારે એ કંપની માટે ટીમ ઊભી કરવાની વાત હોય તો એમાં પડશો નહીં.

તમે કામ કરવાનું શરૂ કરો તે પહેલાં સિક્યોરિટી ડિપોઝિટ, ટ્રેનિંગ કે લેપટોપ આપવું વગેરે કોઈને કોઈ બહાને રકમ માગવામાં આવે તો, ગમે તેટલી આર્થિક જરૂર હોય તો પણ કામ પહેલાં, સામેથી રકમ આપશો નહીં. મોટા ભાગે આ રકમ ગુમવવાનો વારો આવે છે.

અમુક કંપની કામ શરૂ થયા પછી, થોડો સમય નજીવું પેમેન્ટ કરે છે, પછી મોડું કરવા લાગે છે અને પછી જેટલી રકમ ચૂકવવાની હોય તેના કરતાં ઘણી વધુ રકમનો ચેક મોકલે છે, જેની તારીખ અમુક દિવસો પછીની હોય. પછી એ આપણો સંપર્ક કરી, પોતાની ‘ભૂલ’ વિશે જણાવે અને આપણી લેણી રકમ કાપી, બાકીની રકમ કંપનીને પરત કરી, પછી ચેક ડિપોઝિટ કરવા કહેવામાં આવે છે. જો આપણે ભરમાઈને ‘વધારાની’ રકમ મોકલી આપીએ, તો કહેવાની જરૂર ખરી કે પેલો ચેક પણ છેવટે તો બાઉન્સ જ થાય છે?!
તમે ખોટી કંપની સાથે ભરાઈ પડો તો તેના માટે તમે જે કામ કર્યું હોય, એ માટેની મહેનત તો પાણીમાં જશે. પરંતુ એ કંપની તરફથી,રકમ ચુકવવાને બદલે વળતી ઉઘરાણી કરવામાં આવે તો ડરવાની જરૂર નથી. મોટા ભાગે આપણને જે ‘સાઇન્ડ કોન્ટ્રેક્ટ’ને નામે ધાકધમકી આપવામાં આવે છે તેનો કોઈ કાયદાકીય આધાર હોતો નથી (જેન્યુઇન કંપની સાથે કામ કરતી વખતે તેની સાથે કરેલા કોન્ટ્રેક્ટને માન આપવું ચોક્કસ જરૂરી છે, પરંતુ બંને વચ્ચેનો તફાવત સમજાઈ જ આવશે).

જેમ ઓનલાઇન બેન્કિંગ કે ક્રેડિટ-ડેબિટ કાર્ડ કે યુપીઆઇના ફ્રોડમાં આપણે પોલીસની મદદ લઈ શકીએ એ જ રીતે, આ પ્રકારના ફ્રોડમાં પણ પોલીસ ફરિયાદ કરી શકો છો.
એ માટે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકાય અથવા ૧૦૦ કે ૧૧૨ નંબર પર સંપર્ક કરતાં, તેમના તરફથી આગળનાં પગલાં સૂચવવામાં આવશે. તમે કેન્દ્ર સરકારના નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (https://www.cybercrime.gov.in/) પર પણ ફરિયાદ નોંધાવી શકો છો.


