(એફબીઆઇના ઓપરેશનનું બેકગ્રાન્ડ વાંચો આ લેખમાં)
વાતની શરૂઆત ત્રણેક વર્ષ પહેલાં ૨૦૧૮માં થઈ. ક્રિમિનલ્સ વચ્ચેના કમ્યુનિકેશનને ખાનગી રાખી શકે તેવી વિવિધ મેસેજિંગ સર્વિસે પોલીસના નાકમાં દમ કરી દીધો હતો. ટેકનોલોજીના મોરચે ખેલાતી ચોર-પોલીસની રમતમાં ચોરનું પલડું ભારે થઈ રહ્યું હતું. એ સમયે ‘ફેન્ટમ સિક્યોર’, ‘સ્કાય ગ્લોબલ સિફર’ અને ‘એન્ક્રોચેટ’ જેવી સર્વિસ વિશ્વભરના ગુનાખોરોમાં ખાસ્સી પોપ્યુલર થઈ રહી હતી. કારણ એ હતું કે આ સર્વિસ આપણા જેવા સામાન્ય લોકો જેનો પ્રાઇવસી માટે ઉપયોગ કરે છે તે વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલનું પણ માથું ભાંગે તેવી હતી.

આ બધી સર્વિસની ખાસિયત એ હતી કે તેમાં માત્ર મેસેજિંગ નહીં પરંતુ આખેઆખા ફોનને સિક્યોર કરવામાં આવતા હતા.
આ પ્રકારની સર્વિસમાં ફોનને એવી રીતે મોડિફાય કરવામાં આવતા હતા કે તેમાંથી માત્ર અમુક ચોક્કસ મેસેજિંગ એપનો ઉપયોગ થઈ શકે. એ સિવાય ફોનનો બીજો કોઈ ઉપયોગ થઈ ન શકે. ઇન્ટરનેટ સર્ફ કરવાનું તો દૂર રહ્યું આવા ફોનમાંથી ફોનકોલ પણ કરી શકાય નહીં. ફોનમાંથી જીપીએસ સેન્સર્સ દૂર કરવામાં આવતાં હતાં એટલે ફોનનું લોકેશન પણ ટ્રેક થઈ શકે નહીં.
૨૦૧૮માં એફબીઆઈએ આવી સર્વિસિસ પર ધોંસ બોલાવી અને માર્ચ ૨૦૧૮માં કેનેડિયન ફેન્ટમ સિક્યોર કંપનીના સીઇઓની ધરપકડ કરી (૨૦૧૯માં તેને નવ વર્ષની જેલની સજા થઈ). સ્કાય ગ્લોબલ નામની સર્વિસ પણ કેનેડાથી ઓપરેટ થતી હતી. આ કંપની પણ ફોનમાંના કેમેરા, માઇક્રોફોન અને જીપીએસ ડિસેબલ્ડ કરતી હતી અને પછી ક્રિમિનલ્સને પૂરા પાડતી હતી.
‘એનોમ’ની એન્ટ્રી
૨૦૧૮માં ફેન્ટમ સિક્યોર કંપનીના સીઇઓની ધરપકડ થઈ. તેની સાથે એ સિસ્ટમ અને એના જેવી જ સ્કાય ગ્લોબલ નામની સિસ્ટમ ડેવલપ કરનાર ડેવલપરને એફબીઆઇએ ઝડપી લીધો. તેને પણ જેલની સજા થઈ.
એ ડેવલપરની પૂછપરછમાં એફબીઆઇને જાણવા મળ્યું કે તે એન્ક્રિપ્શનમાં માહેર હતો. પેલી બે સર્વિસ બંધ થયા પછી તે ‘એનોમ’ (એનોનિમસ-ગુમનામનું ટૂંકું નામ) નામની એક નવી મેસેજિંગ સર્વિસ અને એનક્રિપ્ટેડ ડિવાઇસ (એટલે કે જેને કોઈ રીતે ટ્રેક ન કરી શકાય તેવા મોડિફાઇડ મોબાઇલ હેન્ડસેટ) વિકસાવી રહ્યો હતો.
એફબીઆઇના કોઈ ભેજાબાજ ઓફિસરને, ડેવલપરની આ ‘સ્કિલ્સ’ કામે લગાડવાનો આઇડિયા સૂઝ્યો. તેણે એ ડેવલપરને એફબીઆઇનો ‘‘કોન્ફિડેન્શિયલ હ્યુમન સોર્સ’’ બનાવ્યો અને તેણે વિક્સાવેલી નવી સર્વિસમાં એફબીઆઇને ‘બેકડોર’ એટલે કે પાછલા બારણેથી એન્ટ્રી મળે તેવી ડીલ કરી. એફબીઆઈએ શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાની ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ ગેંગ્સમાં માત્ર ૫૦ એનોમ ફોન ફરતા કર્યા. દુનિયાભરના ક્રિમિનલ્સ ફેન્ટમ સિક્યોર સર્વિસ બંધ થવાને કારણે તેના કોઈ વિકલ્પની શોધમાં હતા. તેમને ‘એનોમ’માં એ વિકલ્પ દેખાયો.
‘એનોમ’નો ઉપયોગ કરતા ક્રિમિનલ્સ એવા ભ્રમમાં રહ્યા કે તેમની વાતચીત તદ્દન ખાનગી રહે છે.
જેમ ઇન્ટરનેટ પર, કોઈ જાણીતી કંપનીની નવી લોન્ચ થતી સર્વિસમાં માત્ર આમંત્રણથી જોડાઈ શકાય છે તેવો જ ધારો અંધારી આલમમાં પણ છે. એનોમ ફોનનો ઉપયોગ કરતા હોય તેવા ક્રિમિનલની ‘ભલામણ’ પછી જ બીજો ક્રિમિનલ તેનો ઉપયોગ કરી શકતો હતો.
પછીના એક-બે વર્ષમાં ફેન્ટમ સિક્યોર જેવી સ્કાય ગ્લોબલ, સિફર અને એન્ક્રોચેટ જેવી ક્રિમિનલ્સની ફેવરિટ સર્વિસ પોલીસ એકશન્સને લીધે બંધ થઈ. આ કારણે માર્કેટમાં માત્ર એનોમ સર્વિસ અને તેના મોડિફાઇડ મોબાઇલ હેન્ડસેટ્સ રહ્યા, ક્રિમિનલ્સમાં તેની ડિમાન્ડ વધતી ગઈ.
ઘીમે ધીમે એનોમ સર્વિસનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા ૧૨૦૦૦ને ઓળંગી ગઈ. ૧૦૦થી વધુ દેશોમાં તેનો ઉપયોગ થતો હોવાનો અંદાજ છે. આ તમામ લોકો ક્રિમિનલ્સ નહીં હોય પરંતુ તેમાંના ઘણા ક્રિમિનલ હતા એવું હવે સ્પષ્ટ થઈ રહ્યું છે.
અંધારી આલમ અંધારામાં રહી
એનોમ સર્વિસ અને તેના મોડિફાઇડ હેન્ડસેટ્સનો ઉપયોગ કરતા બધા ક્રિમિનલ્સ એવું જ માનતા હતા કે તેમની અંદરોઅંદરની વાતચીત એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ છે અને તેમને કોઈ રીતે ટ્રેક કરી શકાય તેમ નથી. પરિણામે તેઓ બિન્ધાસ્ત રીતે જુદા જુદા ક્રાઇમને સંબંધિત વાતચીત એનોમ સર્વિસ પર કરતા રહ્યા.
એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન સર્વિસમાં બે છેડા પરની પબ્લિક અને સિક્રેટ કી મેચ થાય તો જ મેસેજ ડીક્રિપ્ટ એટલે કે ફરી વાંચી શકાય એવા સ્વરૂપમાં આવે. એનોમ પરની ચેટમાં આવી જ વ્યવસ્થા હતી, પણ એફબીઆઈએ ટેકનોલોજીની કરામત કરીને પબ્લિક અને સિક્રેટ કી ઉપરાંત પોતાની એક માસ્ટરકી પણ ડેવલપ કરી હતી.
પરિણામે એનોમ પર જે મેસેજની આપલે થાય એ તમામ મેસેજની, મોકલનાર તથા મેળવનારની જાણ બહાર એક ‘બ્લાઇન્ડ કોપી’ તૈયાર થતી હતી અને એફબીઆઈના સર્વર્સમાં પહોંચતી હતી. એફબીઆઈ પોતાની માસ્ટર કીની મદદથી આ તમામ મેસેજ વાંચી શકતી હતી.
આખરે પોલીસ ત્રાટકી!
જૂન ૨૦૨૧ના પહેલા અઠવાડિયામાં એફબીઆઈ, યુરોપોલ તથા ઓસ્ટ્રેલિયન પોલીસના એક સાથે ૯૦૦૦ ઓફિસર્સે ૧૬ દેશોમાં સંખ્યાબંધ સ્થળોએ રેડ પાડી અને ૮૦૦થી વધુ લોકોની ધરપકડ કરી. આ રેડ દરમિયાન ૮ ટન કોકેઈન, ૨૨ ટન કેનેબિસ, અને ૮ ટન અન્ય પ્રકારના ડ્રગનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. તેની સાથો સાથ ૨૫૦ આધુનિક શસ્ત્રો, ૫૫ લકઝરી વ્હિકલ્સ તથા ૪૮ મિલિયન ડોલર પણ જપ્ત કરવામાં આવ્યા.
એફબીઆઈ અને અન્ય તપાસ સંસ્થાઓએ હવે જુદા જુદા દેશોની કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજો અનુસાર તપાસ સંસ્થાઓએ એનોમ એપ પર શેર થયેલા ૨.૭ કરોડ જેટલા મેસેજિસ આંતરીને વિશ્વભરના સંખ્યાબંધ ગુનાઓ રોકવામાં કે ઉકેલવામાં સફળતા મેળવી હતી.
’ઓપરેશન ટ્રોજન ફીલ્ડ’ નામે ઓળખાતા એફબીઆઈના આ જબરજસ્ત ટેક્નોલોજી સ્ટિંગ ઓપરેશને દુનિયાભરમાં મોટી હલચલ મચાવી દીધી છે.
આ ઓપરેશન કેમ સમેટાયું?
જો દુનિયાભરની પોલીસ સંસ્થાઓ ક્રિમિનલ્સ વચ્ચેની વાતચીત બહુ સફળતાપૂર્વક આંતરી શકતી હતી અને તેની મદદથી ગુનાઓ ઉકેલી કે અટકાવી શકતી હતી તો એક સાથે દુનિયાભરમાં રેડ પાડીને આ સ્ટિંગ ઓપરેશન ખુલ્લું કેમ કરી દેવામાં આવ્યું?
એક કારણ એવું આપવામાં આવે છે કે એફબીઆઈના જે સર્વર્સમાં મેસેજ ડાઇવર્ટ થતા હતા તેમાંનું એક સર્વર એક એવા દેશમાં હતું જ્યાં જૂન ૭, ૨૦૨૧ પછી આ ઓપરેશનને કાયદાકીય રક્ષણ મળી શકે તેમ નહોતું.

બીજું કારણ એ હતું કે માર્ચ, ૨૦૨૧માં વર્ડપ્રેસ વેબસાઇટ પ્લેટફોર્મ પર પર ‘કેનયુગેસ૬૭’ નામે એક ગૂમનામ યૂઝરે ‘એનોમ એક્સપોઝ્ડ’ નામની એક વેબસાઇટ લોન્ચ કરી હતી. તેણે એક ડિવાઇસમાં સંખ્યાબંધ ટેસ્ટ કરીને પૂરવાર કર્યું હતું કે ‘‘એનોમ પર થતું ચેટિંગ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ અને ખાનગી હોવાનો દાવો તદ્દન ખોટો છે અને આ ચેટ્સ ઓસ્ટ્રેલિયા તથા અમેરિકામાંના સર્વર્સમાં પહોંચતી હતી!’’
આમ એફબીઆઈનું સિક્રેટ મિશન ‘એનોમ’ ખુલ્લું પડી ગયા પછી તેનો ચોરીછૂપીથી ઉપયોગ કરવો શક્ય રહ્યો નહોતો કદાચ એટલે દુનિયાભરની પોલીસ એક સાથે ક્રિમિનલ્સ પર ત્રાટકી. અત્યારે એનોમની વેબસાઇટ પર તેનું ડોમેઇન એફબીઆઈએ જપ્ત કરી લીધું હોવાનો મેસેજ જોવા મળે છે. ‘એનોમ’ને ખુલ્લું પાડનાર પેલી વર્ડપ્રેસ પરની પોસ્ટ હવે ગાયબ થઈ છે. પરંતુ એ પોસ્ટ મૂકનારે બીજી પોસ્ટ મૂકીને પોતાનાં પગલાંને વ્યાજબી ઠરાવવાની કોશિશ કરી છે.
ત્રણ વર્ષ ચાલેલું આ સ્ટિંગ ઓપરેશન ટેકનોલોજીની દુનિયામાં ચોક્કસ એક યાદગાર સિમાચિહ્ન બની રહેશે!
જેમ હમણાં એફબીઆઇએ અંધારી આલમને ત્રણ વર્ષ સુધી અંધારામાં રાખી, એવું પચાસેક વર્ષ પહેલાં પણ બન્યું હતું.
૧૯૭૦માં શરૂ થયેલી ‘ક્રિપ્ટો એજી’ નામની એક સ્વિસ કંપની વિવિધ પ્રકારનાં મિકેનિકલ ક્રિપ્ટોગ્રાફ મશીન્સ બનાવતી હતી. સાદી, સરળતાથી સમજાય તેવી માહિતીને આ મશીન્સ માત્ર અમુક ‘ચોક્કસ’ રીતે જ ડીકોડ કરી શકાય એવા સ્વરૂપમાં ફેરવી નાખતી હતી.
આ મશીન્સ દુનિયાના અનેક દેશોએ ખરીદ્યાં અને વિવિધ દેશોમાંની પોતાની એમ્બસીમાં કામ કરતા જાસૂસોને આપ્યાં, જેથી તેઓ માહિતીની ‘ખાનગી’ આપલે કરી શકે. વર્ષો પછી જાહેર થયું કે પેલી સ્વિસ કંપનીની માલિક વાસ્તવમાં અમેરિકન સીઆઇએ હતી, તેણે મશીન્સની ‘માસ્ટરકી’ પોતાના હાથમાં રાખી હતી. પરિણામે દુનિયાભરના દેશોના જાસૂસોની ‘ખાનગી’ વાતચીત વર્ષો સુધી સીઆઇએને મળી હતી!
આખી દુનિયાના ક્રિમિનલ્સ માટે એન્ક્રિપ્શનનો હથિયાર તરીકે ઉપયોગ કરવાની એફબીઆઇની ટ્રિક આપણને કદાચ મોંઘી પડી શકે છે.
સૌથી મોટો ડર એ છે કે હવે, ખાસ કરીને ઓર્ગેનાઇઝ્ડ ઇન્ટરનેશનલ ગેંગ્સ, ખાસ તેમના માટે બનેલી સ્પેશિયલ સર્વિસ અને મોડિફાઇડ ડિવાઇસીઝ પર કોઈ રીતે ભરોસો મૂકશે નહીં. આ કારણે તેઓ દુનિયાના લાખો-કરોડો, સરેરાશ લોકો જેનો ઉપયોગ કરે છે તેવી વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલ જેવી એપનો ઉપયોગ કરવા તરફ વળી શકે છે.
આવું થશે તો આવી એપ પર તપાસ સંસ્થાઓની નજર હોવી જોઈએ એવો સરકારોનો દાવો મજબૂત થશે અને પરિણામે સરેરાશ લોકોની પ્રાઇવસી જોખમાશે. અત્યારે બે વ્યક્તિ પોતાની સામાન્ય વાતચીત, આખી દુનિયા ન જાણે એ રીતે કરી શકે છે – પછી એવું શક્ય રહેશે નહીં!

