ઓગેમેન્ટેડ, વર્ચ્યુઅલ, મિક્સ્ડ કે એક્સટેન્ડેડ રિયાલિટી ડેવલપરની માંગ અત્યારે જબરજસ્ત વધી રહી છે. તેની શરૂઆત ગેમિંગ સેકટર થઈ પરંતુ હવે મૂવી, મીડિયા, એડવર્ટાઇઝિંગ, આર્કિટેકચર, એજ્યુકેશન, મેન્યુફેક્ચરિંગ વગેરે અનેક ફીલ્ડમાં તેની ડિમાન્ડ વધી રહી છે.
સાદા શબ્દોમાં એમ કહી શકાય કે વર્ચ્યુઅલ રિઆલિટી ડેવલપર્સ ટેકનોલોજીની મદદથી બિલકુલ વર્ચ્યુઅલ વર્લ્ડ એટલે કે આભાસી દુનિયાનું સર્જન કરે છે. જ્યારે ઓગમેન્ટેડ રિઆલિટી ડેવલપર્સ રિઅલ વર્લ્ડ સાથે વર્ચ્યુઅલ એક્સ્પિરીયન્સનું મિશ્રણ કરે છે.
તમને આમાંથી કોઈ પણ પ્રકારના કામમાં રસ હોય તો પણ એ દિશામાં કારકિર્દી ઘડવાની શરૂઆત લગભગ એકસરખી રીતે થાય છે. કમ્પ્યૂટર સાયન્સ કે એન્જિનીયરિંગની ડિગ્રી પછી આ ફીલ્ડમાં સ્પેશિયલાઇઝેશન તરફ આગળ વધી શકયા છે.
આ પ્રકારની વિવિધ રિયાલિટીના શબ્દો ઘણી વાર એક-મેકને બદલે વપરાય છે, પણ તેમાં પાયાના તફાવત છે. અહીં આ તફાવત સ્પષ્ટ કર્યો છે.
આગળ શું વાંચશો?
- ઓગમેન્ટેડ રિયાલિટી (એઆર)
- વર્ચ્યુઅલ રિયાલિટી (વીઆર)
- મિક્સ્ડ રિયાલિટી (એમઆર)
- એક્સટેન્ડેડ રિયાલિટી (એક્સઆર)

બરાબર શબ્દો પકડીએ તો ‘ટુ ઓગમેન્ટ’નો અર્થ થાય ‘ઉમેરો કરવો’. આ શબ્દ સમજ્યા પછી ઓગમેન્ટેડ રિયાલિટી સમજવી સરળ બની જાય છે.
એઆર એવી ટેકનોલોજી છે જેમાં રિયાલિટી એટલે કે વાસ્તવિકતામાં ડિજિટલ રીતે કોઈક નવી બાબતો ઉમેરીને નવો અનુભવ સર્જવામાં આવે છે. સ્માર્ટફોનમાંના કેમેરામાં જે કંઈ દેખાતું હોય તેમાં ડિજિટલી ઉમેરો કરવામાં આવે તો તેને ઓગમેન્ટેડ રિયાલિટી કહી શકાય.
થોડા સમય પહેલાં અત્યંત લોકપ્રિય થયેલી ‘પોકેમોન ગો’ ગેમમાં આપણા સ્માર્ટફોનના કેમેરાને ઓન કર્યા પછી જે વાસ્તવિક બાબતો દેખાઈ રહી હોય તેમાં પોકેમોન ગેમનાં વિવિધ ડિજિટલ કેરેકટર્સ જોવા મળે એ ઓગમેન્ટેડ રિયાલિટીનું સૌથી જાણીતું ઉદાહરણ છે.
મેપ્સ એપમાં પણ હવે એઆરનો ઉમેરો થઈ રહ્યો છે.

ફરી શબ્દ પકડીએ તો ‘વર્ચ્યુઅલ’નો અર્થ છે ‘આભાસી’. આ પ્રકારની ટેકનોલોજીમાં વાસ્તવિક વિશ્વથી બિલકુલ જુદી આભાસી દુનિયાનો અનુભવ થાય છે.
અહીં કોઈ ભેળસેળ નથી, ફક્ત જે નથી એનો સાચુકલા જેવો અનુભવ છે! વર્ચ્યુઅલ રિયાલિટીના અનુભવ માટે ખાસ પ્રકારનાં ડિવાઇસ જરૂરી છે. જુદી જુદી ટેકનોલોજી કંપની જુદા જુદા પ્રકારનાં વીઆર ડિવાઇસીસ વિકસાવી રહી છે. આવું ડિવાઇસ આંખો પર પહેર્યા પછી આપણે જાણે આભાસી દુનિયામાં પહોંચી જઇએ છીએ. વીઆર ડિવાઇસને કારણે આપણે શરીરની અંદરનું તંત્ર જોવાનો અનુભવ કરી શકીએ કે પછી ચોતરફ દોડતાં હરણોનાં ટોળાં વચ્ચે આપણે ઊભા હોઇએ એવો પણ અનુભવ વીઆરથી શક્ય છે.
ગેમિંગ, ટ્રેનિંગ, બિઝનેસ મીટિંગ વગેરે માટે વીઆરનો ઉપયોગ વધી રહ્યો છે.

આ ટેકનોલોજી ઓગમેન્ટેડ અને વર્ચ્યુઅલ રિયાલિટીની ભેળસેળ કરે છે. આ અનુભવમાં વાસ્તવિક વિશ્વની બાબતો અને વર્ચ્યુઅલ એલિમેન્ટ્સ એકબીજા સાથે સંકળાઈ શકે છે. તેનું સૌથી જાણીતું ઉદાહરણ છે માઇક્રોસોફ્ટની હોલોલેન્સ ટેકનોલોજી.
એમઆરનું સાદું ઉદાહરણ આ રીતે સમજી શકાય…
વિવિધ જગ્યાએ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવતી કંપનીના કોઈ પ્લાન્ટમાં મશીનનું રેગ્યુલર મેઇન્ટનન્સ કરવાનું હોય ત્યારે એ પ્લાન્ટમાંના ટેક્નિશિયન્સ હેડસેટ્સ પહેરીને, બીજે કોઈ સ્થળે રહેલા એક્સપર્ટ્સ તરફથી લાઇવ સૂચના મેળવીને પોતાના મશીન પર કામ કરી શકે છે.
ઓપરેશન થિયેટરમાં ચાલુ ઓપરેશને સર્જનને પોતાના સ્માર્ટ ગ્લાસમાં પેશન્ટનો ડેટા જોવા મળે એવી શક્યતાઓ પણ તપાસાઈ રહી છે!

આગળ જણાવેલી ત્રણેય પ્રકારની ટેકનોલોજીને આવરી લેતી ટેકનોલોજી માટે એક્સ્ટેન્ડેડ રિયાલિટી શબ્દનો ઉપયોગ થાય છે. આ પ્રકારના અનુભવમાં વાસ્તવિક વિશ્વ વિશે કંઈક વધારાની માહિતી આપવામાં આવે કે પછી બિલકુલ અવાસ્તવિક, આભાસી વિશ્વનો અનુભવ કરાવવામાં આવે છે. વિવિધ અનુભવ કરવાની આપણી શક્તિઓને વિસ્તારતી ટેકનોલોજી માટે એક્સ્ટેન્ડેડ રિયાલિટી શબ્દ વપરાય છે.
આ અંકમાં આગળ ટીવી બ્રોડકાસ્ટિંગમાં જે ઇમર્સિવ રિયાલિટીની વાત કરવામાં આવી છે તેને માટે એક્સ્ટેન્ડેડ રિયાલિટી શબ્દનો પણ ઉપયોગ થાય છે. ગ્લોબલ ફર્નિચર કંપની આઇકિયા પોતાના કસ્ટમર્સને તેમની પસંદનું ફર્નિચર, સ્માર્ટફોનની મદદથી તેમના ઘરમાં મૂકી જોવાની તક આપે છે, તે આ ટેક્નોલોજીને આભારી છે.

