ગયા અઠવાડિયે, અખબારો અને ન્યૂઝ સાઇટ્સમાં હેડલાઇન્સ ચમકી – મે ૨૬, ૨૦૨૧થી ભારતમાં ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ વગેરે સોશિયલ મીડિયા સાઇટ્સ બંધ થઈ શકે છે! આ વાંચીને ઘણાના જીવ તાળવે ચોંટ્યા હશે – સોશિયલ મીડિયા બંધ થઈ જાશે?
આપણને જે સર્વિસિસ હવે ઓક્સિજન જેવી લાગે છે, એ દેશમાં બંધ કરવા સુધીની નોબત કેમ આવી એની થોડી વાત કરી લઈએ. સોશિયલ મીડિયાના યૂઝર અને ભારત દેશના નાગરિક – બંને તરીકે આપણે આ બાબતો જાણવી જરૂરી છે.અત્યાર સુધી, ભારતમાં સોશિયલ મીડિયા સાઇટ્સને અભયકવચ મળેલું હતું. ભારતના આઇટી એક્ટના સેક્શન ૭૯ મુજબ, સોશિયલ મીડિયા સાઇટ્સને ‘ઇન્ટરમીડિયરી’ ગણવામાં આવે છે. ઇન્ટરમીડિયરી એટલે લોકો વચ્ચે કડી જેવી ભૂમિકા નિભાવતી વ્યવસ્થા. સોશિયલ મીડિયાને આવું અભયકવચ હોવાને કારણે ફેસબુક, ટ્વીટર, વોટ્સએપ વગેરે સાઇટ્સ પર તેના યૂઝર કંઈ પણ વાંધાજનક કન્ટેન્ટ મૂકે તો એ માટે જે તે સાઇટને જવાબદાર ઠેરવી શકાતી નથી કે તેની સામે કાયદેસર પગલાં લઈ શકાતાં નથી. લગભગ આખી દુનિયામાં બધા દેશોમાં સોશિયલ મીડિયા આ રીતે કાયદાથી પર રહી શકે છે.
આવી સાઇટ્સ પર કંઈ પણ વાંધાજનક મૂકાય ત્યારે તે એમ કહીને છટકી શકે છે કે ‘‘અમે તો માત્ર પ્લેટફોર્મ છીએ, જેના પર યૂઝર પોતાની મરજી મુજબનું કન્ટેન્ટ મૂકી શકે છે.’’
લગભગ અત્યાર સુધી બધું આમ જ ચાલતું રહ્યું, પણ છેલ્લાં થોડાં વર્ષોથી ભારતમાં સોશિયલ મીડિયાને કારણે ફેક ન્યૂઝ, અફવાઓ વગેરેનું પ્રમાણ બેહદ વધ્યું છે. વોટ્સએપ પરની અફવાથી દોરાઈને લોકોનાં ટોળાં હત્યા કરવાની હદે પહોંચે છે. રમખાણોમાં સોશિયલ મીડિયા આગમાં પેટ્રોલ નાખવાનું કામ કરે છે, છતાં દરેક વખતે સોશિયલ સાઇટ્સ હાથ ઊંચા કરી છટકી શકે છે.
આથી આ વર્ષે ફેબ્રુઆરી ૨૦૨૧માં ભારત સરકારે આઇટી એક્ટમાં કેટલાક ઉમેરા કરીને, સોશિયલ મીડિયા સાઇટ્સ માટે કેટલીક ગાઇડલાઇન્સ નક્કી કરી. યાદ રહે, આ પગલાંને કારણે ભારત સોશિયલ મીડિયાનું ગળું જ દબાવી દેતા ચીન કે ઇરાન જેવા દેશોની હરોળમાં આવતું નથી.
ભારતે માત્ર એટલું કહ્યું છે કે આપણા દેશમાં સોશિયલ મીડિયાને કારણે અશાંતિ ઊભી થાય તો આપણી ફરિયાદ સાંભળવા માટે, ભારતમાં જ આ સાઇટ્સના જવાબદાર અધિકારી હોવા જોઈએ. આ અધિકારને ફરિયાદ કરવામાં આવે ત્યાર પછી તેણે શું પગલાં લીધાં તે તેણે જણાવવું પડે. પગલાં યોગ્ય ન લાગે તો સરકાર સિવાયની, દેશના અગ્રણી નાગરિકોની બનેલી એક સમિતિને ફરિયાદ પહોંચે અને પછી પણ યોગ્ય પગલાં લેવાય નહીં તો સરકાર અને અદાલત જે તે સોશિયલ સાઇટ સામે પગલાં લઈ શકે.
સોશિયલ મીડિયા સાઇટ્સે ત્રણ મહિનાની મર્યાદામાં આમાંથી કોઈ પગલાં લીધાં નથી. આ બાબતોને અભિવ્યક્તિના સ્વાતંત્ર્ય પર તરાપ ગણવા જેવી નથી. ભારતમાં અખબારી માધ્યોમો તેમને જે યોગ્ય લાગે તે લખવા માટે સ્વતંત્ર છે, પણ તેમની પાસે આધારભૂત પુરાવા હોવા જરૂરી છે. સ્વતંત્રતા સંપૂર્ણપણે નિરંકુશ હોઈ શકે નહીં.
એ જ ન્યાયે, ભારતમાં કામ કરી, ભારતીયો પાસેથી કમાણી કરતી સોશિયલ સાઇટ્સ કાયદાથી પર હોઈ જ ન શકે.

