(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વોટ્સએપે નવી શરતો લાગુ કરી દીધી છે – હવે?

તમે આ શરતો સ્વીકારી લીધી છે? અથવા સ્વીકારવી કે નહીં તે વિચારી રહ્યા છો? આ બંને સ્થિતિમાં શું થશે તેની મુદ્દાસર વાત કરીએ.

આખરે વોટ્સએપે તેની શરતોનો અમલ શરૂ કરી દીધો છે. આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે તેની નવી ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જાહેર કરી ત્યારે ખાસ્સો હોબાળો મચ્યો હતો અને ભારતમાં સંખ્યાબંધ લોકોએ વોટ્સએપના વિકલ્પ તરીકે સિગ્નલ અને ટેલિગ્રામ જેવી એપ તરફ નજર દોડાવવાનું શરૂ કર્યું હતું. ઘણા પરિવારોનાં ગ્રૂપ્સે સાગમટે સિગ્નલ તરફ ઉચાળા ભર્યા અને પછી પરત વોટ્સએપમાં આવી પણ ગયા!

નવી શરતોને મામલે યૂઝર્સ તરફથી ખાસ્સો વિરોધ થયા પછી વોટ્સએપે તેનો અમલ ટાળી દીધો હતો. પહેલાં શરત એવી હતી કે આપણે વોટ્સએપની નવી શરતો સ્વીકારીએ નહીં તો વોટ્સએપ આપણું એકાઉન્ટ ડિલીટ કરશે. સાથે આપણો વોટ્સએપમાંનો બધો ડેટા પણ ડિલીટ થાય. પછી વોટ્સએપે નવી શરતોના અમલની તારીખ લંબાવી દીધી અને કહ્યું કે ૧૫મી મે, ૨૦૨૧થી તે લાગુ કરવામાં આવશે.

આ નવી શરતોને મામલે માત્ર યૂઝર્સ ભીંસમાં છે એવું નથી. વોટ્સએપે કંપની તરીકે સાચવીને પગલાં ભરવાં પડે તેમ છે. ૪૫ કરોડ યૂઝર્સ સાથે ભારત તેના માટે સૌથી મોટું માર્કેટ છે.

આ જ કારણે ૧૫ મે, ૨૦૨૧ આવી ગયા પછી વોટ્સએપે તેની નવી શરતોનો અમલ શરૂ તો કર્યો પણ પહેલાં જેટલી આક્રમકતા બતાવી નહીં. આપણે શરતોનો અમલ સ્વીકારીએ નહીં તો એકાઉન્ટ ડિલીટ થવાનો હાલ પૂરતો, તરત ભય નથી.

બીજી વાત એ કે અત્યાર સુધી આ મુદ્દો વોટ્સએપ કંપની અને આપણે એટલે કે તેના યૂઝર્સ વચ્ચેનો હતો. હવે ભારત સરકાર પણ તેમાં સામેલ છે અને આખો મુદ્દો અદાલતનાઆંગણે પહોંચ્યો છે. સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે, તમે શરતો સ્વીકારી લીધી હોય તો તેનો અર્થ શું છે અને શરતો ન સ્વીકારો તો શું થશે તેની મુદ્દાસર વાત કરીએ.

  • વોટ્સએપની નવી શરતોની સ્થિતિ શી છે?
  • આ નવી શરતો ન સ્વીકારીએ તો શું થશે?
  • આપણે નવી શરતો સ્વીકારીએ લઇએ તો એનો અર્થ શો છે?
  • આપણે નવી શરતો સ્વીકારીએ તો વોટ્સએપ દ્વારા આપણો બધો ડેટા ફેસબુકને મળી જશે એ વાત સાચી?
  • વોટ્સએપમાં બિઝનેસ એકાઉન્ટ શું છે?
  • વોટ્સએપની નવી શરતો સ્વીકારવાથી ફોનમાંનો બધો ડેટા ફેસબુકને મળી જશે?
  • અત્યારે કોર્ટમાં ક્યો કેસ ચાલી રહ્યો છે?
  • વોટ્સએપની નવી શરતો સ્વીકારવી જોઇએ?
  • આનો કોઈ ઉપાય નહીં?

વોટ્સએપે જાહેર કર્યા મુજબ ૧૫ મે, ૨૦૨૧થી તેણે નવી શરતોનો અમલ લાગૂ કરી દીધો છે. પરંતુ યૂઝર તરીકે આપણી પાસે હજી વિકલ્પો ખુલ્લા છે.

જો તમે હજી સુધી વોટ્સએપની આ નવી શરતો સ્વીકારી નહીં હોય તો જ્યારે જ્યારે એપ ઓપન કરશો અને તેનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશો ત્યારે કંપની તરફથી તમને તેની શરતો સ્વીકારવા માટે આખા સ્ક્રીનની નોટિસ બતાવવામાં આવશે. હાલ પૂરતું તમે તેને અવગણીને આગળ વધી શકો છો અને વોટ્સએપનો રાબેતા મુજબ ઉપયોગ ચાલુ રાખી શકો છો.

વોટ્સએપ પર ‘આઇ ટુ નોટ એગ્રી’ એમ લખેલો મેસેજ ૧૦ ગ્રૂપમાં મોકલવાથી તમારો મેસેજ કંપનીને મળી જશે એવો દાવો કરતા મેસેજ ફરી રહ્યા છે. એ ખોટા છે.

અગાઉ વોટ્સએપે કહ્યું હતું કે જો આપણે નવી શરતો ન સ્વીકારીએ તો આપણું એકાઉન્ટ ડિલીટ થશે અને વોટ્સએપમાંનો આપણો બધો ડેટા પણ ડિલીટ થશે. હાલ પૂરતી એવી સ્થિતિ નથી. કંપનીએ તેનું વલણ બદલ્યું છે. હવે આપણે જ્યાં સુધી નવી શરતો સ્વીકારીએ નહીં ત્યાં સુધી આપણને વોટ્સએપનો ઉપયોગ તો કરવા દેશે પરંતુ વિવિધ ફીચર્સનો લાભ આપવાનો બંધ કરશે અને આપણને નવી શરતો સ્વીકારવાનો આગ્રહ કર્યા કરશે.

હવે વોટ્સેપે જાહેર કર્યું છે કે શરતો ન સ્વીકારનારા યૂઝર્સનાં કોઈ ફીચર્સ તે બંધ કરશે નહીં.

આમ છતાં, કંપનીનું વલણ બદલાઈ શકે છે. એવું થાય તો ધીમે ધીમે આપણે ચેટલિસ્ટ જ ઓપન ન કરી શકીએ અને કોઈને મેસેજ ઓડિયો કે વીડિયો કોલ કરી ન શકીએ એવું બની શકે છે. આ ઉપરાંત આપણે વોટ્સએપના સ્ટેટસ અપડેટ નહીં કરી શકીએ. એક ચેટમાંથી બીજાને મેસેજ ફોરવર્ડ નહીં કરી શકીએ. બ્રોડકાસ્ટ લિસ્ટનો ઉપયોગ નહીં કરી શકીએ. નવાં ગ્રૂપ્સ બનાવી નહીં શકીએ. ગ્રૂપ ચેટમાં કોઈ મેસેજના સંદર્ભ સાથે મેસેજ મૂકી નહીં શકીએ કે અન્ય વ્યક્તિને ટેગ કરી શકીશું નહીં.

વોઇસ મેસેજ, સ્ટિકર તથા અન્ય મીડિયા વોટ્સએપ દ્વારા મોકલવાનું પણ બંધ થઈ શકે છે. આપણે પોતાની ચેટ હિસ્ટ્રીનો મેન્યુઅલ બેકઅપ નહીં લઈ શકીએ કે તેને એક્સપોર્ટ કરી નહીં શકીએ.

આવું તરત નહીં થાય પરંતુ લાંબા ગાળા સુધી શરતો ન સ્વીકારીએ તો એવું થઈ શકે છે. પછી વોટ્સએપમાં મેસેજ અને કોલ રીસિવ કરવાનું પણ બંધ થાય એવું બની શકે છે.

ટૂંકમાં વોટ્સએપની નવી શરતો ન સ્વીકારીએ તો લાંબે ગાળે કંપની આપણું એકાઉન્ટ સદંતર બિનઉપયોગી બનાવે એવું થઈ શકે છે. જો આપણું એકાઉન્ટ ચાર મહિનાથી વધુ સમય માટે ઇનએક્ટિવ રહે તો કંપની આપણી ચેટ્સ, મેસેજ તથા બેકઅપ સહિત આપણું એકાઉન્ટ ડિલીટ કરે એવું બની શકે છે.

અલબત્ત આ બધું જ હાલમાં અદાલતમાં ચાલી રહેલા કેસમાં વોટ્સએપની વિરુદ્ધમાં કોઈ સ્પષ્ટ ચુકાદો ન આવે તો બની શકે છે.

શરૂઆતમાં વોટ્સએપે શરતો ન સ્વીકારનારા યૂઝરનું એકાઉન્ટ ડિલીટ કરવાની ધમકી આપી હતી. હવે તેનું વલમ ખાસ્સું કૂણું પડ્યું છે, એકાઉન્ટ તરત ડિલીટ નહીં થાય.

બની શકે કે અત્યાર સુધીમાં તમે વોટ્સએપની નવી શરતો સ્વીકારી લીધી હોય. એવું હોય તો તમને વોટ્સએપ તરફથી નવી શરતો સ્વીકારવાના પ્રોમ્પ્ટ બતાવવામાં આવતા નહીં હોય.

આવી સ્થિતિમાં તમે વોટ્સએપનો પહેલાંની જેમ, રાબેતા મુજબ, કોઈ અવરોધ કે મર્યાદા વિના ઉપયોગ ચાલુ રાખી શકશો.

 

અહીંથી વાત જુદી જુદી તરફ ફંટાય છે. આપણે માત્ર મિત્રો અને સ્વજનો સાથે વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખીએ તો તે પહેલાંની જેમ પ્રાઇવેટ રહેશે. આ મેસેજિસ પહેલાંની જેમ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ રહેશે.

નવી શરતો ખાસ કરીને વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સાથેની આપણી વાતચીતને લાગુ થાય છે. આવા બિઝનેસ એકાઉન્ટ સાથેના આપણા મેસેજની આપલે ખાનગી રહેશે નહીં અને તેનો ડેટા ફેસબુકને મળશે.

જો આપણે લાંબા ગાળા સુધી વોટ્સએપની નવી શરતો ન સ્વીકારીએ તો એ આપણું એકાઉન્ટ ડિએક્ટિવેટ કરે અને છેવટે ડેટા સાથે ડિલીટ કરે એવું બની શકે છે.

તમે જાણતા જ હશો કે વોટ્સએપનો આપણે બિઝનેસ માટે પણ ઉપયોગ કરી શકીએ છીએ. એ માટે કંપનીએ અલગ બિઝનેસ એપ આપી છે અને તેમાં કેટલીક વધારાની સુવિધાઓ મળે છે.

વોટ્સએપમાં બે પ્રકારના બિઝનેસ એકાઉન્ટ હોય છેઃ


૧. રેગ્યુલર બિઝનેસ એકાઉન્ટ
૨. સ્પેશિયલ બિઝનેસ એકાઉન્ટ, જે ફેસબુકની ક્લાઉડ સર્વિસનો ઉપયોગ કરે છે.

મોટા ભાગના નાના બિઝનેસ વોટ્સએપ પર પહેલા પ્રકારના એટલે કે રેગ્યુલર બિઝનેસ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. આવા એકાઉન્ટ્સમાં બિઝનેસને આપણા પર્સનલ જેવા સામાન્ય વોટ્સએપ એકાઉન્ટ કરતાં કેટલાંક વધારાનાં ફીચર્સ મળે છે. પરંતુ આવા એકાઉન્ટ સાથેની આપણી વાતચીત આપણા અન્ય મિત્રો અને પરિવારના સભ્યની સાથેની વાતચીત જેવી જ હોય છે.

સ્પેશિલ બિઝનેસ એકાઉન્ટ જરા જુદા પ્રકારના છે. આવા એકાઉન્ટ પોતાનો ડેટા ફેસબુકના ક્લાઉડ પર રાખી શકે છે. આવા એકાઉન્ટની પોતાની પ્રાઇવસી પોલિસી પણ હોઈ શકે છે. પરંતુ વાત મોટા બિઝનેસની છે એટલે આખરે તેમાં બિઝનેસના લાભ માટે આપણા ડેટાનો ઉપયોગ કરવાની વાત સામેલ હોય જ.

આવા સ્પેશિયલ બિઝનેસ એકાઉન્ટ સાથે આપણે વોટ્સએપ પર ઇન્ટરએકશન કરીએ ત્યારે આપણો ડેટા તે બિઝનેસના વોટ્સએપ એકાઉન્ટ દ્વારા ફેસબુકને મળી શકે છે. તેનો ઉપયોગ કરીને ફેસબુક પર આપણને ટાર્ગેટેડ જાહેરાતો બતાવવામાં આવી શકે છે.

ફેસબુક પોતાના યૂઝર્સના ડેટાનો લાભ લેવા માટે ગમે તે હદે જવા માટે વગોવાયેલ છે. આ કારણે, વોટ્સએપની નવી શરતો સ્વીકારવાથી આપણો ડેટા ફેસબુકને મળે અને તેનો તે લાભ લે એવું જોખમ છે.

આવી ચિંતા રાખવાની જરૂર નથી. આપણે વોટ્સએપને જેટલો ડેટા આપીશું ખાસ કરીને તેમાંના સ્પેશિયલ બિઝનેસ એકાઉન્ટને, એટલો ડેટા ફેસબુકને મળી જશે. આ ઉપરાંત આપણે વોટ્સએપમાં યુપીઆઇ પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરતા હોઇએ તો તેને સંબંધિત ડેટા પણ કંપનીને મળે તે સ્વાભાવિક છે.

કંપનીના દાવા મુજબ, વોટ્સએપ પર ફેસબુકની હોસ્ટિંગ સર્વિસનો લાભ લેતા બિઝનેસ એકાઉન્ટ સાથેનો આપણો ડેટા ફેસબુકને મળશે, એ સિવાયનો નહીં.

વોટ્સએપની સ્પષ્ટતા મુજબ, નવી શરતો હેઠળ પણ આપણી વ્યકિગત યૂઝર્સ સાથેની ચેટ, ગ્રૂપ્સ વગેરે બધું ખાનગી જ રહેશે, એ બધું ફેસબુક સાથે શેર થશે નહીં.

વોટ્સએપની નવી શરતોના અમલ સામે કોર્ટમાં સંખ્યાબંધ જાહેર હિતની અરજીઓ દાખલ કરવામાં આવી રહી છે.

દિલ્હી હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસમાં મુખ્ય મુદ્દો એ છે કે ભારત સરકારના દાવા અનુસાર વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસી ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇટી) લો એન્ડ રૂલ્સનો ભંગ કરે છે.

અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર, ફેસબુક અને વોટ્સએપ પાસેથી જવાબ માગ્યા છે. ભારત સરકારે કહ્યું છે કે આ મામલે તેણે ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગ પાસેથી જવાબ માગ્યો છે, પરંતુ તેમના તરફથી કોઈ જવાબ આવ્યો ન હોવાથી વોટ્સએપની નવી શરતોનું પાલન અત્યારે રોકી દેવું જોઇએ.

વોટ્સએપનો દાવો છે કે તે ભારતના કાયદાઓનું પાલન કરે છે અને તેથી તેણે નવી શરતોનું પાલન શરૂ કરી દીધું છે. વોટ્સએપની મુખ્ય દલીલ એ છે કે નવી શરતોથી વોટ્સએપના વ્યક્તિગત ઉપયોગ પર કોઈ ફેર પડતો નથી અને આ અપડેટ માત્ર બિઝનેસ એકાઉન્ટ માટેનો છે.

કેન્દ્ર સરકારની દલીલ એ પણ છે કે વોટ્સએપ તેના યુરોપમાંના યૂઝર્સ અને ભારતમાંના યૂઝર્સ સાથે અલગ વર્તન કરી રહી છે કારણ કે યુરોપમાંના યૂઝર્સને નવી નીતિ લાગુ પડતી નથી.

આ દરેકની વ્યક્તિગત પસંદ-નાપસંદનો સવાલ છે.

જો તમે શરતો સ્વીકારી લીધી હોય તો હવે આ મુદ્દે ઝાઝું વિચારવાનું રહેતું નથી કારણ કે તમે આ નિર્ણય બદલી શકશો નહીં. જો અદાલત વોટ્સએપની વિરુદ્ધમાં કોઈ સ્પષ્ટ ચુકાદો ન આપે, વોટ્સએપ તેની નવો શરતોનો અમલ જારી રાખી શકે અને આપણે વોટ્સએપનો ઉપયોગ ચાલુ રાખવો હોય તો આ શરતો સ્વીકાર્યા વિના છૂટકો રહેશે નહીં.

ઇન્ટરનેટ પર આપણે જે વેબ સર્વિસનો લાભ લેવા માગતા હોઈએ તેની શરતો સ્વીકાર્યા વિના છૂટકો નથી, સિવાય કે તે ભારતના કાયદાનો ભંગ કરતી હોય.

ઉપરાંત, વોટસએપે અત્યાર સુધી કરેલી સ્પષ્ટતા મુજબ નવી શરતો માત્ર બિઝનેસ એકાઉન્ટને લાગુ પડતી હોવાથી તેના વ્યક્તિગત ઉપયોગમાં આપણે ખાસ ચિંતા કરવા જેવું રહેતું નથી. આપણે ફેસબુક શોપ તથા ક્લાઉડ હોસ્ટિંગની સગવડનો લાભ લેતા વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ સાથે લેવડદેવડ ન કરીએ (વોટ્સએપ આવા એકાઉન્ટની સ્પષ્ટ ળોખ આપે છે) ત્યાં સુધી આપણી પ્રાઇવસી અને ડેટા પર કોઈ જોખમ નથી.

જો આપણે ફેસબુક પર એક્ટિવ હોઇએ તો આપણો લગભગ બધો ડેટા કંપનીને મળી જ ગયો છે. વોટ્સએપના સ્પેશિયલ બિઝનેસ એકાઉન્ટ સાથેની સાદી વાતચીત કે લેવડદેવડનો ડેટા ફેસબુકને મળવાથી આપણને વધુ મોટું નુકસાન થઈ જશે એવું નથી. ઇન્ટરનેટનું અર્થતંત્ર એ પ્રકારે વિકસ્યું છે કે તેમાં સર્વિસ જ્યારે ફ્રી હોય ત્યારે સર્વિસ પ્રોવાઇડર આપણા ડેટામાંથી જ કમાણી કરે છે. સર્વિસ ફ્રી ન હોય ત્યારે પણ ઘણી કંપની ડેટામાંથી વધારાની કમાણી કરે છે. સિગ્નલ જેવી એપમાં સંપૂર્ણ પ્રાઇવસી મળે તો પણ તેનો ઉપયોગ વોટ્સએપ જેટલો વ્યાપક ન થાય ત્યાં સુધી આપણે ઘણી બધી રીતે વોટ્સએપ પર નિર્ભર રહીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!