૨૧ વર્ષ પહેલાં આજના દિવસે દુનિયાની મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ધરમૂળથી બદલાઈ ગઈ. આજે ‘નેપ્સ્ટર’ નામની એક સર્વિસ લોન્ચ થઈ, જેની મદદથી લોકો બહુ સહેલાઇથી એમપી૩ મ્યુઝિક ફાઇલ્સ કોપી અને શેર કરી શકતા હતા. યુવાનોમાં આ સર્વિસ તરત જ જબરદસ્ત લોકપ્રિય થઈ.
મ્યુઝિક ઇન્ડસ્ટ્રી પર તેની એવી અસર થઈ કે છ જ મહિનામાં રેકોર્ડિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ અમેરિકાએ કોપીરાઇટ ભંગના આક્ષેપ સાથે આ સર્વિસ પર કેસ દાખલ કર્યો. છેવટે સપ્ટેમ્બર ૨૦૦૨માં નેપ્સ્ટરની મૂળ કંપની બંધ કરી દેવી પડી, પરંતુ આ કન્સેપ્ટ ટકી ગયો મફતમાં ડિજિટલ મ્યુઝિક ડાઉનલોડ કરવાની વાત લોકોના મનમાં બરાબર ઘર કરી ગઈ.
‘વીડિયો હોમ સિસ્ટમ’ અથવા કહો કે વીએચએસ કેસેટ યાદ છે? તમારા લગ્નની વીડિયો કેસેટ હજી કદાચ કબાટમાં હશે,પણ તેનાં પ્લેયર હવે રહ્યાં નથી. ૧૯૭૫માં જાપાનની સોની કંપનીએ ‘બીટામેક્સ’ નામે વીડિયો રેકોર્ડિંગ અને કેસેટનું ફોર્મેટ લોન્ચ કર્યું હતું.
આ બીટામેક્સની સામે, આજના દિવસે અમેરિકામાં ‘વીએચએસ’ ફોર્મેટ લોન્ચ થયું. વીએચએસમાં બીટામેક્સની સરખામણીમાં વધુ લાંબો સમય રેકોર્ડિંગ થઈ શકતું હતું અને રિવાઇન્ડ અને ફાસ્ટ ફોર્વર્ડિંગની ઝડપી સુવિધા પણ હતી. અલબત્ત ડિજિટલ ટેકનોલોજીના સમયમાં વીડિયો કેસેટ્સ હવે સાવ ભૂલાઈ ગઈ છે.
પર્સનલ કમ્પ્યૂટર માટે પ્રોસેસર પ્રાણ સમાન છે એવું આપણે જાણીએ છીએ અને કમ્પ્યૂટર પર ‘ઇન્ટેલ ઇન્સાઇડ’ એવું દર્શાવતું સ્ટિકર આપણને ધરપત આપવા માટે પૂરતું હોય છે.
આજના દિવસે ઇન્ટેલ કંપનીએ ૧૬-બિટ ૮૦૮૬ પ્રોસેસર લોન્ચ કર્યું, જેણે એક આજના સમયના પ્રોસેસર માટે એક મજબૂત પાયો તૈયાર કરી આપ્યો. આઇબીએમ કમ્પેટિબલ પીસી અને એક્સ૮૬સીરીઝનાં કમ્પ્યૂટરમાં આ પ્રોસેસર વપરાયું. એક્સ૮૬ સીરીઝના પીસીને હવે આપણે ‘પેન્ટિયમ’ તરીકે ઓળખીએ છીએ. જેણે લાંબા સમય સુધી પીસી માર્કેટ પર રાજ કર્યું.
ઇન્ટેલ કંપનીએ ત્યાર પછી ‘કોર’ પ્રોસેસર ડેવલપ કર્યા એ પણ ૮૦૮૬ પ્રોસેસરના આર્કિટેક્ચર પર આધારિત છે.
ઓફિસમાં જે વ્યક્તિને ટેબલ પર પોતાનું કમ્પ્યૂટર મળ્યું હશે તેણે અચૂકપણે ફુરસદના સમયે પીસીમાં બે ગેમ રમવાનો લ્હાવો લૂંટ્યો હશે – એક પત્તાંની ગેમ સોલિટેર અને બીજી ટેટ્રીસ!

ટેટ્રીસ ગેમ આજના દિવસે યુએસએસઆરમાં લોન્ચ થઈ હતી.
આ ગેમ પહેલાં માત્ર સોવિયેટ કંપનીનાં કમ્પ્યૂટર્સમાં ઉપલબ્ધ હતી. પછી તે આઇબીએમ પીસી પર પણ ઉપલબ્ધ થઈ અને જોતજોતામાં આખી દુનિયામાં સૌથી લોકપ્રિય પઝલ વીડિયો ગેમમાં તેને સ્થાન મળ્યું. પછી તો સંખ્યાબંધ કંપનીએ પોતપોતાની રીતે આ ગેમ રજૂ કરી અને તેને નામે કંઈ કેટલાય કાનૂની દાવપેચ ખેલાયા.
આ ગેમના સર્જક એલેક્સી એજિનોવ પોતે રશિયન સરકારના કર્મચારી હોવાને કારણે તેમને આ ગેમના સર્જન બદલ કોઈ આવક થઈ નહીં. ૧૯૯૬માં તેઓ રશિયાથી અમેરિકા ચાલ્યા ગયા અને પોતાની કંપની બનાવ્યા પછી તેમને રોયલ્ટી મળવાની શરૂઆત થઈ.
આજે એપલની વર્લ્ડ વાઇડ ડેવલપર્સ કોન્ફરન્સમાં સ્ટીવ જોબ્સે જાહેર કર્યું કે એપલના મેકિન્ટોશ કમ્પ્યૂટર હવે પાવરપીસી માઇક્રોપ્રોસેસરને બદલે ઇન્ટેલ પ્રોસેસર્સ પર ચાલશે. વાસ્તવમાં, એપલ કંપનીએ માટે વર્ષોથી તૈયારી કરી રહી હતી. કંપનીએ અગાઉના દરેક મેક ઓએસએક્સ વર્ઝન માટે ઇન્ટેલ પ્રોસેસર પર ચાલતું એક વર્ઝન પણ તૈયાર કર્યું હતું.

આજના દિવસે ‘જુરાસિક પાર્ક’ મૂવીનો પ્રીમિયર શો યોજાયો અને સાથે મૂવીઝમાં કમ્પ્યૂટર જનરેટેડ ઇમેજરી (સીજીઆઈ)નો એક નવો યુગ શરૂ થયો.
આમ તો ૧૬ વર્ષ પહેલાં સ્ટારવોર્સ મૂવી સાથે ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ્સ શરૂ થઈ ગઈ હતી પરંતુ જુરાસિક પાર્કમાં સીજીઆઈ અને એનિમેટ્રોનિક્સનો એવો જબરજસ્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો કે હજી આજ સુધી અભૂતપૂર્વ ગણાય છે.

એક તરફ ભારતમાં ૧૮૫૭ના વિપ્લવ સાથે આઝાદીની લાંબી ચળવળનો આરંભ થયો ત્યારે બીજી તરફ, ત્યાર પછીના વર્ષે, દુનિયાના બીજા ખૂણે એક નવા પ્રકારની ચળવળનો આરંભ થયો.
આજના દિવસે બે જહાજોએ એટલાન્ટિક મહાસાગરમાં કેબલ પાથરવાના કામની શરૂઆત કરી. અગાઉ આ પ્રકારના પ્રયાસો નિષ્ફળ ગયા હતા. આ પ્રયાસ પણ જોકે સફળ થયા પછી નિષ્ફળ થયો. ટેલિગ્રાફ માટે પાથરવામાં આવેલા આ કેબલનું કામ પાંચમી ઓગસ્ટે પૂરું થયું, ૧૨મી ઓગસ્ટે સફળતાપૂર્વક પહેલો મેસેજ પણ મોકલી શકાયો. અને પછી ૧૮મી સપ્ટેમ્બરે આ કેબલમાં એવો ખોટકો સર્જાયો જે ક્યારેય રિપેર કરી શકાયો નહીં!
ટેલિગ્રાફ હવે ભૂલાઈ ગયા છે પરંતુ આજે ઇન્ટરનેટ ઘણું ખરું મહાસાગરોમાં પથરાયેલા કેબલ્સમાં વિરાટ જાળાને જ આભારી છે.
‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે ફેબ્રુઆરી ૨૦૧૫ના અંકમાં આપણે ઇન્ટરનેટના ડેટાની સાગરપાર યાત્રા વિશે વિગતવાર વાત કરી હતી.
આજના દિવસે ચાર્લ્સ બેબેજ નામના એક સંશોધકે ‘ડિફરન્સ એન્જિન’ નામે ઓળખાયેલા એક મશીનની ડિઝાઇન રજૂ કરી જે મિકેનિકલ કમ્પ્યુટિંગ મશીનનું પહેલું ઉદાહરણ હતું.

બ્રિટિશ સરકારે આ પ્રોજેક્ટ માટે નાણા સહાય કરી હતી પરંતુ ચાર્લ્સ બેબેજ તેને ક્યારેય પૂરો કરી શક્યા નહીં. જોકે તેમણે ‘ડિફરન્સ એન્જિન’ અને ત્યાર પછી ‘એનાલિટિકલ એન્જિન’ની જે ડિઝાઇન રજૂ કરી હતી તે ભવિષ્યના મિકેનિકલ કમ્પ્યૂટર્સ માટે મદદરૂપ થઈ. છેક ૧૯૯૧માં એક વર્કિંગ ડિફરન્સ એન્જિન તૈયાર કરવામાં આવ્યું જે ચાર્લ્સ બેબેજની ડિઝાઇન પર જ આધારિત હતું.
‘કમ્પ્યુટિંગ-ટેબ્યુલેટિંગ-રેકોર્ડિંગ કંપની (સીટીઆર)’ આ નામ જરાય જાણીતું લાગે છે? ૧૯૧૧માં આજના દિવસે અમેરિકાની ૩ કંપની એકબીજામાં ભળી અને સીટીઆર નામની આનવી કંપની રચાઈ. અચ્છા, એ નામ અજાણ્યું લાગતું હોય તો ‘ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન્સ’ એ નામ જાણીતું લાગે છે? કંપનીનો આખું નામ જાણીતું નથી પણ ‘આઇબીએમ’ને આજે આપણે બરાબર ઓળખીએ છીએ!

સીટીઆર કંપનીએ ૧૯૨૪માં આ નવું નામ ધારણ કર્યું.
માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક તરીકે આખી દુનિયામાં કમ્પ્યુટિંગનો એક નવો યુગ શરૂ કરનાર બિલ ગેટ્સ અત્યારે જુદા કારણસર સમાચારમાં છે, પણ આપણી તેની સાથે નિસબત નથી. તેમણે આજે જાહેર કર્યું કે તેઓ જુલાઈ ૨૦૦૮ સુધીમાં માઇક્રોસોફ્ટ કંપનીના ચેરમેન તરીકે નિવૃત્તિ લઈ લેશે. જોકે બિલ ગેટ્સ નિવૃત્તિ પછી પણ સતત અને સખત સક્રિય રહ્યા છે. તેમનું ‘ગેટ્સ ફાઉન્ડેશન’ સમગ્ર વિશ્વમાં વિકાસલક્ષી પ્રવૃત્તિઓ આગળ ધપાવે છે.
ડેટા એન્ક્રિપ્શન સ્ટાન્ડર્ડ નામનું એક ડેટા એન્ક્રિપ્શન સોફ્ટવેર આજના દિવસે હેકર્સે ક્રેક કરી નાખ્યું. સરકારના ઇલેક્ટ્રોનિક ડેટાને સલામત બનાવવા માટે ૭૦ના દાયકામાં આઇબીએમ કંપનીએ આ સોફ્ટવેર વિકસાવ્યું હતું.
આ સોફ્ટવેર ડેટા એન્ક્રિપ્ટ કરવા માટે ૫૬ બીટની કીનો ઉપયોગ કરતું હતું, જેને ક્રેક કરવું આજના સમયમાં બચ્ચાનો ખેલ ગણાય પરંતુ એ નોંધવા જેવું છે કે આધુનિક એન્ક્રિપ્શન ટેકનોલોજીનો પાયો તૈયાર કરવામાં સોફ્ટવેરનો સિંહફાળો હતો.
આગળ જતાં યુએસ સરકારે આ ટેકનોલોજીનો ત્રાસવાદીઓ દુરૂપયોગ કરશે તેવા ભયે તેના પર પ્રતિબંધ મૂકી દીધો. પરંતુ ત્યાર સુધીમાં બીજા દેશોએ તેના કરતાં ખાસ્સા મજબૂત એન્ક્રિપ્શન સોફ્ટવેર લોન્ચ કરી દીધા હતા.
આ વર્ષે ગયા મહિને અમેરિકાના ટેસલા કંપનીએ ખાનગી કંપની તરીકે સ્પેસ શટલના સફળ ઊડાનથી ઇતિહાસ રચ્યો પરંતુ કંઈક આવો જ ઇતિહાસ ૧૬ વર્ષ પહેલા પણ રચાયો હતો. ૨૦૦૪માં આજના દિવસે ‘સ્પેસશિપવન’ નામનું એક અવકાશયાન પૃથ્વીના વાતાવરણની બહાર આંટો મારીને પરત પૃથ્વી પર આવ્યું, આ અવકાશયાન ખાનગી કંપનીએ વિકસાવેલું અને અવકાશમાં પહોંચેલું પ્રથમ અવકાશયાન હતું તેને માટે માઇક્રોસોફ્ટ કંપનીના સહસ્થાપક પોલ એલને ભંડોળ પૂરું પાડ્યું હતું.
આજે આપણે દરેક કમ્પ્યૂટર અને સ્માર્ટફોનમાં જે કી-બોર્ડ જોઈએ છીએ તેનું નામ QWERTY છે.

આવું વિચિત્ર નામ કેમ એનો જવાબ કી-બોર્ડ પર જ મળી આવે છે. કી-બોર્ડની પહેલી હરોળમાં ડાબી તરફથી આ અક્ષરો ધરાવતી કી જોઈ શકાય છે!
આ કી-બોર્ડનાં મૂળ છેક ૧૮૬૮માં છે. એ વર્ષે આજના દિવસે, કમર્શિયલી સફળ રહેલા ટાઇપરાઇટરને પેટન્ટ મળી. ટાઇપરાઇટરની અક્ષરો ધરાવતી સળી કાગળ સુધી પહોંચતી વખતે એકબીજામાં ગૂંચવાઈ ન જાય એ ધ્યાનમાં રાખીને કી ગોઠવણી કરવામાં આવી, જેનો આજ સુધી આપણે ઉપયોગ કરીએ છીએ!
આજની તારીખે એપલનો અત્યંત સફળ આઇફોન ૪ ફોન લોન્ચ થયો. સ્ટીવ જોબ્સે આ ફોનમાં સ્ટેનલેસ સ્ટીલની ફ્રેમ ઉમેરી, જે એન્ટેનાનું પણ કામ આપતી હતી. આ ફોનથી એપલના બહુ ગાજેલા હાઇરેઝોલ્યુશન ‘રેટિના ડિસ્પ્લે’ની શરૂઆત થઈ. એપલની ‘ફેસટાઇમ વીડિયો ચેટ’ની શરૂઆત પણ આ ફોનથી થઈ – દેખીતું છે કે આ ફોનથી જ એપલમાં આગળની બાજુએ કેમેરા ઉમેરાયો!

એપલ કંપનીએ જાન્યુઆરી ૨૦૦૭માં તેનો પહેલો સ્માર્ટફોન આવી રહ્યો હોવાની જાહેરાત કરી હતી, જેનું વેચાણ છેવટે આજના દિવસે શરૂ થયું.
એપલે જાહેરાત કરી ત્યારથી જ આ ફોન વિશે સરેરાશ લોકોમાં ખાસ્સી જિજ્ઞાસા જાગી હતી અને દેખીતી રીતે જૂની ટેકનોલોજીની ફોન કંપનીઓએ તેની અવગણના કરવાની કોશિષ કરી હતી. પરંતુ છેવટે જ્યારે આઇફોનનું વેચાણ શરૂ થયું ત્યારે પહેલા જ દિવસથી લોકોએ તેને ખરીદવા માટે સ્ટોર બહાર લાઇન લગાવવાનું શરૂ કર્યું. જે ટ્રેન્ડ છેક આજ સુધી ચાલુ રહ્યો છે.
પહેલો આઇફોન લોન્ચ થયો ત્યારે ફક્ત ૭૪ દિવસમાં ૧૦ લાખ આઇફોન વેચાઈ ગયા હતા. એ સમયથી સ્માર્ટફોન માર્કેટમાં એપલે એવી માર્કેટ વેલ્યૂ ઊભી કરી છે જેને જબરજસ્ત વધુ પ્રમાણમાં માર્કેટ શેર મળવા છતાં એન્ડ્રોઇડ પણ ડગમગાવી શકી નથી.
આજના દિવસે માઇક્રોસોફ્ટની સત્તાવાર એક કંપની તરીકે રચના થઈ. જોકે તેનો પાયો છ વર્ષ પહેલાં બિલ ગેટ્સ અને તેમના મિત્ર પોલ એલને રચી દીધો હતો. માઇક્રોસોફ્ટની રચનાના બે જ મહિના પછી આઇબીએમ પીસી લોન્ચ થયું. એ સાથે પર્સનલ કમ્પ્યૂટરના યુગનું મંડાણ થયું અને માઇક્રોસોફ્ટ કંપની તથા આખેઆખી ટેકનોલોજી ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ!
એક સમયે ઇલેકટ્રોનિક સર્કિટમાં વેક્યૂમ ટ્યૂબનો ઉપયોગ સૌથી સામાન્ય હતો. એ સમયે, આજના દિવસે બેલ લેબ કંપનીએ પહેલી વાર ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ શરૂ કરવાની જાહેરાત કરી.
ટ્રાન્ઝિસ્ટરથી ઇલેકટ્રોનિક્સની દુનિયા જ જાણે બદલાઈ ગઈ. તેને કારણે ઇન્ટિગ્રેટેડ સર્કિટ (આઇસી) અને માઇક્રો ચિપ્સનું ડેવલપમેન્ટ શક્ય બન્યું અને પરિણામે ઇલેકટ્રોનિક અને કમ્પ્યૂટરાઇઝ્ડ ટેકનોલોજીમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં. કમ્યુનિકેશન, કમ્પ્યૂટર, સ્પેસ ટ્રાવેલ, મીડિયા, વીડિયો ગેમ વગેરે દરેક ક્ષેત્રમાં ટ્રાન્ઝિસ્ટરને કારણે રીતસર ક્રાંતિ આવી.

